છેલ્લું પ્રયાણ/નિવેદન

From Ekatra Wiki
Revision as of 05:38, 4 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નિવેદન|}} {{Poem2Open}} લગભગ અઢી વર્ષ પહેલાં મારા પિતાશ્રીએ ‘ઊર્મિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નિવેદન

લગભગ અઢી વર્ષ પહેલાં મારા પિતાશ્રીએ ‘ઊર્મિ' માસિકમાં ‘ટાંચણપોથીનાં પાનાં ‘નામની લેખમાળા શરૂ કરેલી. એના પહેલા સત્તર હપ્તાઓનો ‘પરકમ્મા' નામે સંગ્રહ એમણે ૧૯૪૬ના ફેબ્રુઆરીમાં પ્રસિદ્ધ કરેલો. તે પછી પણ, ‘પરકમ્મા'ના અનુસંધાનમાં ‘ટાંચણપોથીનાં વધુ પાનાં' એમણે નિયમિત દર મહિને ‘ઊર્મિ'માં આપવા ચાલુ રાખેલાં. બે-ત્રણ હજાર પાનાંની એમની ટાંચણપોથીઓમાં હજી ‘પરકમ્મા' જેવા બે-ત્રણ બીજા સંગ્રહ થઈ શકે તેટલી સામગ્રી પડી હતી. દર મહિને લખાયે જતા એના હપ્તાઓ પૂરતા પ્રમાણમાં થતા જાય તેમ તેમ એમાંથી ‘પરકમ્મા' જેવા વધુ સંગ્રહો પ્રસિદ્ધ કરતા જવાની એમની ઈચ્છા હતી. ‘પરકમ્મા'ને મળેલા આવકારે એમાં ઉત્સાહ પૂર્યો હતો. પછી તો ‘પરકમ્મા'ના અનુસંધાનમાં ‘ટાંચણપોથીનાં પાનાં'ના વધુ છ જ હપ્તાઓ તેઓ લખી શક્યા. એ હપ્તાઓ આ પુસ્તકના પહેલા વિભાગમાં આપ્યા છે. બીજા વિભાગમાં આપેલા ‘બીજા લેખો' છુટક છુટક લખાયા હોવા છતાં એમનો પ્રકાર ‘ટાંચણના પાનાં'ના જેવો છે, અને તેથી જ અહીં એક દોરે એમને પરોવ્યા છે. અહીં બીજા વિભાગમાં છેલ્લો મૂકેલો ‘દક્ષિણ ગુજરાતનાં લોકગીતો' એ એમણે લખેલો છેલ્લો સંપૂર્ણ લેખ હતો. છેલ્લા મહિનાઓ દરમિયાન એમણે મહી-નર્મદાને તીરે તીરે પરિભ્રમણ ​કરવા માંડ્યું હતું. એક બાજુથી વીસ વર્ષ પૂર્વેની ટાંચણપોથીઓ ઉલેચી ઉલેચીને સોરઠી લેકસાહિત્યની શોધનકથા તેઓ આપતા જતા હતા, તેમ બીજી બાજુ ગુજરાતની ભૂમિની પરકમ્મા કરતાં કરતાં તેનાં ટાંચણો પણ તેઓ–વિશેષતઃ તો માનસપોથીમાં જટપકાવ્યે જતા હતા. કોઈક દિવસ વળી એ ટાંચણપોથીમાંથી ગુર્જર લોકસાહિત્યની શોધનકથા પણ બહાર આવત. પણ એમની એ બીજી પરકમ્મા અધૂરી જ રહી. હવે તો, પોતાના છેલ્લા લેખના છેલ્લા વાક્યમાં એમણે જે ‘ચાનક' ની વાત કરી છે તે ગુજરાતના જુદા જુદા પ્રદેશના પુત્રોને વહેલેરી ચડશે એવી આશા રાખવાની રહે છે. ‘પરકમ્મા'માં મારા પિતાશ્રીએ બે પ્રયાણ પૂરાં કરીને ત્રીજાને આરંભ કર્યો હતો. પણ વિધાતાએ એ ત્રીજા પ્રયાણને જ આખરી પ્રયાણ બનાવી દીધું તેથી આ પુસ્તકનું નામ ‘છેલ્લું પ્રયાણુ' રાખ્યું છે. આ પુસ્તક એમની બીજી માસિક પુણ્યતિથિએ પ્રગટ થાય છે. ૯મી મે, ૧૯૪૭
મહેન્દ્ર મેઘાણી