જયદેવ શુક્લની કવિતા
પૃથ્વીકાવ્યો
૧
ગ્રીષ્મના
તોતિંગ તડકામાં
પૃથ્વીનો
આ નાનકો દાણો
ધાણીની જેમ
ફૂટે તો?
ર
ડાબા હાથની
વચલી આંગળીને
પાછળ ખેંચી
ટેરવેથી
આ પૃથ્વીની લખોટી
છોડું...
ચન્દ્ર
જો ટિચાય તો?
૩
પૃથ્વીના
ગબડતા
આ દડાને
ડાબે પગે
તસતસતી કીક મારું...
અધવચ્ચે
સૂર્ય
ઝીલી લે તો?
પૃથ્વીપુષ્પ
જળ ઉપર
બન્ધ આંખે
ફૂલ બની તરતા હોઈએ.
ઝીલતા હોઈએ ઝરમર ઝલમલ આકાશ.
ઊઘડતું જાય કમળવન.
કમળવનમાં આંખો પટપટાવીએ.
સંભળાય
લુમઝુમ
રૂપેરી ઘૂઘરીઓ.
ઘૂઘરીઓની પાંખે ને આંખે
પહોંચીએ
ઊંચે
ને
ઊંડે.
વચ્ચે જળ.
તરાપો કમળપત્રનો.
તરાપા પર
મઘમઘ મોતી.
મોતીમાં
તગતગ આકાશ.
ઝળહળ આકાશ
પાંખો ફફડાવે.
હાલકડોલક અરીસામાંથી
ઊંચકાય
પૃથ્વીપુષ્પ!
ચાંચમાં રણઝણતી પૃથ્વી
દિશાઓના દેહ પર
કેસૂડાં ચીતરતા
આહિર-ભૈરવના કણ્ઠમાં
પાંખો ફફડાવે છે
રક્તિમ સુગન્ધ.
લીમડાની મંજરીઓ
સન્તુરમાંથી
રોમરોમ પર વરસે
ને લેાહી ખીલી ઊઠે
કોમલ-રિષભના ઘેનમાં.
સ્વર્ણિમ સૂર્ય
બાંસુરીના ધૈવતમાં આંદોલિત થઈ
કર્ણિકારની ડાળીએ ભીનું ભીનું
રણકે.
ભીનું અન્ધારું
ઝાકળસૃષ્ટિમાં તરતું તરતું
ગાન્ધારના સ્પર્શે
લાલ ગુલાબ બની
રંગાઈ જાય.
શેતુરનાં ઝુમ્મરો વચ્ચેથી
પસાર થતી
દીપચંદી સવાર
લેાહીમાં
સમ પર ખણકે
રણકે ને રણઝણે...
કેસરિયું દ્વાર ખોલી
પાંખો ફફડાવતો
હંસ
ચાંચમાં રણઝણતી પૃથ્વી લઈ
ઊડે...