ઓખાહરણ/કડવું ૨૪
[પૌત્રને મુક્ત કરાવવા આવેલા કૃષ્ણની સેના સાથે બાણાસુરની સેનાનું ભીષણ યુધ્ધ થાય છે. યાદવસેનાની વીરતાથી મુંઝાયેલો બાણાસુર શિવનું ધ્યાન ધરતાં, શિવજી પોતાની ભૂત-પિશાચની સેના સાથે તેની મદદે આવે છે.]
શંખશબ્દ તણું કારણ, રિપુદેહ તણું વિડારણ;
કૃષ્ણનું જાણ તે બાણને થયું, બાણ-પ્રાક્રમ કહીંયે ગયું. ૧
અનિરુદ્ધ કહે, ‘સુણો સુંદરી! શંખ વાગ્યો ને આવ્યા હરિ;
છૂટ્યાં બંધન કારાગૃહ થકી, ગાજે હળધર ને સાત્યકિ. ૨
બોલે પ્રદ્યુમન મોટે સ્વરે, બાણના પાણ છેદાશે ખરે;
ગોવિંદની ગત ના જાયે કળી, જાદવ-સેના તે આવી મળી.’ ૩
મંત્રી કહે, ‘સુણો! અસુરનરેશ! જાદવ સેનાએ ચાંપ્યો દેશ,
અનુચર આવ્યો લઈને વાત, દળ દીસે છે અસંખ્યાત.’ ૪
મંત્રીને કીધી નેત્ર-સમસ્યાય, સૈન્યને આપી તે આજ્ઞાય,
નાનાવિધ દુંદુભિ ગડગડે, શસ્ત્ર ધરી વીર વાહન ચડે. ૫
પાખર બખ્તર ઘૂઘરમાળ, ડચકારે ઘોડા દે ફાળ;
મોરડે મણિ-ફુમતડાં લટકે, પોતાના પડછાયા દેખીને ભડકે. ૬
ભલા અસવાર ઉપર ટકે, હંસલા હય હીડે છે લટકે,
વાનરિયા વેગે આવે નાચંતા, છૂટ્યા કચ્છી ને પાણીપંથા. ૭
કાબરા, કાળા ને કલંકી, કુમુદ, નીલાને પચરંગી,
પીળા, પોપટિયા, પંચવરણા, ઊજળા, અરબી ને હરણા. ૮
તેલંગી, પવનવેગી ઘોડા, બહુ રથ અનુપમ જોડ્યા;
સજળ વાદળ જેવા હાથી, ઉપર બેઠા છે નર ભાથી. ૯
અસવાર ને પાળા અનંત, ધસે ધીર, ડસે બહુ દંત,
પુર-પોળે સેના નવ માય, ‘હણો જાદવને’ કહેતા જાય. ૧૦
ટોળાં ઉપર ટોળાં ધાય, પદપ્રહારે ધરણી ધ્રુજાય;
રીસે અંતરમાં ધડધડિયો, રણ વિશે બાણાસુર ચડિયો. ૧૧
દસે દિશાથી મારગ રૂંધાય, કોટિ શંખ સાથે પુરાય;
કર ઝાટક્યા બાણાસુર મલ્લ; પ્રથવી થાય ઊથલપાથલ. ૧૨
આવી ગર્જના કીધી ભૂપાળ, ખળભળિયાં સાતે પાતાળ,
બ્રહ્મલોક જઈ પહોંચ્યો નાદ, બાણે કીધો કૃષ્ણને સાદ. ૧૩
‘આવ્યા ગરુડે ચડી ખપ કરી, નહિ જાવા દઉં પાછા ફરી;
ઉન્મત્ત જાદવ ઉછાંછળ! તમે દમ્યો સંસાર સકળ. ૧૪
ક્ષત્રીકુળમાં લગાડી ખોડ, નહિ જગ્ત માંહે તમારી જોડ,
કુંવારી કન્યાને કપટે વરો ક્ષત્રી! ખલનાં કારજ કરો; ૧૫
સઘળે વાંકા થઈને ફરો, દરમાં સાપ થાયે પાધરો;
કૂડું કર્મ કીધું કુંવરે, લઢવા આવ્યા તે ઉપરે!’ ૧૬
તવ હસીને બોલ્યા ભગવાન, ‘અમો લેઈ આવ્યા છું જાન,
વિધાતાએ કીધો સંબંધ, વર-કન્યાના છોડો બંધ.’ ૧૭
બાણાસુરને ચડિયો કાળ, ‘સંબંધ શાનો, રે ગોવાળ?
સહુને આપું રે પહેરામણી, હમણાં મોકલું જમપુર ભણી. ૧૮
બાણાસુર એમ બોલ્યો વ્યંગ, કૃષ્ણે સજ્જ કીધું સારંગ;
કડાઝૂડ કટક બેઠુ થયાં, ઉઘાડાં તે આયુધ ગ્રહ્યાં. ૧૯
ટેઢા કરે ફરે તલવાર, કાઢે શર ભાથાથી બહાર;
તોમર ત્રિશુળ ધરિયાં મુશળ, ગાજે હળધર લઈને હળ. ૨૦
છપ્પન કોટિ જાદવ ગડગડ્યા, દાનવ ઉપર તૂટી પડ્યા,
દાનવ માનવ દળ દળાય, દેખી બાણાસુર અકળાય. ૨૧
બોલ્યો બાણ ધરી અભિમાન, ‘કૃષ્ણ! ઉતારું તારું માન;’
વાધ્યા જાદવ સુર સમાન, બાણે ધરિયું શિવનું ધ્યાન. ૨૨
અગિયાર કોટિગણની સેનાય, લઈ પધાર્યા શંકરરાય,
વિઘ્નવિદારણ ગૌરી ગણેશ, આગળ આવે શ્રીમહેશ; ૨૩
ભૂત, પ્રેત, ભૈરવ, વેતાળ, સપ્ત જ્વર લીધા તત્કાળ,
ચોસઠ શિકોતરી, બાવન વીર, કોપી કોઈલા પાડે રીર; ૨૪
ડાકિણી, શાકિણી સંહારી, એણી પેરે આવ્યા ત્રિપુરારિ,
પોઠિયા પર બેઠા શૂલપાણ, વ્યાઘ્રાંબર ઓઢ્યું પરિધાન. ૨૫
વાગે શિંગી ડમરુ ને ડાક, ગાજ્યા હરિહર દઈને હાક. ૨૬
વલણ
મારી શંકરે, ‘ક્યહાં ગયા કેશવ-રામ’ રે?’
ભટ પ્રેમાનંદ કહે કથા હરિ-હર તણો સંગ્રામ છે. ૨૭