અભિમન્યુ આખ્યાન/કડવું ૩૪

From Ekatra Wiki
Revision as of 07:41, 12 November 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
કડવું ૩૪
[સદાયને માટે આવી પડનારા વિયોગ પહેલાંનું ઉત્તરા-અભિમન્યુના મિલનશૃંગારનું આલેખન. યુધિષ્ઠિરે માર્ગમાં તણાવેલા શિબિરભવનમાં ઉત્તરાને ઋતુદાન અર્પી અભિમન્યુ યુદ્ધ માટેની વિદાય માગે છે. જેમ ‘ઉત્તરાએ અભિમન્યુનો ધસી છેડો ઝાલિયો’, એમ જ મિલનશૃંગારનો છેડો, ધસી આવતો કરુણ કેવો ઝીલી લે છે!]


રાગ કેદારો

અભિમન્યુ એમ ઓચરે, ધર્મરાય શું વિનતિ કરે;
‘પરવરે આ કોણ પાળી પ્રેમદા રે?          ૧

કપટ-ભાવ મુજમાં નથી, આ અબળા આવી ક્યાં થકી?
સરવથી સહેજે મન પામ્યો મુદા રે.          ૨

ઢાળ
મુદા પામ્યો મન વિષે, જોઈ એનું રૂપ;’
અભિમનનાં વચન સુણીને વદે યુધિષ્ઠિર ભૂપ.          ૩

રાય કહે કુંવર પ્રત્યે, ‘એ મત્સ્યરાયની કુમારી;
ઉત્તરાકુંવરી નામ જ એનું, એ તો વધૂ તમારી.          ૪

દારુણ જુદ્ધ થાવું જાણી, વધૂ વેગે આવ્યાં;
મોકલ્યો રબારી સાંઢ્ય લેઈને, અમો શીઘ્ર તેડાવ્યાં.’          ૫

વાત સાંભળી થયો વ્યાકુળ, સજળ થયાં બહુ નેત્ર;
અભિમન્યુને ત્યાં મૂકી પાંડવ ચાલ્યા જૂધ-ક્ષેત્ર.          ૬

ધર્મરાયે તે મારગ માંહે તણાવ્યું શિબિર-ભુવંન;
અભિમન લાજે તે માટે મૂકી, ગયા સર્વ રાજંન.          ૭

ઉત્તરા આવી અંતઃપુરમાં, દીઠો સુંદર સ્વામી;
‘મેં કોણ પુણ્ય કીધું પૂર્વે જે ભરથાર આવો પામી?’          ૮

હરખ-આંસુ હવાં બંન્યોને, મળવા હૃદિયાં ફાટે;
અરે દૈવ તેં એ શું કીધું? વિયોગ પડ્યો શા માટે?          ૯

સંજય કહે, ‘સાંભળ્ય રે, સાચું, ધૃતરાષ્ટ્ર રાજન;
પછે ઉત્તરાને અભિમન્યે, આપ્યું ત્યાં ઋતુદાન.          ૧૦

યુગ્મ ઘડી ત્યાં રહ્યો યોદ્ધો, કરી સ્નાન સજ્યાં આયુધ;
‘કાં અબલા, આજ્ઞા છે તારી? કરવા જાઉં છું જુદ્ધ.          ૧૧

વિધાતાએ જે લખ્યું તે આગળથી થાય;
આજ મેળાપ લખ્યો આપણને, કરતાં કલ્પના જાય.          ૧૨

જો તુંને હું જાણું આવી, તો કેમ રહે વિયોગ?
સુખપ્રાપ્તિ ત્યારે હવી, જ્યારે ટળ્યા કરમના ભોગ.’          ૧૩


વલણ
‘ટળ્યા કરમના ભોગ, મહિલા!’ એવું કહી રણ ચાલિયો રે;
ઉત્તરાએ અભિન્યુનો ધસી છેડો ઝાલિયો રે.          ૧૪