નિરંજન/૮. મનની મૂર્તિઓ

From Ekatra Wiki
Revision as of 06:33, 20 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮. મનની મૂર્તિઓ|}} {{Poem2Open}} ઓરડીમાં પેસીને પહેલાં પ્રથમ તો નિર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૮. મનની મૂર્તિઓ

ઓરડીમાં પેસીને પહેલાં પ્રથમ તો નિરંજન હસી પડ્યો. પોતે જાણે કે એક તમાશો માણી આવ્યો – વગર પૈસે જોવા મળેલો તમાશો. એનું હસવું પ્રથમ તો પ્રયત્ન વડે જાગ્યું. પણ પછી એ હસવું આપોઆપ જ વેગમાં મુકાયું. ખડખડાટો ઊઠ્યા. આવા કોઈપણ અવાજને માટે નિરંજનની ઓરડી જાણીતી નહોતી. પાડોશીઓ માનતાં હતાં કે આ ઓરડીમાં રહેનાર જુવાન મહિનેમહિને એનું કોઈ કોઈ સ્વજન ગુજરી જતું હોય તેનો અખંડ શોક પાળતો હોવો જોઈએ. એ બાજુમાં એક ગવૈયાજી રહેતા તે તો સમજતા કે નિરંજન કોઈ શીંગડાપૂછડા વગરનો પશુ છે, કારણ કે દરેક માણસ કંઈ નહીં તો `બાથરૂમ સિંગર' (નાહવાની ઓરડીમાં ગાનારો) તો હોય જ હોય. એટલે આજની રાતે આ ઓરડીમાં ખડખડ હાસ્ય તેમ જ તે પછીથી પેલી સરયુએ ગાયેલ અંગ્રેજી ગીતના ગુજરાતી સૂરો ઊઠેલા સાંભળીને એકબે પડોશીઓ આંટા મારી ગયા; ચિરાડમાંથી નજર પણ કરી જોઈ. તેઓ ખાતરી કરી શક્યા કે નિરંજન એકલો જ છે તથા તેનું ભેજું ઠેકાણે છે. એકાએક નિરંજને ખડખડાટો રોક્યા. પોતાના હાસ્યમાંથી એક કરવત રચીને પોતે જાણે સરયુની ગરદન વાઢતો હોય એવું પોતાને ભાન થયું. સરયુની મનોમૂર્તિ પોતાની સામે ઊભી હતી. કંપતા એના હોઠ હતા ને ટપકતી એની આંખો હતી. એ જાણે કંઈક કહેતી હતી. એના સૂરમાં ધ્રુજારી હતી. એ શું કહેતી હતી? – `કયા જન્મનું વૈર વાળી રહ્યા છો તમે? તમારી પાસે હું ક્યાં મુગ્ધ બનીને આવી હતી? મારા બાપની શરમે મેં ગાયું કર્યું તેમાં તમે શું આટલી રમૂજ કરો છો? મારા બાપની દયાજનક હાલતનો આવો લાભ લેવાય? તમને હું ન ગમી તો કંઈ નહીં. ખેર! પતી ગઈ વાત. હજુ તો હું તમારા જેવા અનેક જુવાનોની સામે એવું ને એવું કરીશ. જુવાનોની સામે જ શા માટે? – આધેડો અને વૃદ્ધો પણ જો ન્યાતમાં ખાલી પડ્યા હશે તો, જુવાનો ખૂટી ગયા બાદ, મારે એ આધેડો-વૃદ્ધોની પાસે પણ પરીક્ષા આપવી પડશે. તે તો હું આપ્યા કરીશ. એમાં તમને શું? તમે શા માટે મલકાઓ છો? હું કંઈ જુવાનોને ઝંખતી કે શોધતી નથી. હું કોઈને શોધતી નથી. ભાગ્ય જ મને શોધતું ચાલ્યું આવતું હશે. જ્યાં લઈ જશે ત્યાં જઈશ. તમે છોને પરણજો સુનીલાને...!' સરયુનો જે ચહેરો નિરંજને જોયો હતો, અથવા કહોને કે એને ફરજિયાત જોવો પડ્યો હતો, તે ચહેરો તો ઘૃણાજનક હતો; તો પછી આ કલ્પનાની સરયુનો ચહેરો આટલો નમણો ક્યાંથી બની ગયો? ને કલ્પનાની સરયુને મોંએ સુનીલાનું નામ ક્યાંથી? સુનીલાની જોડે પરણવાની વાત સરયુએ કેમ ઉચ્ચારી? નિરંજન ફરી વાર હસ્યો. પણ આ વખતે એ પોતાની જાત ઉપર હસ્યો. કલ્પનામૂર્તિ સરયુ અને એ સરયુના બધા જ બોલ પોતાની ગુપ્ત મનોવાંછનાના જ આકારો હતા. પોતે પણ કેવો ગધેડો! સુનીલા જેવી કન્યા જોડે લગ્ન કરવાની શક્યતા પોતે શા ઉપરથી કલ્પી કાઢી? સુનીલાએ એવાં કયાં હેત પોતાના માથે ઢોળી નાખ્યાં હતાં? સુનીલા તો એક પ્રોફેસરની પુત્રી છે. `પ્રોફેસરની પુત્રી' આ શબ્દોએ કશોક પવિત્ર ભાવ નિરંજનના હૃદયમાં વસાવી દીધો. એ હાઈસ્કૂલમાં હતો તે દિવસોથી જ એણે કૉલેજના પ્રોફેસરોને વિશે ગુલાબી સ્વપ્નો સેવ્યાં હતાં. પ્રોફેસર તો ગોખાવશે નહીં, વ્યાખ્યાનોની ધારાઓ વહાવશે; કશો વિનોદ કરશું તો વર્ગમાંથી કાઢી નહીં મૂકે પણ સામો વિનોદ છેડશે; એને ઘેર જશું તો પોતે ખુરસી પર બેસી અમને જાજમ પર નહીં બેસાડે પણ પોતાની સામેની જ ખુરસી પર બેસાડી ચા પાશે; ને બીડી પીતાં હશું તો બીડી પણ પાશે; બજારમાં શાક લેવા નહીં મોકલે; ક્રિકેટ-ટેનિસ આપણી સાથે જ ખેલશે; ક્લબમાં જમવા આવશે ત્યારે સહુની માફક જ શ્લોકો બોલશે; નાટ્યપ્રયોગમાં સહુની જોડે પાઠ લઈ ઊતરશે; અભ્યાસની મુશ્કેલીઓ પૂછવા જશું તો પોતાની છપાયેલી `નોટ્સ' ખરીદવાનું નહીં સૂચવે પણ વગર કંટાળ્યે સમજૂતી આપશે; મિત્ર-શા મિલનસાર, ગુરુ-શા ગૌરવવંત, કવિ-શા કોમલ ને પિતા સમા વત્સલ હશે. માસ્તરો અને પ્રોફેસરો વચ્ચેનો કંઈક આવો ભેદ કલ્પતો નિરંજન કૉલેજમાં આવ્યો ત્યારે એને ન ધારેલો અનુભવ થયો હતો. ચટક ચટક ચાલ્યે ચાલતા નમૂછિયા છોકરાઓને વ્યાખ્યાનપીઠ પર આવતા દેખી એના ભવ્યતાના ખ્યાલો મરી ગયા. પ્રશ્ન પૂછનાર વિદ્યાર્થીની મશ્કરી કરનાર અથવા તો ગેંગેં ફેંફેં થઈ ગભરાટમાં કશો ખુલાસો ન કરી શકનારા આચાર્યોએ એની આચાર્ય વિશેની ભાવનાને વિખેરી નાખી. એકાદ પ્રોફેસરને ઘેર જઈ જોયું તો પરીક્ષામાં પરીક્ષકો બનવાની ધમાલ, પગાર-વધારા, એલાવન્સ ઇત્યાદિની ગણતરીઓ કરતી ટોળી દીઠી. જૂનાઓ હતા તેમને જમાઈઓ, ભાણેજો અને સાળા-બનેવીઓને ક્યાંક ને ક્યાંક પેસાડવાની તજવીજો કરતા જોયા. નવીનો પોતાની ચોપડીઓને પાઠ્યપુસ્તકોમાં પેસાડવા મચી પડ્યા હતા. સામસામી ખટપટો જામી પડી હતી. પ્રોફેસર એટલે યુનિવર્સિટીના રાજપ્રપંચનું સોગઠું: કોઈ હાથી, કોઈ ઊંટ, કોઈ પ્યાદું. એક વાર નિરંજનના વર્ગમાં કવિ બાયરનનું `ચાઇલ્ડ હેરોલ્ડ' (ભમતો પ્રવાસી) નામનું મહાકાવ્ય ચાલતું હતું. રોમના ભવ્ય ખંડેરોમાં ભમતો કવિ બાયરન, એ પાષાણેપાષાણના સૂતેલા આત્માઓને જગાડતો જગાડતો, રુદન, કટાક્ષ અને અહોભાવની ઊર્મિમાલા ચગાવતો એક અંધારી જગ્યા પર ઠેરી જાય છે. ત્યાં એને એક કલ્પના-દૃશ્ય દેખાય છે. એક કાળી કેદ-કોટડી છે. એમાં એક બેડીબંધ બુઢ્ઢો છે. પાસે એક ભરયૌવના સ્ત્રી ઊભી છે. સ્ત્રીનાં દૂધ-ભરપૂર સ્તનોમાંથી ધારાઓ છૂટી રહી છે; ને બુઢ્ઢો બંદીવાન એ સ્તનોનું ધાવણ ધાવી રહેલ છે. કોણ હતાં એ? જુલમગાર રાજસત્તાએ પોતાના કોઈ વિરોધી વૃદ્ધને તુરંગમાં નાખી ભૂખે મારી નાખવાનો નિર્ણય કર્યો હતો. લાંઘણો ખેંચતા એ બુઢ્ઢાની પાસે બંદીખાનાની તુરંગમાં ફક્ત એની જુવાન પુત્રીને જ થોડી ઘડી મળવા જવાની પરવાનગી હતી. પુત્રી પિતા પાસે જઈ પિતાને છૂપું છૂપું પોતાનું સ્તનપાન કરાવતી. પુરાતન રોમની એ રોમાંચક કથાનું કવિ બાયરને ફક્ત એક જ કડીમાં દિલચશ્પ ચિત્ર દોર્યું છે. ઘેર એક ફકરો વાંચીને નિરંજન નાચી ઊઠ્યો હતો: કવિતા! કવિતા! આ રહી કવિતા! કવિજીવનની તમામ કાળાશને ધોઈ નાખનારી આ કાવ્યધારા, પેલી પિતાને જીવન દેનારી પુત્રીની ધાવણ-ધારાથી જરીકે ઓછી પાવનકારી નથી. આજે તો વર્ગમાં અંગ્રેજી પ્રોફેસરનું ઠંડુંગાર હૃદય પણ ખીલી ઊઠશે. આજે તો વર્ગના તમામ જુવાનો બાયરનની આ કડીનો મર્મ સમજ્યા પછી સ્ત્રીનાં સ્તનોને વિશે ગંદા ભાવ સેવતા મટી જઈ માતૃત્વના એ અમૃતકુંભોને નિહાળી પોતાની હલકટ લાગણીઓનું સબ્લિમેશન – ઊર્ધ્વીકરણ અનુભવશે. એવી એવી તાલાવેલીથી થનગનતો નિરંજન તે દિવસે વર્ગના પ્રોફેસરે કરેલાં શબ્દચૂંથણાં નિહાળી થીજી ગયેલો. `ગ્રેટ નેચર્સ નાઇલ હેલ્ડ નો સચ મિલ્ક.' – એ શબ્દોમાં કવિએ આ પુત્રીની સ્તનધારાને આકાશ-ગંગાથી ચડિયાતી મૂકવા યત્ન કર્યો, ત્યાં પ્રોફેસરસાહેબે `ગ્રેટ' શબ્દ `નેચર' સાથે જાય છે કે `નાઈલ' સાથે તેનાં ચૂંથણાં ચૂંથ્યાં. વર્ગના છોકરાઓ ટીખળ પર ચડી ગયા. વિદ્યાર્થિનીઓ પૈકીની સુનીલા સિવાયની તમામ વર્ગ છોડી ગઈ હતી. અને પ્રોફેસરસાહેબે ફરી ફરી કહ્યું હતું કે, ``સંભાળજો, પરીક્ષામાં આ શબ્દરચના વિશે ખાસ પ્રશ્ન પુછાશે. આવી જ એક દ્વિઅર્થી શબ્દરચના કવિ શેલીએ પણ ક્યાંક કરી છે. મને અવકાશ મળશે ત્યારે હું કવિ શેલીનાં તમામ કાવ્યો ઉથલાવી જઈને આ ભૂલ પકડી પાડીશ. આ વખતે નિરંજનને એવી દાઝ ચડી હતી કે શેલીનું એક પુસ્તક લાવીને પ્રોફેસરના માથા પર ઝીંકી દઉં! આવા અનુભવોએ નિરંજનને વિમાસણમાં નાખ્યો હતો. એ કોઈ કોઈ વાર કોઈકને પૂછતો પણ હતો કે, મેં જેઓનાં સ્વપ્ન સેવેલાં તેવા પ્રોફેસરો શું કલ્પનાનાં જ પ્રાણીઓ હતાં? ને એને જવાબ મળતો: ``એ બધા સાચેસાચ હતા. પણ એ તો ગયા. એ પેઢી જ ચાલી ગઈ, ભાઈ! એ `હતા'ની જમાતમાં સુનીલાના પિતાની ગણના થાય છે કે નહીં? ચાલ જઈને કૉલેજની લાઇબ્રેરીમાં લટકાવેલી પ્રોફેસરોની તસવીરો જોઉં. એમાં એ હશે. પણ એનું નામ શું? સુનીલાનું પૂરું નામ `મિસ સુનીલા શ્યામસુંદર' છે. પિતાનું નામ પ્રો. શ્યામસુંદર હોવું જોઈએ. સવારે વહેલો ઊઠીને નિરંજન નાહવા-ધોવાનું પરવારી પ્રો. શ્યામસુંદરની તસવીરની શોધમાં કૉલેજના પુસ્તકાલય પર ગયો.