માણસાઈના દીવા/૧. નાવિક રગનાથજી
Revision as of 09:12, 4 January 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧. નાવિક રગનાથજી|}} {{Poem2Open}} મહીસાગરની આ ભયંકર ભેખડો એક દિવસ ર...")
૧. નાવિક રગનાથજી
મહીસાગરની આ ભયંકર ભેખડો એક દિવસ રૂપાળી બની હતી. ખાવા ધાતી એની નિર્જનતા એક રાત્રીએ લજવાઈ ગઈ હતી. જનશૂન્ય એના બિહામણા આરા — બદલપુરનો આરો, દહેવાણનો આરો : દૂર અને નજીકના આરા — રળિયામણા બન્યા હતા. બરાબર પંદર વર્ષ પૂર્વેના એક દિવસે, ૧૯૩૦ના એપ્રિલની એક તારીખે, દિવસ આથમી ગયા પછી આભેખડો, કોતરો અને કિનારાઓ ઉપર મનખ્યો ક્યાંય માતો નહોતો, એવું મને મહારાજે કહ્યું. જે દિવસે દાંડી-કૂચમાં મહાત્માજીએ મહી પાર કરી તે એ દિવસ હતો. મહારાજ એ દૃશ્યને રામાયણમાંના વનવાસે જતા રામચંદ્રના ગંગા પાર-ગમનના પ્રસંગ જોડે સરખાવે છે.