જયદેવ શુક્લની કવિતા
પૃથ્વીકાવ્યો
૧
ગ્રીષ્મના
તોતિંગ તડકામાં
પૃથ્વીનો
આ નાનકો દાણો
ધાણીની જેમ
ફૂટે તો?
ર
ડાબા હાથની
વચલી આંગળીને
પાછળ ખેંચી
ટેરવેથી
આ પૃથ્વીની લખોટી
છોડું...
ચન્દ્ર
જો ટિચાય તો?
૩
પૃથ્વીના
ગબડતા
આ દડાને
ડાબે પગે
તસતસતી કીક મારું...
અધવચ્ચે
સૂર્ય
ઝીલી લે તો?
પૃથ્વીપુષ્પ
જળ ઉપર
બન્ધ આંખે
ફૂલ બની તરતા હોઈએ.
ઝીલતા હોઈએ ઝરમર ઝલમલ આકાશ.
ઊઘડતું જાય કમળવન.
કમળવનમાં આંખો પટપટાવીએ.
સંભળાય
લુમઝુમ
રૂપેરી ઘૂઘરીઓ.
ઘૂઘરીઓની પાંખે ને આંખે
પહોંચીએ
ઊંચે
ને
ઊંડે.
વચ્ચે જળ.
તરાપો કમળપત્રનો.
તરાપા પર
મઘમઘ મોતી.
મોતીમાં
તગતગ આકાશ.
ઝળહળ આકાશ
પાંખો ફફડાવે.
હાલકડોલક અરીસામાંથી
ઊંચકાય
પૃથ્વીપુષ્પ!
ચાંચમાં રણઝણતી પૃથ્વી
દિશાઓના દેહ પર
કેસૂડાં ચીતરતા
આહિર-ભૈરવના કણ્ઠમાં
પાંખો ફફડાવે છે
રક્તિમ સુગન્ધ.
લીમડાની મંજરીઓ
સન્તુરમાંથી
રોમરોમ પર વરસે
ને લેાહી ખીલી ઊઠે
કોમલ-રિષભના ઘેનમાં.
સ્વર્ણિમ સૂર્ય
બાંસુરીના ધૈવતમાં આંદોલિત થઈ
કર્ણિકારની ડાળીએ ભીનું ભીનું
રણકે.
ભીનું અન્ધારું
ઝાકળસૃષ્ટિમાં તરતું તરતું
ગાન્ધારના સ્પર્શે
લાલ ગુલાબ બની
રંગાઈ જાય.
શેતુરનાં ઝુમ્મરો વચ્ચેથી
પસાર થતી
દીપચંદી સવાર
લેાહીમાં
સમ પર ખણકે
રણકે ને રણઝણે...
કેસરિયું દ્વાર ખોલી
પાંખો ફફડાવતો
હંસ
ચાંચમાં રણઝણતી પૃથ્વી લઈ
ઊડે...
વસંત
કેસરિયા થઈ
ફરફરે છે
પવનના છેડા.
કંસારાની ‘ટુક્...ટુક્’થી
ખણખણે છે પૃથ્વીપાત્ર.
શાલ્મલિની નગ્ન કાયા પર
તગતગે છે
મધ.
સોનેરી બુટ્ટાઓથી
ઝળહળે છે
દક્ષિણ દિશાનું
રેશમી વસ્ત્ર.
લીમડા પરથી
ઝરમરે છે
સોનું.
પીળી પછેડી ખભે નાખી
મલકે છે
ચલમ સંકોરતો
ખેડુ.
હમણાં જ
મુક્ત કણ્ઠે કથા માંડી છે
આમ્રમંજરીએ.
અને
કંકુ વરસાવી
રહ્યું છે
મંદાર.
ગ્રીષ્મ
ફળફળતા
પિત્તળના ધોધને
ચીરતી
ટ્રેન.
બારી-બારણાંની
તિરાડમાંથી
તસુ પણ ન ચસકતી
સતત ડામ દેતી
હવા.
બળબળતાં શરીરોની
ખારી-કડવી
વાસ.
રાખોડી પોતડી
વીંટાળી
ફાટે ડોળે
ડગમગતો
વૃદ્ધ.
તળાવની રૂપેરી ચામડી
બળીને
ધૂળમાં ઢગલો.
ચક્કરચક્કર ફરતો,
ઘુમરડીઓ લઈ
હજારો જીભ ફેલાવતો,
ફૂંફાડતો,
ભડથું કરતો,
ટ્રેનને છાપરેથી
ગબડતો
બારી વચ્ચે...
બારીમાંથી
સૂરજ ફેંકવા
લંબાયેલો હાથ
ભડભડ
ભડભડ...
વૈશાખ
લીમડા પર હસતો લીલો
આંબા પર ઢાળાયેલો વેરાયેલો ખાટો લીલો
ખેતરમાં ઊડતો સૂક્કો તપખિરિયો કાળો
ભેંસના શરીર પરથી રેલાતો ખરબચડો કાળો
ગરમાળાનાં ઝુમ્મરોમાં ખીલખીલાટ સળગતો પીળો
શિરીષની ડાળ પર ઝૂલતો સુવાસિત નાજુક લીલો
રાફડામાંથી ડંખ મારતો ઝેરી કાળો કાળો કાળો
બકુલ પરથી ખરી પડતો મઘમઘતો કથ્થાઈ-બદામી
આંબાને ભીંજવતો કોયલ-કાળો
આકાશને દઝાડતો બાળતો ગુલમહેારી લાલ
બાગમાં બટકી લીલાશ પર ખીલેલા સો સો ચન્દ્રનો વાચાળ સફેદ-રૂપેરી
ખૂલેલો ને ખીલેલો
દઝાડતો ને બાળતો
કાળોકાળોલાલરૂપેરીલીલો
કાબરચીતરા નગરમાં
ઑગળતો
કાળો લીલો લાલ કાળો કથ્થાઈ
ને
રૂપેરી...
ઉનાળામાં ઘર
કાંસાના ધધખતા રસમાં
બૂડતા ઘરનો
બૂડબૂડાટ ને વરાળ ચારેકોર ....
તળિયે
ઊ
ત
ર
તા
જતા
ડોલતા ઘરની
અગાશી ટોચે
સક્કરખોરની ઝીણી સિસોટી... સી... સી...
ઘર આખ્ખું
ચમકતા ઘેરા-ભૂરા રંગથી છલોછલ!
સક્કરખોર ઊડ્યું...
ઘર ઊંચકાયું.
પતંગની દોર પર
ડોલતા ફાનસની જેમ
ડોલતું ડોલતું
ઘર
જઈ બેઠું
આછાં-પીળાં ફૂલોભરી
સરગવાની ડાળ પર!
પ્રથમ વર્ષા : નવા ઘરમાંથી
ચપટી
ઝરમર
ઝર... ઝર...
ઝ... ર... મ ...ર
વૃક્ષ પર, ઘાસ પર,
વાડના તાર પર,
પીળી માટીના રસ્તા પર,
ધાબા પર.
દરજીડો
ઝરમર લઈ
સીવતો જાય
માળો.
હવા
કાળિયોકોશી બની
હાંફે.
ટપક્
ટીપાં ને ઝરમર
ઝીલી
ખૂણે સંતાય
પૃથ્વી.
જાંબુડિયું મોરપિચ્છ આકાશ
ટહુકે,
ચમકે
ટપકે
બોદું અગાશી પર.
કાનમાં
ઘરના પતરાંના છાપરા પર
માથું નમાવી દોડતાં
લવારાં જેવી વર્ષા
બરકે...
છત
ટપકે
ટપક્
ફપ્...
દરજીડો
‘પપ્પા, દરજીડો કેવો હોય ’
‘ખૂબ નાનકું પંખી.’
‘પણ કેવું?’
‘ચાલ ચીતરીએ : જો,
આ માથું ને પીઠ, આછાં લીલાં.
કપાળ પર લોખણ્ડના કાટ જેવી કથ્થાઈ લાલાશ.
આ ... એની પૂંછડી ઊંચી,
પણ સહેજ માથા તરફ ત્રાંસી.’
આછો ફરફરાટ મારી બન્ને બાજુએ...
‘અને હા, ઊડાઊડ તો બસ તારી જેમ,
જંપીને બેસે જ નહીં.’
‘એની ચાંચ કેવી?’
‘શરીરના પ્રમાણમાં લાંબી, જરીક વાંકી, કાળી.
બોલે ‘ટુવિટ્, ટુવિટ્.’
‘આ ‘ટુવિટ’ તો સંભળાયું, પણ ચીતરોને.’
બન્ને હાથને પાંખ બનાવી
આગળ નમી
ઓરડામાં
આમતેમ નાને પગલે કૂદું છું.
હોઠ પરથી પ્રગટે છે : ‘ટુવિટ, ટુવિટ્ ...ટુવિટ, ટુવિટ્’
‘હેય! પપ્પા દરજીડોત્ત્ત્ત્’
બિલાડી, બચ્ચું, લખોટી અને તું
બિલાડી.
કાળા પટા ને ધોળાં ટપકાંવાળો નાનકો વાઘ!
બચ્ચું.
ધોળું, જાણે રૂનું રમકડું,
ઊછળે દડાની જેમ.
લખોટી.
કાળી, પાણીદાર,
સરે રેલાની જેમ.
સરકતા રેલા પર
ઊછળતો દડો તરાપ મારે,
નાનકો વાઘ
ચોકી કરે.
બચ્ચું
લખોટી પકડી છોડી દે છે તરત.
‘પપ્પા, આટલા નાના બચ્ચાને
નખ મારવાનું કેવી રીતે આવડી જતું હશે?’
‘તને લોહી તો નથી નીકળ્યું ને?’
પૂછતાં ખૂલી જાય છે આંખો.
ત્રાટકે છે કાળો વાઘ.
અંધારું ધસી પડે છે
બારી પાસેના એકલિયામાં
મારી જોડે આવી સૂતાં
ધૂળવાળાં, બચુકડાં પગલાં.
પારિજાતની સુગન્ધ ભેળાં લોહીમાં ઊછળ્યાં
રાક્ષસ, પરી, રાજકુમાર,
વાંદરો ને મગર,
‘એક હતી બીકણ સસલી...’
‘પછી... પછી શું થયું પપ્પા?’
‘જૂઈ જેવી પાંખોવાળી પરી
જકુને પોતાના હીરાના મહેલમાં લઈ ગઈ...
ત્યાં એની રૂપેરી પાંખો...’
‘મને ઊંઘમાં પણ સંભળાય
એમ મોટ્ટેથી કહેજો હં...
હું ઊડતો... ઊ..ડતો...ક્યાં...’
‘પછી એક વાર ખ્રાં...ખ્રાંં કરતો વાઘ આવ્યો...
કહે ‘ખાઉં...ખાઉં...’
‘ના...ના... મારા પપ્પાને નહિ ખાવા દઉં’ કહેતાં
રડતો રડતો
તું મને વળગી પડે છે...
આંસુ લૂછવા
ઊંચકાયેલા હાથ પર
અંધારું ધસી પડે છે...
બૂટ પરથી ધૂળ રેલાય
ધૂળવાળા કાળા વરસાદી ગમબૂટ.
બૂટમાં છંટાયેલા પાઉડર અને રબરની ભેગી ગન્ધ.
બૂટના ખુલ્લા ભૂંગળામાંથી સંભળાય :
‘પપ્પા, તમે આવો ત્યારે
વરસાદના બૂટ ભૂલતા નહીં...’
બૂટમાં રોપાયેલા પગ
જાણે કમળ-દણ્ડ!
‘બૂટને પણ આપણી જેમ
વરસાદમાં મઝા પડતી હશે?’
કાદવવાળા, ભીના, ધૂળવાળા બૂટનાં પગલાં
આસપાસ ચકરાય
વીંટળાય...
બૂટને તળિયે
સુકાયેલી ધૂળ-માટી
હળવેથી
આંગળી વડે ખોતરું છું...
‘પપ્પા, પપ્પા મને બહુ જ ગીલીગોટા થાય છે,
બસ, મારાથી રડી...’
બૂટ પરથી ધૂળ રેલાય...
પપ્પા, બોલો ને!
‘કોણ? હલો પપ્પા! કેમ છો?’
‘મઝામાં બેટા.’
‘તમારો પત્ર આજે જ મળ્યો.’
‘હં...’
‘પપ્પા, રાજા, દુર્ગા, અનુપ, ડેભાઈ શું કરે છે?’
‘તને ખૂ...બ યાદ કરે છે.’
‘તમે?’
‘...’
‘પપ્પા! પુરુકાકાની બારીમાં મધ પાછું બેઠું છે?
આ વખતે પરેશકાકાના આંબા પર
કેરી આવી છે?’
‘...’
‘તમે સાંભળો છો ને પપ્પા?’
‘હા...હં..સાં...’
‘પંખીઓ માટે પાણીની ઠીબ ભરો છો ને?’
‘બેટા, રોજ રોજ ભરાય છે.
પણ બેટા, તને ચશ્માં ફાવી ગયાં?’
‘તમે નવા નમ્બર કઢાવવાના હતા તે?
ધ્યાન રાખજો...હં....’
‘...’
‘એક વાત તો પૂછવી જ ભૂલી ગયો.
આપણી વાડમાં બુલબુલે
માળો બનાવી
આ વખતે ઈંડાં મૂક્યાં છે?’
‘આ વખતે તો બેટા!
બચ્ચાંને ક્યારે પાંખો આવી
ને ક્યારે
ઊ...ડી...
....’
‘પપ્પા, પપ્પા!
બોલો ને!...’
રસ્તો ઓળંગતી વેળા
તે સાંજે
આપણે વાતો કરતા ચાલતા હતા.
તારા પ્રશ્નનો ઉત્તર
આપવાને બદલે,
રસ્તો ઓળંગતી વેળાએ,
પોચા પોચા ખભા પર
મારી આંગળીઓનો દાબ પડ્યો હતો.
તારો ઉછાળ
જરા સંકોચાયો હતો.
આપણે સામે પહોંચી ગયા હતા.
પછી તો તને ચંપલ ન ગમતાં.
હાફપેન્ટ નાનાં પડતાં.
તું જાતે જીન્સ ખરીદવા માંડ્યો.
તારાં ટેરવાં નીચેનો ઉછળાટ સંભળાવા લાગ્યો.
આજે,
ભૂખરી સાંજે
વળી આપણે રસ્તો ઓળંગીએ છીએ.
એક મોટરબાઇક ફડફડાટ પસાર થઈ જાય છે.
મારા પગ અટકી જાય છે
ને હાથ ઊંચકાય...
અચાનક
પહેલી જ વાર
લોહી છલકતી, કરકરી, સચિન્ત હથેળી
મારા સહેજ ઢીલા ખભા પર
દબાય છે.
બધું ઝાંખું ઝાંખું થઈ જાય છે.
હું સામે પાર પહોંચી જાઉં છું.
મા
૧
ખળખળતી નદીને
આ કાંઠે
તું, હું, આપણે સૌ
રોજ હસતાં, રમતાં, ગોઠડી કરતાં...
તારા હાથમાંની
રાખોડી રંગની લાકડીને
નેવું વર્ષે પણ
તારો ટેકો હતો.
તું અચાનક સામે કાંઠે પહોંચી ગઈ
લાકડી તો મારા હાથમાં જ રહી ગઈ!
૨
ઊભો છું
આ
લાકડી પકડી.
લાકડીના લીસ્સા હાથા પરથી
તારી મ્હેકતી હથેળી
ધીમે ધીમે
મારી હથેળી સાથે
ગુંથાઈ ગઈ.
આજે
ફોરે છે
આખ્ખું ઘર!
હું લાકડીને
જોરથી વળગી પડું છું.
૩
આ લાકડી
હવે ઊભી છે
એકલી.
પથારીની ડાબી બાજુએ
તું બેસતી
તે જગા પરનો આછો દાબ
આજે પણ
એમ જ છે.
ટાઇલ્સ પર
તારાં પગલાં ઘસાવાનો
ને લાકડીનો નજીવો અવાજ જાગ્યો...
એકદમ નજીક
આવી પહોંચી છે
તારા શરીરની ગન્ધ!
તારો રોજનો પ્રશ્ન :
‘ભાઈ, કેટલા વાઈગા?’
હું શું જવાબ આપું?
વ્રેહસૂત્ર
મૂળને સૂંઘતો
વૃક્ષને સંવેદતો
વનરાજિમાં પ્રસરતો
આનન્દથી વરસતો
પ્રતિપળ તરસતો
ટળવળતો
ગાતો, વાતો
ખડખડ હસતો,
ભાગતો, વાગતો, ખાળતો
ચાલી રહ્યો છું...
વૃક્ષો વીથિકાઓ વચ્ચેથી
અન્ધારમાં રણકતા ને ડણકતા જંગલો
ને ગૂઢ-ઘેરા વનમાં
વલવલતો
પસાર થતાં
ઊભો રહી જાઉં છું
ડધાઈને.
તાકી રહું છું.
આરપાર પ્રાણશંકર બની.
અન્ધારાં ફૂંફાડતાં ભરડી નાખે
મને ને મારી સાત પેઢીના પ્રાણને.
વૃક્ષને તાળવે બોલતા ઘુવડમાંથી
વેરાઈ જાઉં.
રાઈ રાઈ થઈ...
ત્યાં
સંકષ્ટ ચતુર્થીના ચન્દ્ર જેવું
આકાશમાં કંઈ ઊગે...
મોદકની ઝંખા જાગે
ટેરવાંમાં હણહણાટ
પલનો, વલવલનો, તલનો
અન્ધાર-જલનો...
ભૂલો પડી
શોધ્યા કરું છું
ભૂંસાતો, ગાતો, વાતો, વરસતો, તરસતો
આ બૃહદારણ્યમાં
દમયંતીને.
૦
પૂર્વ
માથે દીર્ઘ શિખા રાખી
તાપીમાં સ્નાન કરી
ચાર છેડે પીતામ્બર ધારણ કરી
સન્ધ્યાવન્દન સમ્પન્ન કરી
યજુર્વેદ સંહિતાના ઘનપાઠ કરતો
પાઈ પાઈ માટે
જોજન જોજન ચાલતો
હું કોને શોધી રહ્યો હતો?
કોણ છે એ કશ્યપ?
શા માટે છે એ કશ્યપ?
એના પુત્ર, પૌત્રો ને પ્રપૌત્રોની પેઢીઓની પેઢીઓ
કયા અન્ધાર-જલમાં
ભૂલી પડી ગઈ છે...
ભૂલો પડેલો
બૃહદારણ્યક નિઃસીમ આકાશ નીચે
શોધું છું.
૦
એ ઉન્નત અભિરામ ગ્રીવા
એ ચમ્પકવરણો દેહ
પ્રવાલસમ ઓષ્ઠદ્વય
કઠિનમૃદુ પીમળતા એ અમૃતકુમ્ભો...
અચાનક બધું લાક્ષાગૃહની જેમ સળગી ઊઠે છે.
હું કયા ભોંયરામાં થઈ
ક્યાં નીકળું તો
ભેદી શકું છેદી શકું
આ તળ-અતળ...
ભોંયરાનાં છમછમતાં અન્ધારાં
એવાં તો કર્બુર
કે ઓળખી શકાતી નથી
કૃષ્ણા કે તૃષ્ણા...
૦
મારી પ્રમાતાનાં
સ્વપ્નોની ઉપત્યકાઓમાં
કોણ ગબડી રહ્યું છે?
ગર્ભ સમયે
જાંબુવન જોવાના દોહદ
કોણ જગાડે છે
આમ, રાતોની રાતો
સદીઓની સદીઓમાં...?
૦
યાજ્ઞવલ્ક્ય
પાણિનિ
ને
દ્વૈપાયનમાં રેલાતો, ફેલાતો, છોલાતો, ઠોલાતો
ખોલાતો
અટકી જાઉં છું
વિ-સર્ગ આગળ.
અન્ધારાં જલ ઠલવાતાં જાય છે
ચારેકોર
લય પ્ર-લય
કયો?
કયા મન્વન્તરમાં જોયા હતો?
સાંભળ્યો હતો?
સૂંઘ્યો હતો?
ચાખ્યો હતો?
સ્પર્શ્યો હતો?
તે... તો...
૦
કોણ દમયંતી તે કોણ સીતા ને કોણ પારમિતા?
કોણ વનલતા સેન?
કોટાનકોટિ સૂર્યો જ્યાં પ્રકાશે છે
એવા અન્ધારાની પેશીએ પેશી
ચશ્યશીને
કર્ણિકારની દીપશિખાએ લઈ
ઊંડે ને ઊંડે
ઊતરી પડવા મથું છું....
ત્યાં
આ કોના,
કોના શ્વાસની આંચથી
અટકી જાઉં છું?
કોણ છે એ?
કોણ વહી ગયું છે સમુદ્રને મારામાંથી?
કોણ હરી ગયું છે આકાશને મારામાંથી?
કોણ ચૂસી ગયું છે વાયુને...
કડેડાટ કરતી દિશાઓ ભીંસી નાખે છે મને
ને હું....
મૂળને સૂંઘતો
વૃક્ષને સંવેદતો
વનરાજિમાં પ્રસરતો
તરસતો
ટળવળતો
પંચકેશ ને વલ્કલ ધારણ કરી
યજ્ઞવેદીઓમાં
આજ્યની આહુતિઓ અર્પતાં
મસૃણ પીળી-કેસરિયા જ્વાળાઓ જોતો
इदं अग्नेय स्वाहा इदं अग्नये, (मह्यं च)
બોલતો
હાથમાં સ્રૂચિ ધારણ કરતો
ઊભો છું.
યુગોથી.
અગ્નિ.
કયો અગ્નિ?
કોણ અગ્નિ?
કોણ જમદગ્નિ?
કોણ કોને આહુતિ આપે?
૦
મૂળને સૂંઘતો
પ્રસરતો, તરસતો
વરસતો
ટળવળતો,
કયા મનવન્તરમાં
કયા ઋષિને ત્યાં
વ્રેહસૂત્રનો અભ્યાસ કરતો બેઠો છું?
પ્રતીક્ષા
ઘડિયાળનો કાચ ચોખ્ખો કર્યો.
ઊંધ લૂછી લૂછીને સાફ કરી.
પુસ્તકો ‘વ્યવસ્થિત’ ગોઠવ્યાં.
પંખા પર જામેલી ધૂળ ઉડાડી.
બહાર ‘ચરતી’ પેનોને પેન-સ્ટેણ્ડમાં સજાવી.
ખીંટીની છાપવાળાં કપડાં હૅન્ગર પર ઝુલાવ્યાં.
દાઢી માંજી.
સ્ટવની દીવેટ ખેંચી.
ઘડિયાળમાં જોયું.
સામેની બારીના સળિયા ગણ્યા :
એક...બે...ત્રણ...
ફરી જોયું.
શેરીના પગરવને સૂંઘ્યા કર્યો.
ઘડિયાળનો કાચ ઘસી ઘસીને લૂછ્યો.
ચાવી આપી.
ટક્...ટક્...ટક્...
ટક્...
હજી તો...
સેકન્ડ, મિનિટની વાત જવા દઈએ
તોય પૂરા અગિયાર કલાક...
અગિયાર કલાકમાં
બે-ત્રણ વાર બ્લૅક કૉફી
સાથે મેથીના સક્કરપારાનો
વધ્યોઘટ્યો ભૂકો...
ગમતું પુસ્તક ખોલી મથવાનું...
અસ્તવ્યસ્ત ઘર વ્યવસ્થિત કરવાનું...
ક્યારામાં ગોડ કરવાની... ઘાસ...
અવકાશ ઝંઝેડવાનો.
પછી....
પછી જો લોહીમાં બોલતાં તમરાં જરી જંપે તો...
સવારે સોનેરી લીંબોળીની પીમળમાં ફરફરવાનું...
હા, યાદ રાખી દાઢી કરવાની.
‘આ આફટર શેવની સુગન્ધ મને બઉ એટલે બઉ જ ગમે...’
ટેબલ પરથી ધૂળ ઝાપટીએ.
પથારી પર ફૂલોની ચાદર પાથરીએ.
હાથ ધોવા બેઝીન પાસે જઈએ...
આમળાં-અરીઠાંની સુગન્ધ
ને જળશીકરોમાંનું મેઘધનુષ જોઈ
હાથ લંબાવીએ...
હાથ પર બેઠેલી લોખંડી માખી
હાથ અમળાવી નાખે.
આછો ટહુકો લોહીને જગાડે :
‘કૉફી પીએ?’
‘હા...હોં’ સાથે ઊભા થઈએ.
અરીસામાં ઑગળેલા
ધૂળિયા અન્ધકારને લૂછી
ચહેરો જોવા મથીએ.
વાડામાં જઈએ.
ઘાસ ખેંચી કાઢીએ....
એલાર્મની બન્ધ ક્ષણોને
ચાવી આપીએ.
કાંડાઘડિયાળ જોઈએ :
હજી તો...
હજી તો દસ કલાક ને પચાસ મિનિટ...
આગમન
ભાઈસાહેબ ઘરમાં રહેતા જ નહીં હોય ને!
કોણ ધૂળ-કચરો કાઢવાની તસ્દી લે?
ચાનાં ઢગલો કપ-રકાબી
આમતેમ રવડતાં હશે.
કબાટને લૉક કરવાનું તો શીખ્યો જ નથી.
કો’ક દી બધ્ધું...
‘ભાઈ તારી રીક્ષા આમ
ડચકિયાં ખાતી કેમ ચાલે છે?
આના કરતાં તો
હું ચાલતી
વહેલી પહોંચું.’
ટેબલ-પલંગ પર ઊંધાંચત્તાં પુસ્તકોના ઢગલા...
ને સિગરેટની રાખથી
ઊભરાતું હશે ઘર.
કૂંડામાં પાણી...
દૂધ નિયમિત ગરમ કરવાનું,
અથાણું જોઈ તેલ નાખવાનું
યાદ કરાવ્યું
ત્યારે
‘આટઆટલી સૂચનાને બદલે
તું જો જવાનું માંડી વાળે...’
તદ્દન નાનકુડા છોકરા જેવો
થોડા દી’ પણ...
કમરે છેડો વીંટાળી
તાળું ખોલું છું.
પગથિયાં ચઢતાં જ
‘સ્વાગતમ્’નું ચિતરામણ.
ધૂપસળીની સુવાસ
ને ચાંદી જેવું ચોખ્ખું
ઘર...
‘લુ...ચ્ચો...’
કેવેફી વાંચતાં જાગેલું સ્મરણ
૧
દોડતી ટ્રેનમાં હું રાહ જોતો હતો.
એ સ્ટેશન પર.
થોડીક બીક સાથે
હાથ મળતાં
બધું ઝળાંહળાં...
આપણી વ્યક્તિ સાથે
રેસ્તૂરાંમાં જવું
આમ તો સહેલું, પણ...
અઘરું હોય છે
શ્વાસમાં શ્વાસ ઊછળે
આંખમાં આંખ ઓગળે
એટલું નિકટ બેસવું.
ઘણી બધી બેઠેલી આંખો,
હરતી-ફરતી આંખો
સીધું યા ત્રાંસું
કોતરતી હોય છે આપણને.
રૅપ સંગીતના હણહણાટથી
ધ્રૂજી ઊઠે છે દીવાલો.
સ્ટ્રોબેરી આઇસક્રીમનો
મરુન-લાલ ટુકડો
મોંમાં ૨ચે મેઘધનુષ.
મન્દ મલકાટ ચૂમી લેવા
પાસે સરું.
ચમચીમાંથી આઇસક્રીમ
પેન્ટ પર,
બધેબધ રેલાઈ ગયું,
આજની જેમ જ.
૨
મેં કહ્યું : ‘ના...ના...નાઆ...’
તેં કહ્યું : ‘આવડી જશે. પછી તો સરર સર્ કરતી સાઈકલ...’
હાથમાં, આંખમાં પરસેવો.
ધ્રૂજતા હાથે
કાળા હાથા વિનાનુંં
લીસ્સું હેન્ડલ માંડ પકડ્યું...
ને પાછળથી ધક્કો.
તેં ‘બક્ અપ...બક્ અપ’-ના નારા ગજવ્યા.
થોડી હિમ્મત
થોડો સંકોચ ફાટફાટ...
હૃદય આખ્ખું
ઊછળીને
નસોમાં, મસ્તકમાં...
પસાર થતાં વાહનોનો ફટ્ફટાટ્...
લોહીમાં પલીતો ચંપાયો.
સન્તુલન જાળવવા
જોરથી હેન્ડલ ભીંસ્યું...
સાથે અંગૂઠો
ઘંટડી પર પડતાં
ટણણણન્... ટણનન્...
નજર સામે
ફુવારો
આકાશ આંબતો હતો
ભેજલ અન્ધકારમાં
ગભારામાં હીજરાતા
તાંબાના નાગને
કચડતો
ફૂલોની ગન્ધવાળો
ભેજલ અન્ધકાર.
નાગને માથે
ખીલેલું
જાસૂદનું ફૂલ.
દીવાની સ્થિર સળગતી જ્યોત.
મન્દ્ર ગાન્ધારમાં
કડકડાટ મહિમ્ન બોલતો
વરસાદ.
નગારાં બજી ઊઠે છે.
આરતી પ્રગટે છે.
બેઠેલો નન્દી ઉછળે છે.
ભેજલ અન્ધકારમાં
આગિયા રેલાય છે...
મલ્હાર ઢોળાયો...
રાત આખી
મારા પર
મલ્હાર ઢોળાયો...
રેલાયો...
સવારે ઊઠીને
અરીસામાં જોયું :
આંખ કાન નાક
કેવળ મોગરા મોગરા ને મોગરા!
પરોઢ
સન્તુરમાંથી ફોરતા
પીલુના કેસરિયા સ્વર જેવો શ્રાવણ
તારા દેહમાં રોપાયો.
ચીતરાયો.
મીંડમાં રેલાતું
લેાહી
કાનના ગુલાબો પર વરસ્યું.
મસૃણ ટેકરીઓ
નાચી ઊઠી
દ્રુત-ત્રિતાલમાં.
રાનેરી ક્ષિતિજની તિરાડમાંથી
ભૈરવી-મઢ્યું પરોઢ
પાંખો ફફડાવતું
ઊડ્યું!
જલસો
મારા મસ્તિષ્કમાં
સન્તુર વસે છે
હું સન્તુરને નમું છું.
મારા શ્વાસમાં
તાનપુરો વસે છે
હું તાનપુરાને નમું છું.
મારા હૃદયમાં
મૃદંગ વસે છે
હું મૃદંગને નમું છું.
મારી નાભિમાં
ષડ્જ વસે છે
હું ષડ્જતે નમું છું.
મારાં ચરણોમાં
થાપ વસે છે
હું થાપને નમું છું.
મારા હાથમાં
બે તુંબડાવાળી સિતાર વસે છે
હું સિતારને નમું છું
ચૂમું છું.
અગાંગ એક સાથે બજી ઊઠે છે!