પલકારા/નિવેદન
નવલિકાના બહુરંગી ક્ષેત્રમાં આ તમારો પ્રદેશ નવી જ ભાત પાડનારો છે, માટે એને છોડી ન દેતા’ : ‘પ્રતિમાઓ’ના ઘણા વાચકો તરફથી આવી સલાહ પડી હતી. તેનું પરિણામ આ ‘પલકારા’ની છ નવી વાર્તાઓ. ચિત્રપટની કલાને હાનિકારક લેખનાર વર્ગ ઘણો મોટો છે. એથીય વધુ મોટો, સો-હજારગણો મોટો, સમૂહ ચિત્રપટનો પ્રેમી છે. સિનેમાનો વિરોધ કરવો એ વિજ્ઞાને માનવીને આપેલી એક અણમોલ ભેટનો અનાદર કરવા બરોબર છે. કરોડો સ્ત્રી-પુરુષો ને બાલકોનું એ આત્મિક અન્ન છે. એમાં ઝેર ભળ્યું છે તો ઝેરને જલદી કાઢી નાખો. એને ઉવેખો નહિ. યુરોપી ચિત્રપટો હવે તિજોરીફાડો, ધાડપાડુઓ ને જાસૂસી દુનિયાનાં યશોગાન છોડીને સાંસારિક વસ્તુઓને પકડી રહેલ છે. તેઓએ જગતના નામાંકિત કથાસાહિત્યને પોતાની ‘પ્રકાશ અને પ્રતિધ્વનિ’ની જીભ પર ચડાવી લીધું છે. આમ સાહિત્ય અને ચિત્રપટની કલાનો જ્યાં હસ્તમેળાપ થઈ રહેલ છે. ત્યાંથી પકડેલી આ કથાઓ છે. મૂળ ચોપડીઓ મેં વાંચી નથી. આ વાર્તાઓમાં તો કેવળ છ ચિત્રપટોમાં જે જોયું તેનું જ ઝીલણ છે :
સંદર્ભગ્રન્થ-શીર્ષક | લેખક-સંપાદક | પ્રકાશનસાલ-આવૃત્તિ | પ્રકાશનસંસ્થા |
---|---|---|---|
અ કમ્પેન્યન ટુ સંસ્કૃત લિટરેચર | સુરેશચન્દ્ર બેનર્જી | ૧૯૮૯-બીજી | મોતીલાલ બનારસીદાસ-દિલ્હી |
માસ્તર સાહેબ : ‘ટોપાઝ’ પરથી
દીક્ષા : ‘ક્રેડલ સોંગ’ પરથી
હિમસાગરનાં બાળ : ‘એસ્કિમો’ પરથી
બદનામ : ‘ડિસઓનર્ડ’ પરથી
જલ્લાદનું હૃદય : ‘હેચેટ મેન’ પરથી
ધરતીનો સાદ : ‘વિવા વિલા’ પરથી
‘ટોપાઝ’માં એક ભોળા માસ્તરની કથા છે : ને એ કથામાં તમે ગમે તે પ્રદેશની વસ્તુસ્થિતિનું દર્શન જોશો. ‘ક્રેડલ-સૉંગ’માં સ્પેઈન દેશની ધર્મદીક્ષાનો મેં કરુણ ચિતાર જોયો, ને એ ચિતાર મને સાર્વજનિક જણાયો. સંસારત્યાગની ઠંડી દીવાલોની અને બંધ બારણાંની પાછળ રૂંધાઈ રહેલા હૃદય-ધબકાર કોનાથી અજાણ્યા છે ? આપણે ત્યાં ધાર્મિક અસહિષ્ણુતાએ આવા સાહિત્યને જન્મવા દીધું નથી. ‘ધાર્મિક લાગણી દુભવવા’ની ધાક છૂપી છૂરીઓ લઈને આ દેશમાં ચોકી કરે છે. એટલે આપણું સાહિત્ય માનવોર્મિઓના એક માર્મિક પ્રદેશને સીમાડે પણ ચડી શકતું નથી. પશ્ચિમના કલાસાહિત્યે આ સીમાડાને ભૂંસી નાખ્યા છે. ‘એસ્કિમો’ ઉત્તર અને દક્ષિણ ધ્રુવના હિમપ્રદેશોમાં વસનારાં માનવીઓની એક મહાકાવ્ય-શી કથા છે. નીતિ-અનીતિ અને પાપ-પુણ્યની આપણી ભાવના અનેક સ્વાર્થોની એરણ પર ઘડાયેલી છે. તેનાથી ઊલટું, કૃત્રિમ બંધનોથી મુક્ત અને પ્રકૃતિની ગોદમાં ઊછરતું એક ઉદ્યમી સાહસશૂર ને નીરોગી, પરિણામે દિલેર જનહૃદય આંહીં ‘એસ્કિમો’માં મહેક મહેક થાય છે. યુરોપી મહાયુદ્ધની અંદર દેશદેશનાં જાસૂસી ખાતાંઓએ ઓરતોનાં સૌંદર્યોને પોતાના દુષ્ટ ઉપયોગમાં રોક્યાં હતાં. ‘માતા હારી’ નામે મશહૂર બનેલ એક જાસૂસ સુંદરીની કથા જાણીતી છે. ‘ડીસઓનર્ડ’ની કૃતિ એવી એવી ઘટનાઓના વાતાવરણમાંથી સરજાઈ છે. દુશ્મનોને પોતાના રૂપના ફાંસલામાં ફસાવવા નિમાયેલી એ બજારુ સ્ત્રીઓને ય ‘પ્યાર’ જેવી એક લાગણી કોઈ કોઈ વાર સ્પર્શી જતી હતી. એ લાગણીની પાસે કીર્તિ, કિનો, દેશધર્મ, ચાતુરી, જીવનના તમામ બીજા મોહ હારી બેઠા હશે. ‘હેચેટમેન’માં અમેરિકાવાસી ચીના લોકોનું ઘાતકી કલહ-જીવન ચાલતું હતું, તેની અંદરથી એક સ્નેહના બલિદાનનો પ્રસંગ ઉઠાવવામાં આવ્યો છે. કર્તવ્યભાવે બહારની સામુદાયિક દુનિયામાં ઘૂમનારો સ્વામી પોતાની પ્રેમભૂખી તરુણ પ્રિયાને પરના સંગમાં પડેલી નિહાળે છે. એક કોલને કારણે પ્રિયાની બેવફાઈ ઉપર દિલાવરી ઢોળે છે. એમ કરીને પોતાની પાયમાલી વહોરે છે. આ વાર્તામાં પણ બહિર્જગતના પાપ-પુણ્યની રૂઢિઓનું વિશુદ્ધ સ્નેહને ખાતર વિસર્જન દેવાનો ભવ્ય આદર્શ બોલે છે. ‘વિવા વિલા’ના ચિત્રપટને કશા જ ફેરફાર વગર આપણે કોઈ હિન્દી બહારવટિયાની ઘટના સાથે ઘટાવી શકીએ. મેક્સિકો દેશ આજે પણ બહારવટાની લીલાભૂમિ છે. અંગત વેરની તૃપ્તિ, તેમજ પોતાની એકલાની મર્દાનગીનું કીર્તિગાન ગવરાવતું પશુબળ : એ તો ઠેરઠેર પડ્યું છે. પણ એનો ઉચ્છેદ પુકારવામાં માનવશક્તિને ઉપયોગમાં લેવાની અણઆવડત રહેલી છે. ‘વિવા વિલા’ના સર્જકે વ્યક્તિના સામર્થ્યને પ્રજાના મુક્તિરથમાં જોતરી દીધું. ‘સોરઠી બહારવટિયા ભાગ ત્રીજાના પ્રવેશકમાં અંકિત થયેલી મારી ભાવનાનો ‘વિના વિલા’માં જવાબ જડી ગયો છે. આમ આ છ એ છ ચિત્રપટોમાં મૂળ કથાઓ અલગ અલગ સમુદાયોની હોવા છતાં તેની અંદર સાર્વજનીન જીવન ધ્વનિ (‘યુનિવર્સલ અપીલ’) પડેલો છે. એ જીવન-સૂર મને જેવો સંભળાયો તેવો હું વાચકોને હૈયે ધરું છું. પાત્રોનાં વિશેષ નામો ફક્ત બે જ ઠેકાણે યોજ્યાં છે : એક માલો ને બીજો પાંચો, કારણ કે એ બેઉનાં મૂળ નામો જ ‘માલા’ અને ‘પાંચા’ છે. આમ અનાયાસે આપણા સ્થાનિક વાતાવરણને સજીવ બનાવનાર આ બેઉ નામોનો મેં લાભ સાધ્યો છે. બાકીનાં પાત્રો પરથી મારે નામો ભૂંસવાં પડેલ છે. કેમ કે વિદેશી નામો મૂળ વાર્તાના સાર્વજનીન વાતાવરણનો ઘાત કરી નાખે છે. બીજી બાજુ આપણાં દેશી નામો ચોડીને બનાવટી રીતે આ વિદેશી વસ્તુને આપણી બનાવી લેવાનું મને મુનાસબ નથી લાગ્યું. વાર્તાઓના સૂરો જો સાચેસાચ વિશ્વસૂરો હશે તો આપોઆપ એ આપણાં હૈયામાં જગ્યા મેળવશે. મૂળ ચિત્રપટોને હું શબ્દશઃ વફાદાર રહ્યો નથી. ચિત્રપટને એનું પોતાનું નિરાળું કલાવિધાન છે. શબ્દની વાણીની એને ઝાઝી ખેવના નથી. કેમકે એની કને ચિત્રની જોરાવર વાણી છે. ચિત્રની વાણી એના વસ્તુવેગને ધોધમાર ધપાવે છે. એટલે કે ચિત્રો એને આલેખતાં નથી, પણ બનતા બનાવો તરીકે રજૂ કરે છે. બનતા બનાવોને ભાષામાં મૂકવાનો આ પ્રયત્ન પણ પોતાની શબ્દકલાને માગી લે છે. ઉપરાંત શ્રેષ્ઠ બોલપટોની ખૂબી પણ એની ભાષાની, એના સવાલો-જવાબોની, એના ખુદ બોલની જ અલ્પતામાં રહેલી છે. એ થોડાઘણા બોલોને પકડવામાં ય વિદેશી ભાષાનું, વિચિત્ર અમેરિકન ઉચ્ચારોનું, પાત્રોને ભજવતાં મૂળ નટનટીઓની પણ નિરનિરાળી ઉચ્ચારખૂબીઓનું, તેને સંઘરનારું ધ્વનિયંત્રોની સારી-માઠી સ્થિતિનું, અને છેલ્લે એ તમામને પ્રતિધ્વનિત કરનારાં થિયેટરોનું બંધન આપણી ઝીલણ-શક્તિને નડતર કરે છે. તે ઉપરાંત, ‘એસ્કિમો’ સિવાયનાં પાંચેય ચિત્રો મેં અક્કેકી વાર જ જોયાં છે. આમ કોઈ વિરાટની આંખના વેગવંતા પલકારા દરમિયાન એની કાળી પાંપણો વચ્ચે મારાથી જે કંઈ પકડી લેવાયું, તેને મેં સ્મરણ-મંદિરમાં સુવાડી લીધું. પવનવેગીલી એ તેજપગલીઓની આછી આછી મુદ્રા મેં મારા ચિત્તપ્રદેશ પર અંકાઈ જવા દીધી. ને પછી મેં મારા અંતઃકરણની આરપાર ચાલ્યાં ગયેલાં એ અતિથિઓની અખંડ સ્મરણ-સાંકળી વેરણછેરણ અંકોડામાંથી ઊભી કરી. સંવાદો મોટે ભાગે મારા જ છે. બનાવોની સંકલના મૂળની છે. કાપકૂપ મેં ખૂબ કરી છે. સ્મરણની પ્રતિમાઓને એના સાચા સ્વરૂપે પ્રકાશવામાં આવતો કુથ્થો મેં ફગાવી દીધો છે. બનતા બનાવોને જ મેં તો જોઈને ઝીલી લીધા છે. બનાવોના બયાન માત્રમાં જે કલા મૂકવાથી બનાવો જીવતા બને છે, તે કલા જો હું આમાં મૂકી શક્યો હોઉં તો તે મારા મનોરથને સંતોષવા માટે બસ થશે. ચિત્રપટની કલા તો એના હરકોઈ પાત્રની એકાદ મુખમુદ્રા ઉપર, એકાદ અંગમરોડની અંદર, એકાદ નયનપાતમાં, એકસામટા કૈક મનોભાવો મૂકી આપે છે. વાર્તાલેખકને એ એક જ પલકારનું સવિસ્તર પૃથક્કરણ કરવું પડે છે. એને પોતાની કલ્પનાનો દોર છુટ્ટો મૂકવો પડે છે. પાત્રને જાણે કે એ પંપાળી પંપાળી પોતાની કને વારંવાર બોલાવે છે એ એક કરતાં વધુ વાર પૂક્યા કરે છે કે ‘કહે જોઉં ! તેં તારા એ એકાદ હાવભાવની પાછળ શા શા મનોવ્યાપાર છુપાવી રાખ્યા હતા ?’ ‘પ્રતિમાઓ’ની નવ અને ‘પલકારા’ની છ મળીને એ પંદરેય કથાઓનાં પાત્રોને એક અથવા ક્વચિત્ બે વાર પડદા ઉપર ઝડપી નજરે જોઈ લીધા પછી મેં કોણ જાણે કેટલી કેટલી વાર એ બધાંને એક પછી એક મારી પાસે તેડાવ્યાં હશે : સ્વપ્નમાં ને જાગૃતિમાં, મિત્રો જોડેના વાર્તાલાપમાં અને એકાંતમાં, હસતાં હસતાં અને અશ્રુભેર, એ છાયાશરીરધારીઓને મેં આહ્વાહન કર્યું, મારાં એ સહુ પ્રિયજનો બન્યાં, તેઓનાં ગુપ્ત આવાસોનાં બારણા મારે સારુ ઊઘડી ગયાં તે પછી જ તેઓની આ પિછાન આપવાનું 'અરે માટે શક્ય બન્યું. આ પિછાનને, આ તેમના હાર્દ-ઉકેલને, આ પૃથક્કરણને સાહિત્યનો સમીક્ષક મૌલિક નહિ માને. મેં એને સર્જ્યાં નથી. પણ સર્જવામાં જો પ્રસવવેદના રહેલી છે, તો ઉછેરવામાં, સમજવામાં ને ચાહવામાં ય ક્યાં ઓછી વેદના રહી છે ! ‘પ્રતિમાઓ’ની વાર્તાઓનો આધાર નીચે લખ્યાં ચિત્રપટોનો લીધો હતો :
જનેતાનું હૃદય : ‘સિન ઓફ મૅડલીન ક્લૉડેટ’ પાછલી ગલી : ‘બેકસ્ટ્રીટ’ પુત્રનો ખૂની : ‘ધ મેન આઈ કિલ્ડ’ એ આવશે : ‘મૅડમ બટરફ્લાય’ આખરે : ‘ધ સીડ’ મવાલી : ‘૨૦,૦૦૦ યર્સ ઈન સિંગ સિંગ’ આત્માનો અસૂર : : ‘ડૉ. જેકિલ ઍન્ડ મિ. હાઈડ’ જીવનપ્રદીપ : ‘સિટીલાઈટ્સ’ હાસ્ય: પહેલું અને છેલ્લું : : ‘ધ ક્રાઉડ’
એ નવ અને આ છ, પંદરે પંદર પૈકીનું જે જે ચિત્રપટ જોવા મળે એ ન ગુમાવવા દરેકને મારી વિનતિ છે. પડદા ઉપર આજે યુરોપ પોતાની જીવનસમસ્યાઓ ચર્ચે છે. એક પણ પ્રશ્ન એણે અણછેડ્યો રાખ્યો નથી. લોકભોગ્ય કલાનું આવું બહોળું ક્ષેત્ર કલુષિત આશયોને માટે પણ વપરાય છે તેની ના નથી. – ને કઈ કલા નથી વપરાતી ! – પરંતુ બીજી બાજુ એની મહાન મંગલ શક્યતાઓ તો નિહાળો ! ઉત્કૃષ્ટ જગસાહિત્યને ચિત્રપટે જનતાનાં હૃદયાંગણમાં લાવી મૂકેલ છે. જ્ઞાનગંભીર અને કલાસવી એના અભિનેતાઓ – બૅરીમોર બંધુઓ, ચાર્લિ ચેપ્લિન, ફ્રેડરીક માર્ચ અને હેલન હેઈઝ જેવાં – સાચા જીવનતત્ત્વનાં જાણણહાર છે. આવી ભાવિક દૃષ્ટિએ દોરલી આ કથાઓ કેવળ કથાસાહિત્યનું નિર્જીવ થોથું બની અભરાઈ પર ચડે એટલો જ માત્ર હેતુ નહોતો. પરંતુ – સારાંમાઠાં સેંકડો ચિત્રપટોની અગમ અટવીમાં, ‘કંઈ સમજાયું નહિ’ની ફરિયાદ કરતાં પ્રેક્ષકોનું સારાં ચિત્રો તરફ માર્ગદર્શન કરાવવાનો પણ એક મનોરથ હતો.
પ્રૂફ તો નથી વાંચવા પામ્યો (અને તેથી સંખ્યાબંધ દોષો રહી ગયા છે), પણ નવ વર્ષો પર કરેલો આ કસબ અત્યારે કેવોક લાગે છે તે જાણવા માટે છપાયેલી વાર્તાઓ વાંચી ગયો છું. નવ વર્ષો પૂર્વેની નવીનતાનો મુગ્ધભાવ બાદ દેવાઈ ગયા પછી પણ આજે આ કૃતિઓએ મારા ચિત્તને એક વાચકના ચિત્ત તરીકે કૈક સંવેદનોથી રસી આપ્યું છે. અન્ય વાચકોને પણ આ રચનાઓ નિરાશ નહિ કરે એવી ખાતરી થઈ છે. કાળનદ અત્યારે બે કાંઠે છલોછલ વહી રહ્યો છે. કેટલીય નરસી તેમજ સારી વસ્તુઓને સમયનાં પૂર ઓવાળરૂપે કાંઠે કાઢી નાખે છે. આ પુસ્તકનું પણ, એ સારું હોવા છતાં, એમ થયું છે. ફરી એકવાર એ એ પ્રવાહમાં મુકાય છે અને મને આશા છે કે મારી નવલિકાઓના સંગ્રહોમાં એનું સાતત્યવંતું સ્થાન રહેશે. પ્રૂફ વાંચનની ભૂલો તો એટલી બધી રહી છે, કે એનું ચાર પાનાં ભરીને શુદ્ધિપત્રક મૂકવું એ તો પુસ્તકની અશોભામાં વધુ ઉમેરો કરવા જેવું લાગ્યું. આજનાં સરકારી નિયંત્રણો અને છાપાખાનાંની સંકડામણો વચ્ચે લેખકો-પ્રકાશકોને કાલ વળી કોણ જાણે કઈ તલવાર ગરદન પર ત્રાટકશે એવા ફફડાટો સાથે ઉતાવળે કામ લેવું પડે છે. મુદ્રણદોષોને નભાવી લેવા પૂરતી વહાલાં વાચકોની સહાનુભૂતિ યાચવાનો હક્ક આવા સંજોગોમાં આ લેખક પણ, પોતાની હમેશની માન્યતાથી જુદો પડીને, જરીવાર આગળ કરે છે.