મેઘાણીની સમગ્ર નવલિકા 2/સદુબા

From Ekatra Wiki
Revision as of 13:04, 16 February 2022 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search
સદુબા

[૧]

“હળવાં બોલો! ભાભીજી, ભલાં થઈને—” “હળવી જ બોલું છું તો! ક્યાં પોળમાં જઈને બૂમો પાડું છું?” “ભાભીજી! માતાની દુવાઈ, ધીરાં બોલો. ભેંત્યનેય કાન છે, આદમી ગામતરે છે.” “ભેંત્યથી બીએ છે તો શા સારુ કજિયો ઘરમાં ઘાલે છે?” “મેં કજિયો—” “તેં નહિ ત્યારે શું મેં? તારો વર જજમાનોમાંથી એ શેલું લાયો એટલે શું એ તારું થઈ ગયું?” “મેં ક્યાં કહ્યું ‘મારું’? મારા જેઠે જ એના ભઈને કહ્યું કે છો સદુવઉ પહેરે; લઈ જા.” “તો શું તારો જેઠ ટંટો કરવા બેસે? કહે કે લઈ જા એટલે લઈ ચાલ્યો — કોને પે’રાવવા? રૂપાળી બૈરીને જ તો. બૈરું શેલું પે’રીને ચટકમટક ચાલ્યું: કોની આંખ્યો ઉલળાવવા? — હેં, કોની?” “ભાભીજી, ઓ ભાભીજી! ગજબ કરો ના, હવે કંઈ બોલો ના, કોઈકને કાને પડશે. પાલવ પાથરું.” “પડ્યો કાને! જૂઠું કહું છું? કોનાં હૈડાંને હરખાવવા તું શેલું પે’રી ફરીશ પોળમાં?” “ઉતારી નાંખું છું હમણાં. લો ને, તમને નહિ ગમે તો નહિ પહેરું. અરે, ખડકી તો ઉઘાડી છે....” એમ કહેતી એ નવું શેલું પહેરીને ઊભેલી યુવાન બાઈ ખડકી વાસવા ગઈ, ને બંધ કરતાં કરતાં એણે, આ ઘર-કજિયો કોઈ સાંભળતું તો નથી ના, એ જોવા સ્વાભાવિક રીતે જ બહાર નજર ફેરવી. તુરત જ એણે ખડકીનાં કમાડ બીડી દીધાં, પણ એના મોં પર ભયની છાયા પડી ગઈ. કોણ ઊભો હતો એ? અત્યારે બપોરના સમયે, બારોટોના ચોરા પર કોઈ નથી ત્યારે, પોળમાં પણ કોઈ ફરતું નથી તે ટાણે, ભાદરવાનો ધોમ મધ્યાહ્ન ધીકી રહ્યો છે તેવી વેળાએ, એ કોણ બહાર, બરાબર અમારા જ ઘરની પાસે, ઊભો હતો! પીઠ વાળીને ઊભેલો હતો. જાણે સાંભળતો હતો. મારી સામે જોઈ લીધું, ચાલી નીકળ્યો, ઘાસમાં થઈને સાપ સરી જાય તેમ સરસરાટ પોળની બહાર નીકળી ગયો! કોણ હતો એ? માથે પટણી-પાઘડી હતી — રાતી ને સોનેરી પટાવાળી: અંગરખી હતી, દુપટ્ટો હતો. હશે, કોઈક ગૃહસ્થી માણસ જ હશે. લાગ્યો તો આબરૂદાર. ખડકી બીડતાં બીડતાં જ એ સ્ત્રીને આટલા વિચારો આવી ગયા. અંદર ગઈ ત્યારે મોટેરી સ્ત્રી પોતાના ઘરભાગની બારીએ ઊભી હતી, એણે સદુબા નામની દેરાણીની સામે જોઈને પૂછ્યું: “કોણ હતો એ?” “તે જ હું વિચારું છું.” “તમે નથી ઓળખતાં?” “હું! શી રીતે ઓળખું?” “એ...મ કે!—” એ ‘એમ કે’ શબ્દના લહેકાથી દેરાણી લેવાઈ ગઈ. “ત્યારે અમસ્તો ઓળખપાળખ વગર અહીં ઊભો હતો?” દેરાણીથી વિશેષ સંભળાયું નહિ. એ પોતાના ઘરભાગમાં ચાલી ગઈ. ઘોડિયામાંથી નાનું બાળક રડી ઊઠ્યું. એ એની ત્રણેક મહિનાની, પહેલા ખોળાની દીકરી, હતી. એને ખોળે લઈ પોતે ધવરાવતી બેઠી, ને વળી પાછી એ જ વિચારે ચડી. કોણ હશે? કોઈક ઇજ્જતવાન ગૃહસ્થ જ તો! અત્યારે કેમ આવ્યા હશે? કદાચ અમારે ઘેર જ પુરુષને મળવા આવ્યા હશે. જેઠાણીનું બોલ્યું સાંભળી ગયા હશે. બાપડા ભોંઠા પડ્યા હશે તેથી જ કશું પૂછ્યાગાછ્યા વગર ચાલ્યા ગયા હશે. પૂછે પણ કોને? અમે બૈરાં આવું ફાટતે ડાચે બોલતાં હતાં તેથી એવા આબરૂદાર તો સમજી જ ગયા હશે ના, કે ઘેર પુરુષ કોઈ નહિ હોય, ને પછી તો મલાજાળું અમારું વરણ, કેમ કરીને ખડકીએ ચડે આબરૂદાર માણસ! અરેરે! પુરુષના કોઈ મિતર ભાઈબંધ હશે, મારે વિશે શું ધારશે? પુરુષને કહી તો નહિ દે? ખોળામાં ધાવતી છોકરી રડવા લાગી. ને રડતી રડતી થોડી વાર માની સ્તન-ડીંટડી મોંમાંથી કાઢી નાખી, વળી પાછી મોંમાં લેતી, વળી પાછી કાઢી નાખતી, ઉછાળા મારતી ચીસો પાડવા લાગી. સ્ત્રીએ એને બીજે પડખે લઈ ધવરાવવા માંડ્યું. પણ ત્યાંયે બાળકની અકળામણ ચાલુ હતી. કારણ કે, થોડીક જ પળો પૂર્વે, હાથમાં આઠ બલૈયાંનો છંદ, ગળામાં ગોપ અને તુળસી ઘાલી, શરીર પર શેલું પહેરી આરસીમાં એણે જોયું હતું તે વેળા એના ઉરમાં જે પાનો ચડ્યો હતો ને કાંચળી પણ પલળી ગઈ હતી તે ધાવણ એકાએક સુકાઈ ગયું હતું. શરમ ને સંતોષના આટલા વિચારોએ એની છાતીને શોષી લીધી હતી. રડતી બાળકીને ફરી ઘોડિયે નાખી, બે ઠેલા મારી, પોતે નવું પહેરેલું શેલું કાઢી નાખી, સાદો સાળુ પહેરી લીધો, ને મન સાથે વાતો કરી: ‘શા ભોગ લાગ્યા કે આજ શેલું પહેર્યું! પરણ્યાં તેર મહિના થયા, એકેય દા’ડો સારું ઓઢ્યું ન’તું. આજે ગામ જતા બારોટે બહુ કહ્યું એટલે દલ રહ્યું નહિ. પહેરીને જેઠાણીને પગે પડવા ગઈ ત્યારે શી માલૂમ કે જેઠે મારે પહેરવા એના નાનેરાને આલ્યું તે ભાભીજીને નહિ ગમ્યું હોય! અરે માતાજી! આ શહેરમાં પહેરીઓઢીને પોળ પાર પણ નેંસરાય નહિ, તે તો જાણું છું. શિવના દેરા સુધી પણ મેં ક્યારે પગ માંડ્યા છે, હેં મા! આ તો બંધ બારણે, ઉંબરાની આડીવાડીમાં પહેરીને ઊભી કારણ કે બારોટે જીદ લીધી આજ સવારથી જ. હશે, માને નહિ ગમતું હોય. ભૂલ થઈ, મા! ગનો માફ કરજો. મારું ફૂલ ન કરમાવજો, મા હીંગળાજ! એમ કહેતી એ ઘોડિયે સૂતેલી ભૂખી દીકરીને જોઈ રહી. અમદાવાદનો એ શાહપુર લત્તો હતો. શહેરકોટની રાંગ પાસે, હલીમ બૂની ખડકી સામેનો એ ભાટવાડો હતો. આજે સદુ માતાની પોળ નામે ઓળખાય છે તે ખાંચામાં, બારોટોના ચોરા પાસે, આંબલીની સામે જ આવેલું એ ઘર હતું. એ ઘર બારોટ હરિસિંગ જેસિંગનું. હજુ તો બે વર્ષો પૂર્વે જ જુવાન ભાટ હરિસિંગ આ કલાણિયા કુટુંબની રૂપાળી દીકરી સદુબાને પરણી લાવ્યો હતો. એક જ મહિનાથી સદુબા સાસરે આવી હતી. સુવાવડ પહેલાં પણ સાતેક મહિના મહિયરમાં રહી હતી. આ શહેરમાં આબરૂદાર બૈરાથી સારાં લૂગડાંલત્તાં પહેરી બહાર ન નીકળાય એવી કોઈક વિચિત્ર રસમથી પોતે વાકેફ હતી. ગરબા ને મેળામાં સારાં માણસોએ ન જવું એવું કોઈકોઈ કહેતાં. પણ એની અંદર રહેલા રહસ્યની એને જાણ નહોતી.

[૨]

બપોરવેળાનો એ પટણી-પાઘડીવાળો ‘ગૃહસ્થ’વેશી આદમી ભાટવાડામાંથી નીકળીને શાહપુર ખાતેની કૂવાવાળી પોળને પોતાને ઘેર ચાલ્યો જતો હતો ત્યારે એનું દિલ કોઈ ન જાણી શકે એવી જોખમી રીતે અંદરથી નાચતું હતું. પોતાની પોળમાં પેસતાંની વાર જ એને જોઈજોઈ લોકો પોતાની ખડકીઓ કે બારણાં બંધ કરી દેતાં હતાં. આવી લોકચેષ્ટા જોઈજોઈ એ મલકાતો જતો હતો. ઘેર પહોંચ્યો ત્યારે બે-ત્રણ માણસો એની વાટ જોઈને દયામણે મોઢે બેઠા હોય તેમ લાગતું હતું. પોતે બેઠકમાં જઈ એ બે-ત્રણને તેડાવ્યાં. સાથે એક રૂપાળી બૈરી પણ હતી. “લો, ઉત્તમભઈ!” માણસો પૈકીના એકે આ ગૃહસ્થને કહ્યું: “આ બઈને લાયો છું.” “...નું નામ દેશે ને સૂબાની કચેરીએ આવીને!” એમ કહેતે એણે શહેરના એક આબરૂદાર શ્રીમંતનું નામ લીધું. બાઈ લજવાઈ ગઈ. પણ એ ઉત્તમભાઈ નામના ગૃહસ્થે મોં પર લજ્જત લાવી જણાવ્યું: “એમાં શરમાય છે શાની?” “પણ મને કંઈ થાય તો?” “તને કશું થાય તો હું ઉત્તમચંદ જવાબદાર. તને તો ઊલટાનાં વસ્ત્રો અલાવીશ, તું તારે એમનું નામ લેજે, કે એ મારે ઘેર આવે છે.” “પણ એમનું નામ — કશા જોયા-ભાળ્યા વન્યા — કેમ કરી લઉં!” “ગોટા વાળીશ ના, બાઈ! તો પછી તું ને એ બેઉ સંડોવાઈ જશો. હું તને બચાવી નહિ શકું. તારું નામઠામ બધું ક્યારનું પહોંચી ગયું છે ભદ્રમાં.” “ઠીક તો, ભઈ! જેવી મરજી તમારી!” કહીને બાઈ શાંત બેઠી. “ચાલો ત્યારે કચેરીએ.” એ બાઈને અને એના સાથીઓને રવાના કરીને આ ઉત્તમચંદ નામના વણિકે બીજી ત્રીજી પોળોની વચ્ચે થઈને ભદ્રની વાટ પકડી. એને ભાળતાં જાહેર રસ્તાઓ પર કંઈક ચમત્કારભરી અસર પડતી જતી હતી. કોઈક ઉઘરાણીએ ફરતો વ્યાપારી એને દેખી પોતાની ઉઘરાણીની પોથી સંતાડી દઈ જાણે કંઈક બીજે કામે નીકળ્યો હોય તેમ ઊભો રહ્યો ને ‘જે ગોપાળ, ઉત્તમચંદભઈ!’ કરી મોં રાંકડું બનાવ્યું. “જાણું છું તને!” ઉત્તમચંદે એને જવાબ વાળ્યો “ઉઘરાણી કેટલી પાથરી છે તેની ખબર છે. સૂબાને કહીશ ત્યારે સાન આવશે.” “ઉત્તમભઈ!” ઉઘરાણીવાળાએ આવી હાથ પકડ્યો; “કૃપા કરીને એવું ના કરશો. તમે કહો તે રીતે—” “ના રે ના, એ તો ભદ્રમાં પૂરી, છાતી પર પથરો મૂકી, એકાદ રાત સુવરાવી મૂકશે ત્યાર પછી આ જે કંગાલિયતનો વેશ પહેરો છો તેની અંદરખાને શું છે તે જણઈ આવશે.” બોલતોબોલતો ઉત્તમચંદ ચાલ્યો જ જતો હતો, ને પેલો એની પાછળ પાછળ રગતો જતો હતો. છેવટે ઉત્તમચંદે એટલું કહેવાની મહેરબાની કરી: “રાતે ઘેર આવજે.” ભદ્રમાં પ્રવેશ કરવા ટાણે આ ઉત્તમચંદ પ્રત્યે દ્વારપાળો ને પહેરગીરો ઝૂકી પડ્યા. પેટમાં સાપ ભર્યા હોય તોપણ મોં પર એક રેખા સુધ્ધાં ન કળાવા દેતો ઉત્તમ ગંભીર ચહેરે અંદર ચાલ્યો ગયો. હવેલીની મેડી પર જતાં તો ત્યાં બેઠેલા બીજા આઠ-દસ જણાએ એને સત્કાર આપ્યો. એ પણ એ બધા એના જેવા જ ગૃહસ્થાઈના વેશપોશાકમાં શોભતા હતા. પણ એ બધાની દૃષ્ટિમાં ઉત્તમચંદની મહત્તા સર્વોપરી હતી એવું સાફ દેખાઈ આવે. “કેમ, જીવણ ઝવેરી!” ઉત્તમચંદે સૌથી સારી બેઠક પર આસન લેતે લેતે એકને પૂછ્યું: “તમે તો તે દા’ડાના કંઈ દેખાયા જ નહિ; ને ગોરધનભઈ, તમે પણ પાતાળે પેસી ગયા હતા કંઈ!” “પેસવું પડે સ્તો પાતાળે!” જીવણ ઝવેરી નામના ગૃહસ્થે આંખોને ચિંતાથી ભરપૂર કરીને કહ્યું: “હવે સપાટી પર તો આ શહેરમાં કંઈ રહ્યું નહિ, એટલે તળિયે જવું પડે છે.” “માંઈથી છેક જ સડી ગયું શહેર, હો ઉત્તમભઈ! છેક જ કોહી ગયું.” ગોરધન નામે ઓળખાવેલ ત્રીજા ગૃહસ્થે પોતાના શરીર પર હાથ ફેરવીને અમદાવાદ શહેરનો સડો સૂચવ્યો. “સડેલું છે શહેર પોતે, છતાં ઊલટાનું આપણને ચાડિયાચાડિયા કહી નિંદે છે.” “નિંદવા દો!” ઉત્તમના મોં પર તત્ત્વજ્ઞાન પથરાઈ રહ્યું: “આપણે આપણું કાર્ય કરો. પણ આપણે ઢીલા પડ્યા છીએ. સૂબા સરકારની કૃપાને પાત્ર નથી. તે દા’ડે દૂધપાક જમવા તેડ્યા ત્યારે અઢાર મણ ઉડાવી ગયા તેટલા બધા આવ્યા હતા; એક પોળ ખાલી નહોતી રહી; પણ તેના પ્રમાણમાં કાર્ય થતું નથી.” “કાર્ય તો પુષ્કળ થાય છે, ઉત્તમભાઈ!” જીવણ ઝવેરીએ કોચવાઈને કહ્યું: “પણ પરિણામ કેટલું બધું વેરણછેરણ થઈ જાય છે તે વિચારો ને તે અટકાવો. વચલાં માણસોની જોડે મળીને આપણામાંના કેટલા બધા બારોબાર આરોગી જાય છે તે જાણો છો?” “સૂબા સરકારની પાસે શહેરના ઇજારાની રકમ ઉપરાંત જેટલું બની શકે તેટલું આપણે ધરવું જોઈએ. નહિતર એ જ ઊઠીને આપણા કાર્ય પર પ્રતિબંધ મૂકશે ત્યારે રડશું માથું ઢાંકીને.” એટલું કહીને ઉત્તમ રાજહવેલી પર ચાલ્યો ગયો. અમદાવાદ શહેરના ગાયકવાડી સૂબા સરકાર રાઘુ રામચંદ્રની રાજહવેલી એ આ ઉત્તમચંદ નામના ‘ગૃહસ્થ’ના ઘર બરોબર હતી. ઉત્તમ એ હવેલીમાં છૂટથી હરીફરી અને રહી શકતો. જે અઢાર મણ દૂધપાક જમી જનાર મહામંડળનો અગાઉ નિર્દેશ થયો છે તેના બસો જેટલા સભ્યોનો શિરોમણિ ઉત્તમ હતો, કારણ કે ગાયકવાડી સૂબાની પાસે શહેરના સારામાં સારા શિકાર ઉત્તમ લઈ આવતો. સૂબા સરકાર રાઘુ રામચંદ્રનું હૃદય ઉદ્વેગભર્યું હતું. બળેવને દિવસે પોતે હાથી પર બેસીને સવારી કાઢી, પોતાના હાથીની આગળ સેંકડો લોકોએ શિર પર ઉપાડેલા મોટા પાટ પર ગુણિકાઓના નાટારંભ કરાવતાકરાવતા નીકળ્યા, ઉત્તમ વગેરે બસો-અઢીસોના પ્રચાર મુજબ પ્રજાજનોએ સરકારના શિર પર પુષ્પોની વૃષ્ટિ કરી હતી, ભેટો ધરી હતી, છતાં સરકાર ભાદરવે મહિને ગમગીન હતા. કારણ કે શહેર અમદાવાદની ઇજારાની જે મુકરર રકમ કરવેરા માંડવી વગેરે દ્વારા એકત્ર થઈ હતી તેથી વિશેષ બહુ કંઈ આ બસો-અઢીસો જણાએ રળાવી આપ્યું નહોતું. પોતાના માનીતા ઉત્તમ પ્રત્યે પણ સરકારે મોં બગાડ્યું. ત્યાં તો ઉત્તમે અરજ ગુજારી: “રજા હોય તો એક બઈને લાવું.” “લાવો.” પોતાને ઘેર આવી હતી ને ઓરતને ત્યાં લાવીને ઉત્તમે એને કહ્યું: “જો બાઈ, પાપ છુપાવીશ તો તું તુરંગમાં પડીશ. ને સાચું કબૂલ કરીશ તો તને આંચ નહિ આવે. કહી દે, તારે ઘેર કોણ આવે છે?” બાઈએ એક ધનિકનું નામ લીધું. થોડી વાર પછી એ ધનિકને ભદ્રમાં હાજર કર્યા. આવું દુષ્ટ કાર્ય કરવા માટે એમનો ખાનગી રાહે મોટી રકમનો દંડ ફરમાવાયો. પણ એ ધનિકે અજ્ઞાતપણું બતાવ્યું. ખેર, એને તુરંગમાં લઈ જઈ સુવારવામાં આવ્યા ને છાતી પર શિલા મૂકવામાં આવી. “હવે?” ઉત્તમે સરકારની સમક્ષ મંદમંદ મરકતેમરકતે વાત ઉચ્ચારી: “સરકારના દિલનો અફસોસ અને અસંતોષ લગાર હેઠો બેસે એવું એક ‘કાર્ય’ ગોઠવી લાયો છું. વળી બીજાના પ્રમાણમાં આ કાર્ય સહેલુંય છે. કોઈ બૈરીને અહીં સુધી બોલાવી લાવવાની પણ જરૂર નથી, તેમ કોઈ પુરુષની છાતીએ પથ્થર ચડાવીને મનાવવાની પણ ખટપટ નથી. લગાર સિપાહીને મોકલીએ એટલે બસ છે.” “ક્યાં?” “ભાટવાડે.” અમદાવાદ શહેરના આજ સુધી ખંખેરેલા લત્તાઓ અને પોળોમાંથી બાદ રહેલા આ ભાટવાડા નામના લત્તાનું નામ સૂબા સરકારે પહેલી જ વાર સાંભળ્યું. ને કહ્યું: “એ તો માંગણ લોકો કહેવાય.” “સરકારની વાત સાચી છે. પણ આ માંગણ લોકો એક વાર નજરે જોવા જેવા છે. ઘેર ઘેર ઘોડવે’લો ને ડમણિયાં છે, ઘોડાં તો બબ્બે-ત્રણત્રણ બાંધ્યાં હોય છે. પગમાં સોનાનો અગર રૂપાનો તોડો, ગળામાં ગોપ અને કાંડે કડાં ન હોય તેવો કોઈ પુરુષ નથી. મોટે પટે હીરકોરી ધોતિયાંના તો કછ મારે છે અને ચોરે બેસી કસુંબા કાઢ્યા કરે છે.” “કરવેરો કંઈ આપતા નથી?” “બિલકુલ નહિ. ઊલટા ઘોડાં-ડમણિયાં હાંકીહાંકી શહેરના રસ્તા ખોદી નાખે છે. આપ જુઓ તો ફાટીને ધૂંહ ગયેલા છે ભાટ લોક. ઉપરાંત એક બીજી બાબત વધુ ગંભીર છે: આ ભાટવાડાના તમામ મર્દો માગશર મહિનાથી ઘોડાં-ડમણિયાં લઈ ઘરબહાર નીકળી પડે છે, ને યજમાનોમાં ફરીફરી છેક વૈશાખ-જેઠમાં પાછા વળે છે. એટલો વખત, એમની બૈરીઓ શાં કામાં આચરે છે! કેવા કેવા લોકોનો ત્યાં અવરજવર હોય છે! હું જાણું છું. ભાટવાડામાં મારી ઊઠબેસ છે. હું નજરોનજરનો ને કાનોકાનનો સાક્ષી છું.” “વાત સાચી હશે, પણ એ લોકો ધડાપીટ કરશે નહિ?” “નહિ રે! એમ પાછું લાજાળું વરણ છે. મૂળ તો મરદો જ કચેરીએ આવવાના કાયર, તેમાં ઓરતને હાજર કરવાનું કહેશું એટલે તો મોંમાગ્યાં દામ દેશે. ભાટવાડો તો, સરકાર! સોનેરૂપે ભાંગી પડે છે આજે. ફક્ત એક સિપાઈને જ મોકલવા જરૂર છે.”

[૩]

એવું સલાડું કરીને ઉત્તમચંદ સાંજે ઘેર આવ્યો. જીવણ ઝવેરી, ગોરધન અને બીજો ગોરધન, એ ત્રણ જણા પણ સરકાર પાસે નવા શિકાર સાદર કરીને પ્રસન્ન ચિત્તે તથા પ્રસન્ન ગજવે પાછા વળ્યા; રાત પડી. સદુબા પોતાના ઘરમાં એકલાં હતાં, હરિસિંગ બારોટ સગાંવળોટે બહારગામ ગયા હતા, ત્યાંથી સાંજે જ આવવાની વાટ હતી. જેઠાણી તો ઝઘડો લઈ પોતાનાં ઘરમાં ભરાઈ સૂઈ ગયાં હતાં. તે વખતે પોતાનાં વૃદ્ધ પડોશણ અને સગાં એક ડોશીમાને સદુબાએ બેસવા બોલાવ્યાં. ઘરમાં બેસારીને છાનુંમાનું પૂછ્યું: “હેં ફૂલબા બૈજી, આજે બપોરે કોઈ એક આબરૂદાર લાગતા પુરુષ અહીં ઘર પાસે ઊભા હતા તેની ખબર છે?” “ધીમાં બોલો, વહુ!” એ ડોશીએ ચોમેર જોતાં જોતાં ગુસપુસ અવાજે કહ્યું: “મેં જોયો હતો એને. હું જાણું છું રડ્યાને.” “કોણ?” “કાળો નાગ.” “શું!” સદુબા કંઈ સમજી નહિ. “ચાડિયો આ શહેરનો. ચાડિયાનો સરદાર ઓતિયો. હમણાં હમણાં અહીં જોઉં છું વારંવાર એ રડ્યાને, સરકારનો ચાડિયો છે. એવા તો પોળે પોળે છે. કાળા નાગની જેમ ફરે છે શહેરમાં, જૂઠાં આળ મૂકીને દંડો પડાવે છે. તેમાંથી દલાલી ખાય છે.” ભાંગનો સડાકો લેતાં લેતાં ફૂલબા બઈજીએ કહ્યું. “પણ આપણે એમાં શું?” ભોળી નવવધૂ સદુબા તો સ્તબ્ધ બની ગઈ. એણે આબરૂદાર કલ્પેલો આદમી એવી તે શી બદમાશી કરતો હશે! “અરે બચ્ચા!” ડોશીએ સમજ પાડી: “આપણાં બૈરાંનાં જ મોત ઊભાં કરાવે છે ને એવા એ ચાડિયા રોયા! આબરૂદાર બૈરું જોઈને પકડે કે તું ફલાણા જોડે વહેવાર રાખે છે, અમારી કને પુરાવા છે. હેંડ ભદરમાં, ત્યાં નિરદોષ સાબિત થજે! કહો, શું કરે આબરૂદાર લોક? માગે તે પૈસા ચૂકવીને વળાવે સ્તો! અરેરે! મશલમાન પાદશા હતા, દેરાં ભાંગતા, હિંદુ છોકરીઓને પરણતા, પણ આવાં કરમ કદી નો’તા કરાવતા. વેપારધંધા ને ખેતીને કેવા ખીલવતા! માણસ શાંતિથી સોડ તાણીને સૂઈ રહેતું. પણ આ મરેઠા આવ્યા તેમણે તો વપરીત જ માંડ્યું છે. શહેરને પાયમાલ કર્યું છે. પારકા પરદેશના, અહીં કંઈ રાજા તો રહે નહિ, સૂબાને ધકેલે, સૂબાએ શહેરમાં ચાડિયાનું લશ્કર જ ગોઠવ્યું તો! આપણા ને આપણા ચાડિયા બન્યા છે. પરદેશથી કંઈ નથી ઊતર્યા. ચાડિયા દલાલી ખાય, ને સૂબો દંડ ગજવામાં ઘાલે.” “આવડી મોટી વસ્તી — આવડું મોટું મહાજન — અને કોઈ કશું કરે નહિ, હેં નાની બઈજી?” “કાંઈ કરે કે કારવે, વહુ! કાળજાં જ દબૈ ગયાં છે. શહેરની પોળો જાણે શ્વાસ જ લેતી નથી. આ બની ગઈ છે પેલી વાર્તા જેવી નજીવા નગરી. વધુ વાતો ક્યાંય જઈને કાઢતી નહિ, વહુ, ચોળાચોળ કરતી નહિ. ભાટવાડામાં સાપ પેઠા નથી તે જ ઘણું છે. નહિ તો આપણી શી મજાલ! પુરુષો ગામતરે ભમે, બૈરાં વસુ જ પોળ: અદબ રહી છો પોળની, ત્યાં લગી જીવીએ છીએ સુખે.” સદુબા સમજતી હતી કે ભાટવાડાએ એની અદબ આજે બપોરે જ ગુમાવી છે, સાપ પોળમાં પેસી ગયો છે, અને ગુનેગાર એ પોતે જ છે. ડોશી ગયા પછી એ ઊંઘતી છોકરીના ઘોડિયા પાસે જઈ બેઠી. નગરનો કોટ ભાટવાડાની પાસોપાસ ઊભો હતો. રાત કાળી હતી. કોટની બહાર શિયાળ રડતાં હતાં. ચીબરીના અપશુકનિયાળ સ્વરો સંભળાતા હતા. રાતમાં સૂતી ઝબકીને એનાથી વારેવારે પુછાઈ જતું હતું: “કોણ?” “કોણ છે?” “કોઈક હશે સ્તો!” બાજુના ઘરમાંથી કાવતરાબાજ સ્વરે જેઠાણી જવાબ વાળતી: “જાને ઉઘાડવા! આવવા દેને અંદર!” વિખવાદનું કારણ કેટલું નજીવું હતું! મોટાભાઈ ને નાનોભાઈ બંને યજમાનોમાં જતા, દાયરા થતા. તેમાં વારતાઓ માંડતા, વંશાવળીના ચોપડામાં યજમાનોનાં નવાં બાળકોનાં નામો, યજમાનોની જાતરાઓ, સારામાઠા બનાવોની નોંધ માંડી જે ભેટસોગાદો લાવતા તેની બેઉ ભાઈઓ વહેંચણી કરી લેતા. છેલ્લે વખતે સદુબાનો વર જે લાવ્યો તેમાં એક ઓઢણી હતી. નવોઢા નારીને પહેરાવવાના કોડને લીધે એ ઓઢણી એણે માગી ને મોટાભાઈએ પ્રસન્ન હૃદયે એ આપી. જેઠાણીથી આટલું ન સહેવાયું. ઓઢનારી ઉપર રોષ ઠાલવવા માટે જ એણે આવા ગંદા શબ્દો ઉચ્ચાર્યા. દેરાણીના શીલમાં એણે કદી કોઈ એબ દીઠી પણ નહોતી. ફક્ત ઈર્ષાએ એની જીભમાંથી આટલુંક ઝેર ટપકાવી આપ્યું અને એટલું ઓતિયા ચાડિયાના સંકલ્પને સારુ ઘણુંબધું થઈ ગયું. ભાટવાડાને લાગમાં લેવાનું બહાનું જડી ચૂક્યું. એ દિવસની ઘટનાને વીસરી જતાં, સદુબા જેવી સરલ નિષ્કપટ નારીને એના સ્વામી હરિસિંગ બારોટ ગામતરેથી ઘેર આવ્યા પછી વાર લાગી નહિ. સ્વામી આ ફેરે પણ નવાં આભરણો લઈ આવ્યા હતા અને મોટાભાઈએ ‘તારી વહુને પહેરવા દે’ કહી નાનાભાઈની વહુ પ્રત્યે આદરભાવ બતાવ્યો હતો. પણ સદુબાએ જઈ એ સર્વે પોતાની જેઠાણી આગળ ધરી દીધાં હતાં. જેઠાણી ભખભખણી હતી. પેટમાં બીજું કોઈ પાપ નહોતું. પેલા શેલાની વાતમાં દાઝે બળતી જે બોલી ગઈ હતી તે પણ ફક્ત પ્રલાપ જ હતો. શું બોલી પડી હતી તેનુંય એને ભાન નહોતું. કહે કે “સારું, તમે પહેરો, વહુ!” “ના ભાભીજી, આ વેળ તો તમે—” એમ કહીને સદુબા પગે પડી. “લો ઊઠો, ઘેલાં! પહેરો ઓઢો ને ઘરડાં બુઢ્ઢાં થાઓ, બાપા! મારી આંખો ઠરે.” કહીને એણે સદુબાના શિર પર ટાઢો હિમ હાથ મૂક્યો. બારોટ ભાઈઓને તો પોતાની ગેરહાજરીમાં જે ભાણાં-ખડખડ બની ગઈ હતી તેની હવા પણ આ જોઈને આવી નહિ. નહોતી પોળમાં કોઈને ગંધ આવી. બારોટ-શેરી આખી જ એકંદરે સુખી ને સંપીલી હતી. પુરુષો યજમાનોમાં ઘૂમીને લાંબા ગાળે ઘેર આવતા તેથી સ્ત્રીઓની સાથે અતિ ઉલ્લાસ રહેતો. ને મરદોની ગેરહાજરીને કારણે બૈરાં લાજ-લૂગડાં સંકોરીને જીવન વિતાવતાં હતાં. રાતે પોળનાં દ્વાર બંધ થતાં, પોળ રાજદુર્ગ જેવી બની જતી. અજવાળિયું હોય તો બૈરાં બહાર આવી ઓટલે બેસી ધીરે સ્વરે ટોળટપ્પાં મારતાં ને અંધારિયામાં તો ઘરનો ઉંબર ઝાલી બેસતાં. બંધ દરવાજાવાળી પોળો, એ મરાઠા સમયના અમદાવાદ શહેરનાં અપવાદરૂપ શાંતિસ્થાનો હતાં. એવી શાંતિને ખોળે ગામતરાં કરી આવેલા મરદોના હુક્કા ગગડતા હતા, ઘેર ઘેર ઘોડાંના ફરરર એવા પ્રસન્નતાના અવાજ અને પગના પછડાટ ઊઠતા હતા, અને સદુબા પોતાની વહાલી દીકરીને ખોળે રમાડતીરમાડતી ઘરમાં બેઠી હતી. બાળક જોરશોરથી બાળપ લઈ રહ્યું હતું. મા દીકરીને ધવરાવી રાભડી કરતી હતી, તો દીકરી માના દૂધનું સાર્થક્ય બતાવી માને હૃષ્ટપુષ્ટ બનાવતી હતી. બેઉ પરસ્પર જીવનરસ પાતાં હતાં. પોતાના લાંબા કરેલા પગમાં સાથળ પર છોકરીને ચત્તી સુવાડીને એના હાથ ઝાલી હાથને વાળ વાળ કરતી સદુબા બોલતી હતી: “આ કાંડા પર તો બેરખા તસોતસ થાય છે, માડી! કાલે તો બેરખાનો દોરો બદલવો પડશે. ને હવે મારું કેટલુંક લોઈ પીવું છે, હેં ઢબૂકલી! હેં હબૂકલી! હબૂકલી ને ઢબૂકલી: હબૂકલી ને ઢબૂકલી: હસ છ? દીકરીની જાતને ઝાઝું હસવું હોય કે? ચૂપ કર! ઝટ મોટી થા, ઘાઘરી-ચૂંદડી પે’ર્ય, લોટી લઈને પાણી જા, બાને રંધાવ, બાને કામ કરવા લાગ — ને-ને-ને....” સાદને સાવ ધીરો પાડી દઈ કહ્યું: “તારે માટે એક ભાઈ લાવવો છે ભગવાન કનેથી. ભાઈને માટે ઝટ ઘોડિયું ખાલી કરી દે — હાં. ઝટ ખોળો ખાલી કરી દે — હાં. ભાઈને હાલાં ગાજે, ભાઈને ‘ચાંદો ચોળી હબૂક પોળી’ કરજે, ભાઈને પા પા પગી કરી હીંડવજે, — હાં-હાં-હાં હં-અં, ભાઈ તને પરણાવશે, પછી તને તારે સાસરે ભાઈ તેડવા આવશે, કારણ કે ભાઈની વાડીએ, લચકાલોળ ફૂલ થયાં હશે. એ ફૂલ વીણવા બીજું જાય કોણ?” સદુબા ગાવા લાગી:

વાડી ફૂલી વનફૂલડે,
ફૂલ કોણ વીણવા જાય!
બેનીબાનું સાસરું વેગળું
ત્યાં કોણ તેડવા જાય!
જાશે વીરોજી પાતળા
ઘોડલીએ અસવાર.
લીલી ઘોડી ને પીળો ચાબખો,
પાતળિયો અસવાર.
ગામને ગરાસિયે પૂછિયું
ક્યાંનો રાજા જાય!
નથી રાણો ને નથી રાજિયો
બેની તે બાનો વીર!
રો’ તો, વીરાજી, રાંધું લાપસી
જાઓ તો કઢિયલ દૂધ!
ના રે, બેનીબા, હું નૈ રહું
રે મારો સંગ ચાલ્યો જાય.

એવું ઝીણા સ્વરનું ગીત ગાતી ગાતી જનેતા નાની પુત્રીના શરીરને ઝુલાવતી તાલ આપતી હતી. “ઘેલી થઈ જઈશ ક્યઇંક, ઘેલી!” એમ કહેતા પતિ હરિસિંગ બારોટે હુક્કા સાથે ઘરમાં પ્રવેશ કર્યો ને શરમાઈ ગયેલી સદુબાએ પૂછ્યું: “ક્યારુકના ખડકીએ ઊભા હતા?” “તારું ગાણું શરૂ થયું ત્યારનો.” તે પછી બંને અંધકારની સોડમાં લપેટાયાં.

[૪]

સંવત ૧૮૭૨ના ભાદરવા વદ ચોથનો ચાંદો સવાર સુધી ઝળાંઝળાં થઈને પછી આકાશમાં આછો પડી રહ્યો છે. પ્રભાત પડતું આવે છે. કસુંબા ને હુક્કા પીવા બારોટ-દાયરો હજુ ચોરે આવ્યો નથી. હરિસિંગ બારોટ બહાર ઓટે બેઠાબેઠા દાતણ કરે છે, એના ખોળામાં એ ત્રણ-ચાર મહિનાની દીકરી સૂર્યના ઉજાસ સાથે રમી રહી છે. એ વખતે સરકારી સિપાઇઓની એક નાનકડી ટુકડી સાથે મિયાં મરઘા જમાદારે પોળમાં પ્રવેશ કર્યો. આવીને ટુકડી સીધી હરિસિંગ બારોટને આંગણે ઊભી રહી. “કેમ ભા, કોનું કામ છે?” “તમારું. તમે જ હરિસિંગ બારોટ ને?” “હા. હું જ. કહો.” “તમારાં ઘરવાળાંનું નામ સદુબા?” “હા.” “એને તેડાવેલ છે.” “કોણે?” “સૂબાએ.’ “ક્યાં?” “ભદ્રની કચેરીએ.” “કેમ?” “આરોપ છે.” “શેનો?” “ચાલચલગતનો.” એ એક શબ્દ ઉચ્ચારીને જમાદારે ચહેરા પર એક આછું સ્મિત ફરકાવ્યું. બારોટની જુવાની એ એક જ બોલના પ્રહારે બેવડ વળી ગઈ. પોતે આ શું સાંભળે છે? છે આવો કોઈ શબ્દ વિશ્વની વાણીમાં? ગુસ્સો કદી નહિ કરવાને ટેવાયેલું રાંક હાડવાળું બારોટ વર્ણ: ઘેર તો શું, પણ પોળમાં જેણે કદી સિપાહી જોયો નહોતો; કચેરીનાં જેણે બારણાં દીઠાં નહોતાં; જે બાર મહિને માંડ બે-ત્રણ મહિના શહેરમાં ગાળતો હતો; રાજનું તેડું એ જેને જમના તેડા બરાબર લાગતું: એવો બારોટ જુવાન બંદૂકધારી પાંચ સિપાહીઓની સન્મુખ, આ એક જ શબ્દ સાંભળીને સૂનમૂન બની ગયો. “જમાદાર સાહેબ! મહેરબાન!” બારોટ કરગર્યો: “આ તમને કહ્યું કોણે, મારા બાપ! આવું કહેતલ કોણ નેંકર્યા?” “એ બધું કહેશે તમને ઉત્તમ શેઠ.” “ઉત્તમ શેઠ! ઓતિયો ચાડિયો!” બારોટના કાનના પડદા તૂટવા લાગ્યા. “અહીં ભાટવાડામાં ઓતિયો પહોંચ્યો? જમાદાર સાહેબ! માવતર! આ શું કહો છો? ઓતિયો?” એ રાંક હાડના જુવાન બારોટની રગેરગ ઊકળતી હતી. એના શબ્દો એના ગળામાંથી નહિ પણ જાણે એની નસોમાંથી આવતા હતા. એના ખભા પર નાની દીકરી હતી. ઓતિયો. એ શબ્દ પતિ બોલ્યા કે તુરત ખડકીમાં ઘરની અંદર અફળાયો. બારસાખ ઝાલીને સદુબા અંદરને ઉંબરે ઊભી હતી. વાર્તાલાપ સાંભળતી હતી. પડતી બચવા એ સાખને ટેકો લઈ ગઈ. એણે ફરી આજ પેલું સોનેરી શેલું પહેર્યું હતું. કારણ કે પતિ ઘેર હતો. “રહો રહો, જમાદાર સાહેબ!” કહેતે હરિસિંગે અંદર જઈ છોકરી સદુબાને સોંપી, બાવરોબાવરો બહાર આવ્યો અને એણે બહાર જઈ બૂમો પાડી: “મોટા ભૈ! બેચરજી કાકા! શાભઈ! અહીં આવો.” પોળમાં સિપાઈ આવ્યા જાણતાં તો નાનામોટા સૌ પુરુષ કસુંબાપાણી લીધા વગર જ બહાર નીકળી આવી રહ્યા હતા. કોઈના પગમાં તોડા, કોઈના ગળામાં ટૂંપિયા, કોઈને કાને કોકરવાં, કોઈના હાથમાં હુક્કા, કોઈની મૂઠીમાં અફીણની રૂપેરી ડાબલી, સૌએ ભેટો બાંધેલી. શિર પર ટૂંકાં ફાળિયાં. સર્વ ડરતા ગભરાતા ‘શું છે ભૈ! કેમ મરઘા જમાદાર! ક્યારે આયા?’ એવું એવું બોલતાં ઊભા. જનમારો ધરી પોળમાં સપાઈ દીઠેલ નહિ. “મોટાભાઈ! કાકા! ભૈયો! સાંભળો, આ શું કહેવાય!” જુવાન હરિસિંગની રાડ ફાટી ગઈ. એના હાથમાં હજુ દાતણ હતું. એ રાડથી ઘરમાં જનેતાએ તેડેલું બાળક ઝબકી રડી ઊઠ્યું. સદુબાએ દીકરીને છાતીસરસી ચાંપી રાખી, બહાર ખડકીએ ગઈ. અધઉઘાડાં બારમાંથી જોયું. હરિસિંગ બારોટ પોતાનાં બેઉ લમણાં દબાવી ઓટા પર બેસી ગયો છે. “હેમત રાખ, ભા! હેમત રાખ!” કહેતાં એને બે-ચાર જણાએ સંભાળ્યો. બીજાઓએ પૂછ્યું, “શું છે, જમાદાર?” “શું હોય બીજું! કેટલીક વાર કહેવરાવવું છે? ગામતરે રઝળો છો મરદો, પાછળ બૈરાં શા ધંધા કરે છે તે જાણો છો?” “અરે અરે! માતાની દુવાઈ! જમાદાર! આવાં વેણ?” “તમે તમારે ઠેકાણે જાઓ. ને એ સદુબાને આગળ કરો.” “ના જમાદાર, કહો તો અમે મરદો આવીએ — બૈરાં તો અમારાં કચેરીને ઉંબરે નહિ ચડે.” “નહિ ચડે તો ચડાવીશું.” એ વખતે ખડકી ઊઘડી અને સદુબા બહાર આવી — છાતીએ દીકરી હતી: હૈયાસરસી ચાંપીને તેડેલી. “હં-હં-વહુ! તમે માંઈ રહો.” મોટેરામાંથી એક બોલી ઊઠ્યો. એનો જવાબ વાળ્યા વિના જ કાઠાળી પાતળી, સોનેરી શેલામાં શોભતી એ સ્ત્રી મરઘા જમાદાર તરફ વળી. “કોનું — મારું, સદુબાનું કામ છે?” “હા. તું જ ને? ચાલ.” “હું ચાલું છું — હું પછી ચાલી આવવાની જ છું. પણ હમણાં તો—” “હાં, હાં, હાં—” એ શોર બારોટ ડાયરામાંથી ઊઠ્યો. ત્યાં તો — “હમણાં આને લઈ જા, બાપ!” એટલા શબ્દો કહેતે એણે છાતીએ ચાંપેલી ત્રણ મહિનાની પુત્રીને ઉપાડી, જોરથી એ જમાદાર પર ફગાવી. જમાદાર ખસી ગયો. નાની બાળકી નીચે ભોંય પર પટકાઈ. એ તો ફૂલકળી હતી. ઘડીક તરફડી, પછી નિષ્પ્રાણ કલેવર પડ્યું રહ્યું. રક્ત ચાલ્યું જતું હતું. બારોટની શેરી આખી ત્યાં ઠલવાઈ પડી હતી. બસો-પાંચસો ઊભા હતા — ડરતા, ગભરાતા ને કાકલૂદીઓ કરતા. પરંતુ જે ઘડીએ સદુબાએ પેટની પુત્રીને પ્રાછટી, તે ઘડીએ હવા બદલી ગઈ. ધરણું શરૂ થયું. ‘અરર!’ કહેતાં કેટલાય પાછા હઠ્યા, કેટલાક આગળ ધસ્યા, સૌની આંખો બાળકના કલેવર પર ચોંટી. “લઈ જા, બાપ, લઈ જા એને કચારીએ. હું અબઘડી આવું છું.” સદુબા — ઘડી પૂર્વેની લજ્જાળુ, વિનયવંતી, પગની પાનીયે પતિ વગર કોઈને ન દેખાડતી કુલવધૂ, વીફરેલા અવાજે ને ઉઘાડે માથે રાડ પાડી ઊઠી. “જાઓ, જાઓ જમાદાર, કાળું કરો!” ટોળામાંથી આગેવાને કહ્યું. હુકળ મચી. દૈન્ય ગયું. દહેશત ગઈ. બીજો બોલ્યો: “જશે ક્યાં હવે?” આંખો બદલી દેખાતાં જ જમાદાર ટુકડીને લઈ પાછો વળી ગયો. ઊપડતે પગલે ચાલ્યો, પાછળ સદુબાની બૂમ આવતી હતી: “આને લેતો જા કચારીએ, હું હમણાં જ આવી સમજ.” “હાં-હાં-હાં-” બાળકનું શબ લઈને પાછળ દોડવા જતી વહુને બારોટો રોકી વળ્યા. “બેસો બાપ! ટાઢાં પડો, વહુ મા!” એક બુઢ્ઢાએ કહ્યું. ચરડડ — પહેરેલ શેલું ફાડીને સદુબાએ એક ટુકડો કાઢ્યો, પુત્રીની લાશને એક છેડે બાંધી અને ચોકમાં આંબલી હતી તેની નીચે ડાળે બીજો છેડો પોતાને હાથે જ બાંધી દીધો. લાશ લટકતી રહી. પોતે ઘરમાં પેઠી, મોં ઢાંકીને બેસી ગઈ. બારોટોનાં બૈરાંઓએ એને વીંટી લીધી. લાશની નીચે ભોંય પર ઘીનો દીવો મૂકી ઉપર ચાળણી ઢાંકી સૌ બેઠાં. બારોટ-ડાયરો આંબલીની સામે બેસી ગયો. વખત જતો ગયો. તેમ તેમ તો પરબની પોળમાંથી, વડી કોટડીની પોળમાંથી, બુખારાની પોળમાંથી પણ ભાટ ડાઘુઓ ટોળે ટોળે આવવા લાગ્યા. સૌ સૂમસામ હતા. કોઈના હોઠ પર શબ્દ નહોતો. આંબલીએ ઝૂલતી છોકરીની લાશની સામે કોઈથી જોવાતું નહોતું. સૌનાં માથાં નીચે ઢળ્યાં હતાં. ડાઘુઓ આવતાં આવતાં સાંજ પડી ગઈ. કોઈને મોઢે કસુંબો લાગ્યો નથી. લાશ આંબલીએ લટકે છે. “હવે કોની રાહ છે?” એકે કહ્યું. “ના,” સદુબાનો સ્વામી બોલ્યો: “નથી ઉતારવી લાશને.” “પણ હમણાં આવ્યા સમજો.” “એની જ રાહ છે.” “પોળનાં કમાડ વાસી વાળો.” ‘આવે છે!’ એ શબ્દ જીભે જીભે રમવા લાગ્યો. કેટલાકે એકબીજાની સામે જોયું. બીજા પોળને બીજે છેડેથી આવીને કહે કે “આવ્યા છે.” “પોળની બેઉ બાજુથી આંતર્યા લાગે છે આપણને.” “આવવા દો!” કોઈકે કહ્યું. કોઈ ન હલ્યું કે ચલ્યું. પોળના દરવાજા પર વિશેષ ધણધણાટી બોલી. કમાડ હમણાં તૂટી પડશે જાણે. “ખોલી નાખો કમાડ,” કોઈકે કહ્યું. દરવાજા ઉઘાડા મેલાયા. અંદર સરકારી ગિસ્તે પ્રવેશ કર્યો. તલવારો ખેંચાઈ ગઈ હતી. ભાટ જુવાનો ને ડોસાઓની જીવતી દીવાલ થઈ ગઈ. “ચાલો કચેરીએ.” ફોજના ઉપરીએ ભાટોને આજ્ઞા સંભળાવી. જવાબમાં ભાટોએ કહ્યું: “ભલે, અમે મરદો આવીશું.” “નહિ, બૈરાંએ પણ આવવાનું છે.” “એમનું શું કામ છે તમારે?” “એમને ત્યાં જે પૂછે કરે તેના જવાબો દેવાના છે.” ડોસાઓ ફરી વાર ઊઠ્યા, સમજાવવા લાગ્યા: “ભાઈ, અતારે મોડી રાત છે, સવારે તમે કહેશો તેમ કરીશું.” પણ સામા અપાયલા જવાબો તોછડા હતા. ફોજ હસાહસ કરતી હતી. સમય જતો હતો. ભાટો જોઈ શક્યા કે આમાં અસલ રાણીજાયો બીબીજાયો નથી આવ્યો, હાલીમવાલીને જ મોકલ્યા છે. લાંબી સમજાવટ પણ નિષ્ફળ નીવડી. રાતના ત્રણ-ચારનો ગજર થયો. ફોજ છેવટે બળજબરીના નિર્ણય પર આવી. એણે કહ્યું કે “એ સદુબા ભાટડીને તો સોંપી જ દો, નહિતર અમારે હથિયાર ચલાવવાં પડશે.” “ન સોંપાય, ફોજદાર સાહેબ! હથિયાર ચલાવવાં હોય તો તમારી ખુશી.” “હટી જાઓ.” કોઈ ન હટ્યું. કતલ ચાલી. બૈરાં પણ સદુબાના ઘરની બહાર નીકળી ગયાં હતાં. અંદર એ એકલી હતી. “બારોટાણી! બારોટાણી!” હરિસિંગ બારોટની હાક પડી: “ક્યાં છો?” “આ રહી.” “બહાર જુવાનો કપાય છે. ખળું થઈ રહ્યું છે, ને તમે કેમ માંઈ પેસીને બેઠાં છો હવે, બારોટાણી! તમે જો સતી હો તો સતીપણું સિદ્ધ કરો.” “આ ઊઠી. નથી પેસી રહેવું. ને સતી તો શી રીતે સાબિત થાઉં! પણ તમે તો તલવાર લ્યો. ચાલો, વાટ શી જુઓ છો?” એમ કહેતી સદુબા બહાર નીકળી. એણે કમરે શેલાની ભેટ બાંધી લીધી ને એણે ગિસ્તની સામે જઈ સ્વામીને કહ્યું: “જુઓ છો શું! કચારીએ લઈ જાઓ મને. સૂબો રાહ જોતો બેઠો હશે. ઓતિયો અધીરો બન્યો હશે. ચાલો, કચેરીએ પોગાડો મને.” એટલું કહીને એણે ઘૂંટણભેર બેસી, હાથ પાછળ રાખી, મસ્તક ભોંય પર ઠેરવ્યું. ધણીની તલવારનો ઝટકો સદુબાને શરીરે જનોઈવઢ પડ્યો. એણે કસુંબો નહિ લીધેલ હોવાથી ભૂખ્યાંતરસ્યાં લાગ ન ફાવ્યો. પછી તો રિબાતી મામીનું મસ્તક ત્યાં ભાણેજ ઊભો હતો તેણે જ છેદ્યું. — સરકારી ગિસ્ત ફરી વાર નાઠી. “હવે? હવે ભાટ-ડાયરો કોની વાટ જુઓ છો? કોઈના ઘરમાં કળોઈ દીકરીઓ છે કે નહિ?” “શું કરવું છે?” “શું કરવું છે કેમ? આની દીકરી ચડી ગઈ ને આપણીઓને સાચવશું! ચાલો કચારીએ જવું છે. કચારીને આજ જોઈ લેવી છે. પ્રથમ દીકરીઓને વધેરીશું. પછી આપણે પ્રાણ કાઢીશું. સૂબાને તૃપત કરી દેવો છે.” ઘેર ઘેર ભાટ પુરુષો દોડ્યા. કોઈ પોતાની બે વરસની, કોઈ પાંચની, સાતની, દસની, બારની એવી અક્કેક દીકરીને બાવડે ઝાલી બહાર લઈ આવ્યા. હાથમાં તલવારો લીધી. “ચાલો કચેરીએ.” “ચાલો, ચાલો કચેરીએ.” “કાં આજ ભાટ નહિ, ને કાં ચાડિયા નહિ, ઓતિયો નહિ, ગોધિયો નહિ, જીવણ ઝવેરી નહિ. આજ હિસાબ ચોખો કરીએ. કહીએ કે સદુબા પર સાબિત કરી આલ્ય.” “મા! માડી! ઓ માડી!” કુમળી કળોયણ છોકરીઓના કળેળાટ ઊઠ્યા. “એ સૌને મીઠઈ આલો. છાની રાખો.” ઘેર ઘેર બંધાણીઓ હતા. કસુંબા માથે ખાવા માટે મીઠાઈના લાડવા રાખતા. લાવીને છોકરીઓને અક્કેક લાડુ આપ્યો. અક્કેક હાથમાં અક્કેક છોકરીનું બાવડું, બીજે હાથે ખુલ્લાં ખડગો, એવા બસો ભાટ, પોળ પછી પોળ વટાવી, શહેરની મોટી બજાર પર મૂંગા મૂંગા ચાલે છે. સવારનું મોંસૂઝણું થઈ ગયું છે. એ મૌન શહેરને ચોંકાવે છે. આગળ ભાટ, પાછળ શહેર, મનખ્યાનો મહાસાગર. મૂંગા મૂંગા ઊછળતા માનવલોઢ. દખણી સૂબો રાઘુ રામચંદર બેઠો છે રાજગઢમાં, પાસે ચંડાળ ચોકડી ચાડિયા છે: ઓતિયો છે, ગોધિયો છે, જીવણ ઝવેરી છે. “હું તો કહેતો’તો હજૂર.” ઓતિયો બોલે છે: “કે એ ભાટની જાત નાની ફોજથી ન માને, મોટી ફોજ મોકલવી જોઈએ.” “તો મોટી—” એ શબ્દો સૂબાનાં મોંમાં રહ્યા. “આ શું ગરજે છે?” એ ઊઠ્યો. બારીએ જઈ જોયું. રાજગઢની બહારના ચોગાન તરફ ચાલી આવે છે કદી ન દીઠેલી એવી મહાલીલા. ઉઘાડી તલવારો, બાવડે ઝાલેલી કિશોર કન્યાઓ, ડાઘુવેશી ભાટો, ને તેમની પાછળ નગરનાં બેસુમાર લોક. આવડી મોટી વસ્તી — આ શહેરમાં! બકરાં-ઘેટાં પર અમલ કરતો મરાઠો વિસ્મય પામે છે. — ને ચોગાનમાં ભાટો ગોઠવાય છે: અક્કેક કન્યા, અક્કેક તલવાર — મહાજન દોડ્યું છે. નગરશેઠ હેમાભાઈ આવ્યા છે. પગે પડે છે ભાટોને: “ન કરશો કેર, ન કરશો.” “તૃપત કરીશું સૂબાને, સેનાને, અને ચાડિયાઓને,” ભાટો જવાબ વાળે છે. પાછળ વસ્તીનો ઘોષ વજ્રગર્જન-શો ઊઠે છે. ભાટો જ્યારે એ તલવારો કુમળી છોકરીઓની ગરદન પર ફેરવશે, ત્યારે વસ્તી લોહી જોશે, વીફરી જશે! સૂબાના મહેલમાં દોટાદોટ મચી છે. નીચેથી પોકાર પડે છે: “ચાડિયા ક્યાં છે? ચાડિયાને લાવો. ઓતિયાને લાવો. ગુનો સાબિત કરો. નહિ તો ઓતિયાને સોંપો.” મહાજન પાઘડી ઉતારે છે. નગરશેઠ રાજગઢની પાછલી બારીએથી ઉપર પહોંચે છે. સૂબાના હૈયામાં હોશકોશ નથી. “નગરશેઠ, શું છે આ બધું?” “કાળો કેર થશે હમણાં, સરકાર! નગર વીફરી ગયું છે.” “શાથી?” “એક સ્ત્રીના બલિદાનથી. તમારી ખેર નથી હો!” નીચેથી શોર આવે છે: “ક્યાં છે સૂબો? ક્યાં છે માતાનો બોકડો? ક્યાં છે ચાડિયા? ઓતિયાને લાવો. સદુબાની ગેરચાલ સાબિત કરો.” સૂબો સાંભળે છે, પસીને નીતરે છે, નગરશેઠ એક જ વાત કહે છે: “સરકાર, ચાડિયાને સુપરદ કરો. જલદી ઓતિયાને બહાર કાઢો.” “પણ હું ઓતિયાનો જાહેર ઇન્સાફ કરાવું.” નગરશેઠ પાછા પ્રજાજનો પાસે આવ્યા, કહે કે “ઓતિયાનો જાહેર ઇન્સાફ તોળાવે તો?” “એ ઇન્સાફની જરૂર નથી. એ ઇન્સાફ થઈ ચૂક્યો છે. સોંપી દો, ઝટ સોંપી દો.” “સોંપી જ દો, સરકાર!” નગરશેઠે સૂબાને છેલ્લી ચેતવણી આપી દીધી. રાધુ રામચંદ્રે ઊંચેથી નજર કરી. નીચે એટલી મોટી લોકઠઠ જામી હતી કે ફોજની પણ કારી ફાવે નહિ. સૌની મોખરે નિર્દોષ કુમળી કન્યાઓ, પિતાઓનાં ખુલ્લાં ખડગો તળે લાડુ ખાતી હતી. “આમાંથી એક છોકરીની ગરદન પર તલવાર પડશે ને, સરકાર!” નગરશેઠે સૂબાને સમજ પાડી: “તો પછી આ ભદ્રનો પત્તો નહિ મળે.” થોડી વારે દરવાજા બહાર એક ‘આબરૂદાર’ માણસનું શરીર ધકેલાઈ આવ્યું. પાટણશાઈ સોનેરી લાલ પાઘડી, સફેદ અંગરખી, દુપટ્ટો ને ચમચમતા જોડા. સૂબા સરકારનો કલેજાનો કટકો એ ઉત્તમ હતો. “ઓતિયો! ઓતિયો! આવ્યો, સોંપાયો.” લોકો ગર્જ્યાં. “મારી નાખો.” “નહિ, એમ નહિ.” “ત્યારે?” “હજામને બોલાવો.” હજામ આવ્યો. ઓતિયાનું માથું મૂંડ્યું. માથે ચૂનો ચોપડ્યો. “ગધેડો લાવો.” એ ગધેડે એને બાંધીને ચડાવ્યો. “ચાલો વિવાહમાં.” સરઘસ ઊપડ્યું. રસ્તામાં એક નાયક બૂમ પાડી પાડી કહે છે: “આ ઓતિયો ચાડિયો છે, ભાઈઓ! ઘણાંનાં ખૂન પીધાં છે. દરેક જણ અક્કેક પથ્થર મારો એને. ન મારે તેને શિરે શહેરનું પાપ!” પથ્થરોની ઝીંકાઝીંક વચ્ચે ઓતિયાને લઈ ગધેડો ચાલ્યો. સરઘસ આખા શહેરમાં ભમ્યું. ‘ચાડિયાનો નાશ કરો, ચાડિયાને ખતમ કરો.’ એ શબ્દો પોળેપોળે પડ્યા. ને કંઈક પોળોવાળાં ટોળે વળી ચર્ચા કરવા ઊભાં રહ્યાં: “આપણી પોળનો પેલો ગોધિયો — તે પણ ચાડિયો છે.” “મારો એને. પૂરો કરો.” બીજી પોળમાં ટોળાએ પોકાર્યું: “આપણી પોળમાં જીવણ ઝવેરી ચાડિયો છે.” “પકડો, ખતમ કરો.” એમ પોળેપોળનું લોક પોતપોતાના ચાડિયાને ઘેર દોડ્યું. બપોરે જ્યારે ઓતિયાનું સરઘસ પાછું ફર્યું ને પ્રેમ દરવાજા પાસે એને પથ્થર મારી મારી પ્રાણ કાઢી દાટી દીધો, ત્યારે બીજી દરેક પોળના પણ સમાચાર આવ્યા, કે દરેકે પોતપોતાના ચાડિયાને પતાવી નાખેલ છે. અઢાર મણ દૂધપાક આરોગી જનાર એ તમામ ચાડિયાઓનો સં. ૧૮૭૨ના ભાદરવા વદ પાંચમની સાંજ સુધીમાં નાશ થઈ ગયો. સદુબાનું શબ સૂતું હતું તેને તે પછી નગરજનોએ નાની પુત્રી સહિત દેન પાડ્યું. ત્યાં આજે એક દેરી છે. એની દીકરીની લાશ જ્યાં લટકી હતી તેની નીચે દીપમાલ બાંધી છે. ચોરો છે. આંબલીનો અતિશય વિસ્તાર થઈ ગયો હતો તેથી એને મૂળથી કાપી નાખી છે. એ લત્તાનું નામ સદુમાતાની પોળ છે.