અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનીષા જોષી/સુખ, અસહ્ય સુખ
મનીષા જોષી
મોટાં ઘટાદાર વૃક્ષો
અને તેના પર લટકતા વજનદાર મધપૂડા.
મધ ચૂસતી મધમાખીઓનાં પુષ્ટ શરીર જોઈને
ઊંઘમાં પણ મારા ચહેરા પર સ્મિત કરી વળે છે.
ખાતરી કરીને ચોખ્ખું મધ ખરીદતી કોઈ ગૃહિણીની જેમ
હું અદમ્ય સંતોષ અનુભવું છું.
સુખ, અસહ્ય સુખ, નથી સહન થતું હવે.
મધપૂડા પર ફેંકાતા પથ્થર
મારી પીઠ પર વાગે છે.
મધમાખીઓના ડંખ
મારા શરીરે ઊઠી આવે છે.
વૃક્ષો વચ્ચે છંછેડાઈને આમતેમ ઊડાઊડ કરતી
મધમાખીઓનો ગણગણાટ
મારા રૂમમાં પ્રસરે છે.
પગ સાથે અથડાતા
સુકાઈ ગયેલા મધપૂડાને
હું ઘરમાં સજાવટ માટે મૂકેલા
સુગરીના કલાત્મક, ખાલી માળાની બાજુમાં ગોઠવી દઉં છું.
મધમાખીઓ વિનાનો આ મધપૂડો
આજે પહેલી વાર સ્પષ્ટ દેખાય છે.
તેની અંદરનાં ભર્યાં ભર્યાં પોલાણ હું જોઈ રહું છું.
કોઈ ખાલી ઘરમાં બારી-બારણાંનો ભેદ ક્યાં હોય?
મારી નજર સોંસરવી પસાર થઈ જાય છે.
સુખ ઊડતું રહે છે, મધમાખીની જેમ.
એકથી બીજા મધપૂડા પર.
(પરબ, ડિસેમ્બર)