ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અછાંદસ

From Ekatra Wiki
Revision as of 09:15, 15 November 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search


અછાંદસ(Free Verse) : આ માટેની ફ્રેન્ચ સંજ્ઞા ‘વેર લીબ્ર’ (મુક્તપદ્ય) છે. આધુનિક સાહિત્યમાં આ કાવ્યપ્રકાર પ્રસારમાં લાવનાર પણ મુખ્યત્વે ફ્રેન્ચ કવિઓ છે. પાર્નેશિયનોએ પદ્યબંધને અત્યંત ચુસ્ત કરેલું, એની સામે પ્રતીકવાદીઓએ પોલ વર્લેં જેવા કવિની પ્રેરણાથી પદ્યબંધને નિયંત્રિત કરનારી પ્રશિષ્ટ પ્રણાલિઓમાંથી મુક્ત કરવા નવાં છાંદસરૂપો રચવા માંડ્યાં અને જૂનાં છાંદસરૂપોમાં ફેરફાર કરવા માંડ્યા. પરંતુ આ હજી ‘મુક્ત કરાયેલું પદ્ય’(Vers Libres) હતું. હજી એ પ્રાસયુક્ત અને ચરણયુક્ત હતું. આ પ્રતિક્રિયા આત્યંતિક રીતે આગળ વધી અને પ્રતીકવાદીઓએ નિયત સંખ્યામાં થતું અક્ષરોનું વિભાજન તેમજ પુનરાવૃત્ત થતી છાંદસતરેહો બંનેને છોડી દીધાં. આમ અછાંદસ એ કાવ્યક્ષેત્રે વિદ્રોહ છે. સ્વરૂપના ચુસ્ત નિયમોને ન પાળતું કે છંદશાસ્રના સર્વસામાન્ય નિયમોની અવગણના કરતું આ કાવ્યસ્વરૂપ નિયમિત છંદ કે પંક્તિઓની નિયમિત લંબાઈ વગરનું, લાંબી ટૂંકી અનિયમિત આકારની પંક્તિઓમાં વિભક્ત હોય છે. નિયમિત છાંદસતરેહને બદલે એ અનુનેય લયઆંદોલનો અને લયસમૂહો રચે છે. એટલે કે પ્રણાલિગત પદ્યસ્વરૂપને છોડી દેતાં એણે એની પોતાની તરેહ ઊભી કરવાની છે. મુક્તપદ્ય કોઈ નિયંત્રણો કે સિદ્ધાન્તો વગરનું ક્યારે હોઈ શકે નહિ. વિષય અને વ્યક્તિ પ્રમાણે પ્રવેશતો અંગત લય અહીં ગતિનિયંત્રણ, વિરામો અને કાલમાનથી આત્યંતિક વૈવિધ્ય ઊભું કરે છે અને કાવ્યપ્રભાવ જન્માવવા માટે સંતુલિત વાક્યો, વિન્યાસની પુનરાવૃત્તિ, વિશેષ પ્રકારે થયેલું મુદ્રણ કે વ્યાકરણની વિચિત્રતા – વગેરેની સહાય લે છે તેમજ વિન્યાસએકમો, શ્વાસએકમો, વિચારએકમો, સંવાદએકમો, વાગ્મિતએકમોને કાર્યરત કરે છે. લયની અનિયમિતતા તેમ પ્રાસની પણ અનિયમિતતા અહીં સહજ છે. મુખ્યત્વે તો પ્રાસહીન પરિસ્થિતિને એ આવકારે છે. આથી પ્રાસયુક્ત નિયમિત સંરચિત છાંદસ અવકાશમાં મર્યાદિત રહેલો અનુભવ અહીં પ્રાસહીન અછાંદસ અવકાશમાં અમર્યાદ શક્યતાઓનો સામનો કરે છે. અલબત્ત, અછાંદસનો લયાત્મક ગદ્યમાં હ્રાસ ન થાય અને લયાત્મક ગતિ કેવળ શૈલીનું કારણ ન બને એની સતત તકેદારી રાખવાની રહે છે. આથી જ રોબર્ટ ફ્રોસ્ટે કહેલું કે મુક્તપદ્ય લખવું એ જાળીને નીચે પાડીને ટેનિસ રમવા જેવી બાબત છે. તેમ છતાં અછાંદસ બોલાતી ભાષાની લઢણોની વધુ નજીક સરતું સ્વરૂપ છે. એમાં એક પ્રકારની પરિચિતતા, પ્રવેશસુગમતા અને સાહજિકતા છે. અછાંદસ એ છાંદસ અને ગદ્ય વચ્ચેની જગ્યા છે. તેથી એને ગદ્યકાવ્ય (prose poem) સાથે ગૂંચવી નાખવાની જરૂર નથી. તો, પ્રાસહીન પદ્ય(Blank Verse) સાથે પણ એને ગૂંચવી નાખવાની જરૂર નથી. કારણકે ‘પ્રાસહીન પદ્ય’માં પ્રાસહીન પંક્તિઓ હોવા છતાં એમાં નિયમિત છંદ હોય છે. રોમેન્ટિકયુગમાં કે નવપ્રશિષ્ટકાળમાં કેટલાક પ્રયોગો જડી આવે, પરંતુ ઓગણીસમી સદીના અંતભાગમાં ફ્રેન્ચ પ્રતીકવાદી કવિઓએ જ અછાંદસને પ્રતિષ્ઠા આપી અને પ્રકારને લવચીક બનાવ્યો. વોલ્ટ વ્હીટમને બોદલેર દ્વારા પ્રતીકવાદીઓ પર પ્રભાવ પાડ્યો છે કે કેમ એ વિવાદ જવા દઈએ તોપણ વીસમી સદીમાં પદ્યસ્વરૂપ તરીકે અછાંદસ સર્વસામાન્ય બની ચૂક્યું છે. ગુસ્તાવ કાન, લાફોર્ગ, રિલ્ક, અપોલિનેર, એલિયટ, એઝરા પાઉન્ડ, વિલ્યમ કાર્લોસ વિલ્યમમાં નિશ્ચિત છાંદસ લયને ન અનુસરતા અછાંદસના ઉત્તમ નમૂનાઓ મળી આવે છે. ચં.ટો.