ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રૂપાન્તર
રૂપાન્તર(Adaptation) : સાહિત્યકૃતિના મૂળ સ્વરૂપમાં આવશ્યક ફેરફારો દ્વારા અન્ય સાહિત્યસ્વરૂપમાં કરાતું નવસંસ્કરણ. જેમકે, મૂળ નવલકથાના આધારે નાટક. ‘કોઈપણ એક ફૂલનું નામ બોલો તો?’ નાટકના આધારે એના જ લેખક મધુ રાય દ્વારા કરાયેલું ‘કામિની’ નવલકથામાં રૂપાન્તર. સાહિત્યમાં રૂપાન્તરોની પરંપરા મધ્યકાળથી આજપર્યંત વિવિધ સંયોજનોમાં વિકસતી રહી છે. આખ્યાન-કાવ્યમાં રૂપાંતરિત થતી પુરાણકથાઓ કે લોકકથાઓનાં અનેક ઉદાહરણો ગુજરાતી સાહિત્યમાં છે. રામાયણ-મહાભારતની વાર્તાઓ અને તેનાં પાત્રો આ જ રીતે ગુજરાતી સાહિત્યની અનેક આધુનિક કૃતિઓમાં પણ સ્થાન પામ્યાં છે. જેમકે ‘મંથરા’ (ઉમાશંકર જોશી), ‘પરિત્રાણ’ (દર્શક), ‘બાહુક’ (ચિનુ મોદી).
આધુનિક ગુજરાતી સાહિત્યમાં પણ પુરાણકથા કે લોકકથાનાં આધુનિક સ્વરૂપોમાં થતાં રૂપાન્તરોની સરખામણીમાં એક આધુનિક સાહિત્યસ્વરૂપમાંથી કૃતિનું અન્ય આધુનિક સાહિત્યસ્વરૂપમાં રૂપાન્તર-નાટક અને નવલકથાના અરસપરસ સંયોજનને બાદ કરતાં-જવલ્લે જ જોવા મળે છે.
પ.ના.