ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી નાટકનું ગદ્ય

From Ekatra Wiki
Revision as of 06:42, 24 November 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search



<span style="color:#0000ffગુજરાતી નાટકનું ગદ્ય : ગુજરાતી નાટકના ગદ્યને તેની વિકાસ ભૂમિકાઓ મુજબ કેટલીક તરેહોમાં વહેંચી શકાય. આ તરેહો રંગભૂમિનાં બદલાતાં સ્વરૂપો અને તેની સાથેના નાટકના શબ્દરૂપના સંબંધના પરિણામ રૂપે પ્રગટેલી છે. ગુજરાતી નાટક ગદ્યની પહેલી તરેહ તે લોકનાટ્ય – ભવાઈના સંવાદોની. ભવાઈના સંબંધોમાં ગેયતત્ત્વ અને લયનું પ્રાધાન્ય છે. તે સાથે તેના ઉચ્ચારણમાં આંગિક તાલબદ્ધ અભિનય સાથે સુસંગત લ્હેકા અને પ્રાસ મહત્ત્વના બની રહે છે. આથી વિશિષ્ટ લઢણોને કારણે ભવાઈમાં જ્યાં સંવાદ ગદ્યમાં જ હોય ત્યાં પણ, તેમાં બોલચાલની ભાષાનો ઉપયોગ છતાં તે સ્વાભાવિક બોલચાલની ભાષાથી જુદું પડે છે, ભાષાના આ લય, લ્હેકા અને લટકાથી વિશિષ્ટ નાટ્યત્મક અસર ઊભી થઈ શકે છે. દલપતરામે ‘મિથ્યાભિમાન’માં અને ચંદ્રવદને ‘હોહોલિકા’ ઉપરાંત ‘મેનાપોપટ’માં તેમજ અન્ય કેટલાક નાટ્યકારોએ લોકનાટ્યની સંવાદશૈલીને પોતાનાં નાટકોમાં પ્રયોજવાના પ્રયોગો કર્યા છે. બીજી તરેહ તે ઓગણીસમી સદીના મધ્યભાગમાં યુરોપીય પ્રભાવના પરિણામ રૂપે અવતરી સવાસો-દોઢસો વર્ષ સુધી ચાલુ રહેલી વ્યવસાયી રંગભૂમિનાં નાટકોની ભાષાની. પારસી અને બિનપારસી ઉભય પરંપરાઓનાં નાટકોની ભાષામાં વસ્તુ વગેરેના ભેદ તો હોય જ. તેમ છતાં તત્કાલીન રંગભૂમિ અને તેના પર રજૂ થતા વાચિક અભિનયની રીતિમાં સમાનતાને કારણે વ્યવસાયી રંગભૂમિનાં નાટકોમાં કેટલાંક સમાન અને નિશ્ચિત તત્ત્વો અવશ્ય પરખાય છે. અસ્વાભાવિક સંબોધનો, કૃત્રિમ ‘નાટકી’ ઉચ્ચારણલઢણો અને અતિરંજનાત્મક અતિશયોક્તિભર્યા અભિનય માટે અનુકૂળ કૃત્રિમ, વાગ્મિતાયુક્ત પ્રાસાત્મક અવાસ્તવિક સંવાદભાષા વગેરે આજે કેવળ ત્યાજ્ય ગણાય તેવાં તત્ત્વો તત્કાલીન રંગભૂમિનાં પ્રાણતત્ત્વ સમા ને નાટકોને શતાધિક પ્રયોગો કરવા પડે તેવાં લોકપ્રિય કરનાર આકર્ષણો બની રહ્યાં હતાં. પારસીઓને હાથે નવી નાટ્ય પ્રણાલિકાના આરંભથી તે દેશી નાટકસમાજના અમૃતમહોત્સવ પર્યંતનાં સવાસોથી વધુ વર્ષો દરમ્યાનની ગતિ જોતાં, વ્યવસાયી રંગભૂમિનાં નાટકોની ભાષા રણછોડભાઈથી આરંભાઈને ડાહ્યાભાઈ મૂલાણી સુધીમાં, ધીરે ધીરે ચોક્કસ ઢાળામાં ઢળાઈ ગયેલી જે પછી કંઈક સ્વાભાવિકતા તરફ ગતિ કરતી જતી લાગવા છતાં પોતાની લાક્ષણિક કૃત્રિમતા ‘નાટકી’ પણાને ટકાવી રાખતી પ્રભુલાલ-પાગલ વગેરેમાં પરંપરિત થતી જણાય છે. પ્રાગજી ડોસાનાં નાટકોમાં આ જ તરેહનું ઓછું નાટકી અને શિષ્ટરૂપ પ્રાપ્ત થાય છે, તો મુનશી અને પછી રમણલાલ દેસાઈ વગેરેમાં આ જ તરેહનો ‘નાટકી’ કૃત્રિમતાઓથી વિમુક્ત અને સાહિત્યગુણયુક્ત એવો અવતાર સાંપડે છે. આ બીજી તરેહને સમાંતર જ ત્રીજી તરેહ વિકસતી જણાય છે. વ્યવસાયી રંગભૂમિનાં નાટકોમાં પ્રવર્તતી કૃત્રિમતાને ટાળવાના, નાટકને રંગભૂમિ કરતાં સાહિત્યના વિષય તરીકે વધુ ઝોક આપવાના પ્રયત્નો ‘કાન્તા’, ‘રાઈનો પર્વત’ જેવાં નાટકોમાં મળે છે. તો ‘જયાજયન્ત’ જેવામાં તખ્તાલાયકીને સર્વથા ઉવેખવામાં આવેલી જણાય છે. જો કે આ નાટકોમાં પણ સ્થળે સ્થળે જ્યાં રંગક્ષમતા પ્રગટે છે ત્યાં ઘણીવાર સંવાદભાષા, – ન્હાનાલાલમાં પણ – રંગભૂમિની ભાષાની લઢણોથી યુકત જણાય છે, પણ આ નાટકોમાં અને આ પછીનાં પણ આવાં ‘સાહિત્યિક’ કહેવાતાં નાટકોમાં તખ્તાપરકતાને આવશ્યક ગણાવ્યા વગર જે ગદ્ય પ્રયોજાયું તે ગદ્યનાં અન્ય રૂપોથી બહુ જુદું ન રહેતાં ‘નાટકના ગદ્ય’નું લાક્ષણિક સ્વરૂપ પ્રગટ કરતું નથી. આથી ગુજરાતીમાં ‘રંગભૂમિનાં નાટકોનું ગદ્ય’ – જે ભજવાય પણ વંચાય નહીં – અને સાહિત્યિક નાટકોનું ગદ્ય જે વંચાય પણ ભજવાય નહીં એવી બે ભિન્ન તરેહો પ્રાપ્ત થાય છે. આ ભેદ તોડવાનો પ્રયત્ન મુનશી, ચંદ્રવદન અને મુખ્યત્વે એકાંકીઓમાં જયંતિ દલાલ કરે છે. પરિણામે એમનાં અને એવાં અન્ય નાટકોમાં નાટ્યગુણ અને સાહિત્યગુણ એમ બંનેથી યુક્ત એવું ગદ્ય મળે છે. એમાં મુનશીની અને ચંદ્રવદનની, શ્રીધરાણીની, દુર્ગેશ શુક્લની, મડિયાની અને અને શિવકુમારની – અને એકાંકીઓમાંય ઉમાશંકરની અને દલાલની અને અન્ય અનેક તરેહો પ્રાપ્ત થાય છે. પરંતુ તે નાટકોનો પ્રયોગ ‘એમેચ્યોર’ પ્રયોગો પૂરતો અને પ્રેક્ષકવર્ગ શિષ્ટ-શિક્ષિતવર્ગ પૂરતો મર્યાદિત રહે છે. ગુજરાતમાં નાટકોની વ્યવસાયી અને બિનવ્યવસાયી એમ બે પરંપરાઓ સમાંતર ચાલે છે. બંનેનાં નાટકોમાં ઘાટ અને ગદ્ય તેમની અભિનય રીતિઓને અનુરૂપ ભિન્ન છે. આ ભિન્નતા છેક નટમંડળ ને રંગમંડળ, આઈ.એન.ટી. અને દર્પણ, જવનિકા અને ભરત નાટ્યપીઠ અને વડોદરાની નાટ્ય શાળાના પ્રયોગો સુધી રહે છે. આ બધાં મંડળોના પ્રયોગોમાંથી જે નવ્યવ્યવસાયી રંગભૂમિ (આઈ.એન.ટી. જેવી) પ્રગટે છે તેમાં જૂના પ્રકારની નાટકી કૃત્રિમ ભાષા – ઢબને બદલે, સ્વાભાવિક વાતચીતની ભાષાને નાટકની છટાઓમાં ઢાળેલા તખ્તાલાયક ગદ્યનું સ્વરૂપ મળે છે. આમાંથી નાટકના ગદ્યની નવી તરેહ સાંપડે છે. પણ આ પણ અંતિમ નથી. દ્વિતીય વિશ્વયુદ્ધોતરકાળમાં કળાના ક્ષેત્રે જે નવી સભાનતા પ્રગટી તેમાં રંગભૂમિ અને નાટક તથા નાટકની ભાષા વિષેના પણ નવા ખ્યાલો પ્રગટ્યા. વાસ્તવમાં જીવનને જ નવી ભૂમિકાએથી, નવા દૃષ્ટિબિંદુએથી જોવા ને તેને વ્યક્ત કરવાની ઇચ્છામાંથી એ નવી રીતિનું નિર્માણ થયું. પહેલી પૂર્વપરિચિતના ખંડનની પ્રવૃત્તિમાંથી ને નવદૃષ્ટિના સ્થાપનના પ્રયત્નમાંથી ‘એબ્સર્ડ’ અને એવી અન્ય નાટ્યપ્રણાલિકાઓ જન્મી – પ્રસરીને આરંભની ઉચ્છલતા શમતાં તે નવી તરેહમાં સિદ્ધ થઈ. ગુજરાતીમાં મધુ રાય અને લાભશંકર, સિતાંશુ, શ્રીકાંત શાહ અને ચિનુ મોદીમાં નાટકના ગદ્યની આ નવી અદ્યતન તરેહના નમૂના જોઈ શકાય છે. જો કે આ બધાંની વચ્ચે, માણસ સાથે માણસની સ્વાભાવિક ભાષામાં જ કશાય વિશિષ્ટ શૈલીપ્રયોગ વગર વાત કરવાની રીતમાંથી પ્રગટતું મૂળભૂત નાટક તો જીવંત છે. તેનું અદ્યતન અને ઉત્તમ ઉદાહરણ ‘દર્શક’નાં નાટકોમાં જોવા મળે છે. વિ.અ.