વાસ્તુ/8

From Ekatra Wiki
Revision as of 05:40, 1 February 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આઠ|}} {{Poem2Open}} ‘બ્લડકૅન્સર’ શબ્દ કાને પડતાં જ જાણે અમૃતાના હૃ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આઠ

‘બ્લડકૅન્સર’ શબ્દ કાને પડતાં જ જાણે અમૃતાના હૃદય પર વીજળી પડી. બાથરૂમમાં જઈને એ ધ્રુસકે ધ્રુસકે રડી પડેલી ત્યારે જ અંદરથી થયેલું – ક્યાંક કૅન્સર તો નહિ હોય? છતાંય ડૉ. મંદાર પરીખના મુખેથી ‘બ્લડકૅન્સર’ શબ્દ સાંભળતાંવેંત અમૃતા જાણે જડવત્ બની ગઈ. ન નીકળ્યો ગળામાંથી કોઈ જ અવાજ, ચહેરા પરની રેખાઓએ પણ કોઈ જ પ્રતિભાવ ન આપ્યો, આંખો સ્થિર રહી ગઈ, બેય જડબાં જાણે એકમેક સાથે ચોંટી ગયાં. ‘બ્લડકૅન્સર' શબ્દના સ્પર્શમાત્રથી જાણે એ પથ્થરની મૂર્તિમાં ફેરવાઈ ગઈ. ડૉ. મંદાર પરીખને થયું – મારે અમૃતાને આમ સીધું જ નહોતું કહેવું જોઈતું… અથવા તો પહેલાં સંજયને જ જણાવ્યું હોત તો? એ પછી સંજયે જ બેડરૂમમાં, પ્રેમ-સ્પર્શ-હૂંફ આપતાં આપતાં, કવિની કાળજીથી, ઓછામાં ઓછો આઘાત પહોંચે એ રીતે આ ખરાબ સમાચાર આપ્યા હોત... એ પછીયે આઘાત સહન ન કરી શકતી અમૃતાને એણે સ્પર્શ-આલિંગન-ચુંબનો દ્વારા આશ્વાસન આપ્યું હોત... ઉપરાંત એની પાસે અમૃતાને સમજાવવા માટે એક સર્જકના શબ્દો હોત… જ્યારે પોતાની પાસે અત્યારે જાણે કોઈ જ શબ્દો પણ નથી, કોઈ કહેતાં કોઈ જ હથિયાર નથી, છે માત્ર લાચારી... અન્ય કોઈ પેશન્ટને ને એનાં સગાંને જે હોય તે સ્પષ્ટ કહી દેનારો, પોતાની જાતને જરીકે લાગણીશીલ નહિ માનનારો, કાળમીંઢ ખડક જેવો જ સખત ડૉક્ટર મંદાર પરીખ આ ક્ષણે, જિંદગીમાં ક્યારેય ન અનુભવી હોય કે કલ્પી હોય તેવી અસહાયતા ને લાચારી અનુભવી રહ્યો છે… એવી સ્થિતિમાં એ પોતાની જાતને અનુભવે છે કે જાણે ખભામાંથી એના બેય હાથ ખરી પડ્યા હોય ને પગ થાંભલા થઈ ગયા હોય...! અત્યાર સુધી તો એણે ગમે તેવું આઘાતજનક સત્ય બધાંયને, કોઈ જ વાઘા પહેરાવ્યા વિના, સીધું જ કહ્યું છે. ક્યારેય એને કોઈ જ દ્વિધા કે કશીય લાગણી કે કંઈ કહેતાં કંઈ જ થયું નથી. જ્યારે અમૃતા માટે આજે કેમ આમ થાય છે?! ડૉ. મંદાર પરીખને પોતાની જાત પર સખત ગુસ્સો ચડ્યો. ડૉક્ટર થઈને આવા પોચટ બન્યે ચાલે જ નહિ. એણે અમૃતા સામે જોયું. અમૃતા હજીયે પથ્થરના શિલ્પ જેવી જ હતી! એ અમૃતાની નજીક ગયો. જાત પરના ગુસ્સામાં એણે ઊંચા અવાજે કહ્યું – ‘અમૃતા…!’ ને એના બેય ખભા પકડીને હચમચાવી. અમૃતાના શરીરમાં જાણે પ્રાણ પાછા ફર્યા. ‘મં...દા…૨.’ એણે ચીસ પાડી. ધ્રુસકે ધ્રુસકે રડી પડાશે અથવા તો ક્યાંક બેભાન થઈ જવાશે એવું એને લાગ્યું. છેક કીકી સુધી ઊમટેલાં આંસુઓના પૂરને એણે પાછું હૃદયમાં ધકેલી દીધું, ક્ષણમાત્રમાં જ એક બંધ બાંધી દીધો. ખભા પાછળ થઈને વીંટાળેલો સાડીનો છેડો જરી આગળ ખેંચી મુઠ્ઠીમાં જોરથી પકડી રાખ્યો. આંખો મીંચી થોડા ઊંડા શ્વાસ લીધા. ‘સ્વસ્થ થા, અમૃતા…’ મંદારે કહ્યું. પોતાના આ અવાજથી મંદારને નવાઈ લાગી – પોતાનો અવાજ આટલો કોમળ ને આટલી ભીનાશવાળો ક્યારથી થઈ ગયો?! એ અવાજમાં નહિ વહેલાં આંસુઓની થોડી ખારાશ પણ હતી. પોતાની ભીતર છુપાયેલા આ સંવેદનશીલ રૂપનો મંદારને અત્યાર સુધી કેમ અણસાર પણ નહોતો આવ્યો?! અમૃતાની કાજળવિહોણી કાળી આંખો મંદારની આંખોને ચુપચાપ તાકી રહી. શ્વેત આરસ જેવી આંખોમાં વચ્ચે મોટી મોટી કાળી કીકીઓ જાણે હૃદયની જેમ જ ધબકતી હતી – ધબક્ ધબક્ ધબક્! મંદાર જેવા ડૉક્ટરનેય લાગ્યું – હૃદય માત્ર છાતીના પીંજરામાં જ નહિ, આંખોમાંય હોય. અમૃતાની બેય કાળી કીકીઓમાં ચમકતા એક એક ગોળ સફેદ ટપકામાંથી જાણે શૂન્યતાનાં બાણ સતત છૂટ્યા કરતાં ને મંદારની આંખોમાં ભોંકાતાં. ધસી આવતી શૂન્યતાને ખાળવા મંદારે કહ્યું – ‘અમૃતા…’ ‘હં?’ ‘સંજયને આપણે શું કહીશું? કેટલું કહીશું?’ ‘બધું જ.’ આ ક્ષણે અમૃતા ડૉ. મંદાર કરતાંયે વધારે સ્વસ્થ અને સખત જણાતી હતી. ‘જે હોય તે સ્પષ્ટ જ કહી દેવામાં અત્યાર સુધી હુંય માનતો હતો. પણ સંજયના કેસમાં…’ મંદારનો અવાજ ધીમો થતો ગયો ને અટકી ગયો. ‘સંજયને સત્યથી જરાય ઓછું કશું જ ન ખપે. એ સત્ય પછી ગમે તેટલું કડવું હોય કે ગમે તેટલું આઘાતજનક હોય.’ ‘પણ સંજય જેવી સંવેદનશીલ વ્યક્તિને...’ ‘સંજય ભીતરથી ખૂબ સંવેદનશીલ છે, પાણીથીય પોચો, પણ એના હૃદયની આજુબાજુ એક અડીખમ કિલ્લોય છે, જેનો એક કાંગરોય ખરી ન શકે તેવો. એ જેટલો લાગણીશીલ છે એના કરતાંયે વધારે બુદ્ધિશાળી છે.’ ‘તમે તો એના પ્રેમમાં પડ્યાં ત્યારથી જ એને જાણો છો, પણ હું તો એને છેક નાનપણથી...’ ‘તમે એની સાથે લગ્ન કર્યાં છે? વ્યક્તિત્વના કેટલાક અંશો સાથે સૂવાથી જ પામી શકાય.’ ડૉ. મંદાર તો અમૃતા સામે જોઈ જ રહ્યો – ઘડી પહેલાં આઘાતથી સાવ નિષ્ણાણ જેવી થઈ ગયેલી અમૃતા અત્યારે કેટલી સ્વસ્થતાથી વાતો કરે છે! ‘શક્ય છે કે આ જાણ્યા પછી એ સાવ હતાશ-નિરાશ થઈ જાય ને જીવવાનો ઉત્સાહ ગુમાવી બેસે. કેટલાક પેશન્ટો માટે રોગના કારણ કરતાંયે વધારે તો જીવવાની ઇચ્છા-ઝંખનાનો અભાવ જ મોતનું કારણ બને છે. વળી કેટલાક પેશન્ટ આપઘાત કરવાના વલણવાળાય બની જતા હોય છે.’ ‘સંજય માટે એવું કશું જ નહિ થાય. એને આ રોગ છે એવું જાણી એ કદાચ ભાંગી પડે, પણ માત્ર થોડા સમય માટે જ. જેમ બને તેમ જલદી એ સ્વસ્થ થઈ જશે ને એનામાંનો લાઇફ ફોર્સ જરીકે ઓછો નહિ થાય, બલકે વધશે!’ ‘હા, કોઈ પણ પડકારને ઝીલી લેવાની એની વૃત્તિ આ રોગ સામે ઝઝૂમવામાં કામ લાગશે.’ ‘એક વાર એ કહેતોય હતો – શરદી-કફ-જીરણ તાવને ડામવામાં તો શી બહાદુરી? કૅન્સર જેવો રોગ હોય તો ઝઝૂમવામાં મઝા પડે.’ બોલતાં અમૃતાનો અવાજ ગળગળો થઈ ગયો. અમૃતાએ જાતને પહેરાવેલું બખ્તર જાણે એક ક્ષણમાં જ ઓગળી ગયું. ‘એવું બોલવું એ એક વાત છે ને રોગ થાય ત્યારે ઝઝૂમવું એ જુદી. આવા જીવલેણ રોગોમાં શરીર કરતાંયે મન વધારે માંદું થઈ જતું હોય છે.’ ‘ના ડૉક્ટર, સંજયને તમે હજી જાણતા નથી. એનું મન ક્યારેય માંદું નહિ પડે.’ ‘સંજય પ્રત્યે તમે હજીયે વધારે પડતાં મુગ્ધ છો. કવિઓય છેવટે તો માણસ જ હોય છે. કદાચ સામાન્ય માણસ કરતાં વધારે વેવલા, કલ્પેલાં દુઃખોથી દુઃખી થનારા ને જલદી ભાંગી પડનારા.’ અમૃતાએ વળી જાત સખત કરી. બોલી – ‘પણ સંજય જુદી જ માટીનો છે. એનો કવિમિજાજ રોગનેય હંફાવશે. મનેય એ ઘણી વાર કહેતો હોય છે કે બુદ્ધિથી કામ લે, અમૃતા, લાગણીઓથી નહિ. હું એને જાણું છું, બહારથી અને અંદરથીય. એ બુદ્ધિપૂર્વક જીવશે, આયોજનપૂર્વક જીવશે; ભલે સાવ થોડો સમય બચ્યો હોય પણ એટલો સમય તો એ ભરપૂર જીવશે; જીવી જાણશે… દરેક વીજ ઝબકારે એ એક એક મોતી પરોવતો જશે…’ ડૉ. મંદારને અમૃતાનાં આ વાક્યો કોક નવલકથાના સંવાદો જેવાં લાગ્યાં. એને વિચાર આવ્યો – અમૃતા આ જે કંઈ બોલે છે, આ જે સ્વસ્થતાનું કવચ એણે ધારણ કર્યું છે એય શું એને લાગેલા ઊંડા આઘાતનું જ એક રૂપ તો નહિ હોય? અત્યાર સુધી તો ડૉ. મંદારે સાવ ઢીલીઢસ, પાણીપોચી અમૃતાને જ જાણેલી. રૂપાના જન્મ વખતે તો ઠીક, પણ વિસ્મયના જન્મ વખતે પણ. એવું કશું જ કારણ નહોતું, તે છતાંય સતત એને ડર લાગ્યા કરતો – હું નહિ બચું… છોકરાંઓને હું ક્યારેક ઇંજેક્શન આપતો એય એ જોઈ શકતી નહોતી. એના મુખમાંથીય દબાયેલી હળવી ચીસનો સિસકારો નીકળી જતો ને એની અંદર કશુંક કંપી જતું. એ જ અમૃતા અત્યારે કેવી તો સ્વસ્થતાથી વાત કરી રહી છે! પોતાની આંખોમાં એકીટશે તાકી રહેલી, જેનો કોઈ જ ઉત્તર ન હોય એવા પ્રશ્ન જેવી અમૃતાની વેધક નજર મંદારથી જીરવાઈ નહિ. એ ખુરશીમાંથી ઊભો થયો ને ચૅમ્બરમાં આમથી તેમ ને તેમથી આમ આંટા મારવા લાગ્યો. દરમ્યાન અમૃતા વળી નવલકથાના સંવાદ જેવું બોલતી રહી – ‘સંજય સત્યનો સખત આગ્રહી છે. નાનુંસરખું અસત્ય પણ એને જ્વાળામુખી જેવો બનાવી દે છે. લગ્ન અગાઉ જ અમે એક વાર કલ્પેલી વેદીની આસપાસ ફેરા ફરેલા ને કેટલીક પ્રતિજ્ઞાઓ કરેલી. જેમાં બીજી પ્રતિજ્ઞા હતી – આપણે એકમેકનું એકાન્ત જાળવીશું. ‘સૌથી પહેલી પ્રતિજ્ઞા હતી – આપણે ક્યારેય એકમેકથી કશું જ છુપાવીશું નહિ. ભલે પછી વાત છુપાવવા જેવી હોય, એનું પરિણામ ગમે તેટલું ભયંકર. ‘એને બ્લડકૅન્સર છે એ વાત હું ધારો કે એનાથી છુપાવું અને પછી જ્યારે એને ખબર પડે ત્યારે? – ‘એ મને કોઈ જન્મે માફ ન કરે, મંદાર. કદાચ મારોય અસ્વીકાર કરી દે એવો જિદ્દી અને એની જાત પ્રત્યેય એ કડક છે. સભાન હોવા છતાંય એ આત્મપીડનનેય કસોટીએ ચઢાવે એવો છે. બાકી રહેલું જીવન એનું છે; તમારું કે મારું નથી. બાકી રહેલું જીવન, દરેકેદરેક ક્ષણ કઈ રીતે જીવવી એ નક્કી કરવાનો અધિકાર પણ એનો છે, તમારો કે મારો નહિ. હું તો ત્યાં સુધી માનું છું કે ડૉક્ટરોનેય જો અંદાજ આવે કે હવે માત્ર છ જ મહિના બાકી છે તોય સંજય જેવા સર્જકને એ બાબત પણ જણાવવી જ જોઈએ. આથી એનેય ખ્યાલ આવે કે એક એક ક્ષણ કયા કામમાં વાપરવી. કયાં કામ કરવાં ને કયાં નહિ. દરેકેદરેક ક્ષણ કેમ જીવવી, કેમ જીરવવી – એ બાબતો પર એનો જ અધિકાર છે, તમારો કે મારો નહિ. ‘અમે એકમેકથી ક્યારેય કશું જ છુપાવ્યું નથી. કોકવારનાં જાતીય સ્ખલન પણ અમે છુપાવ્યાં નથી. આ વાત પણ હું એનાથી છુપાવી ન જ શકું. તમે ‘ના’ ન પાડી હોત તો હું તો અત્યારે પણ સંજયને સાથે લઈને જ આવવાની હતી, મંદાર!’ અમૃતા સહેજ અટકી, બે-ચાર ઊંડા શ્વાસ લીધા. પછી એણે પૂછ્યું, ‘મંદાર, પેશન્ટને ખબર પડે કે એને કૅન્સર છે એ પછી એના શા પ્રત્યાઘાત પડે?’ ચાલ્યા કરતો મંદાર સ્હેજ અટક્યો ને જવાબ આપ્યો – ‘હમણાં જ કહ્યું તેમ મોટા ભાગના પેશન્ટોના તો કૅન્સરની જાણ થતાં જ મોતિયા મરી જાય, ડિપ્રેશનમાં ડૂબી જાય ને આપઘાત કરવાના વલણવાળા બની જાય.’ ‘એ સિવાય?' ‘ઘણા પેશન્ટો વધારે પડતા ધાર્મિક બની જાય. પૂજા-પાઠ-માળા-બાધા-આખડી ને અંધશ્રદ્ધામાં માનતા થઈ જાય.’ ‘સંજય ઉપનિષદમાં માને, ધર્મના વિજ્ઞાનમાં માને. ઘણી વાર કહે પણ ખરો, આપણા અદ્વૈતવાદમાં જ આઇનસ્ટાઇનનો સાપેક્ષવાદ સમાયેલો છે. પણ માનતા-ફાનતા ને વીંટીઓ-ફીંટીઓ ને અંધશ્રદ્ધાનો તો એ ભારે વિરોધી છે.’ ‘એ તો સાક્ષાત્ મરણ સામોસામ ઊભું હોય ત્યારે ભલભલા રેશનલ માણસોનાય છક્કા છૂટી જાય ને એ લોકોય બાધા-આખડીમાં માનતા થઈ જાય.’ ‘આ સિવાય બીજા પ્રત્યાઘાત?’ સંજય વળી આમથી તેમ ચાલતાં ચાલતાં બોલવા લાગ્યો – કાં તો પેશન્ટ અત્યંત આત્મકેન્દ્રી બની જાય. સંજય પણ મને લાગે છે ત્યાં સુધી છે એના કરતાં વધારે અંતર્મુખી થઈ જશે. કેટલાક પેશન્ટ સાવ નાસ્તિક ને જિંદગી પ્રત્યે સાવ બેદરકાર બની જતા હોય છે. જોકે, સંજયના કેસમાં આવું નહિ જ બને. હઠીલાં દર્દોના મોટા ભાગના બધા જ પેશન્ટોમાં સ્વભાવ જિદ્દી અને ચીડિયો થઈ જતો હોય.’ ‘આ સિવાય?’ ‘બસ, લગભગ બધી જ શક્યતાઓ અંગે મેં વાત કરી.’ ‘તો મંદાર,’ અમૃતા ક્ષણભર અટકી ને પછી વધારે ગંભીર અવાજે બોલી, ‘આ વાત સંજયને કઈ રીતે કહીશું?’ ડૉ. મંદારના કપાળમાં કરચલીઓ પડી. આંખો કશા વિચારમાં ખોવાયેલી હતી. થોડી ક્ષણ પછી એણે કહ્યું – ‘સાંજે તમે એને લઈને મારા ઘરે આવો. હું એને સમજાવીને કહી દઈશ.’ ‘ના, આ વાતની જાણ હું જ એને કરીશ.’ અમૃતાએ મક્કમ અવાજે કહ્યું, ‘સાંજે નહિ, રાત્રે, બા અને બાળકો ઊંઘી જાય પછી, બેડરૂમમાં, પથારીમાં, મારા પૂર્ણ પ્રેમના સ્પર્શ સાથે –’ પછી એ ઊંચા અવાજે બોલી, ‘ઓ માય ગૉડ!?’ અચાનક અમૃતાને કંઈ યાદ આવ્યું. ‘આજે તો અમારી મૅરેજ ઍનિવર્સરી! ટેન્શનમાં હું તો ભૂલી જ ગયેલી. પણ… પણ… લગ્નતારીખની જ રાત્રે પથારીમાં મારે એને આવા ખરાબ સમાચાર...’ અમૃતા ખુરશીમાંથી એકદમ ઊભી થઈને દીવાલ તરફ ધસી ગઈ ને બે હથેળીઓમાં મોં છુપાવી જોરજોરથી નાના બાળકની જેમ રડવા લાગી. મંદાર એની પાસે ગયો. એના ખભે હાથ મૂક્યો. તરત અમૃતા મંદાર તરફ ફરી ને એને જોરથી બાઝીને ધ્રુસકે ધ્રુસકે રડતી રહી. મંદારનો હાથ એની પીઠ પસવારતો રહ્યો... મંદારને યાદ આવી ગયું – ગ્રીષ્મા પણ મારી બાંહોમાં આવી જ રીતે રડી પડેલી, એક વાર…

ગ્રીષ્મા મંદારની સાથે મેડિકલમાં ભણતી : પાતળી, પોણા છ ફૂટ ઊંચી. શ્યામળી. લાંબા વાંકડિયા વાળ. જથ્થો ખાસ્સો. કાળી મોટી મોટી ચુંબક જેવી આંખો. એની આંખોમાં હંમેશાં અનેક નક્ષત્રો ઝળહળે. જાડા હોઠ. પાતળી લાંબી ગરદન. કંઈક અંશે કેરાલિયન લાગે. પિતા ગુજરાતી. માતા કેરાલિયન. નિયમિત કસરત કરવાની ટેવ. સ્કૂલમાં હતી ત્યારે સ્વિમિંગમાં રાજ્યકક્ષાએ પ્રથમ આવેલી. બધી જ બાબતોમાં જીવંત રસ લે. પહેલી જ નજરે પ્રેમ થઈ ગયેલો ગ્રીષ્માને મંદાર સાથે. મંદારને પહેલી જ નજરે પ્રેમ જેવું કશું થયું નહોતું. પણ એની સાથે દોસ્તી થયા પછી મંદાર ગ્રીષ્માના પ્રેમમાં પડેલો. મંદાર સાથે મન-હૃદયથી ‘એંગેજ’ થઈ ગયા પછીયે ગ્રીષ્માની ચંચળતા જરીકે ઓછી નહોતી થતી... મંદાર તો હૃદય ફાડીને ચાહતો હતો ગ્રીષ્માને. પણ ગ્રીષ્મા?  – એને તો બસ, મંદાર નામના સમુદ્રનાં મોજાંઓ પર તરવું હતું, ઊછળવું હતું, મહાલવું હતું ને મોજાંના ઉછાળ સાથે જ ઊડવું હતું… બીજો સમુદ્ર જો મળે… મંદાર કરતાં વધુ વિશાળ વધુ તોફાની… ઊછળતાં હોય એનાં મોજાં વધુ ઊંચે… છેક વાદળો સુધી… તારાઓ સુધી… એટલે ગ્રીષ્મા નામની હોડી સરક્ સરકતી બીજા સમુદ્રમાં… ઊછળતાં મોજાંઓનો રોમાંચ… બારે મેઘ ખાંગા… ને પછી પૂર્ણ મેઘધનુષ… પછી રાત… અડકે તો ગલી થાય એવું રેશમી અંધારું… પૂનમનો ચંદ્ર… સમુદ્રમાં ઊમટતી પાગલ ભરતી… ગ્રીષ્માને એક સમુદ્ર ઓછો પડતો… એક ચંદ્ર ઓછો પડતો… એક આકાશ ઓછું પડતું… મેઘધનુષના બધા જ રંગો ઓછા પડતા... એને તો લપસવું હતું મેઘધનુષના ઢોળાવ પરથી… લપસીને પછી પડવું હતું નવા નવા સમુદ્રમાં… ને બની જવું હતું નર્યો રોમાંચ… ગ્રીષ્માને તો એકેય સમુદ્રમાં ડૂબવું'તું જ ક્યાં? એને તો પ્રતીક્ષા જ ક્યાં હતી સ્વાતિ નક્ષત્રની? એને તો ક્યાં જોઈતું હતું એકેય સાચું મોતી?! મંદાર કંઈ ભોટ નહોતો. થોડા સમય પછી એ જાણી ગયેલો ગ્રીષ્માને પૂરેપૂરી… છતાં મંદાર ગ્રીષ્માને ભૂલી શકે તેમ નથી... બાલારામનો એ સમય તો એ ક્યારેય એના લોહીમાંથી ભૂંસી શકે તેમ નથી. અગાઉથી જ મંદાર જાણતો હતો – ગ્રીષ્મા પોતાને છોડીને ચાલી જશે... છેવટે ગ્રીષ્મા એને છોડીને વિમાનમાં ઊડી ગઈ… તે ક્ષણે જ મંદારે નક્કી કરેલું – હું કુંવારો જ રહીશ... બીજીને હું ચાહી જ કઈ રીતે શકું?