અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કૃષ્ણ દવે/આ સઘળાં ફૂલોને
Revision as of 09:15, 22 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આ સઘળાં ફૂલોને| કૃષ્ણ દવે}} <poem> આ સઘળાં ફૂલોને કહી દો યુનિફૉ...")
આ સઘળાં ફૂલોને
કૃષ્ણ દવે
આ સઘળાં ફૂલોને કહી દો યુનિફૉર્મમાં આવે,
પતંગિયાને પણ કહી દો કે સાથે દફતર લાવે;
મન ફાવે ત્યાં માછલીઓએ આમ નહીં તરવાનું,
સ્વિમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું;
દરેક કૂંપળને કમ્પ્યૂટર ફરજિયાત શીખવાનું,
લખી જણાવો વાલીઓને તુર્ત જ ફી ભરવાનું;
આ ઝરણાંઓને સમજાવો સીધી લીટી દોરે,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે;
અમથું કંઈ આ વાદળીઓને એડમિશન દેવાનું?
ડૉનેશનમાં આખ્ખેઆખું ચોમાસું લેવાનું;
એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,
આઉટડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો.