ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અસ્તિત્વવાદ

From Ekatra Wiki
Revision as of 12:05, 17 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''અસ્તિત્વવાદ(Existentialism)'''</span> : સ્થાપિત પરિપાટી (system)થી અલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અસ્તિત્વવાદ(Existentialism) : સ્થાપિત પરિપાટી (system)થી અલગ વિચારપ્રવાહ યા વલણ. પદાર્થોને નૈસગિર્ક રીતે મળેલા અસ્તિત્વ અને માનવીય અસ્તિત્વ વચ્ચેના ભેદ પર ભાર મૂકતા દાર્શનિક સિદ્ધાન્તનું સ્વરૂપ. ઇચ્છા અને ચૈતન્યથી રહિત એવા વસ્તુજગતમાં મનુષ્ય પોતે પરાયો હોવાનું અનુભવે છે એ તથ્યનો સ્વીકાર કરતી આ વિચારધારાનો ઉદ્ગમ હેગલના અખિલાઈને પરિવેષ્ટિત કરતા પૂર્ણવિચારવાદની ઉગ્ર પ્રતિક્રિયા રૂપે ડેનિશ દાર્શનિક કિર્કગાર્દ દ્વારા થયો. અસ્તિત્વનો વિચાર ‘સ્વ’ વિશેની અદ્યતન સંકલ્પનાઓનો એક ભાગ છે. વ્યક્તિ અને સમાજ વચ્ચેના આંતરવિરોધો, વિશિષ્ટતા અને વૈશ્વિકતાનું વિભાજન, ઐહિકતાનો સ્વીકાર, પ્રમાણભૂતતા(authenticity) માટે સંઘર્ષ, સ્વાતંત્ર્ય માટેના સંતાપક દાવાઓ સાથે તાત્ત્વિક દૃષ્ટિએ વિશિષ્ટ અને ઇરાદાપૂર્વકની ‘સ્વ’ની શોધ તેમજ સત્(Being), અનિર્વચનીયતા/અનવસ્થા(absurdity), પસંદગી, ભીતિ(dread), વિષાદ(despair), પ્રતિબદ્ધતા જેવી શબ્દાવલી દ્વારા રજૂ થતી આ વિચારધારા માનવજીવનના સામયિક સર્વેક્ષણ અથવા સંક્રાન્તિની પળે હિંમતપૂર્વક દોરવામાં આવેલા માનવજીવનના માનચિત્ર જેવી છે. આ વિચારધારામાં ઓગણીસમી સદીના કિર્કગાર્દ અને નિત્શેનું પ્રદાન પ્રભાવક છે. અર્વાચીન મનુષ્યની વિષમાવસ્થા(Predicament)ના લગભગ એકસરખા નિદાન સાથે બંનેએ ચિંતનજગતમાં પ્રવેશ કર્યો. બંનેએ માનવીય અસ્તિત્વની અરૂપાન્તરીયતા, તેની આત્મલક્ષી નક્કરતા, ગતિશીલ પ્રક્રિયા, દ્વન્દ્વાત્મક તનાવ (Dialectical Tension), અને બીજી બાજુ સામાજિક ધોરણો, અમૂર્ત સિદ્ધાન્તમીમાંસાઓ, ચુસ્ત પરિપાટીઓ અને અનાત્મલક્ષિતા વચ્ચેના વિરોધો તારવી બતાવ્યા. મનુષ્યનો ટોળા(crowd)ના નમૂના(Specimen) સ્વરૂપે અપચય(reduce) કરી સામાજિક જૂથના સભ્યના નામે ઓળખાતી સંકલ્પના પર કિર્કગાર્દે પ્રહાર કર્યો. ટોળામાં મનુષ્યનું અસ્તિત્વ લોપાય છે. પરિણામે ટોળાને અધીન મનુષ્ય પોતાની પ્રતિભાવક્ષમતા(Responsibility)રહિત અને સ્વાતંત્ર્યવંચિત થઈ જાય છે. કિર્કેગાર્દનું તાત્પર્ય એ હતું કે મનુષ્યની સત્તા તેના ‘સ્વ’, અવર કે ઈશ્વરના સંદર્ભમાં જ હોય, ટોળાના સન્દર્ભે નહિ. ધાર્મિક મતાગ્રહો તેમજ તત્ત્વજ્ઞાનની પરિપાટીઓ ઈશ્વર અને સંત-મહંત(God-man)ની એવી અમૂર્ત સંકલ્પનાઓ નિરૂપે છે જે માનવીય અનુભવ દ્વારા કદાપિ પામી જ ન શકાય. તેથી કિર્કગાર્દે તેનું નિરસન કર્યું છે. નિત્શેએ માત્ર સમાનહિતને જ તાકતા ટોળા ઉપરાંત સમાજવાદ, લોકશાહી અને કહેવાતા મુક્ત વિચારકોનાં, મનુષ્યની વૈયક્તિક્તાને રૂંધતાં ક્ષેત્રોની પ્રમાણરહિત પોકળતા ખુલ્લી પાડી, પોતાના યુગની સંસ્કૃતિ સૈદ્ધાન્તિકતાના ઉદ્રેકથી વિષાક્ત થઈ ગઈ હોવાનું કહ્યું. આવી સ્થિતિમાં મનુષ્ય પોતાની કુંઠિત અવસ્થાથી સભાન બની ‘સ્વ’ ઇચ્છાનો ઉત્કર્ષ તેમજ વૈયક્તિક અસ્તિત્વનો પુરસ્કાર કરનારા સંદેશની પ્રતીક્ષામાં છે એ તથ્ય ઉપસાવ્યું. અસ્તિત્વવાદીઓએ આત્મલક્ષી સત્ની વિવિધ સ્થિતિઓનું સ્પષ્ટ નિરૂપણ કરી નામકરણ કર્યું છે. મનુષ્યે પસંદગી કરવી જ પડે એવી યથાર્થતાની કપરી પળનું વિવરણ કરતાં કિર્કગાર્દ માણસ અંતત : કેવળ ઈશ્વરની જ પસંદગી કરવા મુક્ત હોવાનું માને છે. એનાથી સાવ વિપરીત ઈશ્વરના અસ્તિત્વનો ઇન્કાર કરી, સાર્ત્રે ‘સ્વ’ની પસંદગીનું ઉત્તરદાયિત્વ મનુષ્યે પોતે જ લેવાનું છે એમ કહ્યું. સાર્ત્રના ઈશ્વરરહિત જગતમાંનો સંતાપ(anguish) કિર્કગાર્દના એબ્રાહમની મન :સંતાપરૂપ વ્યથા(agony) જેવો છે એમ કહી શકાય. હાય્ડેગર જે ભીતિ(dread)ની તત્ત્વાલોચના કરે છે તેમાં અનિશ્ચિતતા, નકારાત્મક શાંતતા, મનુષ્યના પોતાના તેમ જ વૈશ્વિક ઉભયસત્ની અનુપલબ્ધિ જ અભિપ્રેત છે. અલબત્ત, સાર્ત્ર સંતાપના ગુણવત્તાવિશેષ કરતાં પ્રમાણભૂતતા(authenticty)ના અસ્તિત્વવાદી દાર્શનિક સ્વરૂપ માટે વધુ અભિનિવેશ ધરાવે છે. તેમના મતે અસ્તિત્વની પ્રમાણભૂતતા અસ્તિત્વના ઉપયોજન તેમજ નૈતિક નિર્ધારણોનો આધાર છે. મનુષ્ય અને સમગ્ર માનવજાતના અસ્તિત્વની પૂર્વશરત રૂપે પ્રમાણભૂતતા સ્વાતંત્ર્યના પૂરેપૂરા સ્વીકારની અપેક્ષા રાખે છે. અસ્તિત્વવાદીઓમાં અસ્તિત્વના અર્થ અને હેતુની શોધ એકસરખી હોવા છતાં ય શોધપદ્ધતિનું વૈવિધ્ય નોંધપાત્ર છે. સિસિફસના પાત્ર દ્વારા માનવીય મથામણમાંથી હોવાપણા(Beingness)નો અર્થ તારવતાં કેમ્યૂ વિસંગતતા(absurdity)ના સિદ્ધાન્તના પીઠિકારૂપ વિરોધાભાસનું વિવરણ કરે છે. સતત્વ અને અસ્તિત્વની મીમાંસા દ્વારા અસ્તિત્વ સત્વનું પુરોગામી હોવાનું પ્રતિપાદન કરતાં સાર્ત્ર અસ્તિત્વની પસંદગીના સિદ્ધાન્તને કરારબદ્ધતા(engagement)ના સિદ્ધાન્તમાં ફેરવે છે. એટલેકે મનુષ્યની સામાજિક આંતરક્રિયા તેના આત્મલક્ષી હોવાપણાનું તાકિર્ક વિસ્તરણ છે. મનુષ્ય સત્(Being) છે અને સક્રિય પસંદગીઓની નીપજવા(Becoming)ની પ્રક્રિયામાંથી પસાર થઈને પોતાને પસંદ કરે છે. કિર્કગાર્દ એબ્રાહમના સ્વરૂપે વિશ્વાસના નાયક(Hero of faith) દ્વારા વિશ્વાસની વિસંગતતાનું અર્થઘટન કરે છે તે તેમનું આગવું અર્થઘટન છે. સ્વાતંત્ર્યની વિસંગતતાનું કેમ્યૂનું અર્થઘટન પણ એટલું જ આગવું છે. આ વૈવિધ્યના સંદર્ભમાં જ કદાચ તેમને ‘અપવાદના દાર્શનિકો’ તરીકે ઓળખાવી કાર્લ યાસ્પર્સ માનવીય તર્કના પ્રદેશમાં અસ્તિત્વ-ઉદ્ઘાટન પર ભાર મૂકે છે. યાસ્પર્સના મતે તર્ક એટલે સંરચનાત્મક શાસ્ત્રીય પરિપાટી નહિ પરંતુ વિચાર માટેના માનવીના સાહસનો અર્થ એમને અભિપ્રેત છે. સત્ય અંગતના સ્તરેથી ઊંચું ઊઠવા મથામણ કરે એની સાથે જ એ અવરના સ્વાતંત્ર્યની પ્રતીતિવાળા વિશ્વમાં જીવતા મનુષ્યનો સ્વીકાર કરે છે. સાર્ત્રનો આ વિચાર તત્ત્વત : યાસ્પર્સ અભિમત તર્કના પ્રદેશનો અર્થ ધરાવે છે. પ્રત્યાયન-ઇચ્છા(will to communicate) માટે વ્યક્ત થતો યાસ્પર્સનો ઝોક માટિર્ન લ્યૂથરના સંવાદના તત્ત્વજ્ઞાન(philosophy of dialogue)માં નક્કર સ્વરૂપે દેખાય છે. તેમના મતે માનવજીવન અવર, નિસર્ગ કે ઈશ્વર સાથેના તેમના સંબંધથી સંભવે. ‘સંબંધ’નું સ્વરૂપ કેવું હોય તે પ્રશ્ન છે. અમૂર્તઅનાત્મલક્ષી સંબંધ ‘હું’ (I) ‘તે’ (It) એક સ્વરૂપ છે. મૂર્તપ્રત્યક્ષ સંબંધ ‘હું’ (I) ‘તું’ (THOU) બીજું સ્વરૂપ છે. પ્રત્યેક ‘તું’ (THOU) તે (it)માં દબાઈ જવાનો ઝોક ધરાવે છે. તેથી વિપરીત પ્રત્યેક ‘તે’ (it) કલા અને પ્રેમની આંખે ‘તું’ (THOU) સ્વરૂપે પ્રાદુર્ભાવ પામવાની ભવિતવ્યતા ધરાવે છે. યાસ્પર્સ અને લ્યૂથર અસ્તિત્વના આધારસ્વરૂપ એવા ‘સત્’નું વિવરણ કરે છે જે અનુભવાતીત નિરપેક્ષ સ્વરૂપે કેવળ તત્ત્વાલોચનાનો વિષય જ ન બની રહેતાં માનવીય સંબંધ અને પ્રત્યાયન દ્વારા પરિલક્ષિત થાય. હાય્ડેગરે અલબત્ત, જુદી રીતે સહભાગીપણા(Participation)_માં વ્યક્ત થતાં માનવસ્વભાવને દાર્શનિક પ્રશ્નસ્વરૂપે રજૂ કર્યો છે. આ સંદર્ભમાં પરંપરાગત તત્ત્વમીમાંસાએ આ પ્રશ્ન ક્યારેય પૂરેપૂરો ઉઠાવ્યો નથી. માનવીય પરિસ્થિતિઓના આત્મલક્ષી સંશોધન માટે હુલર્સ આદિ દ્વારા પ્રતિપાદન પ્રતિભાસમીમાંસા(phenomenology)ના પદ્ધતિશાસ્ત્રને ખપમાં લઈ તત્ત્વમીમાંસા(metaphysics)ના નિર્માણની શક્યતા એ આ વિચારધારાનું આગવું પ્રદાન છે. શા.જ.દ.