ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગરબો

From Ekatra Wiki
Revision as of 13:05, 23 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગરબો'''</span> : ગરબો શબ્દ ‘ગર્ભ’(ઘડો) ઉપરથી આવ્યો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



ગરબો : ગરબો શબ્દ ‘ગર્ભ’(ઘડો) ઉપરથી આવ્યો છે. માટીના છિદ્રવાળા નાનકડા પાત્રમાં દીવો મૂકી નવરાત્રીમાં કે કૃષિમહોત્સવમાં એ માથે લઈ અથવા વચમાં સ્થાપી કૂંડાળું વળી દેવ/દેવીની સ્તુતિ, પરાક્રમનાં ગવાતાં કાવ્યોને ‘ગરબો’ સંજ્ઞા મળી. ગુજરાતની સાંસ્કૃતિક સરજત ‘ગરબો’ કાવ્ય/ગીતવાચક નહિ પણ પાત્રવાચક હતો. ગરબો માથે લઈ ઘૂમવાની રમતને ‘ગરબો રમાડવો’ કહ્યો છે. અજવાળી રાત્રિએ અથવા વ્રતોનાં રાત્રિજાગરણોમાં ગરબો રમાડતાં સુંદરીઓ ગવરાવે છે, ઝીલે છે. આમ ગરબાના સ્થૂલ સ્વરૂપમાં ગોળ ફરતાં સુંદરીવૃન્દના ચક્રને ‘ગરબો’ સંજ્ઞા મળતાં ગોળ ફરીને ગાવાને અનુકૂલ ગમે તે ગીત પણ ‘ગરબો’ કહેવાયું. પાત્રવાચક ‘ગરબો’ કાવ્યવાચક બન્યો. વલ્લભ ભટે તો એના ‘આનંદના ગરબા’ને ‘છંદ’ કહ્યો છે. વસ્તુત : ગરબો એ છંદ કે રાગ નથી પરંતુ નવરાત્રમાં સંઘનૃત્ય વખતે ગાવાની કવિતાનો એક પ્રકાર છે. ઘણે સ્થળે પદના રાગને ગરબી કે ગરબો કહ્યો છે. એ બધા સમાનાર્થી શબ્દો હતા પણ અમુક કૃતિ ગરબો હોવાનું આંતરપ્રમાણ મળે છે, જે ગરબીમાં મળતું નથી. ગરબો લાંબો હોવાથી એ વધારે સ્થૂલ, વિસ્તારિત રૂપ લે છે. આથી એમાં મંગળાચરણ, ફળશ્રુતિ વગેરે હોય છે જેમાં ગરબો હોવાનું આંતર પ્રમાણ મળે છે. શરૂઆતમાં ગરબાનો સંબંધ દેવીભક્તિ જોડે હતો. માતાજીના ગરબાની સાથે સાથે રાધાકૃષ્ણવિષયક (હનુમાનવિષયક પણ) ગરબા રચાયા. પૌરાણિક વિષયની સાથે સામાજિક ગરબાઓ જેમાં સ્ત્રીજીવનની દુઃખી સ્થિતિ, કજોડાની પીડા, દુકાળનું દુઃખ એવા સમકાલીન લોકજીવનના વિષયો સ્થાન પામ્યા છે. ઉદા. તરીકે વલ્લભ ભટના ‘કળિકાળનો ગરબો’ ‘કજોડાનો ગરબો’. આમ ગરબામાં વિષયનો વ્યાપ વધ્યો. આ ગેયતાપ્રધાન પ્રકારમાં તાલ માટે તાળીઓના ઉપયોગ સાથે પગના ઠેકા અને એ બેના સંવાદ સાથે ગીતનો લય મેળવવાનો હોય છે. ગરબાને રાગે જે કવિતા ગવાતી હતી તે આદ્ય કવિ નરસિંહ મહેતાએ પણ રચેલી છે પણ કૃતિમાં ‘ગરબો’ એવો શબ્દ વપરાયો હોય તે ભાણદાસમાં મળે છે અને કર્તાએ કૃતિને ‘ગરબો’ નામ આપ્યું હોય તેનું આંતરપ્રમાણ વલ્લભ ભટમાં મળે છે. વસ્તુદૃષ્ટિએ વર્ણન, કથા, રીતિદૃષ્ટિએ સંવાદ, સંદેશ, સ્તુતિ (ક્વચિત્ બારમાસ) લોલ જેવાં ગીતપૂરકો, ધ્રુવપદ, પ્રાસ-ઢાળનું વૈવિધ્ય વગેરે ગરબાનાં સામાન્ય લક્ષણો છે. વર્ણનાત્મક હોઈ પ્રસંગના વિસ્તૃત આલેખન દ્વારા અને જુસ્સાભર્યા સંવાદોથી રસની જમાવટ એ એની વિશિષ્ટતા છે. ઐતિહાસિક કે ધાર્મિક કથાપ્રસંગો આલેખાતા હોઈ નિરૂપ્ય રસ શાંત, વીર, અદ્ભુત કે કરુણ લેખાય. શહેરોમાં ગરબાની રજૂઆત રંગમંચ ઉપર કરવામાં આવતી હોઈ આધુનિક રંગમંચીય સગવડોને પરિણામે ઘણીવાર એનું અસલ નૈસર્ગિક બલિષ્ઠ સ્વરૂપ જળવાતું નથી. દે.જો.