ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રસ

From Ekatra Wiki
Revision as of 12:21, 29 November 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search


રસ : ભારતીય કાવ્યસિદ્ધાન્તક્ષેત્રે આવેલો રસનો સાર્વભૌમ સિદ્ધાન્ત મૂળે ‘નાટ્યશાસ્ત્ર’નો સિદ્ધાન્ત છે. નાટ્યાનુભૂતિ વેળાએ સામાજિકને જે અવર્ણનીય આંતરિક અનુભવ થાય છે તેને રસથી ઓળખાવ્યો છે. નાટ્યશાસ્ત્ર કહે છે રસ વગર નાટકનો કોઈ અર્થ નથી. આ સિદ્ધાન્ત નાટક અને કવિતાક્ષેત્રે માનવભાવો પર કઈ રીતે કામ કરવામાં આવે છે અને કઈ રીતે એને ઉદ્દીપ્ત કરવામાં આવે છે એને સમજાવે છે. આમ તો ‘રસ’ જુદા જુદા અર્થમાં વપરાયો છે; એમાં વનસ્પતિઓના દ્રવનો પછી લાક્ષણિક અર્થવિકાસ છે. रसो वै सः કહીને તૈતરીય ઉપનિષદમાં બ્રહ્મને રસરૂપ, આનન્દરૂપ દર્શાવ્યો છે. સંસ્કૃતમાં ‘રસ્’ ધાતુનો અર્થ સ્વાદ લેવો એવો થાય છે. આથી જેને આસ્વાદ લઈ શકાય તે રસ. બાહ્ય ઇન્દ્રિયથી જેમ મધુર, અમ્લ, કટુ, તિક્ત, કષાય, લવણનો સ્વાદ લઈએ છીએ, બરાબર એમ જ આન્તર ઇન્દ્રિયથી શૃંગાર, કરુણ, હાસ્ય વગેરે રસ આસ્વાદ્ય બને છે. સાહિત્યમાં પણ એ જ રીતે એની વ્યુત્પત્તિ છે. પરન્તુ બાહ્ય ઇન્દ્રિયથી મળનારો લૌકિક રસ અને આંતરઇન્દ્રિયથી મળનારા સાહિત્યના અલૌકિક રસ વચ્ચે વારંવાર ભેદ કરવામાં આવ્યો છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અનુસાર રસ દેશકાલની સીમાથી અનિબદ્ધ છે, વ્યક્તિગત રાગવિરાગથી પર છે, સ્વ-પર ભાવનાથી વિમુક્ત છે, ઐહિક ભોગવાદથી ભિન્ન છે, વેદાન્તરઅર્થશૂન્ય અને લોકોત્તર ચમત્કારપ્રવણ છે અને તેથી એને બ્રહ્માનંદની નજીક કલ્પ્યો છે. રસ વાચ્ય નથી પણ પરમ વ્યંગ્ય છે. રસાનુભૂતિ માટે વિભાવ, અનુભાવ વ્યભિચારી કે સંચારીભાવ અને સ્થાયીભાવ અપરિહાર્ય ઉપાદાન છે. એમાં પણ વિભાવ અને અનુભાવ રસાભિવ્યક્તિનાં બાહ્યઉપાદન છે અને જડજગતની અંદર છે; જ્યારે સ્થાયી-ભાવ અને સંચારીભાવ રસાભિવ્યક્તિનાં આંતરઉપાદાન છે. ભરતે ‘નાટ્યશાસ્ત્ર’માં આ સમગ્ર સામગ્રી દ્વારા કઈ રીતે રસની નિષ્પત્તિ થાય છે તે માટે એક પ્રચલિત સૂત્ર આપ્યું છે : ‘विभावानुभावबव्यभिचारीसंयोगाय्रसनिष्पतिः અને આ સૂત્ર પર ભટ્ટ લોલ્લટ, શંકુક, નાયક અને અભિનવગુપ્ત જેવાની વિસ્તૃત આલોચના થયેલી છે. અલબત્ત, ‘ધ્વન્યાલોક’ પહેલાં રસનો કવિતા સાથેનો સંબંધ વ્યવસ્થિત ચર્ચાયેલો જોવા મળતો નથી. પ્રારંભના આચાર્યોએ રસની ચર્ચા એમના ગ્રન્થમાં સમાવી નથી. રુદ્રટે પહેલીવાર ‘કાવ્યાલંકાર’માં રસવિષયનો સ્પર્શ કર્યો છે. રસને સાહિત્યનું અંતરતમ તત્ત્વ પ્રતિષ્ઠ કરતો રસનો સિદ્ધાન્ત ભારતીય વિવેચનનું મહત્ત્વનું પ્રદાન છે. ચં.ટો.