અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સંધ્યા ભટ્ટ/એક અનામીને સ્મરણાંજલિ

From Ekatra Wiki
Revision as of 09:31, 22 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એક અનામીને સ્મરણાંજલિ|સંધ્યા ભટ્ટ}} <poem> નથી વ્હેતી ધારા સર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


એક અનામીને સ્મરણાંજલિ

સંધ્યા ભટ્ટ

નથી વ્હેતી ધારા સરલ, સ્થિર ને શાંત સરખી!
કિનારા આઘા છે વમળ વચમાં વિઘ્ન કરતાં,

બધું ઊંધુંચત્તું, ખળભળ કરે અંતર રડે,
અજાણ્યા ઉત્પાતે, સકળ જળ સંતાપિત રહે.

હતી હું કો’ કાળે, પ્રબળ સલિલા બેઉ તટપે!
પ્રતાપી રાજાઓ નમન કરવા આવી ચડતા.

કલાકારો આવી પુલકિત થઈ ગાન કરતા.
કવિના હૈયેથી સહજ રૂપમાં કાવ્ય સરતાં.

હવે તો ટોળું થૈ મલિન કરતા લોક તરસ્યા;
ફૂલો ફંગોળે છે ભરચક છતાં ખાલી હૃદયે.

નથી આસ્થા સ્હેજે ફક્ત વિધિનો વાર કરતા,
ઝીલું મૂંગી મૂંગી મનુજ બળનો માર સહેતી.

સરિતા હું ક્યાં છું?! સ્મરણ બસ ઝાંખું જ મળશે
પુલો બંધાયા છે કબર બસ મારી રહી ગઈ!!!
શબ્દસૃષ્ટિ, મે ૨૦૧૪