ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઇડિપસગ્રંથિ

From Ekatra Wiki
Revision as of 10:01, 18 November 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search


ઇડિપસગ્રંથિ (Oedipus Complex) : આનુવંશિક રૂપમાં થતી કેટલીક પ્રવૃત્તિઓ અચેતન રૂપમાં મનોગ્રંથિઓની નિમિર્તિ તરફ લઈ જાય છે. આમાંની એકને ફ્રોય્ડે ‘ઇડિપસગ્રંથિ’ અને અન્યને ‘ઇલેક્ટ્રાગ્રંથિ’ (Electra complex) નામ આપ્યાં છે. પુત્રની માતા પરત્વે અને પુત્રીની પિતા પરત્વે એક બળવાન ચોક્કસ, અજ્ઞાત વિદ્વેષવૃત્તિ હોય છે. બાળકના માનસવિકાસના કોઈએક તબક્કે પુત્રમાં ‘ઇડિપસગ્રંથિ’ અને પુત્રીમાં ‘ઇલેક્ટ્રાગ્રંથિ’ સાહજિક છે. પરંતુ જો એ પુખ્તવયે પણ ચાલુ રહે તો મનસ્તંત્રમાં ઘણી અવ્યવસ્થાઓ જન્માવે છે. એ જ રીતે, ફ્રોઇડના મત અનુસાર કિશોર કે કિશોરીને લિંગ ગુમાવી બેસવા અંગેની ભીતિ ‘લિંગોચ્છેદનગ્રંથિ’ (Castration complex) એના જાતીય તબક્કામાં સાહજિક રીતે હોય છે. પણ પ્રારંભકાલીન આ ગ્રંથિ ચાલુ રહે તો સ્ત્રી કે પુરુષને નપુંસકતા, જાતીય જડતા કે વિકૃતિઓ તરફ દોરે છે. મનોવૈજ્ઞાનિક વિવેચન કથાસાહિત્યના મર્મને ઉઘાડવા પાત્રોના મનોવ્યાપાર માટે આ પ્રકારનું ગ્રંથિઆધારિત મનોવિશ્લેષણ ખપમાં લે છે. ચં.ટો.