પરિષદ-પ્રમુખનાં ભાષણો/૯.
નવમી ગુજરાતી સાહિત્ય પરિષદ: નડિયાદ
ઓક્ટોબર: ૧૯૨૮
ગુજરાત ધનનું દાન બીજા અનેક પ્રાન્તોને કરે છે એ તો પ્રસિદ્ધ બાબત છે અને આ પ્રમાણે બીજાને પોષી શકે એટલી સમૃદ્ધિ ગુજરાતમાં છે એની પણ ના નહીં. પણ સંસ્કાર, શિક્ષણ અને જ્ઞાનની લહાણ કરનાર વ્યક્તિ પણ ગુજરાત આપી શકે છે એ સત્ય આનન્દશંકર ધ્રુવના કાશીગમનનું રહસ્ય છે. સંસ્કૃતભાષાની અને સાહિત્યની પરમ ઉપાસના સાથે, સાહિત્ય, તત્ત્વવિવેચન, ઇતિહાસ, વગેરે વિષયોનો એમને સૂક્ષ્મ અભ્યાસ છે. અંગ્રેજી સાહિત્યનો એમને પરિચય પણ વિપુલ છે. રાજ્યનીતિ, વિજ્ઞાન વગેરે વિષયોમાં પણ એમનો પ્રવેશ ઊંડો છે. વસ્તુતઃ કોઈપણ વિષયમાં ઊંડા ઊતરી શકે એવી સમર્થ બુદ્ધિપ્રભા એમનામાં છે. એની ગુજરાતને પ્રતીતિ થઈ છે. ગુજરાતના જ્ઞાનની વસંત મહોરતી જોઈ એમણે એ વસંતને મૂર્ત સ્વરૂપ આપ્યું. અભ્યાસ, ચિન્તન, વિવેચન અને અન્ય સર્જનોથી ભરેલા ‘વસંત’ના અંકો આજે પણ પોતાની પ્રવૃત્તિનો ઇતિહાસ કહેતા મોજૂદ છે. આનન્દશંકરભાઈથી ચાલ્યું ત્યાં સુધી એમણે ‘વસન્ત’ને અવશ્ય ચલાવ્યું. પછી તો ગુજરાતની ઋતુ જાણે બદલાઈ હોય તેમ ‘વસન્ત’ આછું આછું થતું ગયું. ‘આપણો ધર્મ’ એ એમનો ગ્રન્થ વર્ષો સુધી ચિન્તનના જ્વલંત દીપ સમો ગુજરાતને આકર્ષી શક્યો છે. તે પછીનાં એમનાં અનેક લખાણો સાહિત્ય અને ઇતર વિષયનાં છે, જે ગુજરાતને પુસ્તકરૂપે મળતાં જાય છે. સાહિત્યસેવા, તત્ત્વવિચારણા, સ્વતંત્રમતદર્શન, સંસ્કારશોધન, રસોદ્ઘાટન, જ્ઞાનપ્રસાર, વગેરે અનેક પ્રવૃત્તિઓ માટે ગુજરાત આનન્દશંકરભાઈનું ઋણી છે. આવા સમર્થ ગુજરાતી પંડિત નડિયાદ જેવી સાક્ષરનગરીમાં મળેલી નવમી સાહિત્ય પરિષદનું પ્રમુખસ્થાન વિભૂષિત કરે છે.
इदं कविभ्यः पूर्वभ्यो नमोवाकं प्रशास्महे ।
विन्देम देवतां वाचममृतामात्मनः कलाम् ।।
આપણા ક્રાન્તદર્શી પ્રાચીન સાહિત્યકારોને પ્રણામ કહી પ્રાર્થીએ કે – એ વાણી આપણી હો, કે જેનાં અંગે અંગ તેજે ઘડ્યાં હોય, જે સદા જીવંત હોય, અને જે ‘આત્માની કલા’ નામ, સુકલિત અંશ, અને તે પણ આત્માનો અંશ – હોય. પાંડિત્ય અને સહૃદયતાના સમન્વરૂપ, અક્ષર તત્ત્વના મહાન ઉપાસક, કવિ ભવભૂતિનું આ મંગલાચરણ, જે જગતની સર્વ સાહિત્યપરિષદનું એક સનાતન મંગલાચરણ થવાને યોગ્ય છે, એ જ આપણી આ નવમી ગુજરાતી સાહિત્યપરિષદની પણ મંગલ પ્રાર્થના હો! આટલી પ્રાર્થના કરી, આજનું કાર્ય આરંભીએ.
સાહિત્યપ્રેમી ભાઈઓ અને બહેનો,
આપે મને આ નવમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં પ્રમુખપદનું માન આપ્યું છે તે માટે હું આપ સર્વનો અન્તઃકરણથી ઉપકાર માનું છું; ખાસ કરીને એટલા માટે કે આપ મારી ખામીઓ અને મુશ્કેલીઓ જાણો છો, છતાં પણ આપે મારી પસંદગી કરી છે. હું વર્ષમાં ઘણો ભાગ દૂર પ્રાન્તમાં રહું છું, અને તેથી આપણી પ્રિય ગુર્જરભૂમિની સેવા મારાથી થોડી જ બને છે, તથા એની સાહિત્યવિષયક પ્રવૃત્તિ સંબંધી પણ હું કાંઈક અજ્ઞાન હોઉં એ સ્વાભાવિક છે. એટલું જ નહિ, પણ ભૂતકાળમાં તેમજ અત્યારે વખતોવખતના મારા અત્રેના વાસમાં જે કાંઈ મેં જાણ્યું છે, સંગ્રહ્યું છે, વિચાર્યું છે, એને પણ બરાબર ગોઠવી એનો આપની સેવામાં આવે મહાન પ્રસંગે ઉપયોગ કરું એટલો સમય હું મેળવી શક્યો નથી. તે માટે મારી સર્વ ખામીઓ ઉદારતાથી સહી લેવા આરંભમાં જ હું આપને વિનંતિ કરૂં છું. આવે પ્રસંગે મારા દૂરવાસ માટે મને તીવ્ર ખેદ થાય છે, પરંતુ તેમાં સંતોષનું કાંઈ પણ મિશ્રણ હોય તો તે એટલું જ છે કે ગૂજરાતની પ્રાચીન સીમા જે હું દશ વર્ષ પહેલાં માત્ર પુસ્તકોથી જ જાણતો હતો તેનો હવે મને સાક્ષાત્કાર થયો છે. આપણે ‘ગૂજરાત’ અને ‘બહદ્ગુજરાત’ એવા શબ્દો વાપરીએ છીએ ત્યારે વર્તમાન ગૂજરાત અને પૂના, કાશી, કલકત્તા, મદ્રાસ, બ્રહ્મદેશ, આદિ આપણા ભાઈઓએ હાલમાં કરેલાં નિવાસસ્થાન એવો ભેદ વિવક્ષિત હોય છે, પણ મધ્યકાલીન ગૂજરાતનો ઇતિહાસ જોતાં જણાય છે કે ગુજરાતની તે સમયની એક સીમા ઉત્તરમાં બહુ દૂર સુધી પહોંચતી. આ વાત ઉપર સ્વર્ગસ્થ ભાષાપંડિત ટેસિટોરીએ પશ્ચિમ રાજસ્થાનની ભાષાના અન્વેષણથી જે પ્રકાશ નાખ્યો છે તેનું સ્વરૂપ હસ્તામલકવત્ હું હવે જ દેખતો થયો છું. ગુર્જરભૂમિનો પ્રદેશ એક વખતે રાજસ્થાનને અન્તર્ગત કરતો એ વાત, જે સ્થળે ‘ગુર્જરત્રા’ શબ્દવાળા શિલાલેખ મળ્યા છે અને એમાં જે સ્થળોનો ઉલ્લેખ છે તેનાથી, અત્યારે સુવિદિત થઈ ચૂકી છે. અને શૌરસેની અપભ્રંશ, શૌરસેની પ્રાકૃત અને સંસ્કૃત ભાષા દ્વારા, તથા રાજસ્થાન અને મથુરાની આસપાસના શૂરસેન દેશ દ્વારા, હિન્દીની ભૂમિ સુધી જૂની ગૂજરાતીનો સંબંધ પહોંચે છે એ જોતાં, બહુ દૂર સુધીના ભાગને પ્રાચીન પરિભાષામાં ગૂજરાત જ ગણવો જોઈએ એ સ્પષ્ટ છે. એને આપણે વર્તમાન ‘ગૂજરાત’ અને ‘બૃહદ્ગૂજરાત’થી ભિન્ન પાડીને ઓળખાવવા ‘મહાગૂજરાત’ કહી શકીએ. આપે ઇતિહાસવિભાગના પ્રમુખ તરીકે મારા મિત્ર મહામહોપાધ્યાય પંડિત ગૌરીશંકરજી ઓઝાને સ્વીકાર્યા છે એ આ દૃષ્ટિબિન્દુને અનુરૂપ છે.
નડિયાદની ભાગોળમાં પેસતાં જ કેટલા બધા વિદ્વાનો વિદ્યોત્તેજકો અને સાહિત્યવિલાસી સજ્જનોનાં નામ સ્મરણગોચર થાય છે! દેસાઈશિરોમણિ હરિદાસભાઈની સાક્ષરો ઉપરની પ્રીતિ જાણીતી છે. ઝવેરલાલભાઈ, મનઃસુખરામભાઈ મણિલાલ, બાળશંકર, ગોવર્ધનભાઈ, તનસુખભાઈ, દોલતરામ આવી સાક્ષરરત્નમાળ કોઈ પણ એક શહેરમાં મળવી કઠણ છે. તેથી સાક્ષરરત્નોની ખાણ હોવાનું અભિમાન નડિયાદ યથાર્થ રીતે રાખી શકે છે, પછી ભલે એ રત્નોના ઝવેરીબજાર થવાનું સૌભાગ્ય અન્ય શહેરોને પ્રાપ્ત થયું હોય. બીજું, છેલ્લાં બે વર્ષમાં આપણે જે ગુર્જર સાક્ષરરત્નો ગુમાવ્યા છે એમના વિના પણ આપણી આજની સભામાં ખામી પડે છેઃ સ્વર્ગસ્થ ભાઈ રમણભાઈની સંસ્કારી સાહિત્યસેવા અનુપમ હતી, અને એમની શાન્ત સીધી અને ઝીણી સલાહની ખોટ તો ગૂજરાતને પગલે પગલે જણાયાં કરશે, તે સાથે ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ, રતિપતિરામ પંડ્યા, મૂળચંદ્ર તેલીવાલા, સૌ. ચૈતન્યબાળા અને ગજેન્દ્રરાય બુચ જેવા કુમળા છોડ ઉપર પણ ક્રૂર મૃત્યુનો અગ્નિ પડ્યો એ જોઈ ગુજરાતના સહુ સાહિત્યરસિક સજ્જનોને તીવ્ર શોક થયા વિના રહેશે નહિ. આવી સ્થિતિમાં કાંઈ પણ આશ્વાસન મળતું હોય તો તે એટલા જ મનનથી અને શ્રદ્ધાથી મળે છે કે – મરણ એ મનનશીલ પ્રાણીને જીવનની સીમા વિસ્તારનારી – બાંધનારી નહિ પણ વિસ્તારનારી – પરમાત્માની મોટામાં મોટી બક્ષીસ છે; અને ઉક્ત સહુ વડીલો, ભાઈઓ અને બહેનો પરલોકને ઝરૂખે બેસીને આ સરસ્વતીસત્ર જુવે છે જ, અને આપણે પણ એમની દૃષ્ટિ અને સમાગમમાં રહીને જ આપણું કર્તવ્ય કરીએ છીએ.
આ પરિષદ ધાર્યા પ્રમાણે, તેમજ ધારા પ્રમાણે, વખતસર મેળવી શકાઈ નહિ તેમાં નડિયાદનો દોષ નથી; બલ્કે વિલમ્બનું કારણ જોતાં નડિયાદ આપણા અભિનન્દનને પાત્ર છે. ગયા વર્ષની રેલમાં અને આ વર્ષના બારડોલી પ્રકરણમાં ચરોતર અને એના કેન્દ્રભૂત નડિયાદે જે દેશસેવા કરી છે, એમાં ઉત્સાહ પરાક્રમ ધૈર્ય સંયમ બન્ધુસેવા, આદિ ઉદાત્ત ગુણોના આવિષ્કારથી ગૂજરાતના જીવનને વધારે તેજસ્વી કર્યું છે. અને જે ઉપાદાનકારણથી સાહિત્ય બને છે એમાં સત્ત્વ પ્રેરી, સાહિત્યપરિષદ મેળવવી એના કરતાં જરા પણ ન્યૂન નહિ એવી સાહિત્યસેવા આ બે વર્ષથી ચરોતર બજાવી રહ્યું છે, એ સેવા માટે એને ધન્યવાદ હો!
આ મહાન સંસ્થાના મારા પૂર્વગામી પ્રમુખોએ પ્રમુખપદેથી ગુજરાતી પ્રાચીન અને અર્વાચીન સાહિત્યસમૃદ્ધિનાં, આપને આંખ ભરીને દર્શન કરાવ્યાં છે, તથા આપણા આગળના કર્તવ્યપથ ઉપર પુષ્કળ પ્રકાશનાં કિરણો નાંખ્યાં છે એમાં મારી નાની દીપિકા નહિ ઉમેરું. સહુ કોઈ જોઈ શકશે કે હવે પરિષદનો ઊર્મિકાળ બલ્કે પાંડિત્યકાળ પણ ગયો છે, અને કર્મકાળ – ઊર્મિથી નહિ પણ વિચારથી અને દૃઢતાથી કામ કરવાનો કાળ – આવ્યો છે. પાંડિત્યભર્યાં અનેક વ્યાખાનો થયાં. છતાં આપણે ઇચ્છીએ છીએ તેવો સાહિત્યવિકાસ થયો નથી. આપણા ભાઈઓ હવે કાંઈક કરવું એવા વિચાર ઉપર આવ્યા. આજકાલ તો વિચારથી કંટાળેલા જગતની જીવનના સર્વ પ્રદેશમાં પ્રભુ પ્રત્યે એક જ પ્રાર્થના થતી સાંભળીએ છીએ.
“Knowledge we ask not – knowledge Thou hast lent, But, Lord, the will – there lies our bitter need, Give us to build above the deep intent The deed, the deed.”
“The deed, the deed”: કાંઈક કરવું, એ ખરું પણ કર્મ વિનાનું જ્ઞાન જેમ પાંગળું છે તેમ જ્ઞાન વિનાનું કર્મ આંધળું છે. જ્ઞાનનો અત્યન્ત તિરસ્કાર જીવનના ઇતર પ્રદેશોમાં કદાચ નભે – જો કે ત્યાં પણ મને લાગે છે કે ન નભે – પણ આપણા આ મંડળના કાર્યમાં તો તે નિઃસંદેહ ન જ નભે. આપણું તો કર્મ જ્ઞાનથી ભરેલું જ હોઈ શકે, તેમ આપણા કર્મની રૂપરેખા ઉપર અસર કરે એટલું જ્ઞાન, એટલો વિચાર – તો આપણે પહેલો જ કરી લેવો જોઈએ.
સાહિત્યપરિષદનું ઉદ્દેશ્ય – એના અસ્તિત્વનું પ્રયોજન શું? લગભગ પચીસ વર્ષ જૂની અને આઠ બેઠકો બેઠી ચૂકેલી એવી આ સંસ્થા માટે આ પ્રશ્ન ઘણાને પ્રથમ દૃષ્ટિએ કાલાતીત યાને અસૂરો – લાગશે. પણ વસ્તુતઃ જગજૂનું મનુષ્યજીવન જો એના ઉદ્દેશ્યના પ્રશ્નથી આજ પણ મુક્ત નથી, તો આપણી આ બાલ સંસ્થા – જેને કાંઈક ભાંગ્યું-તૂટ્યું બોલતાં આવડ્યું છે પણ ચાલતાં બિલકુલ નથી આવડ્યું, તેને માટે આપણે ચાલણગાડી કરી છે પણ તેમાં હજુ એને બેસતાં શીખવવાનું બાકી છે – એ બાલ સંસ્થાનો જીવનઉદ્દેશ વખતોવખત દેશકાલાનુસાર વિચારતો અને ઘડાતો આવે એ સ્વાભાવિક તેમજ આવશ્યક છે, એ ઉદ્દેશ સંબન્ધી અપૂર્ણ કે અસ્પષ્ટ વિચાર રહેવાથી આપણા ભાઈઓમાં એના કાર્ય વિષે વારંવાર આ પ્રશ્ન પુછાયા કરે છે કે સાહિત્ય પરિષદે આજસુધીમાં કર્યું શું? અને એ પ્રશ્નમાં હંમેશ જોડાએલું એક પ્રિય વિશેષણ સંભારીએ તો ‘સંગીન’ કાર્ય પરત્વે અશક્ય આશાઓ અને ખોટી કાર્યકલ્પનાઓ બંધાયા કરશે, અને સામસામા પવનથી આમ તેમ ખેંચાતા વહાણની માફક આપણી પરિષદ એનો માર્ગ કાપી શકશે નહિ. તે માટે (૧) પ્રથમ તો આપણે એક વાત એ સ્પષ્ટ સમજી લેવી જોઈએ કે આપણે વખતોવખત શા સારુ મળીએ છીએ? સાહિત્યનો ઉત્કર્ષ સાધવા માટે કે સાહિત્ય લોકપ્રિય કરવા માટે? કે બંને માટે? બેમાંથી એક અમુક જ એમ ઝટ નિર્ણય કરી એ ઉદ્દેશ સાધવા આપણે તન મન ને ધનથી મચી શકીએ, અને એ ઉદ્દેશમાં જેટલા સાથે રહે તેટલા ખરા, પણ ન રહે તેટલા માટે હર્ષ શોકનું કારણ નહિ – એવી આત્મસંતોષની વૃત્તિ રાખી શકીએ. અથવા તો બેમાંથી એક જ નહિ, પણ બંને એમ પણ આપણે નિર્ણય કરી શકીએ. પરંતુ એમ કરવામાં સામસામા કારણથી અસંતોષનો ધૂમાળો અગ્નિ વખતોવખત સળગ્યા કરવાનો અને આપણા કૂંળા પ્રયત્નને બાળ્યા કરવાનો સંભવ છે. તે માટે કાર્ય કરવું હોય તો તેની સ્પષ્ટ રૂપરેખા દોરી લેવી જોઈએ અને તે માટે જે કાંઈ યોજના ઘડવી તથા અમલમાં મૂકવી પડે તે વિષે વિચાર અને નિર્ણય કરી લેવો જોઈએ. આમ કર્યા પછી અસંતોષતું કારણ નહિ રહે, અને રહેશે તો તે એટલું નિયમન કરવા કામ લાગશે કે જેથી વહાણ એક બાજુના ભારથી નમી ન પડે અને ઉભય તરફ સરખું વજન રહી સમતાથી ચાલે.
(૨) બીજું – કાર્યની રૂપરેખા વિષે કાંઈ વિચાર કરતાં પહેલાં મતભેદનો એક બીજો વિષય પણ આપણે ચોખ્ખો કરી નાખવો જોઈએઃ સાહિત્યપરિષદે કેળવવાનું, પોષવાનું સંવર્ધવાનું સાહિત્ય કયું? સકલ વાઙ્મય, કે એનો એક પ્રદેશ કવિતા – નામ, શબ્દ અર્થ અને રસમાં આવિર્ભૂત થતી આત્માની કલા? અહીં પણ પાછો બે વચ્ચે વિકલ્પ – બેમાંથી એક પસંદ કરી લેવાનો પ્રસંગ – ઉત્પન્ન થાય છે, પણ તેમ ન કરતાં બેનો સમુચ્ચય – બંનેનો એક સાથે સ્વીકાર કરીએ તો શું? પરંતુ એમાંનું બીજું સંકુચિત અર્થમાં સાહિત્ય યાને કવિતા, એને સાહિત્યપરિષદ કેટલે અંશે ઉપજાવી શકે એ પણ એક વિચારવા યોગ્ય પ્રશ્ન છે.
(૩) ત્રીજું – પૂર્વોક્ત કાર્ય માટે સ્થાયી અને સુઘટિત એવી સંસ્થા રાખવી સારી કે પરિષદે પોતે પોતાના વિચારમન્ત્રી અને પ્રમુખ દ્વારા, અન્ય સ્થાયી સંસ્થાઓને જણાવી, એની પાસે કામ કરાવવું એ ઠીક? અહીં પણ પણ બે જુદી જુદી ભાવના સંભવે છેઃ એક ‘સદ્યોવધૂ’ની અને બીજી ‘બ્રહ્મવાદિની’ની અર્થાત્ એક મત એવો કે પરિષદે તરત ગૃહસ્થાશ્રમ માંડવો. એના ક્લેશ, કઠણાઈ અને કર્તવ્યભારથી ડરી ન જતાં, એને સુન્દર રીતે ધીરતાથી અને વીરતાથી ચલાવવો; બીજો મત એવો કે પરિષદે ગૃહસ્થાશ્રમની જંજાળમાં ન પડવું. ‘બ્રહ્મવાદિની’ રહેવું, ‘બ્રહ્મોદ્ય’ના સ્વતન્ત્ર કાર્યમાં જ સર્વ શક્તિ વાપરવી. મને લાગે છે કે પરિષદે પોતાના બંધારણનો કાયદો ઘડ્યો, પોતાનું મંડળ બાંધ્યું અને ધનપરિગ્રહ કર્યો ત્યારથી એનું સ્વતન્ત્ર છૂટું જીવન પૂરું થયું અને પ્રથમ પક્ષ જ હવે વિચારવાનો રહ્યો. પરંતુ ઉપનયનસંસ્કાર પામી ઝટઝટ બ્રહ્મચર્ય સંકેલી લઈ વિવાહિત થઈ જવું એ એક અન્તની કોટિ છે, તેમ યાવજ્જીવ બ્રહ્મવાદિની જ રહેવું એ બીજા અન્તની કોટિ છે. બે કોટિની વચ્ચે મધ્યમ પ્રતિપદા (મધ્યમ માર્ગ)એ છે કે બ્રહ્મચર્ય પળાઈ તદન્તર્ગત વિદ્યાભ્યાસ થઈ જાય એટલે સંસારમાં જોડાવું. પરિષદનો આ શાસ્ત્રોક્ત બીજો કાળ આવી ગયો છે એમ એનું વય (૨૩ વર્ષ) જોતાં માની શકાય. અને બ્રહ્મચારી કરતાં ગૃહસ્થાશ્રમી વધારે લોકોપકાર કરી શકે એ પણ સ્પષ્ટ છે.
આ ત્રણે વિચારણીય પ્રશ્નોમાં સમુચ્ચયનું દૃષ્ટિબિન્દુ ધ્યાનમાં રાખી તેમજ એક એક પક્ષની મર્યાદા બતાવી મેં ગઈ પરિષદ વખતે પરિષદના કાર્ય સંબન્ધી જે ચર્ચા કરી હતી એનું સ્મરણ આપવામાં આપનો કાંઈક સમય લઉં તો તે ક્ષમા કરશો. મેં કહ્યું હતું:
“અત્યાર સુધીમાં સાહિત્યપરિષદમાં નિબન્ધો ઘણા વંચાઈ ગયા, હવે તો સાહિત્યપરિષદે કાંઈ કામ કરી બતાવવું જોઈએ એવા ઉદ્ગાર આપણે ઘણીવાર સાંભળીએ છીએ, અને પરિષદની દૃષ્ટિ સંસ્થાઓ રચવા તરફ અત્યારે વળતી અને વાળવામાં આવતી આપણે જોઈએ છીએ. હાલનો જમાનો વિશેષતઃ યન્ત્રોનો, સંસ્થાઓનો છે. અને એ દ્વારા ઘણું કાર્ય થઈ શકે છે એ અમે માનીએ છીએ. પણ અનાજ ઓર્યા વિનાની ઘંટી ઘર્ષણ જ કર્યા કરે, એમાંથી લોટ નીકળે નહિ – એટલું ધ્યાનમાં રાખીને જ ઘંટી ફેરવવા અમારા ભાઈઓને અમારી વિનંતિ છે. કોઈ કહેશે કે અનાજ પણ ઘંટીમાં આકાશમાંથી ઊતરશે? અનાજ ઉત્પન્ન કરવા માટે પણ ખેતીની યાન્ત્રિક યોજના જરૂરની છે. આ કહેવું ખરું છે; પણ અર્ધું જ ખરું છે. મનુષ્ય જીવે છે – સુન્દરતાથી જીવે છે – તે માત્ર અનાજ ખાઈને જ નહિ; પણ સુન્દર વૃક્ષો ઉપરથી લચતાં ફળ ખાઈને પણ. એ ફળ ઘંટીમાં ઓરાતાં નથીઃ प्रीतिर्मधुररसार्द्रासु मञ्जरीष्विव जायते તેમ તે સાથે મનુષ્યને અનાજની પણ જરૂર છે. આ રીતે સાહિત્ય સૃષ્ટિના બે ભાગ પડે છેઃ એક અનાજ અને એક ફળ – એક યાન્ત્રિક યોજના યાને સંસ્થાઓ દ્વારા ઉત્પન્ન થતો જ્ઞાનરાશિ, અને બીજો નૈસર્ગિક રીતે કવિપ્રતિભાના કલ્પતરુ ઉપર ફળરૂપે જામતો રસપ્રવાહ. આ બેમાંથી રસપ્રવાહ ઉત્પન્ન કરવામાં પરિષદ બહુ ન કરી શકે, અને એ ન કરી શકે એમાં એની હીનતા પણ નથી, કારણ કે એ કાર્ય એના ઉદ્દેશમાં હોઈ જ ન શકે. એનું વિશેષ કાર્ય જ્ઞાનરાશિ ઉપજાવવાનું છે – જો કે જ્ઞાન અને રસ વચ્ચે જેટલો સંબંધ છે તેટલા પૂરતી જ્ઞાનની કરેલી સેવા રસને પણ ઉપકારક થાય છે. ઉપરની ઉપમા ફરી ઉપયોગમાં લઈને બોલીએ તો વનનાં ફળ પણ હવે બગીચામાં પ્રયત્નપૂર્વક ઉગાડીને વધારે રસીલાં અને સુન્દર બનાવવામાં આવે છે, તેટલા પૂરતી પરિષદ પણ કુશળ બાગવાનનું કામ કરે તો કવિપ્રતિભાનાં ફળને પણ તેવાં જ બનાવી શકે. પણ આ કાર્ય એને માટે હજી કઠણ છે, એનું વિશેષ કાર્ય જે જ્ઞાનરાશિ ઉપજાવવાનું તે પરિષદ વધારે સારી રીતે કરી શકે. પરિષદ આગળ બહોળાં અણખેડ્યાં ક્ષેત્ર પડ્યાં છે, અને અમે આશા રાખીએ છીએ કે એ ખેડવા માટે, એમાં ખાતર પૂરવા માટે, નાના નાના જમીનના કકડા એકઠા મેળવવા માટે, નવા કૂવા ખોદવા માટે, પાણીની નહેરો ખેતરમાં વાળવા માટે, ખેડૂતોનાં પરસ્પર સહાયક મંડળો રચવા માટે, પરિષદ વિશાળ અને વિવિધ યોજના પરિષદ આગળ રજૂ કરશે.”
ગઈ પરિષદે પરિષદમંડળ સ્થાપીને અને તે સાથે પોતાનું અસ્તિત્વ અને નિયામક શક્તિ કાયમ રાખીને, યન્ત્ર અને જીવન બંનેનો સમન્વય કરવા પ્રયત્ન કર્યો છે. આ રીતે આપણે અત્યારસુધી અશરીરી રહેલા આત્માને શરીરી કર્યો છે, જેથી એ વિશેષ કાર્યસાધક થઈ શકે. (જૂની વાંચનમાળામાં “ત્રણ દૈત્યની વાત”માં ઉદકપ્રવાહના પુત્ર વરાળિયાની વાત સ્મરણમાં લાવવા જેવી છે.)
આપ પૂછશો કે પરિષદના આત્માએ દેહ ધારણ કર્યા પછી શું શું કાર્ય કર્યું? પરિષદમંડળના આવેદનપત્રથી એ આપના જાણવામાં આવશે. પણ એટલા કાર્યથી આપને અસંતોષ રહેશે તો એ ‘દિવ્ય અસંતોષ’ અભ્યુદયનું જ બીજ છે એમ વિચારી અધિકારી મંડળ આનન્દ પામશે. પણ હું એક વાત આપને ધ્યાનમાં લેવા વીનવું છું. પરિષદમંડળ એટલે આપણે પોતે જ આપણે જો ધાર્યા જેટલી ગૂજરાતી સાહિત્યની સેવા કરી શક્યા નથી તો તેનું કારણ શું? આપણા આ ક્ષેત્રમાં તેમજ અન્ય દિશામાં અનેક પ્રયાસો ઢીલા પડે છે એ કોઈપણ સાચા દેશહિતચિન્તકને જણાયા વિના રહે એમ નથી. એનું કારણ જરા તપાસીએ.
કવિ મિલ્ટને કહ્યું છે કે કવિ થવા માટે કવિનું જીવન એક કાવ્ય હોવું જોઈએ. અને એમ હોય તો વ્યષ્ટિસમાષ્ટિન્યાયે આ પણ સત્ય નથી કે જનસમાજના હૃદયમાંથી કાવ્ય ઉદ્ભવવા માટે જનસમાજ પોતે કાવ્યરૂપ હોવો જોઈએ? અને કાવ્યરૂપ હોવું એટલે ‘એપીક’, ‘ડ્રામેટીક’, ‘લીરીક’ ત્રણે તત્ત્વોથી ભરપૂર હોવું; અર્થાત્, એના જીવનમાં વીર અને અદ્ભુતપ્રધાન મહાકાવ્યના સર્ગો સર્જાવા જોઈએ, એનાં પાત્રોમાં વિશિષ્ટતા વિવિધતા અને અલૌકિક સંવિધાન ભર્યાં જીવનનાં નાટકો – અનુકરણ નહિ, પણ ભાવનાચિત્રો – પ્રકટ થવાં જોઈએ, તથા એનું હૃદય રસના ઉછાળાથી ઊભરાવું જોઈએ. આ અત્યારે આપણા જીવનમાં છે? આવું જીવન હોય અને તે પુષ્કળ હોય તો તેમાંથી સાહિત્યના ધોધ – કાંઈ નહિ તો જોસદાર ઝરણાં – વહ્યા વગર રહે નહિ, પણ તે વહે છે? આત્મજુગુપ્સાના દોષ વિના અને વિષાદને વશ થયા વિના, આપણે કહી શકીએ છીએ કે જગતને ચકિત કરે કે મોહ પમાડે એવી ભવ્યતા કે સુન્દરતા હજી આપણા જીવનમાં આવી નથી, આપણા જીવનમાં વિશિષ્ટતા કે વિવિધતા નથી, જે છે તે ઘણું સામાન્ય – ‘કોમનપ્લેસ’ – અને ‘એક તેવું બીજું’ જેવું છે. અને આપણી વૃત્તિઓ પણ નચિકેતાના બાપે યજ્ઞના દાનમાં આપી હતી તેવી દૂબળી ઘરડી અને વસૂકેલી ગાયો જેવી છે. આવી સ્થિતિમાં સાહિત્યની લક્ષ્મી – સાદો મરાઠી શબ્દ વાપરીએ તો ‘ભરભરાટી’ – ક્યાંથી સંભવે? અત્યાર સુધી તો મોહનિદ્રામાંથી જાગી, આંખો ચોળી, ઊંઘ ઉરાડી, આસપાસ દૃષ્ટિ ફેરવવામાં અને બહુ તો પથારીમાંથી ઊભા થવામાં આપણો વખત ગયો છે. પરાક્રમને પંથે તો પ્રજા હજી હવે જ ચઢે છે. ઉત્થાનકાળની ઝાડી અને ડુંગરાની કરાડોમાંથી પસાર થઈને શાન્તિની અધિત્યકાએ પહોંચ્યા વિના સાહિત્યનો યુગ જામતો નથી. જગતના સાહિત્યસમુલ્લાસના સુપ્રસિદ્ધ મહાન યુગો – જેવા કે યુરોપમાં ગ્રીસનો પેરિક્લિસ યુગ, રોમન સામ્રાજ્યનો વર્જિલ-હોરેસ યુગ, મધ્યયુગની મૂર્છામાંથી જાગતા ઈટાલિનો ડૅન્ટી – પેટ્રાર્ક યુગ, લાલ સફેદ ગુલાબનાં યુદ્ધથી ખુવાર થઈ ગયા પછી પરદેશી સાહિત્ય અને સ્વદેશી પરાક્રમના અમૃતસિંચનથી ફૂલ્યો-ફાલ્યો એલિઝાબેથ યુગ; અને આપણા દેશના ઇતિહાસમાં દૈવાસુરસંગ્રામમાંથી આર્યતાના જીવનની મૂર્તિ ઘડનાર રામાયણ અને મહાભારત યુગ, સંસ્કૃત અને પ્રાકૃતના સમુલ્લાસથી અંકિત ગુપ્ત યુગ, હર્ષવર્ધન યુગ, યશોવર્મા યુગ, રાષ્ટ્રકૂટ ચાલુક્ય અને પરમાર યુગ, અને અર્વાચીન સમયમાં આવતાં મોગલપાદશાહી અને હિન્દુપદપાદશાહીના ભાષાયુગ – ઇત્યાદિ સર્વ યુગો એક જ મહાન નિયમ પોકારી રહ્યા છે કે ક્ષોભ – મન્થન – વિગ્રહ એ વિના ખરી શાન્તિ નથી, અને શાન્તિ વિના સાહિત્ય નથી. આમ ક્ષોભ અને શાન્તિ ઉભય પરસ્પર વિરુદ્ધ દીસતાં કારણોમાંથી સાહિત્યનાં અમૃત નીકળે છે. જડ જર્જર જીવનનો નાશ એ જીવનના પુનરુલ્લાસ માટે આવશ્યક છે. પાન ખરે છે ત્યારે જ નવી કુંપળો ફૂટે છે. આમ જીવનની વિષમતા એ સાહિત્યની માતા બને છે. અત્યારે આપણા દેશનું જીવન એવી વિષમતામાંથી પસાર થઈ રહ્યું છે, અને એ વિષમતામાંથી પ્રજામાં જે નવજીવન પ્રકટ્યું છે – ભાઈ મુનશીનો શબ્દ વાપરું તો જે – ‘મૂલ્યપરિવર્તન’ (‘ચેય્ન્જ ઑફ વેલ્યુઝ’) થઈ રહ્યાં છે, એમાં જ આપણા ભવિષ્યના સાહિત્યની આશા રહેલી છે. આથી એમ ન સમજાવું જોઈએ કે આપણા જીવનનું વહાણું હજી હવે જ વાય છે. દુર્ગારામ મહેતાજીના સમયથી જે પહો ફાટવા માંડ્યો હતો એમાંથી હવે ધીમે ધીમે ‘અરુણું પ્રભાત’ થતું આવે છે, અને જીવનના જે પ્રદેશમાં જોશો તેમાં એ જીવનનો વિસ્તાર અને વિકાસ થતો જ અત્યારે નજરે આવશે. પરંતુ સ્મરણમાં રાખવું પડશે કે મનુષ્યજીવનનાં ઉત્સર્પણ એક સીધી લીટીમાં, ઊભી સીડીનાં પગથિયાં પેઠે કે આકાશમાં ચઢતા સૂર્યની પેઠે, એકસરખાં થતાં નથી. ઘણી વાર એનું દર્શન અને ઘણી વાર એનું વિનશન (લોપ) થાય છે. પણ એ વિનશનમાં આગળની ગતિ માટે બળસંચય થતો હોય છે. ભાવના પણ કેટલીક વાર દીપ્તિમંત તો કેટલીક વાર ઝાંખી થાય છે, તેમાં ઝાંખપનો કાળ એ ઘણી વાર વિશ્રામનો હોય છે, એટલે જેટલો વિશ્રામ તેટલી જ એમાં આગળ વધવાની તૈયારી વા કોઈ નવા માર્ગની શોધ ગૂઢ રીતે ચાલતી હોય છે.
મીરાંનાં પદ, નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં, પ્રેમાનન્દનાં આખ્યાન, સામળભટના છપ્પા અને વાર્તા, અખાની જ્ઞાનવાણી, ભોજા ભગતના ચાબખા, દયારામની ગરબીઓ, ઇત્યાદિ મધ્યકાલીન ગૂજરાતનું ઘેર ઘરે ગાવાતું અને પ્રેમથી સંગ્રહાતું સાહિત્ય છે. એના ગુણ અને ગુણની મર્યાદાનું ચિન્તન રસિક છે. પરંતુ એ સર્વ અત્યારે ‘દૈવતરૂપાંકિત’ યાને લક્ષ્મીપૂજનમાં પ્રતિષ્ઠિત થઈ ગએલું એવું સાહિત્યદ્રવ્ય છે, વ્યવહારમાં ઉપયોગી થાય – જેના આધાર ઉપર આપણા નવા જમાનાનો વહેવાર ખેડીએ – એવું એ દ્રવ્ય નથી. ભવિષ્યની આશા કેટલે અંશે સકારણ છે એનો જ્યાં વિચાર કરવાનો છે ત્યાં વર્તમાન સ્થિતિની જ સમાલોચના ઉપયોગી અને પ્રાસંગિક છે. તે માટે, એની ન્યૂનતાના કારણથી નહિ, પણ પ્રસ્તુત વિચાર માટે અનુપયોગિતાના કારણથી, એ જૂના સાહિત્યને રહેવા દઈ – આપણા અર્વાચીન સાહિત્યની ગઈ સાઠીના ઇતિહાસ ઉપર જ નજર ફેરવીએ. એ સાહિત્યને આપણે કાલક્રમના ત્રણ ખંડમાં વહેંચી શકીએ છીએઃ પહેલા ખંડનું ખાસ લક્ષણ જ્ઞાનવૃદ્ધ માટે સભાઓનું સંસ્થાપનઃ ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી, બુદ્ધિવર્ધક સભા, જ્ઞાનપ્રસારક સભા, ફૉર્બસ સભા, ઇત્યાદિ, અને એમાં ગુજરાતી સાહિત્યને સેવા કરનાર મહાપુરુષો ફૉર્બ્સ, ભોળાનાથ, મહીપતરામ, નન્દશંકર, દલપતરામ, નર્મદાશંકર, મનસુખરામ, રણછોડભાઈ, ઝવેરીલાલ, નવલરામ, વ્રજલાલ શાસ્ત્રી, ભગવાનલાલ ઇન્દ્રજી, ઇત્યાદિઃ એ પુરુષોને હાથે ઐતિહાસિક શોધ, કવિતા, નવલકથા, નાટક, તત્ત્વજ્ઞાન અને વિવેચનશાસ્ત્રના પાયા નંખાયા. એમાંના એક ભગવાનલાલ ઇન્દ્રજીનું સ્થાન તો પ્રાચીન શિલાલેખના શોધક અને અભ્યાસક તરીકે અર્વાચીન હિન્દુસ્થાનના મહાન વિદ્વાનોમાં છે. પરંતુ એ જમાનામાં અંગ્રેજીનો અભ્યાસ હાલ જેટલો વિશાળ ન હતો, અને જીવન હાલ કરતાં ઘણું ઓછું સંકુલ હોઈ એના વિચારમાં વિશેષ સાદાઈ હતી. એનું પ્રતિબિમ્બ તે વખતની કવિતામાં નાટકમાં તેમ જ નવલકથામાં આપણે જોઈએ છીએ. ઘડીકમાં સભાનું મનરંજન કરી દે એવી દલપતરામની કવિતા. નર્મદનાં સૃષ્ટિસૌન્દર્યનાં અને ઋતુવર્ણનનાં કાવ્યો વિગતભર્યાં પણ મર્મગ્રાહી નહિ. એમનાં શૃંગાર વીર અને દેશભક્તિ રસના ઉછાળા તેમાં કૃત્રિમતા નહિ તેમ કલા પણ નહિ, માત્ર સીધો અને પ્રબળ આવેશ. “જયજય ગરવી ગૂજરાત! દીપે અરુણું પ્રભાત” એ ઉત્થાનિકામાં આપણી માતૃભૂમિની ઉચ્ચ, ઉદાર અને મનોહર સ્વરે જયઘોષણા, પણ તે પછી એ ઘોષણાના સ્વરને આકાશમાં ટકાવી રાખે એ બલવતી પ્રતિભા નહિ, ગુજરાતનાં ઇતિહાસ અને ભૂગોળ ઉદાત્તાલંકારથી જે કાંઈ ઊંચાં સ્મરણો કરાવી શકે તે કરાવીને, અન્તે ‘કોની કોની છે ગુજરાત’ એમ નિશાળિયાઓ એકે અવાજે ઉચ્ચારે એવું કથન. રણછોડભાઈના ‘લલિતાદુઃખદર્શક’ નાટકની કળા સહજ સમજી લેવાય એવી. ‘કરણઘેલો’ અને ‘વનરાજ ચાવડો’ એમાં, વિશેષરૂપે ‘કરણઘેલા’માં, ઐતિહાસિક સમયનું ચિત્ર સાદું અને સુન્દરઃ તથા તે વખતના આચારવિચાર તથા કોમળ સ્ત્રીપુરુષના મનોભાવના વર્ણનની શક્તિ સારી; અને સાદી પણ ઊંચવર્ણી, ભાષાનું બળ ધ્યાન ખેંચે એવું. નવલરામ ગુજરાતી ભાષાના વિદ્વાન, પણ એમની વિશિષ્ટતા સાહિત્યવિવેચનમાં. એમનામાં સાહિત્યના ગુણદોષ સમતોલબુદ્ધિથી પારખવાની અદ્ભુત સ્વાભાવિક શક્તિ, પણ બહુ વિશાળ સાહિત્યના જ્ઞાનથી એ સંસ્કાર પામેલી નહિ, તેમ વિશાળ બનેલી પણ નહિ; જેવું તે સમયનું સાહિત્ય, તેને અનુરૂપ એમની વિવેચના; પરંતુ તે સાથે આગામી સમય સમજવા જેટલી ઉદાર સહૃદયતા ખરી, અને તેથી ‘કુસુમમાળા’નું ગુણદર્શન. મનઃસુખરામભાઈનું વેદાન્ત તે ‘વિચારસાગર’, ‘પંચદેશી’ અને ‘શાંકરભાષ્ય’નો શબ્દાર્થ અને વાક્યાર્થ અને ‘સંપ્રદાયસિદ્ધ’, અર્થ જાણવા પૂરતું, અને એમની પિપાસા પણ સાંપ્રદાયિક જ્ઞાન માટે જ; પણ તે માટે ખરા હૃદયનો પ્રેમ અને આગ્રહ આ સમયમાં ઝવેરલાલભાઈએ ‘શાકુન્તલ’ અને ‘મનુસ્મૃતિ’નાં ભાષાન્તર કર્યાં, એની કિંમત આ માર્ગની આદ્ય કૃતિઓ તરીકે સારી. એ જમાનાના કાર્યની મારી આ વિહંગદૃષ્ટિથી આપને કદાચ લાગશે કે હું એની કદર કરવામાં મન્દ છું. પણ વસ્તુતઃ તેમ નથી. હું એટલી જ દૃઢતાથી માનું છું કે નર્મદાશંકરમાં સાચું હૃદયનું કવિત્વ હતું, કવિત્વના અનેક પ્રદેશમાંથી એમણે પોતાની શક્તિ પ્રસારી છે. એમના અનન્યસાધારણ કવિજીવન માટે, એમના નીડર સાંસારિક જીવન માટે, એમણે ઉત્તમ કાળમાં દર્શાવેલી વિરલ સત્યનિષ્ઠા અને ઐતિહાસિક દૃષ્ટિ માટે (પછી ભલે એમાં આપણે સંમત થઈએ વા ન થઈએ) તેમજ એકલ હાથે ગૂજરાતી ભાષાની એમણે કરેલી સેવા માટે મારું શિર એમને ચરણે નમે છે. દલપતરામની શાણી કવિતા – એનાં સાદાં સીધાં રમુજી વર્ણન, વાર્તાશૈલી અને મીઠો હાસ્યરસ મને આનન્દ આપે છે. સાદી ગુજરાતી ભાષા કેટલું કામ આપી શકે છે એ દલપતરામ અને નન્દશંકર જેવું કોઈએ બતાવ્યું નથી. નન્દશંકરનો કરણઘેલો આપણે આનન્દથી વાંચીએ છીએ, અને વર્તમાન સમયની સંકુલતાથી કંટાળેલા આપણે ઘણીવાર એ ભૂતકાળની સાદાઈ તરફ વળીએ છીએ – જેમ બ્રાઉનીંગ શૈલી કાર્લાઈલ કે મેરેડિથની ઊંડી ખીણોમાંથી નીકળી કોઈવાર ગોલ્ડ્સ્મિથ અને સ્કૉટની સપાટ ભૂમિમાં વિહરવાનું મન કરીએ તેમ. નવલરામની પારખ અને સમતોલપણું વિવેચનના કામમાં આજ પણ દુર્લભ છે. મનઃસુખરામે દેશી રાજ્યની ખટપટ અને જાહોજલાલીમાં વિચરતાં છતાં, વિદ્યા પ્રત્યે જે સાચો પ્રેમ અને આદર, સંસ્કૃત ઉપર અભિરુચિ અને શ્રમ, ભાષાનું વલણ તથા આવશ્યકતા સમજવામાં દીર્ઘદર્શિતા દર્શાવ્યાં છે એ ભુલાય એમ નથી. રણછોડભાઈએ સમયોચિત રસિક નાટકોથી ગૂજરાતમાં સંસારસુધારાના પ્રશ્નો જોવા પ્રજાને જાગૃત કરી હતી. હરગોવિન્દદાસભાઈ પ્રથમ ખંડના હોઈને એમનું કામ બીજા ખંડમાં થયું છે, એમનો સંસારસુધારાનો, કેળવણીનો, અને પ્રાચીન ગુજરાતી કાવ્યોનો શોખ સાચો અને પુષ્કળ છે, પણ એમાં વિચારની ઊંડી ગડમથલમાં એ ઊતર્યા નથી. પણ નાથાશંકરની સહાયતાથી અને મહારાજાશ્રી સયાજીરાવ તથા મણિભાઈ જશભાઈની ઉદાર રાજ્યનીતિના આશ્રયથી ‘પ્રાચીન ગુજરાતી કાવ્યમાળા’ પ્રસિદ્ધ કરવામાં એમણે જે શ્રમ ઉઠાવ્યો છે અને હજી પણ સ્વાશ્રયભાવે ઉઠાવે છે તે માટે ગુજરાત એમનું સદાનું ઋણી રહેશે. આ સર્વ લેખકોમાંથી હરગોવિન્દદાસ ઉપરાંત નર્મદાશંકર અને નવલરામ તે પછીના યુગ સાથે પોતાના યુગને સાંધે છે. આ બીજા યુગના સાહિત્યકારો તે ગોવર્ધનરામ, મણિલાલ, હરિલાલ, બાળાશંકર, નરસિંહરાવ, કેશવલાલ, ડાહ્યાભાઈ, નૃસિંહાચાર્ય, કમળાશંકર, ઇત્યાદિ અને એમના નાના ભાઈઓ – રમણભાઈ, મણિશંકર, કૃષ્ણલાલ, બળવંતરાય, કલાપી, વગેરે. આ યુગની મહાન કૃતિ ગોવર્ધનરામનું ‘સરસ્વતીચંદ્ર’ – પ્રાચીન આર્ય ભાવના, વર્તમાન જનસમાજ, અને પાશ્ચાત્ય અંગ્રેજી કેળવણીની અસર – એ ત્રિવેણીની ભમરીઓનું આપણને દર્શન કરાવે છે. એની અદ્ભુત કલ્પના, પાત્રાલેખન, અને ચિત્રણકલા, ગૌરવભરી બુદ્ધિ, સૂક્ષ્મ વિચારશક્તિ અને યુગાનુરૂપ ભાષા તથા શબ્દભંડાર, આ ગુણો ગૂજરાતી સાહિત્યના ઇતિહાસમાં એ મહાન કૃતિને અદ્વિતીય પદ અપાવે છે, અને મારા નમ્ર મત પ્રમાણે જગતના સાહિત્યમાં અત્યારે કોઈ પણ ગૂજરાતી પુસ્તકને સ્થાન મળવું યોગ્ય હોય તો તે ‘સરસ્વતીચન્દ્ર’ને જ છે. એ કૃતિ ગૂજરાતી સાહિત્યમાં – સંસ્કૃત સાહિત્યમાં ‘કાદમ્બરી’ની પેઠે – જો કે જુદા જ ગુણોથી – અમર રહેશે. છતાં પણ કહેવું જોઈએ કે આજે એ પુસ્તક વિષે બહુ બોલાતું લખાતું નથી, કારણ કે પ્રજાની સહૃદયતા કાંઈક બીજે માર્ગે વહેવા લાગી છે, જેમાં વિસ્તીર્ણ કથાનું સ્થાન ટૂંકી વાર્તાએ અને જ્ઞાનભરી કલાનું સ્થાન કેવળ કલાએ લીધું છે. અત્યારના વિવેચનશાસ્ત્રમાં વિચાર કરતાં કલાની સમરેખતા, અને ભાવના કરતાં યથાસ્થિત જીવન વધારે પસંદ થાય છે. જો કે ‘સરસ્વતીચન્દ્ર’માં પૂરેલા, ભાવનાના જગતમાં વિરહતા, મનુષ્યહૃદયની વૃત્તિઓના રંગ કદી પણ ઝાંખા પડશે નહિ, તથાપિ એની વિચારમાલાનાં ફૂલ હવે વાશી થવા લાગ્યાં છે એમ ઘણાને જણાય છે. નરસિંહરાવે ‘કુસમમાળા’માં ગૂજરાતને એક નવી જ ભૂમિનું દર્શન કરાવ્યું. અને ગુજરાતમાં જો કીટ્સ જેવો કવિ હોત તો ચૅપમેનનો હોમર વાંચીને એના મનમાં સ્ફુરેલા ભાવ એક સૉનેટમાં જેમ એણે અમર કર્યા છે તેમ આપણો કવિ કરત. માત્ર એ ભૂમિના લાક્ષણિક સ્વરૂપમાં ભવ્યતાને બદલે સૌન્દર્ય એ જુદી વાત. ‘કુસુમમાળા’ એક અપૂર્વ કૃતિ છે અને નથીઃ એ સર્વથા અપૂર્વ પ્રતિભાથી સર્જાયેલી નથી. એમાં પશ્ચિમની કવિતાનું, વિશેષ ભાગે પાલગ્રેવની ‘ગોલ્ડન ટ્રેઝરી’ની ચોથી કરંડિકાની કવિતાનું, અને તેમાં સહુથી વિશેષ વર્ડ્ઝવર્થના કવિહૃદયનું, અનુકરણ છે. અનુકરણ છે, પણ તે અનુવાદ નથી. અર્થાત્ એ નિર્જીવ પરાધીન ફોટોગ્રાફ નથી, પણ મૂળમાંથી પ્રેરણા પામી ઉપજાવેલું સ્વતન્ત્ર જીવતું ચિત્ર છે. પણ હજી આ કૃતિમાં આગલા જમાનાની સાદાઈ છે. ‘કુસુમમાળા’માં પ્રકટ થએલી નાનીશી શક્તિ ‘હૃદયવીણા’માં અને ‘નૂપુરઝંકાર’માં વધારે સમર્થ થાય છે. નવા આકાર પણ રચે છે. તે પછી કવિએ ‘સ્મરણસંહિતા’માં ટેનિસનના ‘ઇન્મેમોરિયમ’ની માત્ર આકૃતિ લઈ એમાં સ્વતન્ત્ર બળથી જ્ઞાન, શ્રદ્ધા અને કરુણરસની ત્રિવેણી વહેવરાવી છે. નરસિંહરાવની ‘કુસુમમાળા’ અને ‘હૃદયવીણા’ એ બે કૃતિઓએ એમના પાછળના ઘણા નાના મોટા કવિઓમાં કવિતા પૂરી છે. આ સર્વ હોઈને પણ, એમની કવિતાનું સ્વરૂપ અને ભાષાની વિશિષ્ટતા એવી છે કે એ સર્વને આકર્ષક ન થાય, જો કે જેને થાય તેને મુગ્ધ કરી મૂકે. નરસિંહરાવની કવિતામાં વિચાર કે ભાવનું વૈવિધ્ય, હૃદયનો જોસ કે નર્માળી આનન્દવૃત્તિ એ ગુણોની ખોટ છે. આ જાતની આનન્દવૃત્તિ જે ઊંચી કવિતા કરતાં ગદ્યને વધારે શોભે એ ‘સ્મરણમુકુર’માં ભરપૂર ભરેલી છે. પણ એ સ્વાનુભવરસિક કવિમાં સામાના હૃદયનું ભાન થોડું હોઈ અજાણ્યે એમણે કેટલાંક હૃદયને દુભવ્યાં છે, અને તેથી સાહિત્યના એક વિશિષ્ટ પ્રકાર તરીકે એની કિંમત ઊંચી હોવા છતાં એની પૂરી કદર થવામાં વાંધો આવ્યો છે. ‘વસન્ત’માં પ્રકટ થતી ‘વિવર્તલીલા’ ગંભીર આકાશમાં સ્વચ્છન્દે ઊડતા વિચારપંખીઓની શ્રેણિ છે. એ ઉપરાંત અભિનય સંગીત આદિ ઉપરના એમના નિબન્ધગ્રન્થ તે તે વિષયનો પૂરો અભ્યાસ બતાવે છે. નરસિંહરાવની સાહિત્યકાર તરીકે જેઓ ઊંચી કદર કરતા નથી તે પણ એક ઊંચા ભાષાશાસ્ત્રી તરીકે અને જોડણીના આગ્રહી આચાર્ય તરીકે એમને સ્વીકારે છે, અને વિવાદમાં એમની બુદ્ધિની એવી ઝીણવટ અને ચોકસાઈ છે કે એમને પહોંચી વળવું એ પૂર્વપક્ષ-ઉત્તરપક્ષમાં જીવન ગાળતા કાશીના પંડિતને પણ ભારે પડે. મણિલાલને બાહ્ય પ્રકૃતિ આકર્ષતી ન હતીઃ ‘કુસુમમાળા’નાં કુસુમો એમને નિર્ગન્ધ વિલાયતી ફૂલ લાગ્યાં. કારણ એ હતું કે એમની કાવ્યરુચિ મનુષ્યહૃદયના ભાવ ઉપર જ હતી. અને એ ભાવમાં પણ પ્રેમ, પ્રેમના ઘા, પ્રેમની ઠગાઈ સાચાઈ નિખાલસપણું, નિર્વેદ, આત્મનિમજ્જન, અભેદપિપાસા એમાં જ એમનું કવિહૃદય ડૂબેલું રહેતું એમણે એ એકતારા ઉપર જ કામ કર્યું છે, અને તે થોડું કર્યું છે, પણ જેટલું કર્યું છે તેટલું હૃદયવેધક છે. કવિ તરીકેની એમની ખામી એમની વિવેચકદૃષ્ટિમાં પણ ઊતરી છે. ગૂજરાતના સાહિત્યના ઇતિહાસમાં એમનું સ્મરણ કવિ કે વિવેચક તરીકે નહિ – જો કે એમનાં કેટલાંક કાવ્યો અને વિવેચનો ચિરાયુ રહે એવાં છે – પણ એક મહાન તત્ત્વજ્ઞાની અને સમર્થ ગદ્યકાર તરીકે રહેશે. એમનાથી દશ પંદર વર્ષ પછીનો અમારો જમાનો – બલ્કે ફિલૉસોફિના તે વખતના ગ્રૅજ્યુએટો પણ હજી મિલના જનહિતવાદમાં અને બુદ્ધિવાદમાં ભરાઈ રહ્યા હતા. તે વખતે મણિલાલે ‘નિઓ-હેગેલિયનિઝમ’ યાને અભિનવ હેગલના તત્ત્વજ્ઞાનનું પાન કરી લીધું હતું, અને એમનું અભિનવ વેદાન્ત ગૂજરાતને પાઈ રહ્યા હતા. એમના પહેલાંના ગદ્યસાહિત્યમાં, નર્મદાશંકર અને નવલરામની ભાષામાં કેટલીક ખૂબી હતી, પણ અદ્ભુત બળ વીર્ય અને અભિમાનભરી મણિલાલની ગદ્યશૈલી ગૂજરાતી ભાષામાં એકલી જ વિરાજે છે. સુફી હૃદયનો અને સુફી કાવ્યનો ગૂજરાતને પરિચય કરાવનાર કવિ બાળાશંકર, મણિલાલના એ મિત્ર, અને મણિલાલને સુફી ગઝલનો શોખ લગાડનાર પણ એ જ. જાત અનુભવ અને દિલદર્દથી એમની કવિતા અંકાયેલી છે. હરિલાલ ધ્રુવની સાહિત્યસેવા જુદા જ પ્રકારની છે. ભાષાની કર્કશતા, સંગીતની વિષમતા, એ એમની કવિતાના દોષો છે, તેમ તે ગુણ પણ છે. એ ગુણોએ જ એમના કાવ્યમાં અનન્યસાધારણ જુસ્સો પૂર્યો છે. એમનો દેશભક્તિનો વેગ નર્મદાશંકરનું સ્મરણ કરાવે છે, પણ એમના કરતાં એ બહુ આગળ જાય છે. જેમ બાયરનના પુષ્કળ લખાણમાંથી ચિરસ્થાયી થાય એવું થોડું જ રહે છે. તેમ હરિલાલ ધ્રુવના કાવ્યકુંજમાંથી સૂકી ગૂંચવાએલી લતાઓ ઘણી નીકળી જશે; છતાં છેવટે કેટલીક ડાળીઓ રહેશે, જે દેશભક્તિના રસથી ઉછળતી સદા ઝૂલ્યાં કરશે. આ યુગના બીજા સાહિત્યસેવકોમાં ભીમરાવ, કેશવલાલ, ડાહ્યાભાઈ, છગનલાલ, નરસિંહાચાર્ય, કમળાશંકર, અને વયમાં પછીના યુગના હોઈને પણ પૂર્ણયુગના ઉત્તરાર્ધમાં જેમણે સાહિત્યસેવા કરી છે એવા નગીનદાસ સંઘવી, એમાં ડાહ્યાભાઈનું “બુલબુલ” એના હૃદયના આવેશથી નિખાલસ ઉદ્ગારથી અને લલિત પદાવલીથી અને ભીમરાવનું ‘આ અણગણ તારાવૃન્દ દીપે શ્યામ નિશામાં’ ઇત્યાદિ સુરપાળની છાવણીનું ચિત્ર એની મર્મગ્રાહી ભવ્યતા અને વિષયાનુરૂપ પદ્યબન્ધથી મન હરે છે. એ કાવ્યના કવિઓએ એમની અન્ય કૃતિઓ હોઈને પણ – એક એક કાવ્ય થકી જ ગૂજરાતી સાહિત્યમાં ચિરંતન સ્થાન પ્રાપ્ત કર્યું છે. દોલતરામની પ્રભાવશાલી સંસ્કૃત સરણિ અને નગીનદાસ સંઘવીની દલપતશાહી છતાં સંસ્કૃત પાંડિત્યવાળી કવિતા એ પણ આ યુગમાં ધ્યાન ખેંચે છે. નૃસિંહાચાર્યે નવી કેળવણીના ધોરી માર્ગથી જુદી જ શ્રેણિએ કામ કર્યું છે. સામાન્ય તેમજ કાંઈક વિચારશીલ જનની ધાર્મિક તૃષા છીપાવે, અને વર્તમાન જમાનાના વહેણમાં ન તણાતાં કુશળ રીતે સંસાર ચલાવવાનો સ્ત્રીઓને પણ માર્ગ બતાવે, એવા વાર્તાનિબન્ધો સાદી ભાષામાં અને આકર્ષક સ્વરૂપમાં એમણે લખ્યા છે. મણિલાલ પેઠે એ પણ આપણા જનસમાજને પ્રાચીન સંસ્કૃતિ તરફ વાળવા યત્ન કરે છે, પણ તે મણિલાલ કરતાં વધારે મીઠાશથી, પણ ઓછા વિદ્યાબળથી અને ઓછા ભાષાબળથી. કમળાશંકરભાઈની શિષ્ટતા અને પ્રતિષ્ઠા અસાધારણ છે, પણ એમની સાહિત્યસેવા ઘણે ભાગે સંસ્કૃતને કરવામાં આવી છે અને તેથી ગૂજરાતી વાચકનું ધ્યાન એણે ઘણું ખેંચ્યું નથી. પણ એમની વિદ્વત્તાએ સંસ્કૃત વિદ્યાને કરેલી સેવાથી હિન્દુસ્તાનના વર્તમાન વિદ્વાનોમાં ગૂજરાતને અભિમાન લેવા યોગ્ય સ્થાન અપાવ્યું છે તે માટે ગૂજરાત એમનું ઋણી છે – કેળવણીકાર તરીકે પણ ગૂજરાતમાં એમનું સ્થાન મોટું છે. ડોળ નહિ પણ સત્ય; ગતાનુગતિકતા નહિ પણ સ્વમતમાં દૃઢતા; શિષ્ટતા, પણ તે સાથે પુરાણાપણું કાંઈક વિશેષ, જમાનાને રુચે તે કરતાં વધારે; પણ સર્વમાં સત્યનિષ્ઠાઃ એ એમની ખાસિયતો. ભાષાન્તરકાર તરીકે છગનલાલ અને કેશવલાલે મણિલાલ કરતાં અધિક યશ પ્રાપ્ત કર્યો છે. છગનલાલનું ‘કાદમ્બરી’નું ભાષાન્તર એ ગૂજરાતી ભાષાનું મહાન પરાક્રમ છે. કેશવલાલ બીજા ખંડના હોઈને પણ એમનું ઘણુંખરું કાર્ય એના ઉત્તરાર્ધમાં અને ત્રીજા ખંડમાં થયું છે. છતાં એની અત્રે જ નોંધ કરી લેવી ઠીક પડશે, ભાષાન્તર એ નિશાળિયાનો તરજુમો નથી પણ સાહિત્યનો એક માનવંતો પ્રકાર છે એનું ભાન પૂરેપૂરું ગુજરાતી વાચકને કેશવલાલભાઈએ જ કરાવ્યું છે. એમની ભાષાન્તરપ્રવૃત્તિ ‘અમરુશતક’ અને ‘ગીતગોવિન્દ’થી શરૂ થઈ ‘મુદ્રારાક્ષસ’, ‘વિક્રમોર્વશીય’, ‘પ્રિયદર્શિકા’ અને ભાસનાં નાટકો ઉપર ફરી વળી છે. એમાં યથાર્થ શબ્દશક્તિ, અને નાટકોનું સૂક્ષ્મ સંશોધન, તથા ઉપોદ્ઘાત માટે પુષ્કળ શોધ અને શ્રમ એ એમની કૃતિનાં લક્ષણ છે. આ ઉપરાંત પ્રાચીન ગૂજરાતીનો અભ્યાસ, એને લગતી શોધખોળ, નિર્જીવ કવિના કાવ્યની એક હસ્તલિખિત પ્રત જડતાં પણ ‘એક માત્રાલાઘવથી પુત્રોત્સવ માનનાર વૈયાકરણ’ જેટલો આનન્દ – આ એમના મોટા ગુણો છે. આ બીજી પ્રવૃત્તિમાં કેશવલાલભાઈ સાથે ડાહ્યાભાઈનો સહયોગ પણ ચાલુ જ છે. બીજા જમાનાના નાના ભાઈઓમાં, નવલરામનું સ્થાન રમણભાઈએ લીધું. નવલરામની સુન્દર વિવેચકબુદ્ધિ તેમજ સીધી વિશદ ભાષા રમણભાઈમાં આવી. પણ નવલરામ કરતાં રમણભાઈની વિદ્વત્તા ઘણી વધારે, તેથી એમનાં વિવેચન વધારે ઊંડાં, વિશાળ, અને ઉદાહરણથી સંપન્ન; અને ભાષાની સંસ્કૃતિ પણ વધારે ઊંચી; તથા શબ્દભંડાર વધારે મોટો; પણ રમણભાઈની વિવેચનશક્તિની કદર એમના યુવાવસ્થાના લેખોથી થાય છે એમાં કાંઈ ભૂલ દેખાય છે. એ લેખો અમુક પ્રકારની જ કવિતાથી પ્રેરાયા હતા, અને તેટલા પૂરતી એમની કવિતાની કસોટી એકદેશી થઈ છે. પાશ્ચાત્ય વિવેચનનાં તત્ત્વોની પોતાની બુદ્ધિમાં મિલાવટ, અને આપણા સાહિત્યના ઉદાહરણથી એની પરિપુષ્ટિ, એ એમનાં વિવેચનોનો વિશિષ્ટ ગુણ હતો. અને તેથી વર્તમાન જમાનાના વિવેચકોમાં એ આજસુધી પ્રથમ સ્થાને રહ્યા છે. રમણભાઈની પ્રકૃતિ ગંભીર સંસ્કારી અને શિષ્ટ હતી, અને તદનુસાર એમની સાહિત્યસેવા પણ એ જ પ્રકારની છે. ‘રાઈનો પર્વત’ વર્તમાન શિષ્ટ નાટકોમાં સર્વોત્તમ છે. ભાવના અને વાસ્તવિકતાનો એમાં વિરલ સંયોગ છે. પણ શિષ્ટતાની બહુ દરકાર ન કરનારો વર્ગ ‘ભદ્રંભદ્ર’ને જ ઊંચું પદ આપશે. ‘ભદ્રંભદ્ર’ એ અત્યુક્તિદ્વારા ઉપજાવાતા હાસ્યરસના પ્રકારનું આપણા સાહિત્યમાં એકનું એક ઉદાહરણ છે. ‘ગોલ્ડન ટ્રેઝરી’નું સ્મરણ જેમ નરસિંહરાવે કરાવ્યું તેમ ‘પિકવિક પેપર્સ’નું રમણભાઈએ કરાવ્યું. પણ એથી એ મહાન સાહિત્યકારોની હીનતા સમજવાની નથી. કારણ કે શેક્સપિયર, ટેનિસન, વગેરે અગણિત કવિઓ એ જ રીતે અન્ય કવિઓમાંથી પ્રેરણા લઈને કવિઓ બન્યા છે, છતાં એમની પ્રતિષ્ઠા ઓછી ગણાઈ નથી. રમણભાઈ સાથે બળવંતરાય અને મણિશંકરનાં નામ ઉપસ્થિત થાય છે. મણિશંકરનાં ‘વસન્તવિજય’ ‘સાગર અને શશી’ વગેરે કાવ્યો સુરેખ સૌન્દર્યના કટકા છે. એમાં શબ્દની અને અર્થની સુન્દરતા એક બીજા સાથે એવી મળી – ભળી છે કે એમને છૂટી પાડવી અશક્ય છે. એમણે સંગીતકલ્પ કાવ્યની સૂચના નરસિંહરાવમાંથી લીધી; સામે, ‘વસન્તવિજય’ની અપૂર્વ આકૃતિને ‘હૃદયવીણા’ના કવિએ અનુકરણનું માન આપ્યું. ‘થોડું પણ તે અતીવ સુન્દર’ એટલા શબ્દો ‘કાન્ત’ની મનોહર કાવ્યવૃત્તિ ઉપર સદા લખાયેલા રહેશે. એમના ધાર્મિક પરિવર્તને એમની કવિત્વશક્તિમાં વધારો ન કર્યોઃ એ સમયનાં કાવ્યોમાંથી થોડાંજ ચિરંજીવ રહે એવાં છે. બળવંતરાય ઠાકોર જેવી અનેકપ્રદેશસંચારી બુદ્ધિ નરસિંહરાવ અને રમણભાઈને બાદ કરતાં કોઈની જ નથી. કાવ્ય, નાટક, ગદ્ય, નિબન્ધ, ઇતિહાસ, વિવેચન, આદિ વાઙ્મયની ઘણી શાખામાં એમણે ગૂજરાતની સેવા કરી છે. પ્રૉફેસરને શોભતો વિચારનો પરિપાક એ એમની બુદ્ધિનું ખાસ લક્ષણ છે. એમનાં કાવ્યોમાં એના બંધારણને અનુકૂળ અસાધારણ અર્થગૌરવ હોય છે, અને કલાની ‘ટેક્નિક’ પારિભાષિક વિગત – ઉપર પુષ્કળ લક્ષ્ય દેવાય છે. પણ એમનાં કાવ્યમાં મોહકતા થોડી છે – એમનો રસ દ્રાક્ષનો નહિ પણ શેરડીનો છે. કલા ઉપર પુષ્કળ લક્ષ્ય છતાં, એમનો ઉદ્દંડ વિલક્ષણતાનો પ્રેમ એવો છે કે એને પરિણામે એમની કૃતિઓ ઘણીવાર વિષમ બને છે, અને ચૂંટી ચૂંટીને મૂકેલા અર્થભર્યા સુન્દર શબ્દોને અન્તે કે વચમાં એકાદ બેડોળ શબ્દ આવીને બેઠો હોય છે. પણ બળવંતરાય જે કરે છે તે બુદ્ધિપૂર્વક કરે છેઃ એમની ખામીઓ પણ પોતે જાણી જોઈને ગુણ માનીને ઉત્પન્ન કરેલી હોય છે. ‘કલાપી’ – ઠાકોરશ્રી સુરસિંહજી – મણિલાલ અને મણિશંકરમાંથી પ્રેરણા પામ્યા છે. પોતે સ્વભાવે નમ્ર અને ઉમદા હોઈ એ પ્રેરણા લેતાં સંકોચાયા નથી, પણ વસ્તુતઃ કવિત્વનો સ્ફુલિંગ એમનો પોતાનો જ છે, અને પ્રેમ, વિશ્વાસ, સ્વાર્પણ, અનુકમ્પા, – આદિ આત્મગુણના અનેક ટહુકા ‘સુરતાની વાડી’ના એ ‘મીઠા મોરલા’ને કંઠેથી નીકળ્યા છે. એમની ભાષામાં વિદ્યાનો સંસ્કાર નથી, પણ સાચી સીધી સાદી વાણીનો પ્રસાદ મન હરે છે. ‘કલાપી’ના મંડળના ‘જટિલ’ અને ત્રિભુવન પ્રેમશંકર અહીં યાદ આવે છે. જટિલના અકાળ અવસાનથી ગૂજરાતે એક આશાજનક કવિ અને એથી પણ વિશેષ વિવેચક ખોયો છે, જો કે નવું ગૂજરાત કદાચ એમને ઓળખતું પણ નહિ હોય. ત્રિભુવન એક મસ્ત કવિ હતા. તે વખતના બીજા સૌરાષ્ટ્રવાસી સેવકોમાં ‘કાઠિયાવાડી’એ ગૂજરાતને એમર્સનના નિબન્ધો અને શેક્સપિયરનાં કેટલાંક નાટકો ગૂજરાતીમાં ઉતારીને આપણા સાહિત્યની બહુ કિંમતી સેવા કરી છે. તેવું જ એક સ્મરણીય નામ જો કે સાહિત્યના જુદા જ ક્ષેત્રમાં અમૃતલાલ પઢિયારનું છે. સામાન્ય મનુષ્યજીવનને ઉચ્ચતર કરવા માટે એ ખરા હૃદયથી તલસતા હતા, અને યથાશક્તિ એમની સાધુ વાણીથી એ માર્ગે સેવા કરતા હતા. આ સમયના ઉત્તરાર્ધના સાહિત્યકારમાં કૃષ્ણલાલની સાહિત્યસેવા સહુ કરતાં જુદા જ પ્રકારની છે. પણ એ કાર્ય આ સાઠીના ત્રીજા ખંડમાં થયું છે. ગૂજરાતના અત્યાર સુધીના સહુ સાક્ષરોમાં એમણે એકલાએ જ ગુજરાતના સાહિત્યનો પરિચય પરદેશી અને પરપ્રાન્તી વાચકોની કરાવ્યો છે, અને એ રીતે ગૂજરાતી સાહિત્યની પ્રતિષ્ઠા વધારી છે. ત્રીજા ખંડના સાહિત્ય ઉપર આવતાં પ્રથમ નામસ્મરણ આ મહાન સંસ્થાના આદ્યસ્થાપક રણજીતરામનું કરવાનું છે. એ અને એમના ઉત્સાહી સહયોગી ઠાકોરલાલ મારે ઘેર ગોવર્ધનભાઈને મળવા આવ્યા અને સાહિત્યપરિષદની યોજના વિષે વાત કરી ત્યારે અમે વૃદ્ધજનોએ (? હવે મને યાદ આવે છે કે હું તો ૩૫ વર્ષનો જ હતો!) અમારી લાક્ષણિક રીતે એમના ઉત્સાહ ઉપર કેટલું ટાઢું પાણી રેડ્યું હતું, એ જે જાણશે તે જ એ યુવકભાઈઓની સેવાનું પૂરું માપ લઈ શકશે. રણજીતરામ એટલે તે સમયના ‘ગૂજરાતની ભાવના.’ બીજા ખંડના ઉત્તરાર્ધમાં અને ત્રીજાના પૂર્વાર્ધમાં ગૂજરાતી વાચકને એમની અપૂર્વ પ્રતિભા અને શૈલીથી ચકિત કરનાર કવિ તે નાનાલાલ. એમની છન્દ વિનાની કવિતાથી મૂંઝાએલું ગૂજરાત પણ એમના રાસને ગરબે ચઢ્યું છે, અને અર્થસૌન્દર્ય, શબ્દમાધુર્ય, અને ભાવનાપ્રકર્ષના વિરલ સંયોગથી નાનાલાલે રાસનું એક અનેરું સાહિત્ય ઉત્પન્ન કર્યું છે. બે વર્ષ ઉપર એ કવિના આયુષ્યનો સુવર્ણમહોત્સવ ઊજવીને ગુજરાતે એમના કવિત્વની પૂરી કદર કરી છે. નાનાલાલ જેટલા ‘તેજે ઘડ્યા’ શબ્દો ગૂજરાતી ભાષાને કોઈએ આપ્યા નથી. દેશભક્તિ અને આર્યસંસ્કૃતિનો પ્રેમ એમની કૃતિઓમાં વ્યાપી રહ્યો છે. પ્રાચીન અને મધ્યકાલીન સૌરાષ્ટ્ર અને ગુજરાતનું જીવન એમણે તન્મયતાથી પ્રત્યક્ષ કર્યું છે. લગ્નની વિશુદ્ધ ભાવના એમણે તેજસ્વી રંગે રંગી છે. અને ભાવનાના જીવનનો મધુર રસ એમનાં નાટકોમાં અને રાસમાં ગુજરાતને ખૂબ પાયો છે. નાટકોમાં એમની ભાવનાની પ્રેરણા ગોવર્ધનરામમાંથી આવેલી લાગે છે, પણ ગોવર્ધનરામ નવલકથાકાર હોઈ ભાવનાનાં ગિરિશૃંગ ઉપરથી જીવનની વાસ્તવિક ભૂમિ ઉપર પણ ઊતરે છે, કવિ નાનાલાલ હમેશાં હિમાલયને શિખરે જ વસે છે. એમની કવિતા ‘તેજે ઘડ્યાં મુજ અંગ’ એમ જગતને કહી શકે છે, પણ એમાં પાર્થિવ અંશની જેટલી ખોટ છે તેટલી એની મનુષ્યજીવનથી વિદૂરતા છે. એમના કવિહૃદયમાં દૈવી તેજ પુષ્કળ છે, મનુષ્યહૃદયનો જુસ્સો થોડો છે, જો કે ભાવનાબળ અમાપ છેઃ એ જ એમની કવિતાનો ગુણ અને એની ખામી. કવિતા ઉપરાંત ગૂજરાતી સાહિત્યની એમણે બીજી મોટી સેવા એ કરી છે કે કેટલાક જૂના કવિઓ અને ઇતિહાસોનાં ચિત્રો ઉપરથી ધૂળ ખંખેરી એને ઉજ્જવળ કરી ગુજરાત આગળ મૂક્યાં છે. ખબરદારના આદ્યગુરુ એક મલબારી અને બીજા પારસીભાઈઓના પ્રિય કવિ દલપતરામ. દલપતરામનો પ્રિય છંદ મનહર ખબરદારને પણ પ્રિય છે. સૃષ્ટિસૌન્દર્યની એમની કવિતા, આરંભમાં એમાં ઊંડો ભાવ શોધનારને બહુ પસંદ પડે એવી નહોતી. પણ નવા જમાનાનો શોખ એ તરત જ સમજી ગયા, અને એમનાં પછીનાં કાવ્યો ગુજરાતને બહુ ગમ્યાં છે. સાદી ભાષાથી કામ કરવાની એમની શક્તિ એમણે પૂરેપૂરી ખીલવી છે. એમનો અંગ્રેજી કવિતાનો પરિચય પણ સારો છે, અને બળવંતરાયની માફક એમણે પણ છન્દોવિચિત ઉપર સારી પેઠે ધ્યાન દીધું છે. પણ એમની સર્વોત્કૃષ્ટ સેવા આ છે કે એમણે હિન્દનો વર્તમાન પ્રજાયુદ્ધનો ધ્વનિ બહુ જોસ અને આદરપૂર્વક ઝીલ્યો છે, તથા એનાં રણગીત ગાયાં છે, જેમાંના કેટલાક ગૂજરાતી સાહિત્યની કિંમતી સમૃદ્ધિ થઈ પડશે. વીર અને શૃંગારથી ભરપૂર કાવ્યો લખવા ઉપરાંત કોન્ગ્રેસના આદિકાળનાં પ્રજાગીત જેમ હરિલાલ ધ્રુવે ગાયાં; વિશિષ્ટ પ્રકારનાં સ્વાનુભવરસિક અને સર્વાનુભવરસિક ઊર્મિગીત અને ખંડકાવ્યની કુસુમાંજલિ ગૂજરાતને અર્પવા ઉપરાંત બંગાળાની સ્વરાજ્ય અને સ્વદેશી જાગૃતિનાં ગીત જેમ મગનભાઈએ ગાયાં; તેમ અન્ય કાવ્યપ્રવૃત્તિ ચાલતી રાખીને ગાંધીજીના સમયમાં પ્રજાગીત ખબરદારે ગાયાં. પણ જે એક કાવ્યથી ખબરદારની કીર્તિ ગુર્જરસાહિત્યમાં સદા ઝળકતી રહેશે તે વીસ વર્ષ ઉપર મુંબાઈની સાહિત્યપરિષદ વખતે એમણે સર્જેલું “ગુણવંતી ગુજરાત.” ગુર્જર માતાને કંઠે ધરેલી એ પુષ્પમાળ કદી કરમાશે નહિ. નાનાલાલ અને ખબરદાર એ બીજા જમાનાના ઉત્તરાર્ધમાંથી ત્રીજા જમાનાના પૂર્વાર્ધમાં ઊતરી આવેલા કવિઓ છે. અને એમની કાવ્યપ્રવૃત્તિ પહેલાં કરતાં ઊતરતી વા મન્દ, પણ હજી ચાલતી, છે. ત્રીજા જમાનામાં ‘લલિત’ના મંજીરાનો મંજુલ ધ્વનિ આપણે સાંભળીએ છીએ, ગૃહજીવનની પવિત્રતા અને બાલોદ્યાનની સુન્દરતા ગાનાર અને એમાં પ્રભુનાં દર્શન કરાવનાર આ નાના કવિની કદર હજી ગૂજરાતે જોઈએ તેવી કરી નથી. પણ ‘મઢૂલી પેલે તીર’ એટલા અંગુલિનિર્દેશથી એ કવિએ ગૂજરાતને ઘણું સૂચવ્યું છે. આ જ ખંડના ઉત્તરાર્ધમાં બોટાદકર એ નવા વહેણમાં ન ખેંચાયેલા, પણ વર્તમાન વાતાવરણમાં છૂટથી શ્વાસોચ્છવાસ લઈ શકતા, અને અંગ્રેજીની ખોટ સંસ્કૃતથી પૂરી પાડતા એવા શુદ્ધ શબ્દસંસ્કાર અને કોમળ ભાવ દર્શાવનારા કવિઃ એમણે પણ ઘણાનું ધ્યાન ખેંચ્યું છે. આ કવિઓની સમાલોચનાને અન્તે એક સુન્દર સહૃદય વિવેકી માલાકાર – હિમ્મતલાલ અંજારિયા–નું નામ ભૂલવું ન જોઈએ. એમનું “કાવ્યમાધુર્ય” એ પાલગ્રેવની ‘ગોલ્ડન ટ્રેઝરી’ના જેવી જ સહૃદયતાની સુન્દર કૃતિ છે. આ જ સમયમાં સંસ્કૃતના પ્રેમથી કીલાભાઈએ જેમ ‘મેઘદૂત’ અને ‘વિક્રમોર્વશીય’નાં ભાષાન્તર કર્યાં છે તેમ બળવંતરાયે અને મગનભાઈએ ‘શાકુન્તલ’નાં કર્યાં છે. એ સર્વ કેટલાક અંશમાં કેશવલાલભાઈનાં ભાષાન્તરનાં સમાનકક્ષ ન ગણી શકાય, છતાં સર્વ સફળ છે અને કીલાભાઈનો પ્રસાદ કેશવલાલભાઈ કરતાં પણ કોઈ કોઈ સ્થળે ચઢી ગયો છે. કીલાભાઈના સમાનવયસ્ક મણિલાલ છબારામે વાર્તા, નવલકથા વગેરે રચીને ગૂજરાતની જે સેવા કરી છે તેમાં ભાષાની સરળતા શુદ્ધતા અકૃત્રિમતા આગલા જમાનાનું સ્મરણ કરાવે છે. ઉત્તમલાલ કેશવલાલની સાહિત્યસેવા માટે હું શું કહું? ગૂજરાતે એ સાક્ષરનું સ્વરૂપ પૂરેપૂરું જાણ્યું જ નથી – જાણવાનો પ્રસંગ જ આવ્યો નથી. જે વાંચન, જ્ઞાન, વિચારોનો ખજાનો એ પુરુષમાં ભર્યો હતો, એમાંથી થોડું થોડું જ બહાર આવ્યું છે. પણ એમની સંસ્કારી કલમ જ્યારે જ્યારે ચાલી છે ત્યારે ત્યારે પુખ્ત વિચારથી ભરેલી ચાલી છે. કૃષ્ણરાવ દીવેટિયા અને સત્યેન્દ્રરાવ દીવેટિયા એમનામાં એમના કુટુમ્બની સુન્દર સાહિત્ય રુચિ હતી. એકે નવલકથાથી અને બીજાએ લઘુકાવ્યોથી ગૂજરાતની સેવા કરી છે. સત્યેન્દ્રરાવ યુવાવસ્થામાં જ પરલોકવાસી થયા અને તે જ પ્રમાણે નલિનકાન્ત દીવેટિયા સાહિત્યની સેવા કરવા માંડતાં જ છેક નાની ઉમ્મરે મૃત્યુથી ઝડપાઈ ગયા. મોહનલાલ દવેએ સાહિત્યપ્રવૃત્તિ કવિતામાં તેમજ વિવેચનમાં સુન્દર રીતે શરૂ કરી પણ વહેલી છોડી દીધી. પણ તે ફરી ગ્રહણ કરશે એમ આશા રાખીએ છીએ. અતિસુખશંકર અને જયેન્દ્રરાવ દૂરકાળે ગૂજરાતીમાં અંગ્રેજી ઢબનો ‘એસે’ યાને સ્વૈરવિહારી અનિબદ્ધ નિબન્ધ દાખલ કર્યો છે. જનાર્દન પાઠકજી અને વ્યોમેશચન્દ્ર જૂનાં સ્મરણો અને અવલોકન લખે છે. સ્વ. વિભાકર અને ઉમરવાડિયા – એમણે પશ્ચિમના સાહિત્યની છાયાવાળાં જોરદાર નાટકો રચ્યાં છે. વિભાકર તો તરુણ વયમાં જ પરલોકવાસી થયા એટલે એમની કલાની પરિપાકદશા જોવાનો ગૂજરાતને પ્રસંગ જ ન આવ્યો. ઉમરવાડિયા એમની સાહિત્યપ્રવૃત્તિ ચાલુ રાખશે તો સાહિત્યને સારી સેવા થશે એમ આશા રહે છે. રંગભૂમિની અદ્વિતીય સેવા કરનાર બીજા ખંડના સાક્ષર ડાહ્યાભાઈ ધોળશા, અને મૂળશંકર પછી, હાલમાં ગજેન્દ્રશંકર પંડ્યાએ એ કર્તવ્ય ઉપાડ્યું છે અને તેમની સાહિત્યશક્તિ સાથે સારાસારતત્ત્વગ્રાહી બુદ્ધિ જોડશે તો ઊગતી પ્રજાની સારી સેવા કરી શકશે. ગદ્યલેખકમાં ચન્દ્રશંકરનું ગદ્ય આરસપહાણનાં સુન્દર ઘડેલાં ચોરસાંની ફરસબંદી છે. એની કૃત્રિમતા ખુલ્લી છે, પણ કૃત્રિમતા સાથે ભાષાની જડતા કે વિચારની નિર્માલ્યતા નથી, તેથી એ કૃત્રિમતા પણ સુન્દર હોઈ સાહિત્યમાં સ્થાન પામે છે. એથી ઊલટી જ, સીધી અને જુસ્સાદાર શૈલી ઇન્દુલાલની. રમણીયરામ ચાલુ રાજકીય પ્રશ્નો ઉપર ઉત્સાહથી લખે છે. ગૂજરાતમાં ઘણાં વર્ષો જેણે સાહિત્યસેવા કરવા માંડી હતી તેવું અમદાવાદમાં સ્થપાયેલું એક યુવક મિત્રમંડળ ‘બન્ધુસમાજ’ એ મંડળમાંથી ભોગીન્દ્રરાવ, શિવાભાઈ, ડાહ્યાભાઈ યુવાન વયમાં જ મૃત્યુથી ઝડપાઈ ગયા, રામમોહનરાય અને શંકરરાય સેવા કરે છે. પણ ઉચ્ચભાવના અને સેવાવૃત્તિથી પ્રેરાયેલા એ સાહિત્યપ્રેમી મંડળના કેટલાક બન્ધુઓ ઉપર ક્રૂર મૃત્યુનો હાથ ન પડ્યો હોય તો એ મંડળ ગૂજરાતી સાહિત્યને સારી સેવા કરી શકત એમ લાગે છે. આ મંડળની મુખ્યસેવા સ્ત્રી-ઉપયોગી સાહિત્યમાં તથા સંસારસુધારાની નવલકથા અને લઘુવાર્તા રચવામાં છે. આ અન્યવ્યવસાયપરાયણ દોડાદોડના યુગમાં પશ્ચિમમાં લઘુ વાર્તાનું સાહિત્ય પુષ્કળ ઉત્પન્ન થયું છે. એમાં ઉચ્ચ કલાના નમૂના પણ છે, અને ટૂંકાણ સિવાય બીજો કોઈ જ ગુણ નહિ એવાં નિર્માલ્યતાનાં દૃષ્ટાન્તો અસંખ્ય છે. આનો પડઘો આપણા દેશમાં પણ પડ્યો છે. એના અનેક લેખકોમાંથી સારા લેખક તરીકે વિશિષ્ટ રૂપે ‘ધૂમકેતુ’નું નામ યાદ આવે છે. કવિશિરોમણિ રવીન્દ્રનાથ ટાગોરે ગૂજરાતમાં લઘુ વાર્તાનું અને વિશેષમાં ગદ્યકાવ્યના સ્ફુલિંગોનું કેટલુંક સાહિત્ય પ્રેયું છે. આમાં પૃથુ શુક્લનું ‘ફુલપાંદડી’ જાણીતું છે. સૌન્દર્યનું પાન કરીને અને કરાવીને વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ કેટલીક સેવા કરી છે. મંજુલાલ દવે, વિજયરાય કલ્યાણરાય, મુનિકુમાર અને ગગનવિહારી અને રમણલાલ યાજ્ઞિક અંગ્રેજી સાહિત્ય અને વિવેચકતાનો ગુજરાતને પરિચય કરાવતા રહે છે. અને ‘કુસુમાકર’ પણ વખતોવખત ઊર્મિકાવ્યો તથા સૂચક વિચારમાળાનું ગદ્ય ગૂજરાતને આપે છે. ઊછરતા લેખકોમાં જ્યોતીન્દ્ર દવેએ હાસ્યરસથી અંકાયેલી અવલોકનની વિશિષ્ટ શૈલી દાખલ કરી છે. ઇતિહાસના વિષયમાં આજકાલ નવી જાગૃતિ ઉત્પન્ન થઈ છે. રાયચુરા અને મેઘાણી વગેરે સૌરાષ્ટ્રીભાઈઓએ જે લોકગીત અને રાસાનું સાહિત્ય પ્રકાશમાં મૂક્યું છે એ કાંઈક ઇતિહાસ (તવારીખ) કરતાં વિશાળ અર્થમાં ઇતિહાસ તેમજ સાહિત્યને ઉપયોગી થાય એવું છે. શુદ્ધ ઇતિહાસ-માર્ગે રત્નમણિરાવે ગુજરાતનાં શહેરો, મસ્જિદો અને બીજાં શિલ્પકામનો ઇતિહાસ ઉકેલવા માંડ્યો છે. એ બાલપાદપ વિસ્તરશે તો ભવિષ્યમાં મોટું વૃક્ષ થવાની આશા પડે છે. મહાપુરુષનાં ચરિત્રલેખમાં સાહિત્યની કોટિમાં આવી શકે તેવું માત્ર વિનાયકભાઈનું ‘નન્દશંકરનું જીવનચિત્ર’ છે. આધારભૂમિ અને પરિસ્થિતિભૂમિના ચિત્ર સાથે મુખ્ય પુરુષનું જીવનચિત્ર એમાં આલેખ્યું છે. નર્મદાશંકરનું નવલરામે લખેલું અને નવલરામનું ગોવર્ધનરામે લખેલું જીવન એ બે વિચારની બાબતમાં બહુ ઉચ્ચ કલાની કૃતિઓ છે. કાન્તિલાલનું ગોવર્ધનરામનું જીવનચરિત્ર એની ભાષાથી મન હરે છે. કાન્તિલાલે ‘ગૂજરાતી’ પત્રમાં જે ‘વિજ્ઞાનમન્દિર’ ઉઘાડ્યું છે તેની નૂતનતાથી ગુજરાતમાં વિજ્ઞાનનો પ્રેમ જાગશે એમ આશા રહે છે. એમના સહકારી પોપટલાલ શાહ, પર્જન્યરાય મેઢ, ખંડુભાઈ નાયક, વીરમિત્ર દીવેટિયા અને વિજયલાલ ધ્રુવ વગેરે મળીને ગુજરાતમાં એક સુન્દર વૈજ્ઞાનિક મંડળ બાંધવા ધારે છે એ હર્ષનું કારણ છે. વર્તમાનયુગમાં પુરાતત્ત્વમન્દિરે અને રાષ્ટ્રીય વિદ્યાપીઠના અન્ય સજ્જનોએ પણ ગૂજરાતી સાહિત્યની બહુ સેવા કરી છે. કાલેલકરની મધુર પ્રાસાદિક અને સંસ્કારી શૈલી વાચકને મુગ્ધ કરે છે. મહાદેવભાઈએ પણ મધુર સાદી અને અસરકાર, કાંઈક ગાંધીજીને અનુસરતી, એક વિશિષ્ટ શૈલી કેળવી છે. જિનવિજયજી, બહેચરદાસ અને સુખલાલ પંડિતે પ્રાકૃત અને અપભ્રંશ ભાષા અને પ્રાચીન જૈન દર્શનના ગ્રન્થો ઉપર સારો પ્રકાશ નાખવા માંડ્યો છે. રસિકલાલ અને રામનારાયણ પાઠકે સાહિત્ય, અલંકાર અને નાટ્યશાસ્ત્રનાં ક્ષેત્ર ખેડ્યાં છે. વાલજી દેસાઈ એમની લાક્ષણિક શૈલીમાં પ્રાચીન આર્ય સંસ્કૃતિની વાતો કહે છે. નરહરિ વિનયમન્દિરને યોગ્ય સાહિત્ય રચે છે. ભાવનગરમાં દક્ષિણામૂર્તિભવનમાં બાલશિક્ષણનાં શાસ્ત્ર અને કલાની નૃસિંહપ્રસાદ ભટ્ટ અને ગીજુભાઈ બધેકા અપૂર્વ સેવા કરી રહ્યા છે. બાલોપયોગી સાહિત્ય ઉત્પન્ન કરવામાં જેમ એમણે ભાગ લીધો છે તેમ રવિશંકર રાવળે કુમારાવસ્થાના શિક્ષણમાં કલાના રંગ પૂર્યા છે. ગયા ખંડમાં પ્રાચીન ગૂજરાતી કાવ્યો શોધવામાં હરગોવિંદદાસની સેવા ગણાવી તે સાથે ઇચ્છારામ સૂર્યરામ અને છગનલાલ રાવળની પણ ગણાવવી જોઈએ. અને એજ વર્ગની સેવા ત્રીજા રામલાલ મોદી, અને કેશવલાલ અને ડાહ્યાભાઈ સાથે હીરાલાલ પારેખ કરે છે, અને ઇચ્છારામ, સૂર્યરામનો એ સેવાનો પ્રેમ અંબાલાલ જાનીમાં ઊતર્યો છે. મટુભાઈ કાંટાવાળા પોતે સાહિત્યના તન્ત્રી તરીકે સેવા કરે છે તે ઉપરાંત મધ્યકાલીન ગૂજરાતીના ઝીણા અભ્યાસી છે; તથા આમવર્ગની જોડણીના પ્રબળ હિમાયતી છે. જૂની ગુજરાતી અને અપભ્રંશના ગ્રન્થોનો ઉદ્ધાર કરવામાં ચિમનલાલ દલાલનો વિદ્વત્તાભર્યો પરિશ્રમ જગજાહેર છે. તે ઉપરાંત મોહનલાલ દલીચંદ દેસાઈએ પણ આ દિશામાં બહુ ઉપયોગી સેવા કરી છે. દુર્ગાશંકર શાસ્ત્રી મધ્યકાલીન ધાર્મિક સંપ્રદાયનો ઇતિહાસ અને એના ગ્રન્થોના કાલનિર્ણય સંબન્ધી મનનભર્યા લેખ લખે છે. આમ પ્રાચીન સાહિત્ય શોધવામાં આપણી પ્રવૃત્તિ મંદ પડી નથી. પણ ભગવાનલાલ ઇન્દ્રજીએ શરૂ કરેલું અને બીજા ખંડના આરંભમાં હરિલાલ ધ્રુવ, રતિરામ દુર્ગારામ અને વલ્લભજી આચાર્યે ચાલુ રાખેલું કામ એ જ જમાનાના ઉત્તરાર્ધથી બંધ થઈ ગયું છે, તે હવે ગિરિજાશંકર આચાર્ય ફરી ઉઘાડશે એમ આશા રાખીએ છીએ. તત્ત્વજ્ઞાનના વિષયમાં મણિલાલની ગાદી સૂની જ છે. તો પણ નર્મદાશંકર મહેતાની વિદ્વત્તાએ ગૂજરાતી વાચકને હાલમાં આપણા તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ પૂરો પાડ્યો છે, અને તત્ત્વજ્ઞાનના અભ્યાસી તરીકે તથા એના પ્રવાચક તરીકે અત્યારે ગૂજરાતમાં એમનું ઊચું સ્થાન છે. હીરાલાલ શ્રૉફે પૂર્વના તત્ત્વજ્ઞાનના અભ્યાસ સાથે પશ્ચિમના તત્ત્વજ્ઞાનમાંથી કેટલાક અંશો જોડ્યા છે, અને એક તત્ત્વચિન્તક તરીકે એમણે પ્રતિષ્ઠા મેળવી છે. તેમજ કેળવણીના કામમાં યશસ્વી ભાગ લીધો છે. હરસિદ્ધભાઈ દીવેટિયાએ પશ્ચિમના માનસશાસ્ત્રનો એક મહાન ગ્રન્થ ગૂજરાતીમાં ઉતાર્યો છે. મગનલાલ શાસ્ત્રી અને મૂલચંદ્ર તેલીવાળા એમણે શ્રીવલ્લભાચાર્યના સાંપ્રદાયિક ગ્રન્થો પ્રકટ કરવામાં તથા એ સંપ્રદાયના સિદ્ધાન્ત પ્રતિ પ્રજાનું ધ્યાન ખેંચવામાં બહુ પ્રશંસાપાત્ર શ્રમ ઉઠાવ્યો છે. નથુરામજી જેમનું કાર્ય ત્રીજા ખંડના પૂર્વાર્ધથી આગળ પડતું થયું છે એમણે બ્રાહ્મણધર્મને એમનાં ભાષાન્તરોથી તેમજ પ્રવચનોથી ઉજાળ્યો છે. અખંડાનન્દજીએ કેટલાક અર્વાચીન રસના ગ્રન્થો ઉપરાંત પ્રાચીન ધર્મગ્રન્થો ભાષાન્તર કરાવીને પ્રકટ કર્યા છે. ગૂજરાતનાં દૈનિક, સાપ્તાહિક, માસિક, ત્રૈમાસિકનો ઇતિહાસ લખવા બેસીએ તો એક પુસ્તક રચાય એટલી વસ્તુ છે. પારસીભાઈઓને જેમ ગૂજરાતીમાં સાંસારિક નવલકથા ઉત્પન્ન કર્યાનું માન છે તેવું જ વર્તમાનપત્રોનો પાયો નાખ્યાંનું માન છે. બીજા યુગમાં ‘ગુજરાતી’ના તન્ત્રી ઇચ્છારામ સૂર્યરામે, ‘પ્રજાબન્ધુ’એ અને ‘ગૂજરાતી પંચે’ ઐતિહાસિક અને સાંસારિક નવલકથાનું બહોળું સાહિત્ય ઉત્પન્ન કર્યું છે. માસિકત્રૈમાસિકોએ સાહિત્ય, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, આદિ શાખાઓમાં કરેલી સેવા જાણીતી છે. પ્રથમ યુગમાં ‘બુદ્ધિપ્રકાશ’ ‘બુદ્ધિવર્ધક’ ‘વિજ્ઞાનવિલાસે’ બુદ્ધિનો પ્રકાશ કરવા માંડ્યો; આ સાંકડી કર્તવ્યભાવનાને બીજા યુગમાં ‘પ્રિયંવદા’ ‘સુદર્શન’ અને ‘જ્ઞાનસુધા’એ વિસ્તારી; ત્રીજા યુગમાં ‘સુદર્શન’ અને ‘જ્ઞાનસુધા’ના વિવાદથી તટસ્થ એવો સાહિત્યસેવાનો માર્ગ ‘સમાલોચકે’ લીધો, જતે દહાડે ‘વીસમી સદી’એ પશ્ચિમના લોકપ્રિય માસિકોની ઢબનો ગૂજરાતને પરિચય કરાવ્યો, અને અત્યારે ગૂજરાતની આશાનાં અસંખ્ય કિરણો ‘ગૂજરાત’, ‘શારદા’, ‘નવચેતન’, ‘સાહિત્ય’, ‘પ્રસ્થાન’, ‘કૌમુદી’ આદિ માસિકત્રૈમાસિકમાંથી સમસ્ત ગૂજરાતમાં પ્રસરી રહ્યાં છે. આ ત્રીજા યુગનું એક ખાસ લક્ષણ છે. સાઠીના ત્રણ યુગોનું લાક્ષણિક સ્વરૂપ તપાસીએ તો પ્રથમ યુગ અંગ્રેજી કેળવણીથી પ્રાપ્ત થયેલી સામાન્ય વિદ્યા અને માહિતીનો, બીજો ધર્મ અને તત્ત્વજ્ઞાનનો, અને ત્રીજો સાહિત્ય અને કલાનો અને વિશેષ રૂપે માસિકોનો જોવામાં આવશે. છેવટે આપણા સાહિત્યમાં આપણા મુસલમાન અને પારસી ભાઈઓનો હિસ્સો અલગ ગણાવવા જેવો છે, પણ તે પણ ભૂલવા જેવો નથી. પારસીઓ પૈકી પહેલા જમાનામાં મલબારીએ રચેલું દેશભક્તિનું અને સંસારસુધારાનું કાવ્યસાહિત્ય એ સમયનાં લાક્ષણિક ગુણ અને ખામીઓ ધરાવે છે. કાબરાજીની સેવા પણ એ જ જમાનાના ઉત્તરાર્ધમાં શરૂ થઈ છે અને એમની કેટલીક નવલકથાઓ એનાં સાંસારિક ચિત્ર અને બોધથી પારસીઓમાં તેમ હિન્દુઓમાં પ્રિય થઈ પડી છે. ત્રીજા યુગના આરંભથી ખબરદારે કરવા માંડેલી સાહિત્યસેવા જે આપણે અવલોકી ગયા એ હિન્દુ લેખકને પણ અભિમાન કરાવે એવી છે. તે ઉપરાંત આ નવીન યુગમાં સંજાણા અંગ્રેજી સાહિત્યના વિશાળ પરિચયનો અને તજ્જન્ય વિવેચક દૃષ્ટિનો ગૂજરાતને કોઈ કોઈ વાર લાભ આપે છે. મુસલમાન ભાઈઓ પૈકી પહેલાબીજા યુગના નાનજિયાણીનું નામ સહુને જાણીતું છે. એમના પછી ત્રીજા યુગમાં કરીમ મહમ્મદ માસ્તરે ગૂજરાતી ભાષાની સેવા કરવા માંડી છે. પરંતુ એ વર્ગમાંથી આ નવીન યુગમાં મોટામાં મોટી સેવા ‘વીસમીસદી’ના યોજક અને પ્રકાશક મર્હૂમ હાજી મહમ્મદ અલારખિયાએ કરી છે. હાલમાં સાદિક અને શયદા એ બે મુસલમાનભાઈઓએ આરંભેલા કાર્યમાં બે ઘડી મોજ સાથે એક ઘડી ગંભીર વિચારની પણ ઉમેરાશે તો ગૂજરાતને સારી સેવા થશે એમ લાગે છે, કારણ કે ભૂલવું ન જોઈએ કે આપણી મીઠામાં મીઠી મોજ એ જ છે કે જેમાં એકાદ ક્ષણ પણ ચિન્તનની હોય. સ્ત્રીલેખકો એ આ યુગનું વિશિષ્ટ લક્ષણ છે. વિદ્યાબહેન અને સૌ. શારદાબહેનની ગંભીર અને ઉત્સાહી સેવા આ ત્રીજા ખંડના આરંભથી શરૂ થઈ ચૂકી છે. તેમાં એ જ માર્ગે સૌ. સરોજિનીબહેને પણ જોસદાર લખાણથી ઉમેરો કર્યો છે. કવિ તરીકે સ્વ. સુમતિબહેને પહેલ કરી હતી તે પછી સ્વ. કનુબહેન ચૈતન્યબાળા અને સૌ. દીપકબાનાં નામ સુપ્રસિદ્ધ છે. સૌ. હંસાબહેને ત્રણ નાટક સારાં લખ્યાં છે. તે ઉપરાંત સૌ. જયમનબહેને પિતા અને માતામહના યશને શોભતી સાક્ષરજીવનની શરૂઆત કરી છે. સૌ. લીલાવતીએ લેખક તરીકે વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને સંસ્કારી ભાવના સાથે વિચાર અને કલ્પનાની હિંમતનો સંયોગ એમનાં રેખાચિત્રને સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન અપાવે છે. સૌ લવંગિકા બહેને એમની ડિગ્રીના વિષયને શોભતી રીતે પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનની સેવા આરંભી છે. પણ આ યુગના સાહિત્યના નભોમંડળમાં ‘ફલેશ લાઈટ’ યાને ચમકતા તેજપટ પેઠે વિસ્તરી રહેનાર, અને પોતાના પ્રભાવથી અન્ય સર્વ જ્યોતિર્ગણને દાબી દેનાર વર્તમાન સાહિત્યજ્યોતિ તે કનૈયાલાલ મુનશી. એમની નવલકથાઓએ એની સત્યાતિક્રામી કલ્પનાથી એના વિશાળ ચિત્રપટથી, અને પ્રભાવશાલી પાત્રાલેખનથી, તેમજ વૃત્તાન્તના બાહુલ્યથી ગૂજરાતને ચકિત કરી નાખ્યું છે. એમનાં નાટકો એમની નવલકથા જેટલાં આકર્ષક થતાં નથી. પરંતુ એમાં પણ એમની કલ્પનાનો અને ભાષાનો જુસ્સો ઊભરાય છે. નિર્માલ્યતા જેવું પાપ જેમ પ્રકૃતિમાં તેમ મુનશીના નીતિશાસ્ત્રમાં બીજું નથી. એમનામાં સંસ્કારી બલ્કે કાંઈ પણ સંયમ ભાગ્યે જ છે, અને જીવનનો ઉલ્લાસ પુષ્કળ છે. ભાષા જોડણી શબ્દશુદ્ધિ એ સહુને મુનશીએ, નાનાલાલે વૃત્તનાં ઝાંઝર તોડીને ફેંકી દીધાં હતાં તેટલા જ જુસ્સાથી, ફેકી દીધાં છે. પણ અત્યારે તો જ્યારે નરસિંહરાવ નાનાલાલ ખબરદારનાં નીર કંઈક થંભ્યાં લાગે છે તે વારે વહેતો પ્રવાહ મુનશીનો જ દેખાય છે. પહેલા ત્રણ વિષે છેવટનો મત ઉચ્ચારવાનો કાળ પાકી ગયો છે, પણ મુનશીનું સાહિત્ય હજી યુવાવસ્થામાં હોઈ, એ ઉપર સમગ્રદૃષ્ટિનો મત બાંધવાને વાર છે. અન્તમાં એક મહાપુરુષ – જેનું સઘળું અન્ય સહુથી અનેરું જ છે – એની નોંધ લેવી બાકી રહે છે. ગાંધીજી કવિ નથી, વિદ્વાન નથી, ગ્રન્થકાર નથી, એક સાદા પત્રકાર છે. પણ પત્રકાર તરીકે એમણે ગૂજરાતી ભાષામાં સાદી સીધી અને સચોટ, છતાં તળપદી નહિ, કિંતુ આત્મસંસ્કારની સાદી શોભા ધરાવતી એવી, કોઈક અવર્ણનીય શૈલી દાખલ કરી છે, જે વિદ્વાન અને અવિદ્વાન સર્વને સરખી રીતે મુગ્ધ કરી મૂકે છે.