અભિમન્યુ આખ્યાન/કડવું ૨
સંજયનાં વાયક સુણી બોલ્યો હસ્તિનાપુરનો ધણી :
અતિઘણી સંદેહની મન વારતા રે. ૧
હરિને હેત અતિ ઘણો સૌભદ્રે જે પાંડવ તણો,
નવ ગણ્યો, ભાણેજને પ્રભુ મારતા રે. ૨
ઢાળ
મારવો અભિમન કેમ પડ્યો? ગોવિંદને શું વેર?
પ્રદ્યુમ્નની પેરે ઉછેર્યો ે જે પોતાને ઘેર. ૩
પ્રશ્ન સુણીને પ્રજ્ઞાચક્ષુને સંજય કહે કથાય :
વેરભાવ છે પૂર્વ જન્મનો, સાંભળ, ધૃતરાષ્ટ્ર રાય! ૪
એક અયદાનવ દૈત્યનો રાજા, તેણે મહાતપ કીધું,
થોડે દહાડે શ્રીમહાદેવે આવીને દર્શન દીધું. ૫
સાદ કરીને શંભુ બોલ્યા : ‘માગ દાનવ! વરદાન;
તારું તપ અતિ નિર્મળ દેખી થયો હું તુષ્ટમાન.’ ૬
અયદાનવ બેહુ કર જોડી લાગ્યો શિવને ચર્ણ :
‘સ્વામી! માગું છું તમ પાસે, કો કાળે ન પામું મર્ણ. ૭
દેવ, દાનવ ને યક્ષ, વિદ્યાધર યુદ્ધે હુંથી હારે;
બ્રાહ્મણ, ક્ષત્રી, વૈશ્ય, શૂદ્ર કો, સ્વામી! મુને ન મારે. ૮
અઠ્ઠોતેર સો વ્યાધિ ન આવે શરીરે, પંચવદન!
ચૌદ લોકમાં ગત ગયાની, ભમું ત્રણે ભુવન. ૯
વ્યાલ ડસે તો વિષ નવ ચડે, પશુપંખી મારો આહાર;
લોહ, કાષ્ઠ, અગ્નિ નહિ અડકે, વશ વરતે સંસાર.’ ૧૦
મહાદેવ કહેઃ ‘તું સર્વને જીતીશ ત્રણ લોકને માંહ્ય,
પણ વૈકુંઠવાસી આદ્ય વિષ્ણુ, તેને નવ જિતાય.’ ૧૧
અંતર્ધાન ઈશ્વર થયા એહવું કહી વચન;
અયદાનવ આવ્યો નિજ ધામે, માંડ્યું રાજ્યાસન. ૧૨
દશે દિશા જીતી વશ કીધી, ચલાવ્યો અધર્મ;
મુનિ માત્ર મારીને કાઢ્યા, મુકાવ્યાં ખટ કર્મ. ૧૩
ગુરુ શુક્રાચાર્યને પછે સોંપ્યો પુરનો ભાર;
અમરાપુરી મુકાવી ઇંદ્રન,ે લીધો પોતે અધિકાર ૧૪
દેવ માત્ર ટોળે મળીને ગયા દ્વારિકા ગામ,
અંતરિક્ષ રહીને સ્તુતિ કીધી, વીનવ્યા કેશવ-રામ. ૧૫
વલણ
વીનવ્યા કેશવ-રામ રે, સંજય વાણી ઓચરેઃ
દેવનો પ્રેર્યો દીનાનાથ વેરીનો વધ કઈ પેરે કરે. ૧૬