કિરીટ દૂધાતની વાર્તાઓ/૭. આમ થાકી જવું

From Ekatra Wiki
Revision as of 09:45, 14 March 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭. આમ થાકી જવું|}} {{Poem2Open}} સવારની બસ મોડી નથી હોતી. સવારની બસમા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૭. આમ થાકી જવું

સવારની બસ મોડી નથી હોતી. સવારની બસમાં કંડક્ટર પાસે છુટ્ટા પૈસા પણ નથી હોતા, પરંતુ આજે બસ થોડી મોડી હતી અને કંડક્ટરે છાશિયું કર્યા વગર સો રૂપિયાની નોટના છુટ્ટા પણ આપ્યા. ઘેરથી ઉતાવળમાં નીકળતાં છુટ્ટા લેવાનું રહી ગયેલું અને બસ સમયસર હોત તો એ બસ ચુકી ગયો હોત. કંડક્ટર છુટ્ટા આપતી વખતે ખુલ્લા દિલે હસ્યો. આટલી વહેલી સવારે આમ નિખાલસતાથી હસવું એ કોઈ પણ સરકારી કર્મચારી માટે કેટલું કપરું હતું તે જાતઅનુભવ ૫રથી જાણતો હતો. આ બદલ એણે કંડક્ટરને મનોમન ‘ઇન્દ્રજિત’ની ઉપમા આપી! પોતાની જગા પર બેસીને એણે કાચ બંધ કરવાની કોશિશ કરી. પછી ખ્યાલ આવ્યો કે બારીને કાચ હતો જ નહીં. એની અને વિશ્વ વચ્ચે કોઈ પારદર્શક આવરણ પણ નહોતું! એણે બારીએ માથું ટેકવ્યું. સવારનો ભેજ લોખંડની ફ્રેમ ૫૨ ચોંટીને જુગુપ્સાપ્રેરક ગંધ પેદા કરતો હતો. બહારની ગંધનો આજના દિવસનો આ પ્રથમ સ્પર્શ હતો. બહારની દુનિયાના પ્રતિનિધિ જેવી અલગ અલગ ગંધ એના શરીર પર ચોંટ્યા કરતી હતી. સાંજે એ બધી ગંધને લઈને ઘેર પાછો ફરતો. એણે આંખો બંધ કરી. મોઢામાં ભાખરી અને ઘી-ગોળના થોડા કણો એની જીભને અડ્યા. સવારે જયાએ અરધી ઊંઘમાં શિરામણ બનાવી દીધેલું. ‘ક્યાંક વળી રસ્તામાં જે તે ખાઈ લેશો’ કહીને પીરસતાં એ ગૃહિણી સહજ ગર્વથી હસેલી. જયા યાદ આવતાં એ અસ્વસ્થ થઈ ગયો. આવી મુસાફરીના દિવસે એને જયાની યાદ આવતા અપરાધ ભાવ થતો હતો. એણે આંખો ઉઘાડી. બહાર ઉજાસ ફેલાતો જતો હતો. સનસનાટ પસાર થતી બસમાંથી આછા ઉજાસમાં અંધકારમાં ઓગળેલાં વૃક્ષો પોતાનો મૂળ આકાર ધારણ કરતાં જતાં હતાં. આજુબાજુ બસમાં બેઠેલા મુસાફરો અર્ધી ઊંઘમાં વિચિત્ર ભાવભંગિઓ રચતા હતા. બસ રેલવેસ્ટેશને પહોંચી. એણે ઉચાટમાં ટિકિટ લીધી. ટ્રેનમાં પણ બારી પાસે બેસવાની જગા મળી ગઈ! એ બારીના સળિયા પાસે ચહેરો રાખી પ્લૅટફૉર્મની ચહલપહલ જોવા ફરીથી થોડીક અલગ ગંધો તેના તરફ ધસી આવી. ચાર કલાકની મુસાફરી પછી ટ્રેન તેને બીજા એક શહેરમાં લઈ જવાની હતી જ્યાં નેહા તેની અધીરાઈથી રાહ જોવાની હતી. સ્ટેશનથી બહાર નીકળવાના દરવાજે નેહા સૌથી આગળ ઊભી રહેવાની હતી. તેને જોતાં એના ચહેરાની અકળામણ મીઠા રોષમાં ફરિયાદ કરવાની હતી. અગાઉ પસાર થઈ ગયેલા મુસાફરોમાંથી બેત્રણ જણ એના દૂરના પરિચિત હોવાની શંકા અને નેહાને આમ રેલવેસ્ટેશને જોઈ ગયા – તેના કાલ્પનિક ભયથી ફફડવાની હતી. પછી બંનેએ કોઈ રેસ્ટોરાંમાં જવાનું હતું. ઘરમાં કોઈને શંકા ન પડે એટલે, નેહા તો જમીને આવવાની હતી. જોકે એ લુશલુશ ખાઈને આવવાની હતી, કેમ કે જે દિવસે એ બંને મળવાનાં હોય તે દિવસે એ પેટભરીને જમી શકવાની નહોતી. પેટમાં જાણે કે પતંગિયાં ઊડાઊડ કરવાનાં હોય તેવું લાગ્યા કરવાનું હતું અને મોઢું સતત સુકાયા કરવાનું હતું. રેસ્ટોરાંમાં ગયા બાદ વાનગી પસંદ કરીને ઑર્ડર આપવાનું કામ નેહાએ કરવાનું હતું. એ આ રેસ્ટોરાંની વખણાતી બે-ત્રણ વાનગીઓનો ઑર્ડર આપવાની હતી. પોતે અગાઉ રવામસાલા ખાધો જ નથી એવું જાણીને ‘અરે!’ કહીને આંખો પહોળી કરીને હસી હતી. આજે પણ એવું કશું બનતાં કોઈ વિશિષ્ટ વાનગીઓ વિશે ગૌરવ લેવાની હતી. નાસ્તો કરતી વખતે એ નેહાને એકીટશે તાકી રહેવાનો હતો. આજે મોટી બહેન, ભાભી કે બા આગળ થોડાં ખોટ્ટાં લાડ કરીને, પોતાનું કામ એમાંનાં કોઈને ભળાવીને, ઑફિસ સમય કરતાં કેવી રીતે વહેલી ઘેરથી નીકળી આવી અને ટ્રેન સમયસર હશે તો પોતે મોડી પડશે એ બીકથી રિક્ષા કરીને કેવી રીતે મારંમાર સ્ટેશને પહોંચી એ વાત કરતાં એ હજી થથરી જવાની હતી. પછી એ પોતાને એકીટશે જોઈ રહ્યો છે એ ખ્યાલ આવતાં ‘શું છે? ક્યાંક મને ખાઈ ન જતો’ એમ બોલીને અથવા ‘જજા’ કહીને શરમાઈને નીચું જોઈ જવાની હતી. બંનેમાંથી ફક્ત એકને જ નાસ્તો કરતાં જોતાં વેઇટરો નવાઈથી તાકી રહેવાના હતા. ‘બહુ ખાય છે, ક્યાંક જાડો થઈ જઈશ’ કહીને નેહા મજાક કરવાની હતી. તો ક્યારેક નેહા ડબ્બામાં નાસ્તો લાવવાની હતી. એ દિવસે રિક્ષા કરીને એ બંને સીધાં શહેરના કોઈ પરાવિસ્તારમાં આવેલા બગીચામાં કે ખેતરાઉ જગામાં જતાં રહેવાનાં હતાં. અને એકાદ બેંચ પર કે ઝાડ નીચે બેસીને બંને નાસ્તો કરવાનાં હતાં. પછી બંનેની વાતો શરૂ થવાની હતી અને એમાંથી કેટલીક સમસ્યાઓ ધીમે ધીમે સપાટી પર આવવાની હતી. એણે જોયું તો ટ્રેન સ્ટેશનથી ખાસ્સી દૂર કોઈ નિર્જન વિસ્તારમાં થોભી હતી. સિગ્નલની રાહ જોઈને ઊભી હશે, સામેના ખેત૨માં છોડી દેવાયેલું એક મકાન પડુંપડું થતું અર્ધું ઊભું હતું. દર વખતે રેલવેના પાટાની નજીકમાં ક્યાંક છોડી દેવાયેલી રેલવે વસાહતો જોતો. કેટલાંક ઘરોનાં બારણાં ખુલ્લાં પડ્યાં હોય, આંગણામાં છોડઝાડ સુકાઈ ચાલ્યાં હોય, એને બહુ વિચિત્ર લાગણી થતી. મનમાં હળવો અવસાદ લવક્યા કરતો. એ ઊભો થઈને દરવાજા પાસે આવ્યો અને સ્ટેશનની દિશામાં જોવા લાગ્યો. થોડી વારે વ્હિસલ વાગી ને ટ્રેન ધીમેથી શરૂ થઈ. ચાળીસ-બેતાળીસ વરસનો એક પુરુષ દોડીને ડબ્બા તરફ આવ્યો અને ચડવાના પ્રયત્નમાં તેનો પગ પગથિયા પરથી સહેજ લપસી ગયો. તેણે ઝડપથી હાથ આપી એને અંદર ખેંચી લીધો. પેલો અંદરના પૅસેજમાં ગોઠણિયાભેર બેસી ગયો. થોડી વારે હળવેથી ઊભો થઈને તેની સામે જોવા લાગ્યો. તેને ચડેલી હાંફને લીધે બોલી ન શક્યો, પણ તેની આંખોમાં આભારનો ભાવ હતો. એની હાંફમાં અસાહજિક લાગે તે રીતે શ્વાસોચ્છ્‌વાસની સીટી વાગતી હતી. એણે ધ્યાનથી એ પુરુષની સામે જોયું. ચાળીસ-બેતાળીસ વરસની વયે થોડું દોડવાથી આ રીતે હાંફ ચડી જાય કે શ્વાસ ગાજવા માંડે એ જોઈને નવાઈ લાગતી હતી. ગાડી સ્ટેશને પહોંચીને ઊભી રહી ગઈ. હવે નેહાનું શહેર આવવામાં એકાદ કલાકની વાર હતી. એ પોતાની જગાએ જઈને બેસી ગયો. ...અને ધીમે ધીમે સમસ્યાઓ વધતી જતી હતી અને ધીમે ધીમે સમસ્યાઓ વધતી જવાની હતી. એ પહેલી વાર નેહાના શહેરમાં જઈને એને મળી આવ્યો તે મુલાકાત વારંવાર યાદ આવતી હતી. બંને અણઘડપણે શહેરના જાહેર બાગમાં એક ઝાડ નીચે જઈને બેઠાં હતાં. આજુબાજુમાં ઘાસ પાણીના અભાવે ચીમળાઈને સુકાવા માંડ્યું હતું. નેહાએ પત્રોમાં પોતાના શરીરનો સહેજેય સ્પર્શ ન કરવાની શરતે જ મળવાની હા કહી હતી. છતાં કલાક પછી એણે નેહાને આજીજી કરીને તેની મૃદુ હથેળીનો સ્પર્શ કરવા દેવા માટે માંડ રાજી કરી હતી. પોતાના જમણા હાથના અંગૂઠાથી નેહાની હથેળી એણે ક્યાંય સુધી પંપાળ્યા કરી હતી. અને પાછો આવ્યો એ પછી કેટલાય દિવસો એ સ્પર્શના કેફમાં વીતી ગયા હતા. છૂટા પડતી વેળા નેહાએ કહ્યું હતું, ‘મારી આંખોને ચશ્માંના નંબર આવેલા છે એ ખબર છે?’ ‘ના, તો તું ચશ્માં કેમ નથી પહેરતી?’ ‘કૉન્ટેક્ટ લેન્સ પહેરું છું.’ એ કોઈ ચાલાકી કરતી હોય તેમ લુચ્ચું હસી હતી. પછી જયા આગળ દર મહિને એક વાર ઑફિસ ઇન્સ્પેક્શનનું બહાનું કાઢીને નેહાને મળવા આવતો હતો. એક વાર જયા પિયર ગઈ હતી ત્યારે સતત બે દિવસ બંને મળ્યાં હતાં. પહેલા દિવસે સાંજે બંને છુટ્ટાં પડ્યાં પછી રેલવેસ્ટેશન પાસેની કોઈ અત્યંત સસ્તી હોટલમાં શેરલોક હોમ્સની અદાથી જઈને બનાવટી નામ-સરનામું લખાવીને રાત રહ્યો હતો. નામ લખાવતી વખતે એ કાઉન્ટર પર ઊભો હતો ત્યારે બાજુના રૂમમાંથી ‘ધડાક’ દઈને બારણું ખોલી આધેડ વયનો પુરુષ બહાર નીકળ્યો હતો. બહારની બાજુએ રૂમની બારી પાસે ઊભેલા એક છોકરાને હાથ ખેંચી, ઢસડીને કાઉન્ટર પર બેસેલા માણસ પાસે લઈ આવીને બોલ્યો હતો, ‘જોયું? આ તમારો નોકર બારીની તડમાંથી અંદર તાક્યા કરે છે. નિરાંતે કામ પતાવવા નથી દેતો.’ કાઉન્ટર પર બેઠેલા માણસે એ છોકરાને સટાક દઈને વળગાડી દીધી હતી. પછી બધા સ્વાભાવિકતાથી વિખેરાઈ ગયા હતા. રાત્રે ડોરમેટરીમાં તે એકલો હતો. વારંવાર તેની ઊંઘ ઊડી જતી હતી. રહી રહીને તેને અસંબદ્ધ વિચારો આવ્યા કરતા હતા; જેમ કે, આ રાતે એનું અચાનક મોત થઈ જાય તો હોટલવાળા કે પોલીસ તેની શિનાખ્ત કેવી રીતે કરે? પોતાનો મૃતદેહ ઘર સુધી કેવી રીતે પહોંચાડે? બાજુની રૂમોમાં કેટલાંક સ્ત્રી-પુરુષો પૈસાથી એક સંબંધની આપ-લે કરીને સૂતાં હતાં. એ આવા ખરીદ-વેચાણમાંથી શું પ્રાપ્ત કરતાં હશે? એની આંખ વહેલી સવારે ઊઘડી ગઈ હતી અને તરત જ ચાલતો નેહાને મળવા નીકળી પડ્યો તો.

ગાડી પંદરેક મિનિટ મોડી હતી. નેહા આ વખતે વધારે અકળાઈ. આ વખતે એ ડબ્બામાં નાસ્તો લઈ આવી હતી. રિક્ષા કરીને બાજુના ગામડાના નદીકિનારાના એક ખેતરમાં ગયાં. ગામ હવે શહેરને મળવા સામે આવી ગયું હતું. બંનેએ હસીમજાક કરતાં નાસ્તો કર્યો. પછી એણે બૂટ-મોજાં કાઢીને ઝાડને અઢેલ્યું અને નેહાને કહ્યું : ‘સવારના ચાર વાગ્યાથી ઊઠીને દોડધામ કરું છું. આજે તો બસ ચૂકી જાત, ચાલ થોડી પગચંપી કરી દે.’ ‘જજા.’ નેહાએ લાડ કર્યું. ‘ચાલો થોડી ચરણસેવા કરો. આમ પણ તું મારાથી ચાર વરસ નાની છે. તારી ફરજ બને છે. નેહાએ એની પિંડીઓ પર થોડી મુક્કીઓ મારી. એ રુઆબથી બોલ્યો, બરાબર જોર કરીને માર...’ નેહાએ એનો પગ હડસેલી દીધો, ‘આવું બધું તારી જયાને કહેજે,’ બંને હસી પડ્યાં. જયાના ઉલ્લેખથી ફરી એક વાર એ સવાલ આવીને ઊભો. નેહાએ ધીમેથી પૂછ્યું, ‘પછી કંઈ ઉકેલ મળ્યો?’ એ ગુનેગારની જેમ ચુપ થઈ ગયો. દર વખતે એ જેટલા ઉકેલ લઈને આવતો તેનાથી વધારે સમસ્યાઓ લઈને પાછો જતો હતો. એ નેહાને પૂછ્યા કરતો, ‘હવે તો સાચું બોલ, પરણેલા પુરુષને પ્રેમ કરવા બદલ પસ્તાવો થાય છે ને?’ નેહા સચ્ચાઈથી ના પાડ્યા કરતી અને છેવટે રડી પડતી. પછી બંને કંઈક ઉકેલ શોધવા માટે શુદ્ધ તાર્કિક ચર્ચાઓ કરતાં. જયાને છૂટાછેડા ન જ આપવા એવો નેહાનો દૃઢ આગ્રહ હતો. પણ એવું નક્કી કર્યા પછી બંનેને આગળ શું કરવું એ સૂઝતું નહોતું. છેવટે એ થાકીને કહેતો, ‘તને તો ખરેખર કોઈ સારો છોકરો મળી જશે. આપણે છુટ્ટા પડી જઈએ.’ નેહાના ઘરમાં તેના સગપણની વાતોની શરૂઆત થઈ હતી એમ એને ખબર હતી. નેહા છુટ્ટા પડવાની વાતે ના... ના... કર્યાં કરતી હતી. છેવટે નેહાની આંખોમાં આંસુ આવી જતાં હતાં. આ દિવસોમાં એ કૉન્ટેક્ટ લેન્સ પહેરીને ન આવતી. વારંવાર રડવાને લીધે કૉન્ટેક્ટ લેન્સને લીધે તકલીફ થતી હતી. એને વિચાર આવ્યો કે લેન્સ વગર નેહાને સામે કિનારે કપડાં ધોતી સ્ત્રીઓ કે નજીકના ખેતરમાં ફરતા માણસો ઝાંખા દેખાતા હશે અને ભીના પણ. અને પોતાનો ચહેરો? એક વાર નેહાની આંખોમાં પોતાનો ચહેરો ધીમે ધીમે ઝાંખો પડતો જશે એવા વિચારે એ ધ્રૂજી જતો અને પછી દલીલો કર્યા કરતો, ‘લગ્નમાં જે પરિણમે એ જ સફળ પ્રેમ કહેવાય નહીં?’ ‘કેમ?’ ‘ધાર કે આપણે કાયમ માટે વિખૂટાં પડી જવું પડે તો શું થાય?’ ‘હજી મને વિશ્વાસ છે કે આપણાં લગ્ન જરૂર થશે.’ ‘પ્રેમલગ્ન થયા પછી પણ ઘણાંનાં જીવન મેં વાસી થઈ જતાં જોયાં છે.’ ‘આપણા કિસ્સામાં પણ એવું જ થશે એવું શા માટે ધારીને બેઠો છે?’ ‘એ તો ખરું પણ લગ્નમાં પરિણમે એ જ સાચો પ્રેમ એવું કેમ ગણાતું હશે? છેવટે તો બધા સંબંધ સામાજિક અનુકૂલનમાં બંધ બેસવા જોઈએ, ખરું ને? અને એમાં બધાં જ જોખમો ખેડીને પાંગરેલો સ્ત્રી-પુરુષનો દિવ્ય કહી શકાય એવો પ્રેમ પણ આવી જાય ખરું કે નહીં?’ ‘એમાં વાંધો શો છે?’ ‘અરે એટલું જ નહીં આપણાં ફિલ્મી ગીતો તો જન્મોજન્મનો સાથ નિભાવવાના વચનની સાથે પોતાનો પ્રેમ સમાજની દૃષ્ટિમાં હાંસીપાત્ર ન ઠરે તેવું વચન પણ લઈ લેતાં હોય છે.’ ‘કેમ આવું બધું બોલ્યા કરે છે?’ ‘ધાર કે હું તારી સાથે બેવફાઈ કરું અથવા તું મારી સાથે એવું કરે કે હું તને બદનામ કરું તો છેલ્લાં પાંચ વરસમાં આપણને જે પ્રેમની અનુભૂતિ થઈ તે તરત જ શૂન્ય થઈ જાય! આપણને જે અપાર્થિવ અનુભવો થયા, મને આ ‘દિવ્ય’ કે ‘અપાર્થિવ’ એવા શબ્દો વાપરવા નથી ગમતા, પણ આટલા પ્રેમ પછી તું મને ધિક્કારવા મંડે તો પ્રશ્ન તો રહે જ કે તું કોને ચાહતી હતી? મને કે મારા દ્વારા થતી તારી જાતની આળપંપાળને?’ ‘તને જ ચાહું છું પણ એ ચાહના જિંદગીભર તારા તરફથી મળ્યા કરે એવું તો ઇચ્છું ને?’ ‘કેમ?’ ‘આપણને એકબીજાથી જે અનુભવો થયા છે અને થવાના છે તે ત્રણ રીતે મળતા હોય છે. જો ધ્યાનથી સાંભળ, આવી ચર્ચાઓ શરૂ કરીને પછી બેધ્યાન હોવાનો ડોળ કરવાની ખોટી મર્દાનગી રહેવા દે. હા, એ અનુભવો ત્રણ રીતે મળતા હોય છે, ઈશ્વરભક્તિથી, ધ્યાન સમાધિથી અને સ્ત્રી-પુરુષના પ્રેમથી. એમાં પહેલાની બે પદ્ધતિઓ જેને એકાંતનો મુકાબલો કરવાની હિંમત હોય તેને જ અનુકૂળ આવે છે. તેમાં થયેલા અનુભવનું વર્ણન તમે કોઈની સમક્ષ કરી શકો છો પણ તેને એમાં ભાગીદાર બનાવી શકતા નથી. પ્રેમમાં બે જણની ભાગીદારી હોય છે. પહેલી બે પદ્ધતિમાં થોડી બરડતા હોય છે તેની સરખામણીએ પ્રેમમાં માર્દવતા હોવાની, પરંતુ પ્રેમમાં એક વ્યક્તિ દૂર થાય તો અનુભવની પ્રક્રિયા અટકી જાય છે. એમાં બેવફાઈ કે સામાજિક અનુકૂલનને બદલે વધારે અફસોસ એ પ્રક્રિયા અટકી જવાનો હોય છે.’ ‘હા, એ બરાબર. પણ હું અને તું એકબીજાને ચાહીએ છીએ એટલે તું કહે છે એ અનુભવ મેળવવાના રસ્તે ચાલતાં થયાં છીએ. હવે થોડા આગળ વધ્યાં પછી એક વ્યક્તિ તેમાંથી બાદ થઈ જાય તો બંને એકબીજાની સૂક્ષ્મ હાજરી સાથે એ પ્રક્રિયા ચાલુ ન રાખી શકે?’ ‘આપણા સહજીવન આડે જે અવરોધો છે એ ન હોત તો તું આવી દલીલો કરતો હોત?’ એ ચુપ થઈ ગયો. એને મૂંઝારો થતો હતો. એના પિતાજી કોઈ સમસ્યામાં ઘેરાઈ ગયા હોય ત્યારે બેત્રણ દિવસ માથા સુધી ચાદર ઓઢીને સતત સૂઈ રહેતા. એને પણ એ રીતે સૂઈ જવાની ઇચ્છા થઈ. એ એવી રીતે સૂઈ ગયો હોય તો એ સૂવાનું કેટલા મહિના કે વરસ ચાલે એ વિચારે એને હસવું આવ્યું. નેહા ગુસ્સે થઈ, ‘તને આ વાતે હસવું આવે છે મૂરખ છો?’ ‘તો શું કરું!’ નેહાના ચહેરા પર લાચારી આવી ગઈ. તેણે આજીજી કરીને કહ્યું, ‘મને ક્યાંક નસાડી જાને.’ ‘હા, આપણે ક્યાંક નાસી જઈશું.’ નેહા એની સામે અવિશ્વાસથી જોઈ રહી : ‘ખોટું બોલે છે ને? ગયા વખતે તો નાસી જવામાં સો મુશ્કેલીઓનું વર્ણન કરવા બેઠો હતો. બધી અસલામતીઓ ગણાવતો હતો અને...’ એણે નેહાનો હાથ પોતાના હાથમાં લીધો. એની હથેળીને પોતાના અંગૂઠાથી પંપાળી. એમાં પહેલી મુલાકાતના સ્પર્શનો સંદર્ભ હતો, ‘પ્લીઝ તું આટલા બધા પ્રશ્નો ન કર. મને એવું ફીલ થવા મંડે છે કે જાણે હું નપુંસક છું, પ્લીઝ... પ્લીઝ.’ નેહા ચુપ થઈ ગઈ. ધીમે ધીમે એ પહેલી મુલાકાતના ઓથારથી તેનો ચહેરો રડમસ થઈ ગયો. એને ક્યારેક કોઈ મિત્ર અચાનક પૂછી લેતો, ‘શું કરે છે તારી પેલી? મળો છો કે નહીં? મજા કરતાં હશો ને?’ હવે મિત્રોના પ્રશ્નો સાંભળી ચુપચાપ તાકી રહેતો. એને વિચાર આવતો કે પ્રશ્ન પૂછનાર વ્યક્તિ માણસ ન હોય પણ એક ઓરડો હોય અને તેની અંદરની સ્પષ્ટ તસવીર પાડી શકે તેવો કોઈ કૅમેરા હોય તો તસવીરમાં એ વ્યક્તિનો ચહેરો નહીં પણ ભેજ, ધૂળ, ઝાંખો પ્રકાશ અને ચારે તરફ બાઝી ગયેલાં જાળાં ઠેરઠેર દેખાઈ આવે. એની પાસે નેહાને આશ્વાસન આપવા માટે થોડાક સભ્ય સ્પર્શો સિવાય કશું નહોતું. જાહેરમાં આટલું જ થઈ શકતું હતું. બે પ્રેમીઓને ઉત્કંઠા હોય છે એટલું એકાંત બંનેને મળતું નહોતું. કદાચ મળવાનું પણ નહોતું. બંને ચુપ બેસી રહ્યાં. એમ જ ચાર વાગી ગયા. એના પાછા ફરવાનો સમય થઈ ગયો હતો. બંને થોડું ચાલીને રસ્તા પરના એક બસસ્ટૅન્ડ પર આવી ગયાં. અહીંથી નેહાના શહેરમાં લઈ જતી એક ગામડાની બસ મળતી હતી. અર્ધા કલાકે બસ શહેરમાં પહોંચી. નેહાને અધવચે ઊતરી જવાનું હતું. તેણે એના હાથમાંથી હાથ ઊંચકી લીધો અને ધીમેથી બોલી, ‘આવજે, જાળવીને જજે અને તરત પત્ર લખજે.’ એણે નેહાને ભીડમાં દૂર જતી જોઈ. નેહાની ચાલમાં થોડી અસ્વાભાવિકતા હતી. એ છુપાવવા પોતાના ચહેરાને ડાબી તરફથી ઝટકો આપી સહેજ જમણી તરફ લઈ જતી હતી. જાણે કે એનામાં સભાનતા હતી, ના, એક જાતનો ક્ષોભ હતો કે પોતે આ ભીડનો કે ચારે તરફ વીંટળાઈને ફેલાયેલી દુનિયાનો એક હિસ્સો નહોતી. કદાચ ક્યારેય એ એનો અભિન્ન હિસ્સો બની જ શકવાની નહોતી. આ વાતાવરણમાં પોતાનું અસ્તિત્વ અપાર્થિવ છે તે લાગણીથી એની ચાલવાની કે હાથ હલાવવાની ક્રિયામાં અસ્વાભાવિકતા આવી જતી હતી. છતાં આ દુનિયામાં તેણે વારંવાર પુનઃપ્રવેશ કરવાનો છે તે સભાનતાથી તેની ચાલમાં અચાનક અસ્થિરતા આવી જતી હતી. કોઈ એને આ દુનિયામાં પરાણે ધકેલતું હતું. એને થયું કે એ નેહાની સાથે હોત તો એની અપાર્થિવતાને ભૂંસીને એક સ્વાભાવિકતા આપી શક્યો હોત. પણ કૉટન પ્રિન્ટના સાદા ડ્રેસમાં એનું સહેજ દૂબળું, ઊંચું, અનાઘ્રાત અને એકાકી શરીર પોતાનાથી દૂર જઈ રહ્યું હતું અને એ લાચારીથી તાકી રહેવા સિવાય કશું કરી શકવાનો નહોતો. કોઈ એક ટ્રેન એને નેહાના શહેરથી દૂર પોતાના શહે૨ તરફ લઈ જતી હતી. એને પાછલા પગે દોડ લગાવતો હોય એવું વિચિત્ર લાગતું હતું. કંટાળો પણ આવતો હતો. બગાસાંનો એક લાંબો દોર આવીને પસાર થઈ ગયો. ટ્રેનમાંથી ઊતરીને બસમાં બેઠો. હજી એક કલાકની મુસાફરી કરવાની હતી. રાતની બસોમાં બેસવાની જગા મુશ્કેલીથી મળતી હતી. બારીમાંથી બહાર જોયું તો સવારે આછાં દેખાતાં વૃક્ષો પોતાના આકાર ગુમાવીને અંધકારમાં ઓગળી ગયાં હતાં. એને ઊતરવાનું સ્ટૅન્ડ આવ્યું. થોડું ચાલીને એક અર્ધા બંધાયેલા ઘરના ઓટલે બેસી પડ્યો. પગમાંથી બૂટ અને મોજાં કાઢી નાખ્યાં. પંજા જકડાઈ ગયા હતા અને પિંડીઓ થાકથી ત્રમત્રમાટ કરતી હતી. એને બપોરની વેળાએ નેહાએ પિંડીઓ પર મારેલી મુક્કીઓ યાદ આવી. શરીર પર અનેક ગંધોએ કબજો જમાવી દીધો હતો. એણે પોતાના હાથનો અંગૂઠો જોરથી સૂંઘ્યો. તેના પર હજી નેહાની હથેળીની આછી સુગંધ આવતી હતી. થોડી ક્ષણો એમ જ વિચારમાં બેસી રહ્યો. પહેલાં આવી વીસ કલાકની મુસાફરી થાક્યા વગર ઉત્સાહથી થઈ શકતી હતી. હવે છેલ્લા સાત-આઠ મહિનાથી એ થાકી જતો હતો. હજી અઠ્યાવીસ-ઓગણત્રીસ વરસની વયે આટલો થાક કેમ લાગતો હતો તેની નવાઈ લાગી! એને આવનારાં સાત-આઠ વરસોની કલ્પનાથી ધ્રુજારી છૂટી. સવારે ટ્રેનમાં ચડતાં લપસી જતા ચાળીસ-બેતાળીસ વરસના પુરુષની હાંફમાંથી સંભળાતી સીટીનો અવાજ યાદ આવી ગયો. એ સમયે ન સમજાયેલા એ પુરુષના થાકનો અર્થ હવે ધીમેથી એના મનમાં સ્પષ્ટ થતો જતો હતો. એ પોતાના અને નેહાના શહેર વચ્ચે થાકીને હારી ગયા વગર કેટલાં વરસ દોડધામ કરી શકશે? એનું શરીર ઊંઘ માગતું હતું. એ ઊઠીને ઘર તરફ ચાલતો થયો. સામે જ અંધકારમાં લપાઈને એનું ઘર ઊભું હશે. પણ ના આજે અંદરના બધા ઓરડામાં લાઇટનો ઝળહળાટ હતો. એને નવાઈ લાગી. એ ઝડપથી ચાલવા મંડ્યો. દરવાજે પહોંચીને બેલ મારી, ખાસ્સી વારે જયાએ બારણું ખોલ્યું, એના તૈલી ચહેરા પર ઊંઘ હતી, એ જઈને તરત પથારીમાં પડીને ઊંઘી ગઈ. ‘જયા’ એણે એને ખભાથી હલાવી, ‘આખા ઘરમાં લાઇટ કેમ ચાલુ રાખી છે?’ મને રાતે એકલામાં બહુ બીક લાગતી હતી એટલે બધી લાઇટો ચાલુ રાખીને ઊંઘી ગઈ હતી.’ કહીને એ નિર્દોષતાથી હસી. પછી કંઈક યાદ આવતાં એ બોલી, ‘તમારી પાસે છુટ્ટા પૈસા હશે? મારે વહેલા દૂધ લેવા જવું પડશે.’ એણે સવારે છુટ્ટી કરાવેલી સો રૂપિયાની નોટમાંથી આખા દિવસ દરમ્યાન વપરાતાં વધેલા બધા પૈસા જયાના હાથમાં મૂકી દીધા. એણે એ પરચૂરણ બાજુના ટેબલ પર મૂકી દીધું અને તેને ભેટીને સૂઈ ગઈ. એ પણ થોડી વાર એમ જ લેટી રહ્યો. પછી એને થોડી વાર પહેલાંનું જયાનું નિર્દોષ હાસ્ય યાદ આવ્યું. અને પોતાની નહોતી એવી દુનિયામાં વારંવાર અનિચ્છાએ પ્રવેશતી નેહાની કાયા યાદ આવી. ચાળીસ-બેતાળીસ વરસે પોતાની હાંફમાંથી સંભળાવાની હતી તે સીટી યાદ આવી. ઠેર ઠેર લોકોએ વસવાટ છોડી દીધા હતા તેવાં અવાવરું મકાનો યાદ આવ્યાં અને આખા દિવસમાં નેહાએ સારવાનાં બાકી રહી ગયેલાં આંસુઓ એની આંખમાં ધસી આવ્યાં અને ગાલ પરથી સરકી ઓશીકા પર પડી ગયાં. ગઈ કાલે સવારે ઘરેથી નીકળ્યો હતો એવી જ એક સવાર આજે પણ પડી રહી હતી. એ થાકી જઈને આંખો મીંચી પડખું ફરી ગયો.