zoom in zoom out toggle zoom 

< રા’ ગંગાજળિયો

રા’ ગંગાજળિયો/૮. ગંગાજળિયો

From Ekatra Wiki
Revision as of 06:30, 24 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮. ગંગાજળિયો| }} {{Poem2Open}} સવાર હજી પૂરું પડ્યું નથી. હમેશાં પ્ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૮. ગંગાજળિયો

સવાર હજી પૂરું પડ્યું નથી. હમેશાં પ્રભાતે ઠેઠ કાશીથી આવનારી ગંગાજળની કાવડની રાહ જોતો રા’ માંડળિક સ્નાનવિહોણો બેઠો છે. કોઈ કહે છે કે છેક કાશીથી જૂનાગઢ સુધી રોજે રોજ રા’ માંડળિક માટે ગંગાજળની કાવડો ચાલતી. એ કાવડના ઉપાડનાર કાવડિયા પલ્લે પલ્લે બદલાતા આવતા. રોજ તાજા આવતા ગંગાજળે રા’ સ્નાન કરતો તેથી ગંગાજળિયો કહેવાયો છે; ને કોઈ કહે છે કે ગંગાજળની ને કાશ્મીરનાં ફૂલોની છાબડી સાથે રોજ રોજ આવતી એ કાવડ તો સોમૈયા દેવનાં સ્નાનગુંજન માટે જ ગોઠવાઈ હતી, એટલે ગઢ જૂનાનો રા’ તો એ સોમૈયા દેવની કાવડનો રખેવાળ, ઉપાડનાર હોવાથી ગંગાજળિયો કહેવાણો છે. કાવડના રખેવાળો ને ઊંચકનારાઓ દર થોડા થોડા ગાઉને પલ્લે બદલાતા આવતા. રા’નું રખોપું સોરઠમાંથી શરૂ થતું. હિંદુ રાજાનો એ મહિમા હતો.

કોણ જાણે, પણ રા’ માંડળિક ગંગાજળની કાવડની વાટ જોતો બેઠો હતો. સૂરજનું ડાલું હજુ સહસ્ર પાંખડીએ ઊઘડ્યું નહોતું. તે વખતે ઉપરકોટની દેવડી ઉપર નીચેથી કાંઈક કજિયો મચ્યો હોય તેવા બોકાસા આવવા લાગ્યા. તરવારનો કજિયો તો નહોતો એની રા’ને ખાતરી હતી. તરવારની વઢવાડ બોકાસા પાડી પાડીને નથી થાતી. તરવારો જ્યારે ખેંચાય છે ત્યારે ગોકીરા બંધ થાય છે. પછી તો ફક્ત સબાસબી અને ધબાધબી જ સાંભળવાની રહે છે.

ગોકીરા નજીક આવ્યા તેમ તેમ તો કજિયા કરનારાઓની ન્યાતજાત પણ પરખાઈ. વણિકોના ટંટામાં હાહોકારા ને ન સમજાય તેવી શબ્દગરબડ હોય છે. આ તો સંસ્કૃત ભાષામાં સામસામા ઉચ્ચારાતા શાપો હતા.

દ્વારપાલ આવીને વરધી આપે તે પૂર્વે તો રા’એ કહ્યું :

“કોણ, ગોરબાપાઓ છે ને?”

“હા મહારાજ, દામા કંડેથી પરબારા બાઝતા આવે છે.”

“શું છે?”

“મહારાજ પાસે ન્યાય કરાવવો છે.”

“શાનો? દક્ષિણાની વહેંચણનો જ હશે.”

“હા મહારાજ.”

“હું જાણું ને? બ્રાહ્મણોની લડાલડીમાં તે વગર બીજું હોય જ શું!”

ગોખેથી રા’એ ડોકું કાઢ્યું. નીચે ટોળું ઊભું હતું. લાંબા ચોટલા, અરધે મસ્તકે ઘારીઓ, કપાળે ત્રિપુંડો, મોંમાં તમાકુવાળી ચોરવાડી પાન-પટીઓના લાલ લાલ થૂંકના રેગાડા, ને મેલીદાટ જનોઈઓ.

“આશીર્વાદ, મહારાજ!” સૌએ હાથ ઊંચા કર્યા.

“મોંમાંથી શરાપ સુકાણા નથી ત્યાં જ આશીર્વાદ કે!” રા’એ વિનોદ કર્યો.

બ્રાહ્મણો શરમાયા.

“સંસ્કૃતમાં ગાળો દેવાની વિશેષ મજા પડે, ખરું ને, દેવો?” રા’એ વિનોદ વધાર્યો. “છે શું?”

“આ છે કજિયાનું મૂળ, મહારાજ!” પાંચેક હાથ એકસામટા ઊંચા થયા. એ પાંચે હાથોએ જકડીને ઝાલેલો હતો એક સોનાનો હાથી. “આની વહેંચણ કરી આપો, રાજન!”

“અટાણમાં કોણ ભેટ્યો આવો દાનેશ્વરી?” સોનાના હાથીની દક્ષિણા દેખી રા’ ચકિત થયા. “લાવો અહીં.”

રા’ના હાથમાં પાંચેય બ્રાહ્મણોએ હાથી સોંપ્યો.

“કોણ હતું?”

“અમને પૂરું નામઠામ તો આપતા નહોતા. પણ એક રક્તપિત્તિયો રાજા હતો. એનું નામ વીંજલ વાજો કહેતા હતા.”

“વીંજલજી? વાજા ઠાકોર વીંજલજી? ઊના-દેલવાડાના? રક્તપિત્તિયા? બ્રાહ્મણો, આ તમે ખરું કહો છો?”

“સાંભળવામાં તો એવું આવ્યું, મહારાજ! કોઈનો શરાપ લાગ્યો છે.”

“ક્યાં છે?”

“ચાલ્યા ગયા. સવારના ભળભાંખળામાં દામે કંડે નહાઈને પડાવ ઉપાડી મૂક્યો. વાતો કરતા હતા કે કોઈને શહેરમાં જાણ થવા દેવી નહીં.”

“કઈ દશ્યે ગયા?”

“હેમાળે ગળવા હાલ્યા ગયા.”

“વીંજલરાજ, મારા બનેવી, રક્તપિત્તમાં ગળીને હેમાળે ગળવા હાલ્યા જાય છે? દોડો, દોડો, અરે, કોઈ મારો અશ્વ લાવો!”

એક સમજુ બ્રાહ્મણ આગળ આવી લાગ્યો :

“મહારાજ, થંભો. એણે આપનાથી જ અણદીઠ રહેવા પડાવ પરબારો ઉપાડી મૂકેલ છે. એણે કહ્યું કે હું રગતકોઢિયો ગંગાજળિયા રા’ની નજરે થઈને એના દેહને નહીં જોખમું, મને આંહીંથી ગુપ્ત માર્ગે ઉપાડી જાવ જલદી.”

“હું ગંગાજળિયો—ને હું મારા સ્વજનના રોગથી મોં સંતાડું? ધૂળ પડી. લાવો મારો રેવત.”

“એમ કાંઈ જવાય, મહારાજ?” અમીરો, મહેતા ને મુસદ્દીઓ આડા ફર્યા. “રાજા છો, લાખુંના પાળનાર છો.”

“મારે એ વખાણ ને વાહ વાહ નથી જોતાં. ગઢ જૂનાને પાદરેથી રક્તપિત્તિયો સ્વજન હાલ્યો જાય છે, ને હું ગંગાજળિયો ગંગાજળિયો કુટાઈને ગર્વ કરતો બેઠો રહીશ? શો મહિમા છે મારા નિત્યના ભાગીરથી-સ્નાનનો, જો મને દુનિયાના રોગનો ડર બીકણ બનાવી રાખે તો?”

માંડળિકે ઘોડો પલાણ્યો અને કાશીનો ને હિમાલયનો જગજાણીતો પંથ પકડી લીધો. ઘોડાની વાઘ એણે ઘોડાની ગરદન પર છૂટી મૂકી દીધી. ઘોડો ક્ષિતિજની પાર નીકળી જવા ભાથામાંથી છૂટતા તીર જેવો ગયો.

જોતજોતામાં વડાળનું પાદર વટાવ્યું. સામું જ કાથરોટા વરતાયું, સીમાડા ઉપર કોઈ કાફલો ક્યાંય નથી દેખાતો. પણ વચ્ચે આવતા એક વોંકળાની ભેખડ ઊતરતાં એણે કાવડ દીઠી—પોતાના રોજિંદા નાવણ માટે છેક કાશીથી વહેતી થયેલી ગંગાજળની કાવડ.

પોતે ઘોડો થંભાવ્યો, પૂછ્યું, “કાવડિયાઓ, રક્તપિત્તિયા રાજ વીંજલ વાજાનો પડાવ સામે મળ્યો?”

“હા, મહારાજ, પાંચેક ગાઉને પલ્લે.”

“કાવડ હેઠી ઉતારો.” કહીને પોતે વસ્ત્રો કાઢવા લાગ્યો, ને કહ્યું, “મારા માથે આંહીં જ હાંડો રેડી દો.”

ગંગોદકમાં નીતરતે દેહે ફરીથી એણે અશ્વ પલાણ્યો; અશ્વને ઉપાડી મૂક્યો.

કાવડિયાઓ વાતો કરતા ગયા :

“રાજા, વાજાં ને વાંદર્યાં! કોણ જાણે શોય ચાળો ઊપડ્યો હશે, ભાઈ! હાલો, એટલો ભાર ઉપાડવો મટ્યો! કોણ જાણે કઈ સદ્ધાઈ રોજ ગંગાજળે નહાયે મળી જાતી હશે. નખરાં છે નખરાં સમર્થોનાં! સોમનાથને ત્રણત્રણ વાર તો રગદોળીને મલેચ્છો ચાલ્યા ગયા, કોઈનું રૂંવાડુંય થયું’તું ખાંડું? શું કરી શક્યો ડાડો સોમનાથ, કે શું આડા હાથ દઈ શક્યા શંકરના ભૂતભેરવ! ગયા ગતાગોળમાં શંકર ને કંકર સૌ સામટા. આ વળી એક જાગ્યો છે ચેટકિયો. થોડા દી મર ગંગાજળે નાઈ લે બચાડો! એનીય એ વાળી જ થવાની છે અંતે તો.”

આવી આવી હૈયાવરાળો કાઢતા કાવડિયા જૂનાગઢ પહોંચ્યા. રોજ ગંગાજળની કાવડ ઉપાડનારાઓને મન એ પાણીનો મહિમા રહ્યો નહોતો. કાવડને ઉપાડી નવા કાવડિયા પ્રભાસ તરફ ચાલ્યા.

“ઊભા રો’! ઊભા રો’! ઊભા રો’!”—એવા રીડિયા પાડતો ઘોડેસવાર રા’ છેક જેતલસર નામના ગામડાની સીમમાં વીંજલ વાજાના મ્યાનાને ભાળી શકે છે. મ્યાનો ઉપાડનારા ભોઈઓ ઘોડાવેગે ડાંફો ભરતા જાય છે. કોઈ કશું સાંભળવા થોભતા નથી. વસ્તીની નજરે થવાનું રક્તપિત્તિયાનું મન નથી. એની સુરતા તો એક માત્ર હિમાલય ઉપર જ ચોંટી છે. જિંદગીને ને જોબનને એણે પાછળ મૂકી દીધાં છે. એની દૃષ્ટિ મંગળ મોતની જ સન્મુખ છે.

“ઊભા રો’! ઊભા રો’! ઊભા રો’!”

“કોણ આવે છે? કોને સાદ કરે છે?”

“રેવત આવે છે વહાણના વેગે. પણ માથે અસવાર બેઠો છે ઉઘાડે ડીલે; કોઈક બાવો કે બામણ દક્ષિણા વગરનો રહી ગયો લાગે છે!”

“ઊભા રો’! ઊભા રો’! ઊભા રો’!”

“ભાઈઓ,” વીંજલ વાજો ભયભીત કંઠે કહે છે : “આ હાક કોઈ બાવા બામણની નો’ય. આ તો ઓળખીતી ને જાણીતી હાક લાગે છે. આ હાક મારા રા’ની તો ન હોય?”

ખભે ઢળકતા શિર-કેશ દેખાયા. આરસમાં કંડારી હોય તેવી કાયા વરતાઈ—આજાનબાહુ જોદ્ધો જણાયો.

“અરે ગજબ કર્યો. ભાઈઓ રે ભાઈઓ, માંડળિક પોતે આવે છે. બાતમી મળી ગઈ લાગે છે. પગ ઉપાડો, મને કાળમુખાને ક્યાંઈક સંઘરી વાળો. માંડળિક ગંગાજળિયો હમણે નંદવાઈ જાશે. મારી એકાદી માખીયે જો એના ફૂલદેહને માથે બેસશે તો મારાં આજ સુધીનાં પાતકમાં ઊણપ શી રહેશે? મને હેમાળોય નહીં સંઘરે, ભાઈઓ!”

આખરે રા’ આંબી ગયા. ઘોડો ફેરવીને રસાલો ઊભો રખાવ્યો. વીંજલ વાજાએ મ્યાનામાંથી ઊતરી નાસવા માંડ્યું. મંડળિકે દોડીને એને જોરાવરીથી બાથમાં લીધો. એ બાથના શીતળ સ્પર્શે વીંજલના રોમેરોમમાં ઊપડેલા દાહ ઉપર એકાએક ઠંડક વળી ને એના મોંમાંથી ‘હા…શ’ એટલો ઉદ્ગાર ઊઠ્યો.

“છેટા રહો, રા’ ગંગાજળિયા! છેટા રહો.” બોલતો વીંજલ પોતાના લોહીપરુના કણો લઈને માખીઓને માંડળિકના ખુલ્લા દેહ ઉપર બેસતી જોતો હતો.”

“હવે છેટા રહીને શું સાચવવું હતું, વાજા ઠાકોર? પાછા વળો.”

“ટાઢક તો બહુ વળવા લાગી, રા’, પણ મારાં પાપ…”

“પુણ્યે પાપ ઠેલાય છે, વીંજલજી. પાછા વળો. ત્રિપુરારિ સૌ સારાં વાનાં કરશે.”

“ત્રિપુરારિને જ શરણે જાઉં છું, રા’. આહાહા! કોઠો કાંઈ ટાઢો થતો આવે છે!”

“માટે ચાલો પાછા. ત્રિપુરારિ જૂનાગઢને જશ અપાવશે.”

માખીઓ ઊડવા મંડી. લોહીપરુના ટશિયા સુકાવા માંડ્યા.

“ચાલો પાછા.”