પ્રભુ પધાર્યા/૬. પરણી લીધું
મિત્રો પરના કાગળોમાં બતાવેલા વિચારો બ્રહ્મી સ્ત્રીઓ પ્રત્યે શિવશંકરના હૃદયમાં ધીરે ધીરે પલટાતા જતા હતા, એ રતુભાઈ મૅનેજરની ઝીણી આંખોએ પકડવા માંડ્યું હતું. સુકાતા ચાવલ તપાસવા પોતે વારંવાર એ સ્ટીમથી ધગધગતી પ્લેટ પર જતો ત્યારે પાંચ મિનિટ પણ જે ઠેકાણે ઊભતાં એની આંખે ઝાંઝવાં વળી જતાં, તે ઠેકાણે શિવશંકર ઊભો હોય અને એકબે મજૂરણો પાસેથી બર્મી બોલીના પ્રયોગો શીખતો જ હોય! એ ઊકળતા ચરુ જેવા ઓરડામાં બર્મી મજૂરણો દિવસરાત ખંપાળી ફેરવતી હતી. પા પા કલાકની તેમની એક્કેક ટુકડીની પાળી હતી. પા કલાકે તો તેઓને બહાર નીકળવું પડતું. આ પા કલાકમાં કોઈ કોઈ મજૂરણને મૂર્છા આવી જતી. મોંએ પાણી છાંટીછાંટીને એનાં સાથીઓ એને શુદ્ધિમાં આણતાં. શુદ્ધિમાં આવીને તુરત એ સ્ત્રી માથે ઘાલેલી ભીં કાઢીને વાળ ઓળતી હતી. એ કોઈની સામે ફરિયાદ કરતી નહીં. કોઈને કરગરતી નહીં કે મારું કામ બદલી આપો, કોઈને વીનવતી નહીં કે મને વધુ રોજી આપો. દિવસપાળી પૂરી થતાં સાંજે, કે રાતપાળી પૂરી થતાં પરોઢિયે એ મજૂરણો હાથ-પગ-મોં ધોતી, કપડાં બદલતી, અને હસતી હસતી ઘેરે જતી. કલાકો સુધી ભૂંજાયા શેકાયા પછી તેમનો વિસામો ને દિલાસો એક જ હતો : સારાં કપડાં પહેરવાં ને સુગંધી પુષ્પો અંબોડે ઘાલવાં. કોઈ વાર તો કોન્ટ્રાક્ટર તેમને ત્રણ—સાડા ત્રણ આના જ મજૂરી આપી શકતો, છતાં પુષ્પોમાં ફેર ન પડતો. શિવશંકરને આ બર્મીઓમાં `ચાર્મ'(સૌન્દર્ય)નું દર્શન થવાનું બીજું કારણ તેની માતાનો છેલ્લો કાગળ હતો. આગલા કાગળોમાં મા લખાવ્યા કરતી કે હજારેક રૂપિયા ઝટ બચાવીને મને જાણ કર તો હું તારા વેશવાળનો તાકડો કરું. કયે કયે ઠેકાણે કેવી કેવી કન્યાઓ છે ને તે દરેકની કેટલી કિંમત બેસે તેમ છે તે પોતે જણાવતી. તેના જવાબમાં શિવશંકર લખતો કે, આંહીં તો મરતાં સુધી હજાર રૂપિયાનો જોગ થઈ શકે તેમ નથી. મા લખતી કે ``દીકરા, હું તો આપણા ઊંચા કુટુંબનું અભિમાન મૂકી દઈને નીચલાં કુળોમાં પણ તપાસ કરું છું. તારા પિતૃઓ કદાપિ સ્વર્ગલોકમાં કચવાશે, કે પહેલી જ વાર આપણા ઘરમાં અસંસ્કાર પેઠો. પણ સંસ્કાર સંસ્કાર કરતાં તો તું કુંવારો રહી જઈશ તેની મને ઘણી ચંત્યા રહે છે. સંસ્કાર તો આપણામાં હશે તો પારકી દીકરીમાં આવી રહેશે. માટે તું કબૂલ કર તો હું તજવીજ કરું. તોય તે રૂ. ૫૦૦ તો બેસશે જ. માટે તેટલાની તજવીજ કરજે. જવાબમાં શિવે રોકડું પરખાવેલું કે ``બા, આપણે કુળને હેઠું પાડીને પિતૃઓને કોચવવાની જરૂર નહીં જ પડે, કારણ કે મારી કને રૂ. ૫૦૦નો વેંત કદાપિ થવાનો નથી. તમે એ સૌ કન્યાઓનાં પિતામાતાઓને રાહ જોવરાવી રાખશો નહીં. બસ, તે પછી શિવાની આંખોએ કબૂલ કર્યું કે બર્મી સ્ત્રીઓ રૂપાળી છે! બીજો એકરાર એણે એ કર્યો કે કાઠિયાવાડની કન્યાઓ પરણવા લાયક નથી. ત્રીજી ગાંઠ એણે મનથી એ વાળી કે કાઠિયાવાડને ને મારે હવે શો સંબંધ રહ્યો છે! મારું સાચું વતન તો આ બ્રહ્મદેશ જ છે. મા મરી જશે; પરણેલી બહેન તો જીવતે મૂએલી છે! પછી રાતપાળીના સુકાતા ચાવલની દેખરેખ એને ગમવા લાગી. રાત્રીએ પોતે દિવસભરની ચાવલ-ખરીદીઓનો રિપોર્ટ તૈયાર કરવા બેસતો તેવામાં મજૂરણોનાં પુષ્પોની મહેક એનામાં મીઠી વ્યથા પેદા કરતી. અંબોડા છોડી છોડી ફરી ઓળી, ફરી વાર બાંધતી બાઈઓ એના મેજ પર આંટા મારવા આવતી અને પુષ્પોનો એના મેજ ઉપર ઢગલો કરતી. માતાહીન, બહેનવિહોણા, સંસારમાં કોઈ પણ સ્વજનના સુંવાળા સંપર્ક વગરના, નોનમૅટ્રિકિયા છતાં સાહિત્યના જળે સિંચાયેલા, અને વેરાનવાસી છતાં ગ્રામોફોનનાં સિનેમા-ગીતોએ સુકુમાર શબ્દસંગીતના સ્પર્શથી ભાવનાએ ભીંજવેલા આ યુવાન શિવાને બ્રહ્મદેશની ભૂમિની માદક સોડમ આવવા લાગી. મિલના બાસામાં જે જમવાનું મળતું તે ધરમૂળથી ખરાબ તો હતું જ, પણ એક દિવસ શિવશંકરને એનો કુસ્વાદ એકાએક અસહ્ય બન્યો. થોડા વખતે એણે બાસો છોડ્યો, અને પરામાં એક દૂરને સ્થાને ઓરડી લીધી. એના પોશાકમાં નવી ચમક ઊઠી. એ દીન મટી રુઆબદાર બનતો ગયો. અને એણે એક નવી બાઇસિકલ વસાવી. રોજ એ દૂરથી સાઇકલ પર જતો-આવતો થયો. સાથીઓમાં ચણભણ ચાલી. રતુભાઈને કાને એક દિવસ એ વિસ્મયકારી વાત આવી. એણે શિવશંકરને એકાંતે લઈને પૂછી જોયું. શિવે શરમાતાં શરમાતાં કહ્યું — ``હું તમને બધું કહેવાનો જ હતો. આજે જો આવી શકો, તો મારે ઘેર ચાલો. રસ્તે શિવશંકરે પોતે એક બર્મી સ્ત્રી સાથે લગ્ન કર્યાની વાત કહી : ``દેશમાં મને કોણ બ્રાહ્મણની કન્યા દેવાનું હતું? હું પરણ્યા વગર રહી શકું તેટલું મારું સામર્થ્ય નહોતું. ``કશી ફિકર નહીં, સારું કર્યું. રતુભાઈએ શાબાશી આપી અને એને ઘેર ચાલ્યો. એક મોટા મકાનની બે ઓરડીઓમાં શિવે ગૃહસંસાર માંડ્યો હતો. મહેમાનને જોતાં જ એક ગુજરાતી પોશાકવાળી સ્ત્રી પાછલા કમરામાં જઈને લપાઈ ગઈ, અને ત્યાંથી એણે શિવની સાથે મહેમાન સારુ મેવાની રકાબી અને પાનનો ડબો મોકલ્યાં. રતુભાઈએ આ મુલાકાત કંઈક ભારે હૃદયે પૂરી કરી અને બહાર નીકળી શિવને કહ્યું : ``એનાં માબાપ છે? ``હા, આ ગામમાં જ રહે છે. ``એમણે સંમતિ આપી હતી? ``હા, પૂરેપૂરી. ``સંબંધ સાચવ્યો છે? ``ખાવાપીવા સિવાય જેટલો સચવાય એટલો. ``કેમ? ``એ લોકો એની પુત્રીને પોતાનો મચ્છીનો ખોરાક ખવરાવે છે. મને પસંદ નહોતું. ``પણ એને પોતાને પસંદ હતું કે નહીં? ``ના, એ પણ હવે તો મચ્છીને ધિક્કારે છે. ``ધર્મ? ``ધર્મ બાબત મેં એની સ્વતંત્રતા સ્વીકારી છે. એ છૂટથી ફયામાં જાય છે. ``તું સાથે જાય છે ખરો? ``ના. ``ત્યારે હું કહું છું કે તારે એની સાથે ફયામાં જવું જોઈએ. બુદ્ધ ભગવાનના દેવળમાં આપણે શા સારુ ન જવું? ``હવેથી જઈશ. ``ખેર, હવે એક નાજુક પ્રશ્ન પૂછું. તું એને ઓઝલ પળાવે છે? ``ના. ``લાજ કઢાવે છે? ``ના. ``તો એ પાછલા કમરામાં કેમ પેસી ગયાં? ``એની જાણે જ. એને એક કડવો અનુભવ થયો છે. કડવો અનુભવ! રતુભાઈના પેટમાં ફાળ પડી. કોઈ મિત્રની મેલી ચલગતનો અનુભવ હશે! ``મારા કેટલાક સગાસંબંધી બ્રાહ્મણો આંહીં આવી પહોંચેલા. તેમણે મારી સ્ત્રીની હાજરીમાં જ મને ગંદાં વેણ સંભળાવ્યાં, કે તું વટલી ગયો, ભ્રષ્ટ થયો, બ્રાહ્મણ દેહને નષ્ટ કર્યો; હવે તું જોઈ લેજે, તારી છાંટ સરખી તો અમે નહીં લઈએ, પણ તું મરશે તો તારા શબને ઉપાડી અગ્નિસંસ્કાર કરવા પણ અમે નહીં ડોકાઈએ. ભલે પછી આ તારી બર્મી મઢ્યમડી તારા મડદાને ઘરમાં સાચવીને તારી પાછળ મહેફિલો ઉડાવે વગેરે વગેરે. ``આની હાજરીમાં બોલ્યા? ``હા. ``આને એમાં શી સમજણ પડી? ``એણે હિંદી શીખી લીધું છે. ``શું કહે છે! ``સાચું કહું છું. મને ગાળો દઈને એ બધા મારું સ્નાનસૂતક કાઢતા હોય તે રીતે ચાલ્યા ગયા. ત્યાર પછી મારી સ્ત્રી ગુજરાતીઓથી ડરે છે, એમનાથી મોં છુપાવી રાખે છે. ``મારે તો તારી સ્ત્રીને અભિનંદન દેવાં હતાં. ``ફરી વાર તમે આવશો ત્યારે એ નહીં છુપાય. હું એને સમજ પાડીશ. ``મને તો બીજું કંઈ નથી, પણ એણે એક ગુજરાતીને પરણવામાં કમનસીબ ભૂલ કરી છે એવી અસર ન જ રહેવી જોઈએ. એણે ગુજરાતી પોશાક ધારણ કર્યો લાગે છે. ``હા. ``તે પણ આપખુશીથી? ``હા, એને આપણો છૂટો, ઘેરદાર પોશાક બહુ ગમે છે. ``પણ એના બ્રહ્મી સંસારમાં જે ઉચ્ચ તત્ત્વ, સ્ત્રીની પુરુષ સમોવડી કક્ષાનું જે તત્ત્વ છે તેને આપણે નષ્ટ ન કરવું — ન થવા દેવું જોઈએ. પુરુષોથી અણદબાતી, પુરુષોને ખખડાવી નાખતી, પુરુષની ગુલામીને બદલે આપખુશીથી પુરુષોની સેવા કરતી બ્રહ્મી નારી ગુજરાતી બનવામાં ગર્વ ધરે તેવું કરવું જોઈએ. આપણા ઘરમાં આવીને એને અમુક સ્વતંત્રતા ગુમાવવી કે જતી કરવી પડી છે તેવું તો એના અંતરમાં કદાપિ ન આવવું જોઈએ. ``આંહીં કોઈ ગુજરાતી રહેતું નથી. ચોપાસ બ્રહ્મદેશીઓ જ છે, અને તેમનામાં એ છૂટથી જાય-આવે છે. ``પણ તું એની જોડે ફયામાં તો જરૂર જતો રહેજે. હું ફરી વાર આવીશ. ``હું તમને જરૂર તેડી લાવીશ. ``તારે કોઈથી શરમાવું નહીં. તેં લેશમાત્ર બૂરું પગલું ભર્યું નથી. તને ગાળો ભાંડનારાનો દોષ નથી. ``તેમાંના બે-ત્રણ જણ તો ગરમીના ગુપ્ત રોગના ભોગ થઈ પડ્યા છે. રતુભાઈને હસવું આવ્યું. તેમણે કહ્યું : ``બીજું શું થાય!