સૌરાષ્ટ્રની રસધાર-4/હોથલ
[પ્રેમશૌર્યની કોઈ વિરલ પ્રતિમાસમી, સ્ત્રીત્વ અને પુરુષત્વની સંગમ-ત્રિવેણીસમી ને જગતમાં કોઈ મહાકાવ્યને શોભાવે તેવી આ હોથલ પદ્મણી છૂટાછવાયા લેખોમાં કે નાટકોમાં આલેખાઈ ગયાં છતાં તેની કંઈક સબળ રેખાઓ અણદોરી રહી છે. હોથલનું એ વીસરાતું વીરાંગનાપદ પુનર્જીવન માગે છે — નાટકીય શૈલીએ નહિ, પણ શુદ્ધ સોરઠી ભાવાલેખન દ્વારા. વળી, એ પ્રેમવીરત્વની ગાથાના સંખ્યાબંધ દોહાઓ પણ સાંપડ્યા છે. એનો પરિચય પણ જીવતો કરવાનો ઉદ્દેશ છે. દુહાઓ મિશ્ર સોરઠી-કચ્છી વાણીના છે.]
કચ્છની ઠકરાત કિયોર કકડાણાને પાદર ત્રંબાળુ ઢોલ ધડૂકે છે. મીઠી જીભની શરણાઈઓ ગુંજી રહી છે. નોબત ગડેડે છે. માળિયે બેઠેલી ઠકરાણી પોતાની દાસીને પૂછે છે : “છોકરી, આ વાજાં શેનાં?” “બાઈ, જાણતાં નથી? બસો અસવારે ઓઢો જામ આજ આઠ મહિને ઘેર આવે છે. એની વધાઈનાં આ વાજાં. ઓઢો ભા — તમારા દેવર.” “એમાં આટલો બધો ઉછરંગ છે?” “બાઈ, ઓઢો તો કિયોર કકડાણાનો આતમરામ. ઓઢો તો શંકરનો ગણ કહેવાય. એની નાડી ધોયે આડાં ભાંગે. અને રૂપ તો જાણે અનિરુદ્ધનાં.” “ક્યાંથી નીકળશે?” “આખી અસવારી આપણા મો’લ નીચેથી નીકળશે.” “મને એમાંથી ઓઢો દેખાડજે.”
અસવારી વાજતેગાજતે હાલી આવે છે. ડેલીએ ડેલીએ કિયોર કકડાણાની બે’ન‑દીકરીઓ કંકુ-ચોખા છાંટીને ઓઢા જામનાં ઓવારણાં લે છે અને સોળ શણગાર સજીને ગોખમાં બેઠેલી જુવાન મીણલદે આઘેથી કેસરી સિંહ જેવી નિર્મળ આંખલડીઓવાળા દેવરને ભાળી ભાળીને શી ગતિ ભોગવી રહી છે!
ઓઢે બગતર ભીડિયાં, સોનાજી કડિયાં,
મીનળદે કે માયલાં, હૈડાં હલબલિયાં.
[હેમની કડીઓ ભીડેલા બખતરમાં શોભતો જુવાન જોદ્ધો ભાળીને ભોજાઈનાં હૈયાં હલી ગયાં.] ‘વાહ ઓઢો! વાહ ઓઢો! વાહ ઓઢો!’ એવાં વેણ એનાથી બોલાઈ ગયાં. સામૈયું ગઢમાં ગયું. પ્રભાતને પહોરે જદુવંશી જાડેજાઓનો દાયરો જામ્યો છે. સેંથા પાડેલી કાળી કાળી દાઢીઓ જાડેજાઓને મોઢે શોભી રહી છે. કસુંબાની છાકમછોળ ઊડી રહી છે. ઓઢો જામ પોતાની મુસાફરીનાં વર્ણનો કરે છે. દેશદેશના નવા સમાચાર કહેવા-સાંભળવામાં ભાઈ ગરકાવ છે. પોતાનાં શૂરાતનની વાતો વર્ણવતા ઓઢાની જુવાની એના મુખની ચામડી ઉપર ચૂમકીઓ લઈ રહી છે ત્યાં તો બાનડી આવી : “બાપુ, ઓઢા જામને મારાં બાઈ સંભારે છે.” “હા હા, ઓઢા, બાપ, જઈ આવ. તું ને તારી નવી ભોજાઈ તો હજુ મળ્યાંયે નથી.” એમ કહીને બુઢ્ઢા જામ હોથીએ ઓઢાને મીણલદેને ઓરડે મોકલ્યો. વાળે વાળે મોતી ઠાંસીને મીણલદે વાટ જુએ છે. આંખમાં કાજળ ચળકારા કરે છે. કાને, કંઠે, ભુજા ઉપર અને કાંડે આભરણ હીંડોળે છે. મોટા મહિપતિને મારવા જાણે કામદેવે સેના સજી છે.
ઓઢે કેસરિયાં પેરિયાં, આંગણ ઉજારો,
દીઠો દેરજો મોં તડે, સૂર થિયો કારો.
[કેસરિયા પોશાકમાં શોભતો દેવર દાખલ થયો ત્યાં તો ઓરડે અજવાળાં છવાયાં. દેરનું મોઢું દેખાતાં સૂરજ ઝાંખો પડ્યો.]
ઓઢે કેસરિયા પેરિયાં, માથે બંધ્યો મોડ,
દેરભોજાઈ આપણે, મળિયું સરખી જોડ.