અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉર્વશી મનુપ્રસાદ પંડ્યા/વિશેષ ભાન છે

From Ekatra Wiki
Revision as of 10:06, 22 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વિશેષ ભાન છે| ઉર્વશી મનુપ્રસાદ પંડ્યા}} <poem> દિવસ-રાતની નીરવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિશેષ ભાન છે

ઉર્વશી મનુપ્રસાદ પંડ્યા

દિવસ-રાતની નીરવ-નિર્જન એકલતામાં
એકાદ હોંકારાની ને થોડીક ક્ષણ સંભળાનારા પગરવની
માણસને કેવી અને કેટલી જરૂરત હોય છે
તેનું મને સતત ભાન રહ્યું છે.

લીલ અને શેવાળ ભરી પગથી પર બેસી
ઊંડા અવાવરું પાણીમાં જોયો ને જાણ્યો છે
તરડાતો જતો સમય.
ને
ગોરજટાણે દિ આખાના ભેદી દૃશ્યોની વણઝાર
છાતીએ ભરી ધૂંધળી ક્ષિતિજ પરે શોધી છે સદા
રોજ તાજાં બ્રહ્મકમળ ઉગાડનારી ઉપજાઉ માટી.

સૂતાં-જાગતાં પળેપળ બદલાનારા તારા અગણિત રંગ
ભાળતી અને પાતળી રહી નાભિ તળે,
પારેવાનાં ઝુંડેઝુંડ ફીટી ગયેલાં જળેલાં પાલવે ને
તેમાં જ સમેટી, ગોપવી, સાચવી તને.
પ્રત્યેક શ્વાસે તારા ચેતન ભરનારા હોંકારા.
ને
પ્રત્યેક પળે સંભળાતા મને ને મારા ઘરને
ભરી દેનારા તારા સુખદાયી પગરવ.

મારા નિર્જન દિવસ-રાત છલોછલ કલશોરે
ને સ્તબ્ધ, અવાક એકલો અટૂલો સમય
ભર્યોભાદર્યો તારા પગરવે.

તારી મોખરાશમાં ઓગળતી જતી હું અનુભવું
તારા સૂરમાં રુઝાતા જતા સમયની કુમાશ.
બ્રાહ્મમુહૂર્તમાં પથારીની પાંગતે દરરોજ ઊગે
બ્રહ્મકમળને અનુકૂળ આબોહવા.

મારા જળી ગયેલા પાલવની વણસેલી ભાતમાં
ખીલી ઊઠતાં પારિજાત ને ગંધરાજ.
દિવસ-રાતની નીરવ-નિર્જન એકલતામાં
એકાદ હોંકારાની ને થોડીક ક્ષણ સંભળાનારા પગરવની
માણસને કેવી અને કેટલી જરૂરત હોય છે
તેનું આજે મને વિશેષ ભાન છે.