ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કુવલયમાલા
કુવલયમાલા : ઉદ્યોતનસૂરિકૃત આઠમી સદીની મહત્ત્વની પ્રાકૃત ચંપૂરચના. એમાં ઘણાંબધાં પાત્રોને મુખે કહેવાયેલી પાંચ જીવોની વિવિધ જન્માંતરોની કથા છે. ક્રોધ, અભિમાન, માયા, લોભ અને મોહથી ચ્યુત થયેલા જીવો પરસ્પરનાં માર્ગદર્શન અને સહકારથી ધર્મ અને તપના માર્ગે અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે. લેખકે પોતે એને સંકીર્ણ પ્રકારની ધર્મકથા કહી છે કારણકે એમાં પાંચ જીવોનાં જન્માંતરોને સાંકળતી કથાનો દોર અતિ સંકુલ છે. ઉચ્છ્વાસો કે લંભામાં વિભક્ત થયા વગરના આ બૃહદ્ગ્રન્થમાં મોટાભાગે ગાથા છંદમાં રચાયેલાં ૪૧૮૦ જેટલાં પદ્યથી યુક્ત પ્રાકૃત ગદ્ય છે. જૈનસંપ્રદાય સિવાયના અન્ય સંપ્રદાયોની ક્યારેક એમાં ટીકા પણ છે પરંતુ મહત્ત્વની વાત એ છે કે આઠમી સદીનું સમૃદ્ધ ભારતીય સાંસ્કૃતિક જીવન એમાં સંચકાયેલું છે તેમજ, પ્રાકૃત-અપભ્રંશની બોલીઓ ઉપરાંત પૈશાચીની કીમતી દસ્તાવેજી સામગ્રી પણ એમાં ઉપલબ્ધ છે.
ચં.ટો.