અભિમન્યુ આખ્યાન/કડવું ૨૦
રાગ મેવાડો
સંજય કહે : સાંભળો હો રાજા! વૈદ્ય થયા વિશ્વનાથ જી;
નાડી ગ્રહવાને બેઠા નરહરિ, જુએ ભગિનીનો હાથ જી. ૧
‘ત્રાહે ત્રાહે’ કરી કૃષ્ણ કહે છે, ‘સર્વ નીસરો બહાર જી’;
તાતભ્રાતને આજ્ઞા આપી, વોળાવી સર્વે નાર જી. ૨
ચીતર્યો ચક્રાવો ચતુર્ભુજે, ભગિનીને કહે ભગવંત જી;
‘અરે સુભદ્રા સન્મુખ થાઓ, સાંભળજો એકે ચંત જી. ૩
આ જન્મ પામ્યાનો જંત્ર છે, હું કહું તે ધરજો કાન જી;
ચક્રાવો એ નામ એહનું, ભેદ રાખજો ધ્યાન જી. ૪
પહેલે કોઠે એક બારણું, અવળાં દ્વાર છે ત્રણ જી;
મધ્ય બે વાંકે પેસે તે વીર ન પામે મરણ જી. ૫
નવ દ્વાર છે બીજે કોઠે, તેહનો કહું છું ભેદ જી;
છેલ્લે બારણે જે પેસે તે જીતે, એમ કહે ધનુર્વેદ જી. ૬
ત્રીજે કોઠે વીશ બારી છે, તે મધ્યે મારગ ત્રણ જી;
દક્ષિણનું દ્વાર અતિ વાંકડું, ત્યાં પહેલું ભરવું ક્રમ જી. ૭
ચોથે ચક્રે બત્રીશ બારી, એક મધ્યે મોટું દ્વાર જી;
તે માંહે જે જાયે જોદ્ધો તે જીતે નિરધાર જી. ૮
પાંચમે ગુલ્મે બે બારણાં છે, આઠ ત્યાં અવળાઈ જી;
દક્ષિણ દ્વારે પૂંઠ કરીને, વામાંગે પેસવું ધાઈ જી. ૯
છઠ્ઠે કોઠે ચોસઠ નાકાં, ભુલવણીનો ઠામ જી;
પાંચ ને સાઠ્ય મધ્યે પેસવું’, એમ કહે સુંદરશ્યામ જી. ૧૦
જે જે ભેદ કહ્યો ભગવાને તે ગર્ભે ગોખ્યો મુખ જી;
હાલતો ચાલતો રહ્યો પેટમાં, સુભદ્રા પામ્યાં સુખ જી. ૧૧
શાતા થઈ શ્યામા શરીરે, તત્ક્ષણ નિદ્રા આવી જી;
ભગવાને ભણવું મૂકી છાંડ્યું, બહેનને ન બોલાવી જી. ૧૨
પેટમાંહેથી પુત્ર બોલ્યો, હરિને દેઈ હોંકારો જી;
‘છ કોઠા હું તો શીખ્યો મામા, સાતમો વિસ્તારો જી;’ ૧૩
અકસ્માત એવું સાંભળીને, મર્મ લહ્યો મોરાર જી;
એહથી અધિક શીખવું, જો તું નીસરે બહાર જી. ૧૪
કહેતામાંહે પ્રસવ થયો તે વિદ્યા ભણવાના કોડ જી;
વેરી જાણી ચક્રાવો ભાંગી ઊઠી ચાલ્યા રણછોડ જી. ૧૫
સુભદ્રાએ પુત્ર પ્રસવ્યો, વાત ચાલી ચોફેર જી;
હાથા તોરણ હરિને મંદિર, વાજે વાજિંત્ર ભેર જી. ૧૬
વસુદેવ-દેવકી આનંદ પામ્યાં, હૈડે હરખ્યા રામ જી;
જાચકજન સર્વે સંતોષ્યા, બળિભદ્રે ખરચ્યા દામ જી. ૧૭
વધામણી મોકલી ઇન્દ્રપ્રસ્થમાં હરખ્યા રાજા ધર્મ જી;
વિપ્રને બહુ દાન દીધાં, અર્જુને કીધું જાતકર્મ જી. ૧૮
વલણ
જાતકર્મ કીધું, કારજ સીધ્યું, વહી ગયા સાત માસ રે;
આણું કરવા સુભદ્રાને, ધર્મે મોકલ્યા નકુલ ભ્રાત રે. ૧૯