ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચિંતનાત્મક ઊર્મિકાવ્ય

From Ekatra Wiki
Revision as of 13:19, 25 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ચિંતનાત્મક ઊર્મિકાવ્ય(Reflective Lyric)'''</span> : ઉમાશંકર જોશીએ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ચિંતનાત્મક ઊર્મિકાવ્ય(Reflective Lyric) : ઉમાશંકર જોશીએ કથનાત્મક કવિતા, નાટ્યત્મક કવિતા અને ઊર્મિકાવ્ય એમ કવિતાના ત્રણ પ્રકારના ભાગ વિચારી દર્શાવ્યું છે કે કથનાત્મક અને નાટ્યત્મક પ્રકારો પરલક્ષી કવિતાના છે જ્યારે ઊર્મિકાવ્યમાં આત્મલક્ષી અને પરલક્ષી બંને પ્રકારો ખીલેલા છે. એમણે આત્મલક્ષી ઊર્મિકાવ્યમાં મહાકાવ્ય અને નાટકની પ્રૌઢિનો અણસાર આપે એવા ચિંતનાત્મક ઊર્મિકાવ્યનો કે ચિંતનોર્મિકાવ્યનો પ્રકાર જુદો તારવ્યો છે. સાથે સાથે એમ પણ બતાવ્યું છે કે પરલક્ષી ઊર્મિકાવ્યમાં નાટ્યત્મક અને કથનાત્મક એમ બે પ્રકારનાં ઊર્મિકાવ્ય શક્ય છે. તેઓ ‘કાન્ત’ના ખંડકાવ્યને કથનાત્મક ઊર્મિકાવ્ય(Narrative Lyric) ગણે છે અને ગણપત ભાવસારની કૃતિ ‘દશરથનો અંતકાળ’ને નાટ્યત્મક ઊર્મિકાવ્ય(Dramatic Lyric) ગણે છે, કારણ કૃતિનો એક એક શબ્દ મરણાસન્ન દશરથના મુખમાં મૂકેલો છે. બ્રાઉનિંગની એ પ્રકારની ઉત્તમ કૃતિઓ પ્રચારમાં છે. ચં.ટો.