ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને રાજકારણ

From Ekatra Wiki
Revision as of 09:10, 29 November 2021 by Amee (talk | contribs)
Jump to navigation Jump to search


સાહિત્ય અને રાજકારણ : જ્યારથી સત્તાનું પ્રવર્તન થયું તેમજ રાજ્યો કે સામ્રાજ્યનો પ્રતાપ શરૂ થયો ત્યારથી સાહિત્યનો રાજકારણ સાથેનો બહુપરિમાણી સંબંધ જોડાયેલો રહ્યો છે. ઇહલૌકિક કે પારલૌકિક, બન્ને પ્રકારની સત્તા, સાહિત્ય દ્વારા મંડિત કે ખંડિત થતી રહી છે અને આમ સત્તાનો સાહિત્ય કે વ્યાપકરૂપમાં સંસ્કૃતિ સાથેનો સંબંધ પરસ્પર પોષક, પાલક અને સંહારક એમ બહુવિધ રહ્યો છે. આ બહુપરિમાણી સંબંધોના આટાપાટા સ્વયં સત્તાકારણ કે રાજકારણ બની રહે છે. વળી સાહિત્યમાં અભિવ્યક્ત ભાવનાઓ, વિચારો કે વિચારધારાઓ વ્યાપક કે પ્રભાવક બનવાનું સામર્થ્ય ધરાવતાં હોવાથી સાહિત્ય સ્વયં સત્તાનું આગવું સ્વરૂપ પણ બની રહે છે. પ્રાચીન ભારતીય સાહિત્યનું અવલોકન સ્પષ્ટ કરશે કે આરંભમાં પારલૌકિક અને પછી લૌકિક સત્તા કે સત્તાધીશનું સમર્થન અને સંવર્ધન સ્તુતિ કે પ્રશસ્તિ સ્વરૂપે થયું. આ બન્ને પ્રકારની સત્તાઓનું આભામંડળ પણ સાહિત્ય દ્વારા જ રચાયું. વૈદિક સાહિત્યમાં ઈશ્વરની કે સર્વસત્તાધીશની સ્તુતિ અને એ જ ક્રમમાં પછી લૌકિક ભૂપતિ કે ચક્રવર્તીની પ્રશસ્તિ થતી રહી. સંસ્કૃતને દેવભાષા અને પ્રાકૃતને ઇતરજનની ભાષા ગણવાનું જે રીતે વિકસતું ગયું તેમાં જ ઉચ્ચાવચતાની ભાવના પરિપુષ્ટ થતી રહી. બ્રાહ્મણ પરંપરા તથા વૈદિક વિધિવિધાન સામેનો બૌદ્ધો અને જૈનોનો વિરોધ પાલી કે પ્રાકૃતમાં વ્યક્ત થયો તે અત્યંત સૂચક છે. વર્તમાન ભારતીય ભાષાઓનો પિંડ બંધાવા માંડ્યો ત્યારથી તેમાં ભક્તિપદાર્થનું આગવું માહાત્મ્ય રહેલું છે અને ભક્તિ-આંદોલનમાં વૈદિક-બ્રાહ્મણ પરંપરા સામેનો પડકાર અત્યંત મહત્ત્વનું પરિબળ છે. જે રીતે સંત જ્ઞાનેશ્વરનો તત્કાલીન બ્રાહ્મણોએ બહિષ્કાર કર્યો તથા થોડીક સદીઓ પછી એ જ ક્રમમાં નરસિંહ મહેતાનો નાગર-બ્રાહ્મણોએ બહિષ્કાર કર્યો તે ઓછું સૂચક નથી. આ બન્ને મહાન સર્જકો પોતપોતાની ભાષાના આદિસર્જકો તથા પુરોધાઓ લેખાય છે. ભક્તિસાહિત્યમાં સત્તા અને સાહિત્ય વચ્ચેના દ્વંદ્વાત્મક સંબંધો એક અથવા બીજી રીતે સ્ફુટ થયા છે. મધ્યકાલીન ભક્તકવિઓમાં કબીર, મીરાંબાઈ, અખો ભગત-સઘળાં સત્તાધીશો દ્વારા પીડા પામ્યાં છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યનું સર્જન બ્રિટિશ શાસન અને બ્રિટીશ શિક્ષણ વિના કલ્પી શકાય તેમ નથી. આ સાહિત્યનો પાયો જેઓ થકી રચાયો તેમાં દલપતરામ બ્રિટિશ શાસનનું સમર્થન કરે અને નર્મદાશંકર આ શાસનનો સીધો વિરોધ કર્યા વિના સ્વદેશાભિમાનનો સંદેશો આપે તે સાહિત્યનો રાજકારણ સાથેનો સંકુલ સંબંધ દર્શાવે છે. ઓગણીસમી સદીની છેલ્લી પચ્ચીસીના આરંભે નવલરામ ‘સ્વદેશી’ની હિમાયત કરે અને વીસમી સદીની પહેલી પચ્ચીસીમાં ગાંધીજી ‘સ્વદેશી’ની ભાવનાને તાર્કિક પરિણતિ સુધી વિકસાવે તથા ‘સ્વરાજ્ય’ના સૂત્રધાર બની રહે તે સાહિત્યના સત્તા સાથેના સમીકરણની સાખ પૂરે છે. ગુજરાતી સાહિત્યમાં સ્વરાજ્યપૂર્વેનો ત્રણેક દાયકાનો સમયગાળો ‘ગાંધીયુગ’ તરીકે સ્વીકૃતિ પામ્યો છે તે રાજકીય પ્રવાહો અને વિચારધારાઓ સાહિત્યને સંચારિત કરે છે તે વિભાવનાનું દ્યોતક છે. અલબત્ત, રાજકીય પ્રવાહો અને પલટાઓમાં તેમજ વિચારધારાઓના પ્રવર્તનમાં સર્જનાત્મક સાહિત્યનો ફાળો નાનોસૂનો નથી. જાગતિક સંદર્ભમાં જોઈએ તો રાષ્ટ્રવાદ, ઉદારમતવાદ, સમાજવાદ, માર્ક્સવાદ આદિ વિચારધારાઓ કે આંદોલનોની તત્કાલીન સાહિત્યસર્જન ઉપર અને સર્જાયેલા સાહિત્યની આ ધારાઓ કે વાદોના પ્રચાર-પ્રસારમાં ઘેરી અસરો જોવા મળશે. સાહિત્યવિવેચનમાં વાસ્તવવાદ કે પ્રગતિશીલતાની વિભાવનાઓ મૂળત : રાજકીય વિચારધારાઓનો પડઘો પાડતી રહી છે. વીસમી સદીના અંતિમ દશકમાં સાહિત્ય અને સત્તાને સાંકળતા ત્રણ પ્રવાહો છે. સૌથી વેગવાન પ્રવાહ અભિવ્યક્તિના સ્વાતંત્ર્યને મૂળભૂત માનવઅધિકાર લેખે સ્વીકારતો પ્રવાહ છે કેમકે લોકશાહીદેશોનાં બંધારણોમાં તથા સંયુક્ત રાષ્ટ્રસંઘની વિશ્વઘોષણામાં તેનો સમાદર છે. બીજો પ્રવાહ સરમુખત્યાર-શાસનો દ્વારા સર્જનના સ્વાતંત્ર્યને સીમિત કરનારો છે. પહેલાં રશિયા કે પૂર્વયુરોપમાં અને પાછળથી ચીનમાં અનેક સાહિત્યકારો બહિષ્કૃત થયા છે કે શ્રમછાવણીઓમાં તેઓને અંતિમ શ્વાસ લેવા પડ્યા છે. નવમા દશકમાં ઈરાનના ધર્માંધ સત્તાધીશો દ્વારા મૂળ ભારતીય વંશના અને બ્રિટિશ નાગરિક સલમાન રશદી જેવા નવલકથાકાર પર ફતવા દ્વારા મૃત્યુદંડ ફટકારવામાં આવ્યો તેનો પડઘો વિશ્વભરમાં પડ્યો છે. ત્રીજો પ્રવાહ લઘુમતી સમુદાયોના સર્જનસ્વાતંત્ર્યને જે રીતે સત્તાધીશો કે અગ્રવર્ગ દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે ઉપેક્ષિત કરવામાં આવે છે અને તેની સામે આ સમુદાયો દ્વારા જે આંદોલનો ચાલે છે તેને ગણાવી શકાય. પશ્ચિમમાં અશ્વેત સમુદાયો દ્વારા સર્જાતું સાહિત્ય, નારીવાદી સાહિત્ય તથા ભારતમાં દલિત વર્ગો દ્વારા પ્રગટતું સાહિત્ય અને સત્તાધીશો કે આરૂઢ વર્ગો દ્વારા તેની ઉપેક્ષા કે અવહેલના આ પ્રવાહના પરિચાયક છે. અ.યા.