સુદામાચરિત્ર/કડવું ૮

From Ekatra Wiki
Revision as of 08:45, 9 November 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૮|}} <poem> {{Color|Blue|[પ્રસ્તુત કડવાંમાં સુદામા પર ઓળઘોળ થયેલા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કડવું ૮

[પ્રસ્તુત કડવાંમાં સુદામા પર ઓળઘોળ થયેલા કૃષ્ણ તેમને ઈશ્વરની જેમ ઉપાસે છે. બીજીબાજુ કૃષ્ણના વૈભવથી મૂંઝાયેલો સુદામો પોતે લાવેલા તાંદુલ છુપાવે છે. આ કડવાંની ‘ચંમર કરે છે ચક્રપાણિ’ જેવી પંક્તિમાં માત્ર અલંકારનો ચમત્કાર જ નથી, પણ હંમેશ હાથમાં ચક્ર ધારણ કરનાર આજે જેમને ચામર ઢોળવા બેઠા છે એવા સુદામાના વિરલ ભક્ત-ચરિત્રનો મહિમા છે.]


રાગ-સોરઠી
ભક્તાધીન દીનને પૂજે, દાસ પોતાનો જાણી;
સુખશૈયા પર ઋષિને બેસાડી ચંમર કરે ચક્રપાણિ રે.          ભ૦૧

નેત્રસમસ્યા નાથે કીધી, આવી અષ્ટ પટરાણી;
મંદમંદ હસે સત્યભામા, આઘો ઘુંઘટ તાણી રે.          ભ૦૨

કનકની થાળી હેઠી માંડી, રુક્મિણી નાંખે પાણી;
સુદામાનાં ચરણ પખાળે, હાથે સારંગપાણિ.          ભ૦૩

જેના નાભિકમળથી બ્રહ્મા પ્રગટ્યા, આ જગ પળમાં કીધું;
જેણે મુખમાં જગત દેખાડ્યું માતાનું મન લીધું રે.          ભ૦૪

વિશ્વામિત્ર સરખા તાપસને દોહલે દર્શન દીધું;
તેણે સુદામાના પગ પખાળી, પ્રીતે પાદોદક પીધું રે.          ભ૦૫

ઓઢવાની જે પીત-પિછોડી, લોહ્યા ઋષિના પાય;
ઊભા રહી કર વીંજણો ગ્રહીને, વિઠ્ઠલ ઢોળે વાય રે.         ભ૦૬

ષોડશ પ્રકારે પૂજા કીધી, અગર ધૂપ ધુમાય;
કર જોડી પ્રદક્ષિણા કીધી, હરિને હરખ આંસુ થાય.          ભ૦૭

થાળ ભરી વૈદર્ભી લાવ્યાં ઘૃતપક્વ પકવાન;
શર્કરા સંયુક્ત ઋષિને કરાવ્યાં પયપાન રે.          ભ૦૮

શુદ્ધાચમન તંબોળ ખવરાવ્યાં, ધરી પ્રેમ શામળવાન;
વાધ્યું તે પ્રસાદ પ્રમાણે, આરોગ્ય ભગવાન રે.          ભ૦૯

જે સુખ આપ્યું સુદામાને, તે હરિ બ્રહ્માદિકને ના’પે;
ફરી ફરી મુખ જુએ મુનિનું, આનંદ મુકુંદને વ્યાપે રે.          ભ૦૧૦

સુદામાને ચિંતા મોટી, રખે દેખે કાયા કાંપે;
પેલી ગાંઠડી તાંદુલ તણી તે, જંઘા નીચે લઈ ચાંપે રે.          ભ૦૧૧

વલણ
જંઘા નીચે ચાંપે ઋષિ, ગાંઠડી તાંદુલ તણી;
પ્રેમાનંદ પ્રભુ પરમેશ્વરને, જાણ્યા તણી ગત્ય છે ઘણી.          ભ૦૧૨