ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાંખ્યદર્શન
સાંખ્યદર્શન : ભારતનાં છ પ્રાચીન આસ્તિક દર્શનો પૈકીનું એક. ‘આસ્તિક’ એટલે વેદસાહિત્યના પરમપ્રામાણ્યનો સ્વીકાર કરનાર, તેના અર્થ પર પ્રકાશ પાડવાનું લક્ષ્ય રાખનાર અને આ વિશાળ વિશ્વના મૂળમાં એક સર્વાતીત મહાશક્તિની અંતિમ સત્તા રહેલી છે તેવો સ્વીકાર કરનાર દર્શન. એના પ્રવર્તક કપિલ છે. ઘણી ય વખત સાંખ્યયોગ એ રીતે વિદ્વાનો સમવેત ઉલ્લેખ કરે છે; સાંખ્યદ્વય કહેવામાં આવે ત્યારે સાંખ્ય અને યોગ એવો અર્થ સમજવાનો હોય છે. સાંખ્યમાં પ્રાધાન્ય તાત્ત્વિક સિદ્ધાન્તોનું છે. યોગમાં યૌગિક પ્રક્રિયાઓનું અને ‘સાંખ્યપ્રવચનસૂત્રો’ જાણીતાં છે; તેના પરની ટીકા ‘ષષ્ઠીતંત્ર’ ઉપલબ્ધ નથી. સાંખ્યદર્શનનો પ્રાચીનતમ ઉપલબ્ધ ગ્રન્થ ‘સાંખ્યકારિકા’ (ઈશ્વરકૃષ્ણ) છે. ભગવદ્ગીતા ‘સાંખ્ય’ને જ્ઞાનયોગ તરીકે ઓળખે છે અને પોતાના દ્વિવિધ દર્શનને સિદ્ધ કરવા માટે ‘એકં’ સાંખ્યં ચ યોગં ચ ય : પશ્યતિ સ પશ્યતિ” એવું વિધાન કરે છે. ન્યાય-વૈશેષિક કરતાં જુદી જ દૃષ્ટિએ આ વાત સાચી છે. ત્રિવિધ દુઃખના આઘાત સહતો માનવી દુઃખોના આઘાતનાં કારણો બાબત જિજ્ઞાસુ બને ત્યારે પોતાનું વ્યક્તિત્વ અને વિશ્વનું વ્યક્તિત્વ એ બેનાં રહસ્યોમાં ઊતરે છે. એમ કહો તો પણ ચાલે કે microcosm of the human body પરથી macrocosm of the universe બાબત જિજ્ઞાસુ બને છે. આને પરિણામે તે અન્તસ્તત્ત્વોમાં ઊતરે છે અને ત્રિગુણાત્મિકા સૃષ્ટિનાં રહસ્યો, તેમાં દૃશ્યમાન ચેતના વગેરેના ઊંડાણમાં ઊતરતાં તેને પુરુષ સહિત ૨૬ તત્ત્વો લાધે છે. આનાથી તેને સ્વરૂપ જ્ઞાન થાય છે, જેને ‘વિવેકખ્યાતિ’, ‘વિવેક’, ‘પ્રકૃતિપુરુષવિવેક’ યા ‘સત્પુરુષાન્યતમખ્યાતિ’ કહે છે. આ પ્રાચીન અતિપ્રાચીન દર્શને અન્ય તમામ દર્શનો પર પ્રભાવ પાડ્યો છે, અને અદ્વૈત વેદાન્તે એ પ્રભાવ ખાસ ઝીલ્યો છે. ત્રણ ગુણોની સામ્યાવસ્થા એ પ્રકૃતિ. આ સામ્યાવસ્થામાં ત્રણ ગુણોના સત્ત્વ, રજસ અને તમસના પ્રભાવે ખળભળાટ થાય, વિક્ષોભ થાય અને સર્જનનો આરંભ થાય છે. પ્રકૃતિ સ્વયં જડ છે, પુરુષ ચેતન છે, પુરુષ પ્રકૃતિને કાર્યરત કરે છે. અથવા, સાંખ્ય કહે છે તેમ પુરુષની ઉપસ્થિતિ જ અંધ શક્તિ કહી શકાય તેવી પ્રકૃતિને સર્જન માટે ઉશ્કેરે છે. આથી આગળ સાંખ્યે સ્વીકારેલા સિદ્ધાન્તો આ છે. ૧, પ્રકૃતિ એક છે, પુરુષો અનેક છે. ૨, પ્રકૃતિ જડ એટલે કે અચેતન-પ્રધાન છે, અવ્યક્ત છે જ્યારે પુરુષ ધ્યાનસ્થ, સ્થિરચેતના છે. ૩, આ બે નિત્યતત્ત્વો છે તેથી સાંખ્ય દ્વૈતવાદી છે, તેના વિલક્ષણ અર્થમાં. ૪, આ બે તત્ત્વોની ઉપર કોઈ પારમાર્થિકી ચેતન સત્તા નથી એવું માનતા સાંખ્યે ટીકાઓ અનેક સહન કરી અને તેણે પાછળથી પારમાર્થિકી સત્તાનું પરમ અસ્તિત્વ માન્ય કર્યું. ૫, આમ થયા પછી સાંખ્ય અદ્વૈતદર્શનનું ઠીક ઠીક નિકટવર્તી બન્યું. ૬, ગીતાએ પ્રકૃતિ અને પુરુષને બે ક્ષર પુરુષ કહી તેમના પર ઉત્તમ અક્ષર પુરુષની સ્થાપના કરી એટલે સુધી સાંખ્ય પહોચ્યું નથી. ૭, માનવમન, બુદ્ધિ, ચૈતન્ય વગેરેની સૂક્ષ્મ મીમાંસા સાંખ્ય પોતાની મર્યાદામાં રહી કરે છે. ૮, સાંખ્ય આમ તો સત્કાર્યવાદી છે. તેની વિચારણા વિગતે સૂક્ષ્મ રીતે કરવામાં આવી છે. ૯, પ્રકૃતિનાં તત્ત્વોની તેની વિચારણા અત્યંત સૂક્ષ્મ, આમૂલક અન્વેષણ કરનારી છે. ૧૦, પરમાણુના સ્વરૂપ અને પાંચ મહાભૂતની મીમાંસા તેને અતિ ઉચ્ચકક્ષાએ લઈ જાય છે. ૧૧, ત્રણ પુરુષ અને તેના ધર્મોમાંથી જ્ઞ, અજ્ઞ પુરુષ, મુક્તપુરુષની મીમાંસા, અનુગામી આચાર્યો કરે છે. પુરુષના કૈવલ્યની વિચારણા કરી છે. ૧૨, સાંખ્યે પોતાની સૂક્ષ્મ વિચારણામાં અનુક્રમે દૃષ્ટ (=પ્રત્યક્ષ), અનુમાન અને આપ્તવચન એ ત્રણનો આધાર લીધો છે, તેની વિસ્તૃત ચર્ચા કરી છે. ૧૩, આ રીતે એવું જણાશે કે સમયની સાથે વિકાસ પામી સમૃદ્ધ બનેલાં ખાસ ન્યાય અને વેદાન્ત સાથે મેળ બેસાડવાનો પ્રયત્ન મીમાંસા માફક આ દર્શનના અનુગામી આચાર્યોએ કર્યો છે.
ર.બે.