કાફકા/11
ઘોડો માલિકના હાથમાંથી ચાબુક ઝૂંટવી લઈને પોતે જ પોતાની પીઠે ફટકારે છે, જેથી એ માલિક બની જાય. અને એને ખબર નથી કે આ ઘટના પણ માલિકે ચાબુકની દોરીમાં એક નવી ગાંઠ ઉમેરી તેના દરદથી ઊપજેલું દિવાસ્વપ્ન જ હતું. સમસ્યા એક પિંજરું એક પંખીની શોધમાં નીકળ્યું. તું જ સમસ્યા છે. એનો જાણકાર મલકમાં કે ખલકમાં શોધ્યો જડે તેમ નથી.
જે દુનિયા તજે છે તેણે સર્વ મનુષ્યોને પ્રેમ કર્યે છૂટકો, કારણ એ તેમની દુનિયાને પણ તજે છે. તે જ ક્ષણથી માનવજાતિનો સાચો સ્વભાવ એના અન્તરમાં ઊકલવા માંડે છે, ને એ સ્વભાવ પર પ્રેમ ઊપજ્યા વિના રહી જ ન શકે, જો માણસમાં પ્રેમની ગુંજાશ હોય તો.... તમે જો તમારા પાડોશી પર આ સંસારની અંદર જ પ્રેમ કરો તો તેમાં તમે આ સંસારની અંદર જ તમારી જાત પર પ્રેમ કરો છો તેનાથી જરાયે વત્તો કે ઓછો અન્યાય નથી કરતા. જે એક જ સવાલ રહે છે તે એ છે કે આ સંસારની અંદર પાડોશીને પ્રેમ કરવો શક્ય છે શું?... કેવળ આધ્યાત્મિક જગત જ હસ્તી ધરાવે છે એ હકીકત આપણી ગાંઠડીમાંથી આશા લૂંટી લે છે અને નિશ્ચિતતા બંધાવે છે....
અપવિત્ર પ્રેમ પવિત્ર પ્રેમ કરતાં વધુ ઊર્ધ્વ ભાસી શકે; એ જાતે તો આવો ભાસ ન પ્રકટાવી શકે, પણ એને પોતાનેય ખબર નથી તેવું પવિત્ર પ્રેમનું એક તત્ત્વ એ ધરાવે છે, તેથી આવી માયા રચી શકે છે.
‘કોઈ પણ એમ ન કહી શકે કે અમારામાં શ્રદ્ધા નથી. આપણે જાણીએ છીએ તે હકીકત જ શ્રદ્ધાના પુરાવાઓની અખૂટ ખાણ છે.’ ‘તમે એને શ્રદ્ધાનો પુરાવો કહો છો? પણ ન જીવવું એ જો માણસથી બને જ નહીં તો?’ ‘એ ‘બને જ નહીં’માં શ્રદ્ધાની ગાંડી તાકાત પડેલી છે; એ નકાર એ જ શ્રદ્ધાનું શરીર છે.’
તમારી જાતને માનવતા પર કસો. તેનાથી સંશયી સંશય સેવતો થાય છે, શ્રદ્ધાળુ શ્રદ્ધા. અમુક એક બિંદુથી આગળ ગયા પછી પાછા ફરવાપણું જ નથી રહેતું. એ જ બિંદુ છે જેને પહોંચ્યે છૂટકો. માણસોના નેતાને એકાએક મધરાતે સૂઝ્યું કે માનવીનું કીર્તિમંદિર રચવાનું મુહૂર્ત આવી પહોંચ્યું છે. બસ, હુકમ થતાં જ વાર — બધા માનવીઓ ઊમટી પડ્યા. સંગેમરમરના શ્વેત શિલાખણ્ડ હાથ લાગ્યા. સ્તૂપ રચાવા લાગ્યો. પ્રભાત થાય તે પહેલાં તો ઇમારત ખડી થઈ ગઈ. પ્રભાતના પહેલા કિરણને અજવાળે માનવીઓના નેતાએ એ ઇમારતના પર નજર કરી. જોયું તો પથ્થરે પથ્થરે માનવીનાં કાળાં કરતૂતની કથા કોઈએ ટાંકી દીધી હતી! આખરે એ વાત જ અમર થઈ ગઈ!