ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/ક્ષિતિજ

From Ekatra Wiki
Revision as of 12:07, 22 November 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search


ક્ષિતિજ : ‘પ્રેમથી લહાણ કર્યા વિના નવું જાણવા-માણવામાં જીવનનો હેતુ કે આનંદ નથી રહેતો’ – એવા માનવીય તથ્યને નજર સમક્ષ અને ‘તત્ તુ સમન્વયાત્’ – વિવિધતા – અનૈક્ય-ને કારણે જ્યાં ભેદ ભાસવાની શક્યતા છે તેવાં સઘળાં ક્ષેત્રોમાં સમન્વયની સાધના દ્વારા સત્યના સંશોધનનો ધ્યાનમંત્ર ધારીને પ્રબોધ ચોકસીએ વડોદરાથી ૧૯૫૯માં પ્રકાશિત કરેલું સાહિત્ય-સંસ્કૃતિનું સામયિક. કેવળ સર્વોદયનું ગણાતું સાહિત્ય જ ન વાંચતાં, જગતનું જે કાંઈ ઉત્તમ છે તેનો અભ્યાસ કરજો એવી વિનોબાવાણીની પ્રેરણાથી માનવતાની ક્ષિતિજોને વિસ્તારવા મથતા આ સામયિકના પ્રથમ અંકમાં રવીન્દ્રનાથ, દોસ્તોએવ્સ્કી, ખલિલ જિબ્રાન, વિનોબા, આર્થર હોપકિન્સ, શ્રી અરિવંદ, દાદા ધર્માધિકારી, સિડની હૂક, વિક્ટર હ્યુગો, મહાદેવ દેસાઈ અને ભોગીલાલ ગાંધી જેવા ચિંતક-સર્જકોની કૃતિઓ પ્રકાશિત થઈ હતી. ૧૯૬૧થી સુરેશ જોશીના સંપાદન તળે પ્રકાશિત થતું ‘ક્ષિતિજ’ વિશેષ પ્રમાણમાં સર્જનાત્મક કૃતિઓ પ્રગટ કરીને સાહિત્ય તરફ ઝોક ધરાવતું થાય છે. પરંતુ સર્વદેશીય અને સાર્વજનીન બની રહેવાની તેની ભૂમિકા બદલાતી નથી. આ તબક્કામાં ‘ક્ષિતિજ’ પાશ્ચાત્ય સાહિત્યનાં તત્કાલીન વહેણવમળોથી ગુજરાતી વાચકોને વાકેફ અને પ્રબુદ્ધ કરવાની તેની મહત્ત્વપૂર્ણ કામગીરી અદા કરે છે. દૃશ્યકલા, નવલકથા, વિવેચન અને જાપાની ટૂંકી વાર્તા – એવા વિષયો પરના ‘ક્ષિતિજ’ના વિશેષાંકોએ પ્રબુદ્ધ વાચકવર્ગનું ધ્યાન આકષિર્ત કર્યું હતું. ર.ર.દ.