ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સોરઠી બોલી

From Ekatra Wiki
Revision as of 10:58, 9 December 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search


સોરઠી બોલી : કાઠિયાવાડ(સૌરાષ્ટ્ર) ભૌગોલિક રીતે ગુજરાતથી જુદો પડે છે. ઉપરાંત રાજકીય રીતે પણ સ્વતંત્ર થતાં સુધી ત્યાં અનેક રજવાડાં હતાં તેથી કાઠિયાવાડી બોલી જુદાં જુદાં સ્વરૂપે મળે છે. આ બોલીના પણ હાલારી, ઝાલાવાડી, સોરઠી, ગોહિલવાડી જેવા પેટા પ્રકારો/ભેદો છે. ત્રણ બાજુ સમુદ્રથી ઘેરાયેલો અને ગુજરાતથી જુદો પડતો આ પ્રદેશ અંગ્રેજોના સમયમાં કાઠિયાવાડ તરીકે ઓળખાતો હતો જે આજે સૌરાષ્ટ્ર તરીકે ઓળખાય છે. આ પ્રદેશમાં ગુજરાતના પ્રમાણમાં શિક્ષણનો ઓછો પ્રચાર હોવાથી આ બોલીની લાક્ષણિકતાઓ લાંબા સમયથી ટકી રહી છે. એ વિશેષતાઓ નીચે પ્રમાણે છે. ઉચ્ચારણવિષયક વિશેષતાઓ : ૧, માન્ય ગુજરાતીમાં આઠ સ્વરો છે જ્યારે આ બોલીને છ સ્વરો છે જેથી પહોળા ‘ઍ’ અને ‘ઑ’ આ બોલીના લોકો બોલતા નથી. જેમકે વેર(વેરવું) અને વૅર(દુશ્મની) વચ્ચે અને ચોરી(ચોરી કરવી) અને ચૉરી (લગ્નની ચૉરી) વચ્ચે તેઓ તફાવત કરતા નથી. ઉપરાંત અંગ્રેજીમાંથી લીધા હોય તેવા કૉલેજ, ડૉક્ટર, હૉસ્પિટલ જેવા શબ્દોમાં પણ સાંકડો ‘ઓ’ ઉચ્ચારે છે. ૨, શબ્દની શરૂઆતમાં ન આવતા હોય તેવા ‘ઝ’ને બદલે તેઓ ‘જ’ ઉચ્ચારે છે. જેમકે દાઝ, સાંઝ, પીઝા જેવા શબ્દો દાજ, સાંજ, પીજા તરીકે બોલે છે. આ કારણે ‘બાઝ્યો’ જેવું ક્રિયાપદ ‘બાધ્યો’ તરીકે બોલાય છે. ૩, સામાન્ય રીતે ‘ળ’ને બદલે ‘ર’ ઉચ્ચારે છે. જેમકે, શાકવાળી, મળી, ચળી, ચાળી, ગળીને બદલે શાકવારી, મરી, ચરી, ચારી, ગરી એવા શબ્દો બોલે છે. ૪, શબ્દની વચ્ચે આવતા ‘હ’નું ઉચ્ચારણ કરતા નથી. જેમકે બહેન, વહેમ, મહેમાન સહેવાય વગેરેમાં બેન, વેમ, મેમાન, સેવાય – એ રીતે ઉચ્ચારે છે. ૫, ‘ચ’ અને ‘છ’ને બદલે ‘સ’ બોલે છે. જેમકે ચોર, છોકરો, ચિઠ્ઠી, છાપરું જેવાં શબ્દો સોર, સોકરો, સિઠ્ઠી, સાપરું એમ બોલે છે. ૬, ‘સ’ અને ‘શ’ને બદલે ઘણી જગ્યાએ ‘હ’ બોલે છે. જેમકે સવાર, સાચું, માણસ, વાંસળી જેવા શબ્દો હવાર, હાચું, માણહ, વાંહળી એ રીતે બોલે છે. ૭, ઘણી જગ્યાએ અનુસ્વારને બદલે ‘ન’ બોલે છે. જેમકે પેંડો, ગાંડો, માંડો જેવા શબ્દો પેન્ડો, ગાન્ડો, માન્ડો એ રીતે બોલે છે. ૮, ઘણી જગ્યાએ અનુસ્વાર ન હોય ત્યાં પણ અનુસ્વારનું ઉચ્ચારણ કરે છે. જેમકે અમેં, તયેં, પછેં, બોલીએં વગેરે. ૯, ‘એ’ ને બદલે ‘ઇ’ બોલવાનું પસંદ કરે છે. જેમકે ઇ વયો ગ્યો, ઇમ નો હાલે. ૧૦, ઘણા શબ્દોમાં શબ્દને અંતે ‘ય’નું ઉચ્ચારણ વધારાનું કરે છે. જેમકે ગાંઠ્ય, વાત્ય, રાત્ય, આંખ્ય, નથ્ય વગેરે. વ્યાકરણની વિશેષતાઓ : ૧, ‘છું’ને બદલે ‘છઉં’ બોલે છે અથવા ક્યાંક ‘સઉં’ બોલે છે. જેમકે મું છઉં, મું સઉં. ૨, છીએ ને બદલે સંઈ બોલે છે. જેમકે અમે સંઈ અથવા અમે જાઈં સંઈ કે અમે જાઈંએ સંઈ. ૩, ભવિષ્યકાળમાં ‘શ’ને બદલે ‘હ’ બોલે છે. હું કરીહ, તમે કામ કરહો વગેરે વાક્યો બોલે છે. ૪, ‘છે’ને બદલે ‘છ’ બોલે છે. જેમકે તું હું કામ રો છ? જા છ કે નંઈ? ૫, જવું, થવું, જેવા શબ્દોને બદલે જાવું, થાવું – બોલે છે. જેમકે જાવા દેને હવે, ઇમ તે કંઈ થાતું હશે? વગેરે. ૬, કરાયો, લૂંટાયો, ભરાયો જેવાં ક્રિયાપદો કરાણો, લૂંટાણો, ભરાણો, વંચાણું જેવા રૂપે બોલાય છે. ૭, બહુવચનનો પ્રત્યય ‘ઓ’ નથી પણ ‘ઉ’ છે. જેમકે ‘છોકરાઓ’ને બદલે છોકરાંઉં, સોડ્યું, વાત્યું, આંખ્યું, માણહું વગેરેમાં ‘ઉં’ છે. ૮, ‘કોણ’ને બદલે કુણ, ‘ત્યાં’ને બદલે ન્યાં, ‘કોનો’ને બદલે કુનો? ‘કયો’ને બદલે કિયો બોલે છે. ૯, નકાર માટે ‘ના’ને બદલે ‘મા’ વાપરે છે. જેમકે તમે કરશો મા, તમે જાવા દેશો મા, મારશો મા. આ ઉપરાંત સાપ માટે હરપ કે એરુ, બધું માટે હંધૂં, ચાલો માટે હાલો, પેલી બાજુ ને બદલે ઓલી કોર, દોરી માટે પધોર, ખાડા માટે ટૂવો, સુખડી માટે ગોળપાપડી, વાસણને બદલે ઠામ, તપેલીને બદલે પતેલી, વગેરે જેવા અનેક જુદા શબ્દો વાપરે છે. યો.વ્યા.