કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૧૬. સખી મેં કલ્પી'તી –

Revision as of 11:57, 14 December 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૬. સખી મેં કલ્પી'તી – | કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી}} <poem>...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૬. સખી મેં કલ્પી'તી –

કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી

સખી મેં કલ્પી'તી પ્રથમ કવિતાના ઉદય શી,
અજાણી ક્યાંથીયે ઊતરી અણધારી રચી જતી
ઉરે ઊર્મિમાલા, લયમધુર ને મંજુલરવ,
જતી તોયે હૈયે ચિર મૂકી જતી મોદમદિરા.

સખી મેં ઝંખી'તી જલધરધનુષ્યેથી ઝૂલતી,
અદીઠી શી મીઠી અવનવલ રંગોની લટ શી.
પ્રતિબિંબે હૈયે અણુ અણુ મહીં અંકિત થતી,
સ્ફુરંતી આત્મામાં દિનભર શકે સ્વપ્નસુરભિ.

સખી મેં વાંછી'તી વિરલ રસલીલાની પ્રતિમા,
સ્વયંભૂ ભાવોના નિલય સરખી કોમલતમ,
અસેવ્યાં સ્વપ્નોના સુમદલ-રચ્યા સંપુટ સમી,
જગે મર્દાનીમાં બઢવતી જ ચિત્તે તડિત શી.

મળી ત્યારે જાણ્યું: મનુજ મુજ શી, પૂર્ણ પણ ના.
છતાં કલ્પ્યાથીયે મધુરતર હૈયાંની રચના.

૧-૧૨-૧૯૩૭
(સમગ્ર કવિતા, પૃ. ૧૪૬)