કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૨૩. પોતાના લગ્ન માટે ઘર શણગારતી બાલા

From Ekatra Wiki
Revision as of 12:37, 14 December 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૩. પોતાના લગ્ન માટે ઘર શણગારતી બાલા | કાવ્ય-આચમન શ્રેણી – ઉ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૩. પોતાના લગ્ન માટે ઘર શણગારતી બાલા

કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર

ઊઠી વ્હેલા પ્રભાતે ઝટ ઘર-વખરી ગોઠવે વાળીઝાડી,
ખાટી છાશે ભીંજાવી ગગરી-કળશિયા માંજી સોને મઢી દે;
મેંડાં શીંગાળી ગૌઆ દુહી લઈ હળવે કોઢથી બ્હાર કાઢે,
ધાવેલા વાછડાને જરીક કૂદવી લે ઓસરી આંગણામાં.
ને ડાહી થૈ ઘડીમાં શિર પર મટુકી મૂકીને સ્હેજ બાંકી,
જાતી વાવે, ભરીને ચઢતી પગથિયાં શી પનિહારી, જાણે
આવે છલકાતી હેલે શિર રવિઘડૂલી લૈ ઉષા વ્યોમપુત્રી.

આજે અંગાંગ વ્યાપી હૃદય ભરી દઈ યૌવનાનંદ રેલ્યો.
ને આવી લગ્નવેળા, નવ ગૃહશણગારે સગાં કે સંબંધી,
ના પિત્રાઈ, ન ભાંડુ, ન કંઈ થઈ શકે પાંગળી દાદીથી તો.
બાપુ સ્વર્ગે બિરાજે, કઠિન હૃદયની માવડીયે વળી ત્યાં.
ને આ નિર્ભાગણીને નહિ મહિયરમાં માડીનો માડીજાયો.
મોંઘેરી ઊગરેલી દીકરી અટૂલી આ અશ્રુસીંચેલ વેલી.

વાળી કચ્છો ચઢીને ઊંચી નિસરણીએ, ગારથી ભીંત લીંપે,
લીંપે ને ગાય ગીતો મન ભરી ભરીને ગુપ્ત ઉલ્લાસપ્રેર્યાં.
ભીંતો રંગે ઉમંગે અબરખ-ખડીથી, સ્વસ્તિકોથી સુહાવે,
ચોંટાડે બારસાખે વરખ રજત કે સ્વર્ણના સુજ્વલંત.
ને આસોપાલવેથી સખીકરચૂંટિયાં કોમળાં પાંદડાંમાં,
ગૂંથંતી આમ્રપર્ણો, રુચિર હરિયાળાં રચ્યાં તોરણોયે.

હાવાં પ્રીતે પધારે વર લઈ અસવારી, ભલા, એ જ ખોટી.

મુંબઈ, જુલાઈ ૧૯૩૮
(સમગ્ર કવિતા, પૃ. ૨૩૦)