વેરાનમાં/વિદુષક:કમ્પોઝીટર સાહિત્ય સ્વામી

From Ekatra Wiki
Revision as of 09:22, 1 January 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વિદુષક:કમ્પોઝીટર સાહિત્ય સ્વામી|}} {{Poem2Open}} હીંગાષ્ટકની કાક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિદુષક:કમ્પોઝીટર સાહિત્ય સ્વામી


હીંગાષ્ટકની કાકડી ગળા હેઠળ માંડ માંડ ઉતારીને પછી હું બિછાનામાં પડ્યો. વર્ષભરના વાઙમયનું મારું અવલોકન ગુજરાતની રદ્દીમાં રદ્દી એક પણ ચોપડીને ચુક્યું નથી એની મને ખાતરી હતી. તેથી મને થાકની તેમ જ સંતોષની ઊંઘ આવતી હતી, પણ એક તો હું વિવેચક રહ્યો એટલે અપચો અને બાદી મારાં નિત્યનાં વહાલસોયાં કુટુંબીઓ છે. ને બીજું આજે મારા અવલોકનની તારીફ સાંભળીને પ્રોફેસર શંખે મને જમવા નોતરી જરા આગ્રહભેર પત્રવેલીઆં જમાડેલાં, તેથી મારે હીંગાષ્ટકની ફાકી જરા મોટી લેવી પડેલી પરિણામે ગડબડાટ કંઈ વહેલો શરૂ થઈ ગયો. શાંત ગગનમાં આષાડની વાદળી ચઢે તેમ મારા જઠરમાં આાફરી ચઢી. અને એકાદ કલાકની નીંદ પછી મને લાગ્યું કે મારા ઓરડામાં કશીક ફડાફડી થઈ રહી છે. આ શું? આ પક્ષીઓ ક્યાંથી? થોકેથોક પક્ષીઓ: સફેદ, ગુલાબી, આછાં પીળાં, વાદળી, લીલાં: કોઈ વાંભ વાંભ લાંબાં, કોઈ ફુટની પહોળાઈનાં, ભિન્ન ભિન્ન કદનાં, આખે શરીરે કાળા કાળા મકોડા બાઝેલા: પ્રત્યેકની ઉપર કોઈ મનુષ્ય બેઠેલાં: વિશેષ અર્ધનગ્ન સ્ત્રીઓ ઊભેલી: દારૂના સીસા પડેલા: દવાના બાટલા લટકે. કોઈને આખે શરીરે ભજીઆં કે સેવ મરમરાના ડાધા, કોઈકોઈની અંદરથી પાંઉરોટીની ભભક છુંટે, કોઈ વળી મસાલાની તીખી બદબો છાંટે છે. તમામ મારા મોં ઉપર પાંખો લગાવી બૂમો પાડતા હતા: "ઊઠ! ઊઠ!” મેં બેબાકળા થઈને પૂછ્યું કે “મુરબ્બીઓ, તમે કોણ છો?” જવાબમાં દરેક પક્ષી બોલી ઊઠ્યું: “અમો! અમો! અમો!” "પણ ‘અમો' એટલે કોણ?” “અમો એટલે કોણ?” તમામે પાછી ફડાફડી માંડી, “અમોને નથી ઓળખતો ને માટે વિવેચક થયો છે! સવાર પડતાં તારા પીછડાં નહિ ખેરી નાખીએ બચ્ચા! ‘અમો' શબ્દથી તો માંધાતાઓનાં કલેજાં ધ્રૂજે છે, સત્પુરુષો નાસી જાય છે, ભલભલાઓ અમારા મુખના બે પ્રશસ્તિ-બોલ સારુ અમારા ચચ્ચાર દાદરનાં પગથિયાં ઘસે છે, એવા ‘અમો' ને તું ઓળખવાની પણ ના કહે છે પામર!” “ઓહોહો! ઓળખ્યાં ઓળખ્યાં. આપ તો વર્તમાનપત્રો." “અત્યુક્તિ મ કર. એ કામ અમો માટે જ રહેવા દે. અમોને માત્ર ‘છાપાં' કહીને બોલાવ.” “વારૂ! કૃપા કરીને બેસો. સ્વસ્થ થાઓ.” “સ્વસ્થ! ‘અમો' સ્વસ્થ! ‘અમો' ને અને સ્વસ્થતાને શો સંબંધ! અમે સ્વસ્થ થશું તો જગતનું શું થશે!” “તો છો ને કુદાકુદ કરો. ફરમાવો, અત્યારે આપને સર્વને કંદોઈની, ગાંધીની, ભઠીઆારાની, ઈત્યાદિ દુકાનોની સુખશય્યા છોડીને શા માટે મુજ રંક ગૃહે ઊતરવું પડ્યું છે?” “૧૯૩…ના વાઙ્મયમાં તેં અમોને કેમ નથી સંભાર્યાં!” “પણ મુરબ્બીઓ! તમારે ને વાઙ્મયને શું લાગે વળગે?” એક ડાઘીઆ જેવું છાપું બોલી ઊઠ્યું: “ચીંથરા જેવી ચાર પાનાંની બાઈન્ડીંગ કરેલ ચોપડી તે વાઙ્મય, અમારાં લખાણોમાંથી ઊઠીને પુસ્તકાકારે પ્રગટ થનાર કચરાપટ્ટી થોથું તે વાઙ્મય, ને અમો શું તરોજનાં અધશેરીઆં થોથાં લખી લખી જખ મારીએ છીએ! ” “માફ કરજો–” “ચુ—પ! વારંવાર માફી માગવાનું અમો માટે રહેવા દે.” “વારૂ વારૂ! પણ જુઓને ભાઈ, તમારું આયુષ્ય જ કાં સાંજ સુધીનું, બહુ તો સાત દા’ડાનું, ને બહુ બહુ તો એક મહિનાનું: તમારા અલ્પજીવી ઘસડબોળામાં ન ક્યાંય ભાષાશુદ્ધિ, ન સાહિત્યશુદ્ધિ, ન શ્રમ, ન તપ, ન તિતિક્ષા ન સંયમ, ન વ્યાકરણ, ન સાચો લેખ…” “હેં! હેં–હેં! હુ–હુ-હુ” એવો એક શોર ઊઠ્યો. છાપાંઓએ નૃત્ય માંડ્યું, એક પછી એક છાપું બીજાને ગળી જવા માંડ્યું, ને છેલ્લે જે રહ્યું તે સળગી ઊઠ્યું. એ ભડકામાંથી એક માનવ આકૃતિ સર્જાવા લાગી. ભડકો ચાલ્યો ગયો. માનવી સ્પષ્ટ દેખાયું. ખુરસી પર બેઠેલું, ટેબલ પર ઢળેલું, પસીને રેબઝેબ, ચોર જેવી આાંખો, ગાલમાં ખાડા, લમણે ટેકવેલો ડાબો હાથ, એ હાથમાં અરધી સળગેલી સિગારેટ, જમણા કરમાં કલમ: કલમ જાણે કોઈ સમળીની ચાંચ મુર્દાં ઠોલી રહી હોય તેટલી ઝડપથી લખી રહી છે. સામે પડ્યો છે એક ચહાનો કપ, એક ગંધાતી પાનપટી, ઠેર ઠેર રાખની ઢગલીઓ. નીચે ક્યાંક યંત્રમાળ પ્રસવ-વેદનાની કીકીઆરીઓ પાડે છે. ઘંટડીના શોર પટાવાળાઓની ઝોલે જતી આંખોને હેબતાવે છે. ટેલીફોનની ટોકરીઓ જગતમાં કોઈ લાય લાગી હોવાનો ભાસ કરાવે છે. આ દેખીને હું ચોંક્યો. મને એ લખતું માનવી કોઈ કાળી ચૌદશની સ્મશાનરાત્રિમાં ચાલતી તાંત્રિકની સાધનાના નર-બલિ જેવું ભાસ્યું. મેં એનું લલાટ પપાળ્યું. મારો હાથ દાઝ્યો. એ ખદખદતા ચરૂ જેવા કપાળમાં કશોક સળવળાટ થયો. “તારા કપાળની ખોપરી નીચે આ શું સળવળે છે?” મેં એને પૂછ્યું. “એક સ્ત્રી અને બે બાળકો.” એણે ઉંચે જોઈને જવાબ દીધો. “ક્યાં છે એ?” “છે તો અહીંથી પાંચ ગાઉ પરના એક પરામાં.” “દિવાનો છે કે શું?” મેં પૂછ્યું “અહીં ક્યારનો બેઠો છે તું?” “એકસો ને બાવીસ વર્ષોથી.” “શું કરે છે?” “લોહીનું પાણી કરું છું. ફેફસાંને ક્ષયનાં જંતુઓનો મધપૂડો બનાવું છું. પત્નીને અને બાળકોને શેકી શેકી ખાઉ છું.” “તું વાઙ્મય સર્જે છે?” “એ તો નથી જાણતો હું. પણ રોજેરોજ, પલે પલે વિશ્વના નવવિચારો ને નવઆાંદોલનોના મારા મેજ પર ખડકાતા ઢગલાને ગુજરાતી ભાષામાં ઉતારવા જતાં મારા માથાની ખોપરી ફાટતી મેં અનુભવી છે. રસ્તે ચાલતું માનવી ઝટ ઝટ સમજીને વાંચી લ્યે એવું ભાષા-ઘડતર કરતાં કરતાં મારા પેટમાં લાખો બીડીઓ ને હજારો ચહાના પ્યાલા રેડાયા છે. કોઈ કોઈ વાર ઉજાગરે બળતા આ કલેવરને ટકાવવા મેં પ્યાલી બે પ્યાલી—” “વારૂ! વારૂ!” મેં સુગાઈને વચ્ચે પૂછ્યું: “તે આટલું બધું ક્ષણજીવી જ શા માટે લખ્યા કર્યું?” “જગતના ચિરંજીવી પ્રવાહને વહેતો રાખવા માટે.” “વાહ! આવું સૂત્રમય વાક્ય તું બોલી શકે છે?” મને વિસ્મય થયું: “તારું નામ?” “મારે નામ છે જ નહિ, એકાદ તંત્રીના નામની નિત્યજલતી જ્વાલામાં મારાં અનેક નામો ખાક થયાં છે.” “ત્યારે તો “ગ્રંથ અને ગ્રંથકાર"ના કોઈ જ ખંડમાં તું અમર નહિ બનવાનો. એ તો ઠીક, પણ તું હમેશાં ગરમાગરમ થઈને શા સારુ લખે છે?” “માલિક કહે છે કે છાપું ખપતું નથી. વેચાણ કમતી થશે તો સ્ટાફ ઓછો કરશું, તે માટે.” “તું મહાસભાવાદી છે? કે સામ્યવાદી?” “હું કશા જ વાદનો અનુયાયી નથી. હું તો છું સ્વાર્થસંગ્રામમાં કોઈ પણ એક પક્ષેથી લડી કપાઈ જનારો ભાડુતી સિપાહી.” “સામાવાળાને ગલીચ શસ્ત્રોથી લોહીલુહાણ કરવામાં તને શી મજા પડે છે?” “સામવાળાને? નહિ. એ શસ્ત્રો હું મને પોતાને જ મારું છું. ભિન્ન ભિન્ન શરીરો રચીને હું જ પરસ્પર મારું જ લોહી છાંટું છું. હું તો એકનો એક જ છું. જીવવા માટે જ જૂજવા મારા દેહ-ટુકડાને લડાવું છું.” “તારી છપાઈની જોડણી તો જરી જો! તારાં લખાણોની છાતી પર ચડતી જાહેર ખબરો તો નિહાળ. તારા તરજુમા ને તારા અહેવાલોની કઢંગાઈ તો તપાસ.” “વિવેચક!” એ માનવીએ ખાંસીનો એક બડખો થુંકી પછી સિગારેટની એક ધુંટનાં ધૂમ્ર-ગુંચળાં ચઢાવતાં હસીને કહ્યું : “ભાષા, વિચારો, રૂપ, રંગ, ઉઠાવ, વગેરે માટે મેં આજે એક સૈકાથી જે કર્યું છે તેનો ઇતિહાસ એક દિવસ લખાશે. તે દિવસે તમે એને વાનઙ્મયને ગ્રંથ કહી અવલોકજો ને મેં શું કર્યું છે તેનું માપ કાઢજો. અત્યારે તો માલિકના મોંયે ‘સાહિત્ય-વાયડો' ગણાઈ હાંસી પામતો, ને સાક્ષરોની પરિષદોમાં ‘લેભાગુ' લેખાઈ હડધૂત થતો, પશુ ને પક્ષીની વચ્ચે વડવાંગડા જેવો હું મારા લોહીનું પાણી કરૂં છું. તમારી વાર્ષિક આલોચનામાં મારૂં નામોનિશાન છો ન આવતું. હું તો જાગુ છું ને જાગ્યા કરીશ, મારી સ્ત્રીના ને મારા બાળકના પેટને ખાતર. યંત્રની કીકીઆરી બોલી, માનવીએ લખવા માંડ્યું અને એ એકમાંથી મને સેંકડો હાડપીંજરો નીકળતાં, લથડીઆાં લેતાં નજરે પડ્યાં. હું જાગ્યો ને વિચારમાં પડ્યો. વર્તમાનપત્રોનો ફાળો વાઙ્મયમાં ખરો કે નહિ? આ તંત્રીઓ ઉપતંત્રીઓએ ભાષાનું ઘડતર ને વિચારઘડતર કર્યું કહેવાય કે નહિ?