કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૧. નિરુદ્દેશે

From Ekatra Wiki
Revision as of 07:26, 13 December 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


૧. નિરુદ્દેશે

નિરુદ્દેશે
સંસારે મુજ મુગ્ધ ભ્રમણ
પાંશુ-મલિન વેશે.
ક્યારેક મને આલિંગે છે
કુસુમ કેરી ગંધ,
ક્યારેક મને સાદ કરે છે
કોકિલ મધુર-કંઠ,
નૅણ તો ઘેલાં થાય નિહાળી
નિખિલના સહુ રંગ,
મન મારું લઈ જાય ત્યાં જાવું
પ્રેમને સન્નિવેશે.
પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ
ત્યાં જ રચું મુજ કેડી,
તેજછાયા તણે લોક, પ્રસન્ન
વીણા પર પૂરવી છેડી,
એક આનંદના સાગરને જલ
જાય સરી મુજ બેડી,
હું જ રહું વિલસી સહુ સંગ ને
હું જ રહું અવશેષે.

(સંકલિત કવિતા, પૃ. ૩)