ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૦

From Ekatra Wiki
Revision as of 04:33, 11 November 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨૦|}} <poem> {{Color|Blue|[પોતાની રાણીને આમ દુઃખી જોઈને કુલિંદ રા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કડવું ૨૦

[પોતાની રાણીને આમ દુઃખી જોઈને કુલિંદ રાજા તેને આશ્વાસન આપે છે- જાણ્યે અજાણ્યે આપણાથી કુડાં કામ થયા હશે એનું આ ફળ હશે એ વાત જુદાં જુદાં ઉદાહરણો આપી રાજા રાણીને સાંત્વના આપે છે.]

રાગ : વેરાડી

રાજા વળતું બોકિયો : ‘કહું કામિની,
એ તો ભવબંધનનો ભાવ, ભોળી ભામિની.          ૧

સુખ તણા સમુદ્રમાં કહું કામિની.
ભાગ્યું પુત્રરૂપિયું નાવ, ભોળી ભામિની.          ૨

વાવ્યા વિના શું લણિયે? કહો કામિની!
એણે દૃષ્ટાન્ત સર્વે જાણ, ભોળી ભામિની.          ૩

તો સુખ ક્યાંથી પામીએ, કહું કામિની,
જો દાન ન દીધું દક્ષિણ પાણ, ભોળી ભામિની.          ૪

પૂર્વે આપણ વાંઝિયાં, કહું કામિની,
અન્નધને ભર્યું ઘરસૂત્ર, ભોળી ભામિની.          ૫

આખો દહાડો આપણ દ્યામણાં, કહું કામિની,
એહવે પ્રભુએ આપ્યો પુત્ર, ભોળી ભામિની.          ૬

કાક ઉછેરે કોકિલા-બાળને, કહું કામિની,
વય પામ્યે ઊડી જાય, ભોળી ભામિની.          ૭

તમે કુંવર તે કોકિલાનું બચ્ચું, કહું કામિની!
કાક આપણ માતપિતાય, ભોળી ભામિની.           ૮

પક્ષી સેવે કલ્પવૃક્ષને, કહું કામિની,
જ્યાં લગણ ફળની આશ, ભોળી ભામિની.          ૯

ફળ ઘટ્યાં દ્રુમને પરહરે, કહું કામિની,
અન્ય સ્થાનક પૂરે વાસ, ભોળી ભામિની.          ૧૦


તેમ કર્મફળ ઘટ્યાં આપણાં, કહું કામિની,
તો તજી ગયો તુજ તંન, ભોળી ભામિની.           ૧૧

આપણ સૂકાં લાકડાં, કહું કામિની,
હવે ઘટે હુતાશંન, ભોળી ભામિની.          ૧૨

આપણે વસતાં ગામ ઉધ્વસ્ત કર્યા, કહું કામિની!
છેદી કલ્પવૃક્ષની ડાળ, ભોળી ભામિની.          ૧૩

કાં તો પર્વત-પાવટ રોધિયો, કહું કામિની,
કે ભાંજી સરોવર-પાળ, ભોળી ભામિની.          ૧૪

કે વત્સદ્રોહ સ્વામીદ્રો કર્યો, કહું કામિની,
કે પયથી વછોડ્યાં બાળ, ભોળી ભામિની.           ૧૫

સાધુ-વૈષ્ણવની નિંદા કરી, કહું કામિની,
ભાંજ્યાં મળતાં વેવિશાળ, ભોળી ભામિની.          ૧૬

સૂર્ય સામા મળસૂત્ર કર્યા, કહું કામિની,
કે સાંભળ્યો અંત્યજનો રાગ, ભોળી ભામિની.          ૧૭

ગૌ-બ્રાહ્મણને ન પૂજિયાં, કહું કામિની,
કે કણને ઠેસ્યા પાગ, ભોળી ભામિની.          ૧૮

કાંઈ પુણ્ય આપણે કીધાં નહિ કામિની!
ન રાખ્યાં વ્રત ને નેમ, ભોળી ભામિની.           ૧૯


તો સુખ પામેએ કિહાં થકી? કહું કામિની,
હવે સુતને કેમ હોય ક્ષેમ? ભોળી ભામિની.          ૨૦

વલણ
સુતને કુશળી ક્યાં થકી, જો હરિ નવ ધર્યા હૃદે રે?’
એવાં વચન સાંભળી ભૂપનાં મેધાવિની વાણી વદે રે.          ૨૧