ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને વાગ્મિતા

From Ekatra Wiki
Revision as of 09:13, 29 November 2021 by Amee (talk | contribs)
Jump to navigation Jump to search


સાહિત્ય અને વાગ્મિતા : ઍરિસ્ટોટલના સમયથી મધ્યકાલમાં ક્વિન્ટિલિયન અને અર્વાચીનકાળમાં આવતાં ટી.એસ. એલિયટ સુધીના સહુ વિવેચક સર્જકોએ સાહિત્ય અને વાગ્મિતાના વત્તા-ઓછા સંબંધની ચર્ચા કરી છે. વાગ્મિતા મૂળે બોલાતી વાણીની કળા છે, અને વાણીનું કામ વક્તાના વિચાર વિષયવિશ્વને શ્રોતા સુધી અસરકારક અને પ્રતીતિકારક રીતે પહોંચાડવાનું છે. આ માટે તે તર્ક ઉપરાંત વાગ્શૈલીની વિવિધ છટાનો છૂટથી ઉપયોગ કરે છે, જેમાં મુખ્યત્વે શબ્દાલંકાર અને કંઈક અંશે અર્થાલંકારનો બહોળો પ્રયોગ કરવામાં આવે છે. આમ, વાણીની આ વક્તૃત્વકળા જ્યારે લેખનકળામાં પ્રવેશે છે ત્યારે તે શું વ્યક્ત કરવું છે તેના કરતાં જે વ્યક્ત કરવાનું છે તેને શૈલીના સાધનથી ભાવક સુધી કેટલી અસરકારકતાથી પહોંચાડે છે તે સર્જક તાકતો હોય છે. વકીલ કે વક્તાનો જોસ્સો અને દોરદમામ જ્યારે લેખનશૈલીમાં પ્રવેશે છે ત્યારે વાગ્મિતા અને સાહિત્યની યુતિ થાય છે. રોમનોએ શિક્ષણના સ્તરે વિકસાવેલી વાગ્મિતાની આ કળા ધીરે ધીરે સમગ્ર યુરોપીય સાહિત્યમાં એક વિશિષ્ટ વિધા બનીને પ્રવેશે છે. શેક્સ્પીઅરના નાટક ‘જુલિઅસ સીઝર’માં ટોળા સમક્ષ ઍન્ટનિ અને બ્રૂટસે આપેલાં વક્તવ્યો ટોળાને એકથી બીજા મત તરફ ફંગોળવા સમર્થ બને છે તેમાં વાગ્મિતાનો વિજય છે. અને આવી સશક્ત વાગ્મિતાનો શેક્સ્પીઅરે પોતાના નાટ્યને હેતુ-સિદ્ધિ સુધી પહોંચાડવામાં જે સમર્થ ઉપયોગ કર્યો છે તેમાં તેમની સાહિત્યસિદ્ધિ-અર્થે વાગ્મિતા કેટલી ઉપયોગી છે તે કોઠા-સૂઝનો પરિચય મળી રહે છે. આમ, કવિતાના ત્રીજા સૂરમાં વાગ્મિતાનો સાહિત્યસિદ્ધિ-અર્થે સચોટ ઉપયોગ થતો આવ્યો છે. આપણે ત્યાં પ્રેમાનંદના ‘નળાખ્યાન’માં એકાધિક પ્રસંગોએ વાગ્મિતાએ આખ્યાનસિદ્ધિમાં જે ફાળો આપ્યો છે તે નોંધપાત્ર છે. આધુનિકતાના સાહિત્યમાં, ખાસ કરીને કવિતામાં, વાગ્મિતાભરી ગદ્યછટાઓ કૃતિના હાર્દને હૂબહૂ બનાવવામાં જે રીતે ઉપકારક નીવડી છે તે પણ સાહિત્ય અને વાગ્મિતાના સૂક્ષ્મ સંબંધને દૃઢાવે છે. પરંતુ જ્યારે સાહિત્યનું એકમાત્ર ધ્યેય વાગ્મિતા બની જાય છે ત્યારે તે સર્વત્ર અને સર્વકાળે નિંદ્ય પ્રવૃત્તિ ગણાઈ છે. આવી વાગ્મિતાનો અતિરેક સાહિત્યને કેવળ આડંબરી બનાવી તેની અસરકારકતાને રહેંસી નાખે છે. પરિણામે સાહિત્યનું સત્ય અને સત્ત્વ વાગ્મિતાના વીંટામાં ક્યાંય અદૃષ્ટ બની જઈ બન્નેના સંબંધની અરસપરસની પૂરકતાને બદલે નિ :સત્ત્વ વરવી કૃતિનું ઉત્પાદન થઈ રહે છે. આથી સાહિત્ય અને વાગ્મિતાનો સંબંધ અમુક સીમા સુધી જ સ્વીકારાયો છે; અને આ સીમા તે સાહિત્ય-તત્ત્વને સુંદરતા અને સચોટતા સુધી પહોંચાડનારી વાક્-તરકીબ, અન્યથા તે વાગ્વિલાસ. ધી.પ.