માણસાઈના દીવા/દધીચના દીકરા

Revision as of 09:09, 4 January 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દધીચના દીકરા|}} {{Poem2Open}} ગમગીન અને નિર્જન મહી-આરા પર મળી ગયેલો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દધીચના દીકરા


ગમગીન અને નિર્જન મહી-આરા પર મળી ગયેલો એક ખારવો તડાકાબંધ વાતો કરતો કરતો બેએક માસ પર મહીસાગરમાં ઘસડાઈ આવેલા મચ્છની વાત કહી ગયો : પચાસ-સાઠ હાથ લાંબો, મોં ફાડે તો મહીં આપણે ઊભા ને ઊભા ચાલ્યા જઈએ તેવડા પેટવાળો એ મગરમચ્છ આંહીં ચાંપોલ સુધી આવી ચડ્યો હતો. મોંમાથી પાણી ઉછાળતો હતો. પછી ઓટ થયો : જળ છીછરું બન્યું. મચ્છે બહુ બહુ બરાડા પાડ્યા, બહુ તરફડાટા નાખ્યા. છેવટે એ કમોતે મરી ગયો. વાત સાંભળીને મને સોન-હલામણની લોકકથામાંથી દુહા સાંભર્યા : મચ્છ મા'જળ હોય : (આંઈ) કિયે અવગુણે આવિયો? લેવાણો લોઢે? — કે સાયરે સંઘર્યો નહીં? દેશવટે ચાલી નીકળેલો સોનવિજોગી હલામણ સિંધ તરફ જતાં જતાં એક સોરઠી નદી (ઢેબર કે વરતુ)ના સંગમમુખ પાસે મચ્છને જોઈ કહે છે કે “ભાઈ, તું મચ્છ તો મહાજળમાં હોય : તું અહીં નદીનાં છીછરાં નીરમાં ક્યાંથી આવ્યો? શું તું ભરતીના તરંગમાં ઘસડાયો? — કે દરિયે તને સંઘરવા ના કહી! શું તુંયે મારી સરીખો દેશવટે કાઢેલ છો?”

ગઈ વીળ વળે, વીળે વળાણું નહિ
સાનાની સંગતે, હાલીતલ હળવું પડ્યું.

હે ભાઈ! ભરતી (વીળ્ય)માં હું અહીં સુધી નાનકડા માછલાની સાથે સાથે ભૂલથી ચાલ્યો આવ્યો. આ વેળ્ય પાછી ઊતરી જશે એ હું જાણતો નહોતો. ઊતરતી વેળ્યમાં પેલું નાનું સંગાથી તો પાછું ચાલ્યું, પણ હું મહાકાય જીવ પાછો ન વળી શક્યો. આમ હું મહાન, એક નાના ક્ષુદ્ર માછલાની સોબતમાં હાલવાથી હલકો પડ્યો.