ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંસ્કૃતિ

From Ekatra Wiki
Revision as of 16:16, 8 December 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search


સંસ્કૃતિ : કોઈપણ લોકસમુદાયને ‘સભ્યતા’ની બાહ્યત્વચાની જેમ ‘સંસ્કૃતિ’ની આંતરત્વચા હોય છે, જે એની રહેણીકરણીમાં, વિચારવા સમજવાની રીતિમાં, રોજિંદા વ્યવહારમાં, એની માન્યતાઓમાં, એનાં ધર્મ, કલા, સાહિત્ય, મનોરંજન અને રમત-ગમતમાં પ્રતીત થાય છે. સામાજિકરૂપમાં અર્જિત આ વિશિષ્ટતા સામાજિક રૂપથી પેઢી દર પેઢીએ હસ્તાંતરિત થતી રહે છે. દરેક સંસ્કૃતિને એનું પોતાનું ક્ષેત્ર હોય છે, પોતાનો લક્ષણસમુચ્ચય હોય છે અને પોતાની અંતર્ગત જ પાછી વિવિધ શૈલીઓ હોય છે. સંસ્કૃતિનો સંદર્ભ મોટેભાગે સમાજ અને વ્યક્તિને પરિષ્કૃત અને સમૃદ્ધ કરનાર વિશિષ્ટ પરિબળો સાથે રહેલો છે. આ રીતે જોઈએ તો ભારતીય સંસ્કૃતિ સમન્વયતા, સહિષ્ણુતા, કર્મફલ શ્રદ્ધા, મોક્ષ, અનાસક્તિયોગ – વગેરે દ્વારા આત્મજ્ઞાન પર ભાર મૂકી ચાલે છે, તો એની સામે પશ્ચિમની ભૌતિકવાદી, બુદ્ધિવાદી, વિજ્ઞાનવાદી સંસ્કૃતિનાં લક્ષણો જુદાં છે. સી. પી. સ્નો જેવાએ નિર્દેશેલો માનવવિદ્યા અને તંત્રવિજ્ઞાનનો ભેદ, એટલેકે કલાની અને વિજ્ઞાનની બે અલગ સંસ્કૃતિઓનો ભેદ સાહિત્યને અનુલક્ષીને સ્મરવા જેવો છે. યુરિ લોત્મન જેવો રશિયન વિવેચક તો સાહિત્યને સંસ્કૃતિ સંદર્ભથી અવિચ્છિન્ન ગણે છે, સાહિત્યસિદ્ધાન્તને સંસ્કૃતિસંકેતવિજ્ઞાનના બૃહદ્ પરિપ્રેક્ષ્યનો ભાગ સમજે છે અને તેથી વિચારધારા તથા સાંસ્કૃતિક મૂલ્યોને સમાવતી વિશ્લેષણપદ્ધતિ અપનાવે છે. સંરચનાવાદના ઓસરતા પ્રભાવ હેઠળ આજે અનુઆધુનિકકાળમાં ફરીને સમાજ અને સંસ્કૃતિ સાથે સાહિત્ય-કૃતિનો સંદર્ભ જોડવો શરૂ થયો છે ત્યારે ઇતમાર જોહારનો બહુતંત્ર સિદ્ધાન્ત પણ એટલો જ મૂલ્યવાન બની શકે તેમ છે. ચં.ટો.