સૌરાષ્ટ્રની રસધાર/બાપનું નામ
ગોહિલવાડમાં બગડાણા ગામની બગડ નદીની વેકૂરમાં એક ચીંથરેહાલ આદમી હાથ વતી ખાડો ખોદી રહ્યો છે. ખોદતો ખોદતો દાંત કચકચાવતો જાય. મનની ઊંડી દાઝ કાઢતો હોય તેવા ચાળા કચકચાવતો જાય છે. મોંએથી બડબડાટ પણ કરે છે. અને પડખે થઈને ચાલ્યું જતું નદીનું વહેણ જાણે એ મૂરખા ભિખારીની મૂર્ખાઈની મશ્કરી કરતું હોય તેવો ‘ખળ! ખળ! ખળ! ખળ!’ અવાજ કાઢી રહ્યું છે. પાસે એક ઊજળાવરણો ઘાટીલો જુવાન હાથમાં કળશિયો લઈને આ ગરીબ માણસનું ખોદકામ જોતો જોતો મલકાતે મોંએ ઊભો છે. “શું કરો છો, ભાઈ?” જુવાને પૂછ્યું. પણ ખોદનારને તો આંખ, કાન ને નાકનું તમામ જોર ખોદવામાં જ કામે લાગી ગયું હોય એવું થવાથી કોણ શું પૂછે છે કે કોણ ઊભું છે તેનું ભાન જ નથી. માથાની પાઘડીના આંટા ગળામાં પડવા મંડ્યા તેટલી હદ સુધી ભાનભૂલ્યો બનીને બસ ઊંડે ઊંડે હાથ નાખીને એ તો ગાળ કાઢતો જ જાય છે. “એ... શું ખોદો છો? ત્યાં કાંઈ માયાનું ચરુનું કડું તો હાથમાં નથી આવી ગયું ને?” જુવાને એ ખોદનારના કાનમાં મોં નાખીને જોરથી આ વેણ સંભળાવ્યાં. બાઘોલા જેવા ભિખારીએ માથું ઊંચું કરીને આ જુવાન સામે જોયું. “શું કરો છો?” ફરી વાર જુવાને પૂછ્યું. “એ... દાટું છું.” એટલું એક જ વેણ બોલીને જાણે કે પોતાને મોડું થઈ જતું હોય તેમ પાછો એ માણસ ખોદવામાં લાગી ગયો. આ માણસ ગાંડો હોય એવો વહેમ જુવાનને પડ્યો. “પણ આંહીં નદીમાં શું દાટો છો?” “નામ!” આગળના જેટલો જ ટૂંકો જવાબ મળ્યો. “નામ? કોનું નામ?” “એ... ઓલ્યા કાળમુખાનું!” એટલું કહીને ખોદનારે નદીની ભેખડ ઉપર ઊભેલા ઘર સામે હાથ ચીંધાડ્યો. “એણે તમારું શું બગાડ્યું તે પ્રભાતના પો’રમાં ફૂલડે વધાવવા મંડ્યા છો?” “પ્રભાતને પો’રે એ કાળમુખે મને જાકારો દીધો. ડેલીએ હું ટંકબપોર આશરો લઈ ને બહુ તો ફડશ રોટલો ખાઈ જાત. પણ એમાં તો એ સૂમના પેટનાનો જીવ ટૂંપાઈ ગયો! તો પછી એવડી મોટી તાબૂત જેવી ડેલી શીદને ઊભી કરી છે? મે’માનને આદરમાન ન દઈ શકતો હોય તો મેલે ને એની મો’લાત્યુંમાં લાલબાઈ!” આ ફૂલડાંનો વરસાદ ગામના કયા માણસને માથે વરસી રહ્યો છે એની જુવાનને ખાતરી થઈ. ખોદનારની જીભ તો વાળા આયરને ગાળો ચોપડવા લાગી પડી છે. અને એક પછી એક વેણ સાંભળીને એ જુવાન મોં આજે ફાળિયું દેતો હસી રહ્યો છે. “ગઢવા લાગો છો!” જુવાને પૂછ્યું. “હા, ગઢવી મૂઓ છયેં એટલે જ ના૰!” “હા જ તો! નીકર તો જીભે આવી સાક્ષાત્ સરસ્વતી ક્યાંથી હોય?” “દાટી દઉં કાળમુખાના નામને!” “હા, હા, ગઢવા, સાચી વાત; દાટી દ્યો એના નામને. ખૂબ ઊંડું દાટજો, હો! કેમ કે ઈ પાતાળમાંથીય નીકળી જાય એવો છે. એની વાંસે એવા પડ્યા છે કે એને પાતાળમાંથી પણ બહાર કાઢશે; માટે સારી પેઠે ઊંડો દાટજો, હો કે ગઢવા!” “એમાં તમારે કે’વું ન પડે, ભા!” “લ્યો, હુંયે ખોદવા લાગું; તમથી એકલાથી નહિ ખોદાય ગઢવા!” એમ બોલીને જોધારમલ આયર કળશો બાજુએ મેલી, બાંયો ચડાવી, ગોઠણભર થઈ, ખાડાને વધુ ઊંડો કરવા લાગ્યો. “લ્યો, હવે નાખો એને આમાં એટલે દાબીદાબીને દાટી દઈએ.” એક ગોળ પથરો લઈને ચારણે એ ખાડામાં પડતો મેલ્યો : “લ્યો, આ પાણકા ને એના દિલમાં કશો ફેરફાર નથી : બેય સરખા જ કઠણ! દાટી દ્યો પાણકાને.” “હં... મારો બાપો, ગઢવા! વાળી દ્યો વેકૂર અને મંડું ખૂંદવા.” ખૂંદીખૂંદીને પથ્થર દાટ્યો. ‘હા...શ!’ કહીને ચારણે શ્વાસ હેઠે મેલ્યો. “ના, ગઢવા, મને તો બીક લાગે છે કે નીકળી જાશે, હો! દરરોજ આંહીં આવીને ખબર કાઢી જાજો. હમણાં આ ગામ છોડ્યા જેવું નથી. ઈ મડું તો મસાણથી પાછું આવે એવું છે!” “અરે મારો બાપ! છોકરાં ધાન વગર ભાંભરડાં દઈ રહ્યાં છે, ને હું શે સુખે આંહીં રહું! આ ગામમાં મને આવે શુકને ઊભોય કોણ રાખે?” “ગઢવા, હાલો આપણે ખોરડે, જાર-બાજરીનું જે ધાન ખાતાં હશું એ તમારા ભાણામાં પણ હાજર કરશું.” ચારણને કાંડે ઝાલીને જુવાન આયર પોતાની ડેલીએ તેડી ગયો. ધતૂરાનાં ફૂલ સરખી સોહામણી ડેલીની બન્ને બાજુની ચોખ્ખી અરીસા જેવી ચોપાટોમાં ચારણે તો પચાસેક પરોણાઓને હિંગળોકિયા ઢોલિયા માથે બેઠેલા જોયા. ડેલીનાં કમાડ, ગોખલા, જાળિયાં ને થાંભલીઓનું અમૂલખ જુનવાણી કોતરકામ ભાળીને પરોણાનું દિલ, આંબાની કુંજે મોરલો રમે તે રીતે રમવા લાગ્યું. થોડીવાર થઈ ત્યાં જુવાન આયરને દાતણ કરવા માટે સોનાની ઝારી ને રૂપાના કળશા હાજર થયા. માણસો એનો પડતો બોલ ઝીલવા મંડ્યાં. અને અંદરથી નોકરો એક પછી એક દસ જાતવંત ઘોડીઓને દોરીને જેમ એ જુવાનની સામે આણતા ગયા તેમ તેમ ઘોડીઓને રુંવાટી માથે અને કાનની અંદર આંગળી ફેરવી, ભાતભાતની અતલસોની કુમાશ તપાસતા કોઈ મોટા સોદાગરની માફક પોતાનાં પ્રાણપ્યારાં પશુઓને તપાસવા લાગ્યો. ‘ખમા રાઘવભાઈ!’ ‘ખમા રાઘવભાઈ!’ એમ ખેડુઓ ખમકારા કરતા સાંતીડાં લઈ લઈ નીકળ્યા. જુવાનનો પડતો બોલ ઝિલાતો જોઈને ચારણે જાણ્યું કે પોતાનું કાંડું ઝાલીને લઈ આવનાર બગડાણા ગામનો જાણીતો આયર રાઘવ ભમ્મર જ છે. એક દિવસ... બે દિવસ... ચાર દિવસ થયા ત્યાં ચારણે ઊભા થઈ રાઘવ ભમ્મરનાં ઓવરણાં લઈ, હાથ જોડી રજા માગી : “બાપ, એનાં જમણ ભાંગી ગ્યાં; છોકરાં ઘરે ભાંભરડાં દેતાં હશે ને હું આંહીં સવા મણની તળાઈમાં કેમ સૂઉં? રાજી થઈને રજા દ્યો.” “અધીરા થાઓ મા, ગઢવા! ઘેર દાણા પહોંચતા કરું છું,” એમ કહી તરત ચારણને ગામડે એક કળશી લીલવણી બાજરો ગાડું ભરીને મોકલાવી દીધો. ચારણ રોકાયો, જીભ આળવીતરી, એટલે ભરદાયરા વચ્ચે ચારણે પથ્થર જેવડા બોલ મોંમાંથી પડતા મેલ્યા : “જોજો આ મારા નાથની જુક્તિ : પડખોપડખ બે ડેલિયું; બેય ડેલિયે હાથણિયું જેવી બસો બસો કૂંઢિયું ટલ્લા દ્યે છે; બેયને ઘરે નવે નધ હાથ જોડી ઊભી છે; પણ બે ડેલિયું વચ્ચે મારે નાથે કેટલું આભ — જમીનનું અંતર દીધું! એકનું મોં પ્રભાતે જોવાઈ ગયું હોય તો લાંઘણ પડે, ને બીજાને દીઠ્યે દાળદર દરિયાને સામે કાંઠે જઈ પડે!” રાઘવ ભમ્મરે સૌ માણસને ઈશારત કરી દીધી હતી કે કોઈએ ચારણને ફોડ પાડવાનો નથી; ભલે બોલે.
બરાબર બપોરનું ટાણું છે તે વખતે બસો ઘોડે ઠાકોર વજેસંગજીએ ભાવનગરથી આવીને બગડાણાના પાદરમાં વડલા હેઠળ વિસામો લીધો, અને પોતાના અમીરોને હુકમ કર્યો કે “રાઘવમામાને ઝટ સાબદા થઈ બહાર નીકળવા કહો. બીજી કાંઈ તરખડમાં પડે નહિ એમ કહેજો. મેં બધો સરંજામ ભેળો લીધેલ છે.” અસવારોનાં ઘોડાં મહારાજ વજેસંગજીને વીંટીને પાદરનાં ઝાડવાંની ઘટામાં હમચી ખૂંદવા મંડ્યાં. મહારાજને મોંએ પવનની ટાઢી લેરખી વારણાં લેવા લાગી. અને આ બાજુથી અમીરે આયરની ડેલીએ જઈ તપાસ કરી તો રાઘવ ભમ્મર અંદરને ઓરડે આરામ લેતા હોવાની જાણ થઈ. અમીરે રાઘવભાઈની માતાને ખબર દીધા. “કોણ મે’માન છે?” ડોશીએ પુછાવ્યું. “ભાવનગરથી મહારાજ વજેસંગજી.” “કેમ અટાણે?” “બસો ઘોડે દુવારકાની જાત્રાએ જાય છે અને રાઘવમામાને ભેળા સોંઢાડવા છે.” “તે ક્યાં છે મહારાજ? ડેલીએ લઈ આવો.” “મહારાજ રોકાવાની ના કહે છે, અને મામાને ચોંપેથી સાથે ચડી આવવા કહેવરાવે છે.” “પણ, બાપ, મારો રાઘવ તો ઝોલે ગ્યો છે. ભલા થઈને એને કોઈ કાચી નીંદરે ઉઠાડશો મા.” “અરે પણ, ફુઈ, ઠાકોર...” “ઠાકોરને મોરલીધર કરોડ્યું વરસના કરે! પણ મેં કોઈ દી મારા રાઘવને કાચી નીંદરે નથી જગાડ્યો. મહારાજને વીનવો કે ઘોડાં જોગાણ ખાય તેટલી વાર પેઘડું છાંડી ડેલીએ બિરાજે; ત્યાં હમણાં ભાઈ જાગશે.” “અરે પણ, ફુઈ, બસો ઘોડાને જોગાણ...” “કાંઈ વાંધો નહિ, બાપ આંહીં મહારાજને પ્રતાપે કોઠિયુંમાં બાજરો અભર ભર્યો છે.” મહારાજને ખબર પહોંચ્યા કે મામો પોઢ્યા છે અને કાચી નીંદરે જગાડાય નહિ! માટે મામો ઊઠે ત્યાં સુધી ઘોડાં તોફાન કરે નહિ એટલા સારુ જોગાણ ચડાવવાનું આઈએ ઓરડેથી કહેવરાવ્યું છે! “સાચું, સાચું, મામાને કાચી નીંદરે ન જગાડાય!” એમ બોલી, હસતા હસતા અઢારસો પાદરના ધણી રાઘવ ભમ્મરની ડેલીએ જઈ ઊતર્યા. ઢોલિયા ઉપર ફૂલવાડીઓ જેવી ધડકીઓ પથરાઈ ગઈ : દૂધના ફીણ જેવા ઓછાડ ઢંકાયા; અને મહારાજ મામાના ઊઠવાની વાટ જોતા જંજરી પીતા પીતા બેઠા. બસો ઘોડાં હાવળો કરતાં કરતાં જોગાણ બુકડાવવા લાગ્યાં. બીજી બાજુથી આખા ગામની આયરાણીઓને બોલાવી આઈએ ભાતલાં તૈયાર કર્યાં. સાજણી ભેંસો દોવાઈ ગઈ : ગોરસડાં ભેળાં થયાં : ખાવાનું તૈયાર ટપે થઈ ગયું ત્યારે રાઘવભાઈ જાગ્યા. “અરે, રંગ રે મામા!” કહેતાં મહારાજ ઢોલિયેથી ઊભા થઈ રાઘવને બથોબથ મળ્યા. “મારા બાપ, મને ભોંઠામણ ચડ્યું; મને જગાડ્યો નહિ?” “કાચી નીંદરે ...” “અરે, હાં — હાં! બાપ! હું ઘરધણી માણસ : મારે વળી નીંદર કાચી શું, ને પાકી શું?” “નીંદર તો, મામા, સૌની સરખી — શું રા’ની કે શું રંકની.” એમ વાતો કરી ભાતલાં જમ્યાં. રાઘવ ભમ્મર મહારાજની સાથે દ્વારકાજીની જાત્રાએ ચાલ્યા પેલા. ચીંથરેહાલ ચારણને પણ બનાવી-ઠનાવી સાથે લઈ લીધો.
પ્રભાતને પહોરે પોતાના હજાર માણસોનો દાયરો કરીને મહારાજા વજેસંગ ગોમતીજીને તીરે બેઠા છે. ઊગતા સૂરજની ચંપકવરણી જ્યોત ગોમતીજીના હૈયા ઉપર હેમનો કોઈ નવલખો હાર પહેરાવી રહી છે. રણછોડજીના સોનેરી ઈંડા ઉપર ધજાઓ ફડાકા મારે છે અને ચારણના મોમાંથી કાવ્યધારા છૂટે છે કે —