યોગેશ જોષીની કવિતા
વૃક્ષ પણ...
પંખીઓ પાસેથી
પોતાની ડાળે રહેવા માટેનું
ભાડું માગે
કે
વાદળ પણ
દસ પૈસાના એક ગ્લાસ લેખે
ધરતીને પાણી આપે
કે
સૂરજ પણ
દર મહિનાની પહેલી તારીખે
ધરતીના સરનામે
લાઇટનું બીલ મોકલે
કે
ભગવાન પણ
જે પૈસા આપે તેને જ
શ્વાસ લેવા પૂરતી
હવા આપે
તે પહેલાં
પૃથ્વીના કાનમાં કહી દો
કે –
હું તો બસ...
હું તો બસ
રાહ જોયા કરીશ–
વૃક્ષને પાન ફૂટવાની.
દોસ્તો,
નદીને પૂછવું નથી પડતું
દરિયાનું સરનામું
કે
વાદળોને જળ પહોંચાડવા
જરૂર નથી પડતી
નળની.
ભલે હું
આકાશ વગરનો રહું
મારે નથી ચોંટાડવી
પીઠ પર પાંખો,
ભલે હું
શબ્દ વગરના રહું
મારે
નથી જન્માવવા
ટેસ્ટ-ટ્યૂબ શબ્દો.
હું તો બસ,
રાહ જોયા કરીશ....
પડછાયો
એક સાંજે
મારાથી અળગો થઈને
ચાલવા લાગ્યો, બસ ચાલવા લાગ્યો.
સામેની થોરની વાડ પર આળોટ્યો
ને લોહીઝાણ થઈ ગયો
પછી કોક સળગતી ચિતામાંથી આરપાર પસાર થઈને
સ્મશાન પાછળનાં લીમડાની નીચે
ખરી પડેલાં લીલાં પાંદડાંની પથારીમાં
આખીય રાત આળોટ્યો.
ને સવારે ઊઠીને
પાદરનું તળાવ એકીશ્વાસે તરી જઈને
પહોંચ્યા સામેના જૂના મંદિરે.
મંદિરની દીવાલ ઠેકીને પછી
ધીમે ધીમે સરતો સરતો
પહોંચ્યો શિખર પર
ને ફરફરી રહ્યો પવનમાં;
ફરફરતી મેલી ધજાના મેલમાં ભળી જઈને.
આખીય રાત...
આખીય રાત
મેં સાંભળ્યા કરી નીરવતા
ને જોયા કર્યું મારી ભીતર–
પેલા ખેતરની થોરની વાડ
અન્ધકારને ચીરતી ધી...મે ધી...મે સરકતી સરકતી
આવતી જાય છે મારી નજીક ને નજીક!
સ્તબ્ધ થઈને ઊભું છે સામેનું ઝાડ
છતાંય એનું એક પાન કમ્પે છે સતત!
કોક આવીને
ક્યારનુંય બેઠું છે ચૂપચાપ, આંખને કિનારે!
થાકી ગયેલો દરિયો
કણસે છે મારા પડખામાં,
કોક શબના ફાટી ગયેલા ડોળા જેવી મારી આંખોમાંથી
ફૂટ્યા કરે છે ટ્રેનની તીણી ચીસો, ચૂપચાપ!
દીવો લઈને કશુંક ખોળવા માટે
મારા દેહની ભીતર ફર્યા કરે છે કો’ક!
છેક કાનના પડદા પાસે આવીને
ધબક્યા કરે છે હૃદય!
ભીંત પર ચોંટી રહેલું અજવાળું
ટપ્ દઈને ખરી પડ્યું, ચૂપચાપ!
હવે હું
મારી પથારીમાં નથી.
વૃક્ષોના પડછાયા
વૃક્ષોના પડછાયા
લંબાવાનો અવાજ સાંભળું છું
લોહીનો વેગ વધે છે
સારસીની શ્વેત પાંખોનો ફફડાટ
પડઘાયા કરે છે વારંવાર
કોઈ ગીતના સળગતા લય જેવો આ
કોનો હાથ ફરે છે મારા દેહ પર?
વેરવિખેર ઢોળાયેલી ચાંદની
અસંખ્ય સળગતાં પતંગિયાં થઈને
કેમ ઝંપલાવે છે મારી ભીતર?
અનંત લંબાઈની આ કાળીભમ્મર રાત
શું શોધવા માટે
ઉથલાવે છે મારી અંગત ડાયરીનાં પાનાં?
આ કોણ
આકાશને કાળી ચાદર માનીને
ઓઢાડી રહ્યું છે મને?
ભયંકર કડાકા સાથે
વીજળી ઝબકે છે મારા હાડકાંનાં પોલાણમાં.
આકાશ સળગે છે.
પંખીઓ
માળામાં આવી ગયાં કે?!
કદાચ કાલે
કદાચ કાલે
એકેય પાંદડું નહીં હોય પીપળા પર!
દરિયો ય એનાં મેાજાંઓથી
વિખૂટો થતો જાય છે
ને આ ડિસેમ્બરમાં તો
એકેય પંખી નથી આવ્યું નળસરોવરે
નિઃસ્તબ્ધ થઈને
તું છે સરોવરનું નિરભ્ર જળ
ને એકેય માછલી
સહેજે નથી સળવળતી!
જાણું છું, પીંછી લઈને
પીળાં પાંદડાં પર લીલો રંગ ચોપડવાથી
વસંત ન આવે.
સૂરજ જેવો સૂરજ પણ
વિખૂટો થતો જાય છે તડકાથી!
ને...હવે તો
નરી આંખે જોઈ શકું છું
વિખૂટા થતા જતા
ભગવા રંગથી ઝળહળતા મારા શ્વાસ!
કલ્પના,
બારી ખોલી નાખ
ને મને
ભરી ભરીને
સાંભળી લેવા દે
પીપળાનાં સૂક્કાં પાંદડાંનું ગીત!
કદાચ કાલે–
સાલું આ આજુબાજુ
સાલું આ આજુબાજુ
જંગલ ક્યાંથી ઊગી ગયું?!
હમણાં તો અહીં તું હતી!
જો, પેલી ગાય આવી.
જે ખાવા ટાણે
હજીયે પહેલાની જેમ જ નિયમિત આવે છે
અને નિરાશ થઈને પાછી જાય છે
પણ તને તો તેની ખબર પણ નહીં હોય, ખરું ને?
તને ખબર છે હું જીવું છું?
જો, ભીંત પર ચીતરેલું ‘લાભ-શુભ’
કેવું લાહીલુહાણ થઈ ગયું છે!
ગણપતિએ પણ બે હાથો વડે મોં સંતાડી દીધું છે!
પણ તને તો
ખેતર વગરના ચાડિયા જેવો હું
યાદ પણ નહીં આવતો હોઉં, નહીં?
તારા ગામમાં સૂરજ ઊગે છે? મારા ગામમાં નથી ઊગતો.
સાત ડગલાં સાથે ચાલ્યાનું
તને યાદ છે? મને યાદ છે.
સાત ફેરા સાથે ફર્યાનું
તને યાદ છે? મને યાદ છે.
ગમે તે હોય પણ તું
મારી છેલ્લી ઇચ્છા પૂરી કરી જા ને!
એકાદવાર માટે પણ આવીને
‘હવે છાપું પછી વાંચજો, પહેલાં ચા પી લો.’ કહીને
મારા હાથમાંથી છાપું ઝૂંટવી લે ને કલ્પના!
બાવળ
મને કોઈ જ ફેર નથી લાગતો
તારી યાદમાં અને બાવળમાં.
હું તો
બાવળની આસપાસ
સૂતરના એકસો ને આઠ આંટા
વીંટીને કહું છું;
મને કલ્પનાની વેદના આપ!
તમે ક્યારેય નહિ જોયો હોય
બાવળને ખળખળ વહેતો
કે ગ્રીષ્મના તડકાને શૂળો ભોંકતો.
બાવળ તો
મારી જેમ જ
વરસાદ વગર પણ જીવ્યા કરે
બાવળ તો મારી પાંપણને શેઢે
એને તો સાત લાખ જન્મોની કથાય
આંગળીને વેઢે
બાવળ રણમાં જ ઊગે એવું નથી
એ તો ક્ષણમાંય ઊગે
હથેળીમાંય ઊગે
આંખોમાંય ઊગે
પગમાંય ઊગે
ને લગભગમાંય ઊગે
બાવળ તો
વહી જતી ક્ષણોને અટકાવે
ને સમયને તો શૂળ પર લટકાવે
જો બાવળનો સાથ હોય તો
ક્ષણનો સમુદ્ર થાય
નહિતર
ક્ષણ પણ બની જાય રણ
બાવળ તો ઝાંઝવાની ડાળ
બાવળ તો હરણાંની ફાળ
બાવળ તો ગૂંથ્યા વગરની જાળ
બાવળ તો પાણીની પાળ
બાવળ તો ભલું થયું ભાંગી જંજાળ.
બાવળ ક્યારેય માગે નહિ
ઉછીનાં ગાન કે પાન
બાવળ તો
ભયંકર વંટોળનેય ઊભો ને ઊભો ચીરી નાંખે
ને લોહીલુહાણ વંટોળ
ઊભી પૂંછડીએ ચીસો પાડતો ભાગે.
એક એક ક્ષણને
એકઠી કરી
સુંવાળી રેશમ જેવી બનાવી
કરોળિયો જાળું બાંધે તે બાવળ.
મધરાતે કડાકા સાથે વીજળી થાય ત્યારે
આભના અંધારમાં જે દેખાય તે બાવળ.
તને સ્પર્શું ત્યારે
તારી હસ્તરેખાઓ ગૂંચવાઈ જવાનું કારણ તે બાવળ.
બાવળ તો
બારે માસ રણમાં ઊભો રહી તપ કરતો ઋષિ
બાવળ તો
હંમેશાં માગતો રહ્યો છે ધરાની ધગધગતી વેદનાને
એથી જ તો
આકાશ પણ હેઠું ઊતરી આવે છે–
બાવળમાં આરપાર સમાઈ જવા.
બાવળ તો
વેદનાનો દેવ.
પ્રેમ અને વેદના
પંખી અને પીંછાં જેટલા જ નિકટ છે.
પ્રેમને પામવા તો
પાંખો ફફડાવતાં રણની રેતીમાં નાહવું પડે
આપણા નામને કાંચળીની જેમ ઉતારી નાખવું પડે
બાવળની શૂળ પર
એક પગે ઊભા રહી તપ કરવું પડે.
કલ્પના,
જ્યારે તારી ખૂબ જ યાદ આવે છે ત્યારે હું
દોડતો જઈને ભેટી પડું છું–
આંગણે વાવેલા બાવળને.
એને મારાં આંસુઓથી ભીંજવી નાખું છું
અને
એક માટીના કોડિયામાં રૂની વાટને બદલે
મારા હૃદયને મૂકી
દીવો પેટાવી
બાવળને પ્રાર્થના કરું છું—
મને
કલ્પનાની વેદના આપો,
હે વેદનાના દેવ!
પૂરની આગાહી માત્ર...
પૂરની આગાહી માત્ર સાંભળીને જ આમ
ગામ છોડીને ચાલ્યા જવું’તું તો પછી
શા માટે છેડ્યો’તો મલ્હાર?
શા માટે પીપળાને વીંટ્યા’તા સૂતરના તાર?
ભરતી વખતે મોજાંઓને કહી દો ઊછળવાનું બંધ
ને ભરવરસાદે ધરતીને કહી દો પલળવાનું બંધ
એ તે કેમ ચાલે?
નહીં તો પછી ગીચ જંગલોમાં ભૂલા પડેલા મારા શબ્દોને
કોણ બતાવશે રસ્તો?
પીપળા પરનાં પાન શું ટપોટપ ખરી નહીં પડે?
પ્રલય એ તો
જળના ઉમંગનું જ બીજું નામ છે, કલ્પના!
જો સાચા મનથી ડૂબવું જ હોય તો
જળનો ડર થોડો રખાય?
અને ઝંઝાવાત એ તો આપણા વહાણનું જ બીજું નામ છે!
આંધી હોય તો તો ઊડવાની ઓર મઝા આવે
હરણની આંખોમાં હિલ્લેાળાતાં મૃગજળને
મરણ ન માની લેવાય, કલ્પના!
વીજળીના ઝબકારે શોધી લે ઉર્વશીનું ખોવાયેલું ઝાંઝર!
ઝાંઝર ખોવાવાનો અર્થ
કંઈ એવો ન થાય કે ખોવાઈ ગયો પગ!
અને મેં તો
આ થીજી ગયેલા જરઠ અંધકાર પર
ચોક લઈને ઠેર ઠેર લખી દીધું છે તારું નામ!
ચાલી આવ, કલ્પના;
હાથમાં કંકાવટી લઈને
ક્યાં સુધી ઊભી રહીશ આમ અહીં ત્રિભેટે?
બસ, તે દિવસથી હું
બસ, તે દિવસથી હું
પીપળો બનીને ખોડાઈ ગયો છું તારે આંગણે.
પગના તળિયે ફૂટતાં મૂળિયાં
પ્રસરતાં જાય છે ધરતીના હૃદયમાં.
અસંખ્ય પંખીઓએ
માળા બાંધ્યાં છે મારી ભીતર.
રોજ સવારે સૂરજ
મારાં પાંદડાંઓને પહેરાવે છે સોનાનાં ઘરેણાં.
ચંદ્ર પણ
ચંદનનો લેપ કરે છે મારા દેહ પર.
તાંબાના લોટામાં જળ લઈને આવતી વર્ષા ય
અભિષેક કરે છે.
ગ્રીષ્મ પણ
હમેશાં આપ્યા કરે છે મને ઉષ્મા;
જાણે હું ગુલમહોર ન હોઉં!
મારી પાસે
આખુંય આકાશ છે, ધરતી છે,
સહસ્ર પાંદડાં છે, અસંખ્ય પંખીઓ છે;
સઘળી ઋતુ છે... ...
કોણે કહ્યું
કે હું
સાવ એકલો છું?
તણખલું
ત્રણેક કાળાં વાદળો
એકમેકને છેદતાં હતાં ત્યાં
દેખાતું હતું અજવાળાની બખોલ જેવં.ુ
આકાશમાં માળો ન બંધાય
એ જાણવા છતાંય હું
ઊડવા લાગ્યો એ બખોલ તરફ;
ચાંચમાં
સુક્કું સોનેરી તણખલું લઈ ને!
સંબંધ
સંબંધ હતો મારે
એ ડોસી સાથે.
મને
તો એની ખબરેય નહિ!
રહેતી એ
સામેના બ્લોકમાં,
ભોંયતળિયાના ફ્લેટમાં.
મારા બીજા માળના ફ્લેટની ગેલેરીમાંથી
એ નજરે પડતી—
બેઠી દડીના ધોળા પોટકા જેવી.
ઓટલે બેઠી બેઠી
કશુંક સાંધતી–થાગડથીગડ કરતી,
કશુંક વીણતી–તારવતી
કે વાસણ અજવાળતી.
મારી ગેલેરીમાંથી
એનો ચહેરો દેખાતો નહિ.
માથે ઓઢેલ કધોણ પડેલા ધેાળા સાડલા નીચે
બસ,
ધૂંધળું અંધારું દેખાતું!
એ અંધારામાં
કેવો હશે
એનો ચહેરો? એની આંખો?!
ઊંડા અંધારા ગોખમાં
ટમટમતા દીવા જેવું
ચમકતું હશે એમાં કોઈક તેજ?
કેવી હશે
ચહેરા પરની કરચલીઓ?!
સમયે એમાં પાડ્યા હશે ચાસ?!
કેવું હશે
એની બોખી દાબડીનું હાસ્ય?!
આ અગાઉ કદી
આવું વિચાર્યુંય નથી.
એનું નામેય નથી જાણતો હજીય તે!
સાંજે ઑફિસેથી આવતાં જાણ્યું
એ ડોસી
મરી ગઈ....
અધરાતે મધરાતે
ગેલેરીમાં બેઠો બેઠો હું
હાંફતો-ખાંસતો હોઉં ત્યારે
અંધકારના ઓળા જેવી એય ખાંસતી
ગાભાની ગોદડીમાં બેઠી બેઠી
ઓટલા પર;
કેમેય એનું મોં ભેગું થતું નહીં
એકધારું ખાંસતાં ખાંસતાં
બેવડ વળી જતું એ પોટકું.
રાતના ગઢમાં
ગામડાં પાડે એવી ખાંસી છતાં
કોઈ જ ઊઠતું નહિ એને દવા પાવા....
મારી ગેલેરીમાં બેઠો બેઠો હું
મનોમન
એની પીઠે હાથ ફેરવતો.
એના મરણ પછીની રાત્રે
મને ખાંસી ચડી,
થયું, હમણાં સામેથી આવશે
પેલી ડેાસીના ખાંસવાનો અવાજ
પણ... પણ... પણ... ....
ત્યારે
પહેલી જ વાર મેં જાણ્યું :
એ ડોસી સાથે
સંબંધ હતો મારે
સાથે ખાંસવાનો....
સાથે હાંફવાનો... ...
કિલ્લો
(દીર્ઘકાવ્ય ‘જેસલમેર’માંથી અંશ)
|| એક ||
અહીં આ
આડી લાંબી ટેકરી પર
કંઈ કેટલાય કાળથી
પાંચ-સાત ઊંટ
બેસી રહ્યાં અડોઅડ,
પથ્થર થઈ.
તપતી-ઊડતી-વીંઝાતી
રેતીના મારથીયે
કેટલાંક ઊંટોના
તો તૂટી ગયા છે
ક્યાંક ક્યાંકથી
થોડા થોડાક ઢેકા....
વીંઝાતો જાય તડકો
દારૂગોળાની જેમ
ને
ખરતાં-તૂટતાં જાય છે
પથરાળ ઊંટોનાં
કાન
નાક
હોઠ
અઢારે અંગ
નિઃશ્વાસ...
ખર ખર ખરતા કાંગરાની જેમ
તડાક્ તડાક્ તૂટતા બુરજની જેમ!
ક્યારે થશે
આ પાંચ-સાત ઊંટનો
જીર્ણોદ્ધાર?!
લાવ,
મારી હથેળીમાં
ચાંગળુંક જળ.
મંત્ર ભણીને છાંટું
અને
ગાંગરતોક
થઈ જાય બેઠો
આ કિલ્લો!
આળસ મરડતો
ઊભો થઈ જાય
આ કિલ્લો!
ને
ચાલવા લાગે
પણે
ચાલી જતી
ઊંટોની
હારની પાછળ પાછળ...
દૂ...ર
પ્રગટી રહેલા પેલા
પૂર્ણ ચંદ્ર ભણી....
|| બે ||
કિલ્લો
કેવળ મારો.
એમાં પ્રવેશવાનો
કોઈને અધિકાર નથી.
કિલ્લો
મારી બહાર
મારી આસપાસ
મારી અંદર....
મારી અંદર
દો...ડે...
ઊંટોની હારની હાર
અને
એનાં પગલાં પડે
બહાર
વિસ્તરતા જતા રણમાં...
રણ
કેવળ મારું.
એની રેતી ઉપર
પગલાં પાડવાનો
કોઈનેય
કોઈ જ અધિકાર નથી.
રણને
આગળ વધતું રોકવા
મેં જ ઉગાડ્યા છે
અસંખ્ય બાવળ
મારી અંદર!
મારા બાવળનાં
પીળાં પીળાં ઝીણાં ઝીણાં ફૂલો ૫ર
નજર નાખવાનો
કોઈને અધિકાર નથી....
ઝાંઝવાં તો
વહી ગયાં ક્યારનાંયે
ઊંટની
ખડકાળી-તડકાળી આંખમાંથી...
ડોક ઊંચી કરીને
ગરમાગરમ તડકો ચગળતાં ઊંટ
તો ક્યારનાંયે ચણાઈ ગયાં કિલ્લામાં..
ત્યારથી
સતત
ખરતા જાય છે કાંગરા.....
કાંગરે કાંગરે
ખરતા જાય હોંકારા...
ને સોરાતી જાય
કિલ્લા તળેની માટી...
કિલ્લાના
સમારકામ માટે
ટોચ પર
પથ્થર પર પથ્થર પર પથ્થર
મુકાતા જાય
ચણાતા જાય
પણ
પાયામાં જ
તિરાડો પડેલા પથ્થરો
તરડાતા જાય
તૂટતા જાય...
પાયાના
પથ્થરો તળેની ધરતી
કંપે...
કોણ જાણે કયા અજંપે?
થર થર થર થર કંપે...
ક્યાં છે
કશુંયે સલામત
એકેય કિલ્લામાં?!
ધસમસતા હાથી જેવા સવાલો
મને ના પૂછો.
બંધ છે યુગોથી
મારા કિલ્લાના
કટાયેલા તોતિંગ દરવાજા.
બંધ દરવાજાની
બહાર પણ હું છું
ને અંદર પણ.
આ ઝરૂખાઓ તો
રાહ જોઈ જોઈને
ઊંડી ઊતરી ગયેલી
મારી આંખો છે આંખો..!
કોઈક કાળે
થીજી ગયેલો સમય
હવે ગંધાયા કરે છે
કિલ્લાના ગર્ભાગારોમાં
હજીયે
કિલ્લાના રંગમંડપમાં
અધરાતે-મધરાતે
રહી રહીને
રણકી ઊઠે છે એક ઝાંઝર!
સૂમસામ રાણીવાસમાં
હજીયે
હરે છે
ફરે છે
રાતીચટ્ટાક ચૂંદડીઓ....
કિલ્લામાં
હજીયે
આમતેમ રઝળે છે
કેસરિયા સાફા પહેરેલા કાળા ઓળા!
હજીયે
કેસરી લહેરિયું
માથે ઓઢેલી
કાળી કાળી આંખો
ચમકી ઊઠે છે
ખંડિત ઝરૂખાઓમાં,
વીજ-ઝબકારની સાથે સાથે,
કિલ્લામાં
ધસી આવેલા દુશ્મનો સાથે
હજીયે
ખેલાય છે યુદ્ધ
ને કપાય છે ડોકાં
જનોઈવઢ
વઢાય છે ધડ...
હજીયે
કિલ્લામાં
હરે છે ફરે છે લડે છે
અધરાતે મધરાતે
માથાં વગરનાં ધડ!
ઊતરી આવતા ઓળાઓ
બૂમો પાડે છે —
ખમ્મા... ખમ્મા...
ઘણી ખમ્મા...!
કોઈક કાળે
ઝળહળ ઝળહળતો
સોનેરી કિલ્લો
હવે ભેંકાર
કેવળ ખંડેર!
ખંડેરની ભવ્યતા
રૂપેરી ચંદ્ર બનીને ઊંચે ચઢે છે
રણની કાળી ક્ષિતિજે...
|| ત્રણ ||
કિલ્લાની અંદર
કદાચ હું કેદ હોઉં
એમ ધારી
કિલ્લાની ફરતે
ઘેરો ઘાલ્યો છે મેં...
આગળ વધું છું હું
કિલ્લામાંની તોપોમાંથી છૂટતા
અગનગોળાઓની
મરણઝાળ સામે ઝઝૂમતો ઝઝૂમતો...
કિલ્લાના
તોતિંગ બંધ દરવાજા ભણી
ધસી જાઉં છું હું હાથી બનીને
ને જોરથી
અફળાઉં છું
વચમાંના ઊંટને....
બંધ દરવાજા પરના
મસમોટા અણિયાળા ખીલા
થઈ ઊઠે છે લોહીલુહાણ!
ફરી ફરી
વળી વળી
ધસું છું
અફળાઉં છું
વચમાંના ઊંટને....
છેવટે
ચીસ સાથે
ઢળી પડે ઊંટ.
ફાટેલ એના ડોળામાંથી
ઢળી પડે ઝાંઝવાં..
ઢળી પડે
પેલે પાર બજતા
મોરચંગના સોનેરી સૂર....
છેવટે
તોતિંગ દરવાજો
કડડડભૂસ...
ચિચિયારીઓ, કિકિયારીઓ...
ધસી જાઉં હું અંદર...
જરીક આગળ જતાં જ
એક વળાંક.
વળાંક વળતાં જ
ફરી તોતિંગ દરવાજો.
ફરી પાછા અણિયાળા મસમોટા ખીલા
વળી હાથી થઈને હું ધસમસું
વળી પાછો અફળાઉં
વચમાંના ઊંટને...
વળી પાછા
અણિયાળા ખીલા લોહીલુહાણ...
વળી પાછું
ઢળી પડે ઊંટ
ઢળી પડે ઝાંઝવાં
અને ત્યાં તો
તૂટી પડે દરવાજો કડડડ ભૂસ!
વળી પાછો
ધસી જાઉં અંદર...
જરી આગળ જતાં જ
વળી પાછો વળાંક.
વળાંક વળતાં જ
ફરી પાછો દરવાજો તોતિંગ!
ફરી પાછો અફળાઉં હાથી બની
ફરી પાછું
વચમાંનું ઊંટ
ઢળી પડે લોહીલુહાણ...
બસ, આમ
તોડ્યા કરું
દરવાજા એક પછી એક...
ધસ્યા કરું આગળ અને આગળ અને આગળ...
છતાં
વળાંકે વળાંકે
આવ્યા જ કરે દરવાજા તોતિંગ!
એક પછી એક...!
ક્યારે આવશે
છેલ્લો દરવાજો?!
|| ચાર ||
કિલ્લો મારો.
કિલ્લાના તોતિંગ
બંધ દરવાજાય મારા.
દરવાજે ખોડેલા
મોટા મોટા અણિયાળા
ખીલાય મારા,
ધસમસતા હાથીય મારા
ને વચમાંનાં
ઊંટ પણ મારાં...
કિલ્લો
મારી આજુબાજુ
અને અંદર પણ...!
આમ જુઓ તો
તોતિંગ દરવાજા બંધ કરીને
કિલ્લામાં બેઠો છું હું
ને દરવાજા તોડવા
બહારથી મથ્યા કરનાર પણ
હું જ!
ને આમ જુઓ તો
કિલ્લાની અંદર પણ હું નથી
ને બહાર પણ!
ને આમ જુઓ તો
ક્યાં છે હવે કિલ્લો?!
નથી બુરજ, નથી કાંગરા
નથી સૂરજ, નથી ઝાંઝવાં
નથી તોતિંગ દરવાજા
નથી ઊંચી ઊંચી દીવાલો
ને તે છતાંયે
ઝરૂખા છે...!
હવામાં ઝૂલતા ઝરૂખા....!
ઝરૂખામાં ઝૂરે–
ઊંડી ઊતરી ગયેલી
ઝાંખ વળેલી
ટમટમતી આંખો...!
આકળવિકળ પડછાયાઓ
– પણ હવે
એ સમયને
સજીવન કરીનેય શું!
વહાણ તો
બધાંય ચાલ્યાં ગયાં
સમંદર છોડીને!
પણ હા,
આકળવિકળ પડછાયાઓ
હજીયે
જરીકે અજવાળું ન હોય ત્યારે પણ
હરેફરે છે
અંદર-બહાર
ને
ભરનિદ્રા વખતેય
એક
અવાવરું ફાનસ
ભપકે છે
મારી ભીતર
ભફક્... ભપક્... ભફક્...
કલ્પના
કેમ આમ ચૂપ થઈ ગઈ છે કલ્પના?
મારી ગંધહીન-અર્થહીન રાતોને માટે
રાતરાણી જેવી
એકાદ હળવી ક્ષણ પણ નહિ?
મારી અંદર
હીબકાં ભરતા ટહુકાઓને
લઈ જઈશ તારા આંબાની ડાળે?
મારી ભીતર
વમળાતાં-ગૂંગળાતાં જળને
લઈ જઈશ તારા પર્વતના અંતઃકરણમાં?!
મેં તો
સમયના વહેણમાં
તરતી મૂકી દીધી છે
હસ્તરેખાઓ વગરની મારી હથેળી!
પણ કલ્પના,
મારી હસ્તરેખાઓ ચોરીને
ક્યાં સંતાઈ ગઈ છે તું?
કેટકેટલી જગાએ તપાસ કરી તારી!–
ડામરની સડકને પૂછ્યું, કાળમીંઢ ખડકને પૂછ્યું,
કાજળની કાળાશને પૂછ્યું, કંકુની લાલાશને પૂછ્યું,
ગરજતા વાદળને પૂછ્યું, ઊછળતાં મોજાંને પૂછ્યું,
ફૂલોને પૂછ્યું, કાંટાને પૂછ્યું,
પલાશના વનને પૂછ્યું, વહેતા પવનને પૂછ્યું
રાધાને પૂછ્યું, કૃષ્ણને પૂછ્યું...
પણ ક્યાંય ન મળ્યા તારા સમાચાર.
કેટકેટલી જગાઓએ શોધી તને?!
તુલસીના ક્યારામાં શોધી,
સૂતરના તાંતણામાં શોધી,
નદીના ભીના તટમાં શોધી,
મોરના પીંછાંમાં શોધી,
પંખીની પાંખમાં શોધી, ઘૂવડની આંખમાં શોધી,
જળમાં શોધી, માટીમાં શોધી,
વાયુમાં શોધી, અગ્નિમાં શોધી;
અરે, ધૂળની સાત સાત ઢગલીઓ કરીને ફેંદી જોઈ!
પણ તું
હાથ ન આવી તે ન જ આવી...
પણ કલ્પના,
મને એ તો બતાવ
કે હું ક્યાં છું?
રોબિન્સન ક્રૂઝો રહેતો હતો એ ટાપુ પરના
કોક અજાણ્યા વૃક્ષની છાયામાં છું?
કોઈ દેવ કે દાનવની માયામાં છું?
કાગળની શોધ થયા પછી
તેના પર અંકાયેલા પ્રથમ અક્ષરના વળાંકમાં છું?!
ખડકને અથડાઈને
ફીણ ફીણ થઈ વિખરાઈ જતાં
સમુદ્રનાં ધવલ મોજાંઓમાં છું?
વેદકાળના કોઈ મંત્રમાં છું?
ખજુરાહોના
કોઈ શિલ્પના ખંડિત સ્તનમાં છું?
કામદેવના શણગારમાં છું
કે શંકરના ત્રીજા નેત્રમાં?!
પણ કલ્પના,
મને એ તો કહે
કે કોણ છે તું?
પારુ? વનલતા સેન? વીનસ? મોનાલિસા?
ઇરિકા? પિંગળા? સોનલ? મૃણાલ?
દમયંતી? અરુંધતી?
બોલને, કોણ છે તું?
દમયંતીના પડછાયાને ભોંકાતો કેરનો કાંટો?
પૃથ્વીના ઉદ્ભવ પછી
સૌપ્રથમ થયેલા વરસાદનો પહેલો છાંટો?!
ઇવના લોહીમાં ધગધગતું હિમોગ્લોબીન?
બોલને, કલ્પના,
શું થઈ ગયું છે મને?
કોણ છું હું?
બેગમ અખ્તરના કંઠમાં બાઝેલાં આંસુઓનો ભાર?
રવિશંકરની સિતારનો તાર બનીને
સતત કંપ્યા કરતી વેદના?
ભગવાન બુદ્ધની મૂર્તિની
આંખની કીકી પાસે ગણગણતી ભમરો?
રોદાંનો ચિંતક? ભૂલો પડેલો યક્ષ? એરીસ?
કોઈ ભાગાકારમાં વધેલી શેષ?
બોલને કલ્પના,
કંઈક તો બોલ;
નહિ તો પછી
ભરતી વેળાએ જ ક્યાંક
દરિયાને ખોટું લાગી જશે તો?
અષાઢના પ્રથમ દિવસે જ
બધાંય વાદળો રિસાઈ જશે તો?
કપાયેલા પતંગની જેમ
આખુંય આકાશ
કોક ઊંચા બાવળમાં ફસાઈ જશે તો?
સમજાય છે ને?!
બોલને, કલ્પના..
તડકાનો ટુકડો
સૂરજ
આથમી ગયો –
સમેટી લઈ
તડકો
અને બધુંય અજવાળું....
સવારે
બારીમાંથી આવેલા
તડકાનો ટુકડો
રહી ગયો.
મારી રૂમમાં....
બસ,
હવે એ ઓઢીને
હું સૂઈ જઈશ...
પતંગ (‘પતંગ’ કાવ્યોના ગુચ્છમાંથી)
૧.
ક્યારેક
પતંગ હાથમાં જ હોય
ત્યારે
દોરી ન હોય
ને
દોરી હોય ત્યારે
પતંગ જ ન હોય...
બસ,
વહેતા પવનની આંખે
તાક્યા કરવાનું
પતંગોથી ભર્યું ભર્યું
સુરીલું આકાશ;
કેવળ
તાક્યા જ કરવાનું...
મનમાં કદાચ
કોઈ મેઘધનુષી પતંગ –
ચગે તો ચગે...
૨
નાનકડા વાંસની ઉપર
કાંટા-ઝાંખરા ભરાવીને
બનાવું છું ઝંડો,
પતંગ પકડવા!
એ ઝંડો ઊંચો કરીને
દોડ્યા કરું છું,
દોડ્યા જ કરું છું
કૈં કેટલાંય વરસોથી
કેવળ
એક પતંગ પકડવા!
છેવટે આજે
ઊંચા કરેલા એ ઝંડામાં
ફસાયું, પકડાયું
આખુંયે આકાશ,
અગણિત પતંગો સાથે.
પણ મારો પેલો
એક પતંગ ક્યાં?!
૩.
પતંગ નથી તો શું થયું?!
મેં તો
કિન્યા બાંધી આકાશને!
ને
મંદ મંદ વહેતા પવનમાં
ચગાવવા લાગ્યો આકાશ!
પવન વધ્યો;
હવે
દોર હાથમાં હોવા છતાંયે
હાથમાં રહેતું નથી
મસમોટા પાવલા પતંગ જેવું આકાશ!
પવન ખૂબ વધ્યો
હાથમાં દોર પકડેલો હુંય
ઊડવા લાગ્યો
ઊડતા આકાશની પાછળ પાછળ...
ને પવનની ગતિ તો વધ્યે જાય છે,
વધ્યે જ જાય છે...
હવે?!
પ્રતીક્ષા
અહીં
આમ જ ઊભા રહી
દિવસ-રાત
રાત-દિવસ
તારી રાહ જોતાં
જોતાં
જોતાં
છેવટે હું
બની ગયો
થાંભલો.
કોણ આવીને મૂકશે
થાંભલાની ટોચે ટમટમતો
એકાદ લૅમ્પ?!
સપ્તપદી સૂર
અમારી લાડકડી–
જેના જન્મવેળાના રુદનના સૂરમાં
સંભળાયા હતા
શરણાઈના સૂર!
હજી ગઈ કાલે તો એ જાણે
અમારી આંગળી પકડીને
ઠૂમક ઠૂમક ચાલતી
પાડતી હતી.
નાજુકનમણી
પા પા પગલીઓ...
હવે એ માંડશે
પ્રભુતામાં કુમકુમ પગલાં
રૂમઝૂમ રૂમઝૂમ!
હજી ગઈ કાલે તો એ જાણે
ગોરમાનું ગીત ગાતાં ગાતાં
ફરતી હતી.
સખીઓ સાથે ફુદરડી.
હવે એ ફરશે
અગ્નિની સાક્ષીએ ફેરા!
હજી ગઈ કાલે તો એ જાણે
રમતી હતી
પગથિયાં, કોડીઓ ને કૂકા.
હવે એ ઓળંગશે
ઉંબર, ડુંગર-દરિયા!
હજી ગઈ કાલે તો એ
એની નાની નાની તર્જની ચીંધીને
બતાવતી હતી.
બારીમાંથી મેઘધનુષ.
હવે
એની આંખોમાંથી
હૈયામાંથી
ફૂટશે મેઘધનુષ!
એનાં લગ્નની શરણાઈના સૂરમાં
તમારી શુભેચ્છાના સૂર મેળવવા
હૃદયપૂર્વકનું નિમંત્રણ...
–અને હૈયે જાગ્યા
કન્યાવિદાયવેળાના રુદનના
સપ્તરંગી, સપ્તપદી સૂર...!!
સરસ્વતીની જેમ...
કંઈ લખવા માટે
ટેબલ પર કાગળ મૂકું છું ત્યાં જ
લાકડાનું ટેબલ મને વિનવે છે –
અહીં
ખૂબ ગૂંગળામણ થાય છે,
મને
મારા જંગલમાં જવા દો.
ઉંબરે
સાથિયો ચીતરવા જઉં છું ત્યાં જ
ઉંબરો બોલી ઊઠે છે –
મારે
નથી પૂજાવું;
મને
મારા પર્વત પર લઈ જાઓ.
દીવાલો ચણી ત્યારે
સિમેન્ટ સાથે ભેળવેલી રેતી પણ
હજીય
જોર જોરથી ચીસો પાડે છે –
હું નદીની રેત છું
ને મારે
વહેવું છે...
શું કરું?
કવિતા રચવાના બદલે
સરસ્વતીની જેમ
સમાઈ જઉં
કોઈક રણમાં?!
એક ખોબો શૂન્યતા..
ચીસ સડકે જોરથી પાડી હતી,
ઠેસ એવી તો મને વાગી હતી.
પ્હાડ આ ઊઠાવવાને પ્રેમનો,
આંગળી મેં કૃષ્ણની માગી હતી.
પ્રેમ પણ સાથે મળે તે આશથી,
વેદના મેં એમની માગી હતી.
એક ખીલી વાગવાના કારણે,
રાત આખી ભીંત આ જાગી હતી.
ફેફસાં મારાં ગમ્યાં નહીં એટલે,
આ હવાઓ દૂર કૈં ભાગી હતી.
છેવટે તો ગૈ બિચારી રણ મહીં,
સાગરે પણ એ નદી ત્યાગી હતી!
એક ખોબો શૂન્યતાનો પી ગયો,
ભૂખ શબ્દોની મને લાગી હતી!
એટલે (મુક્તક)
તે છતાં ઊગી ગયાં છે જંગલો,
મેં હથેળીને કદી સીંચી નથી.
એટલે મૃત્યુ પછી ખુલ્લી રહી,
આંખ આખી જિંદગી મીંચી નથી
ક્યાંક ઊડી જાત હું
બાણ માફક આમ છૂટી જાત હું,
ને સમયની જેમ ખૂટી જાત હું.
ઓસ જેવો હોત તો સારું હતું,
સૂર્ય ઊગે ત્યાં જ ઊડી જાત હું.
જોઈતો ન્હોતો સમંદર એક પણ,
એક ટીપામાંય ડૂબી જાત હું.
કાચ જેવો હોત તો સારું હતું,
આ ક્ષણો અડતાં જ ફૂટી જાત હું.
મોત, તેં જો ગીત ગાયું હોત તો,
રાત પડતાંવેંત ઊંઘી જાત હું.
એક બારી હોત જો આકાશને,
એને ખોલી ક્યાંક ઊડી જાત હું.
જળ વગર હું તરફડું જળમાં રહી...
જળ વગર હું તરફડું જળમાં રહી,
એક પળ પકડું હું ઝાકળમાં રહી!
પાંખ ફફડાવી ચહે છે ઊડવા,
આ બધાયે શબ્દ કાગળમાં રહી!
ઘર સુધી તારા કદી ના આવશે,
રોકતો હું રણને બાવળમાં રહી!
ગામ પરથી થૈ ગયાં તેઓ પસાર,
જળ ભરેલા એક વાદળમાં રહી!
એટલે ઘેરાય છે આ વાદળો,
હું ધરા ઊકેલતો હળમાં રહી!
ભેજ, માટી, તેજ ને બસ એક ક્ષણ,
રાહ જોઉં હું સતત ફળમાં રહી.
બધી હોડીઓ રોજ...
બધી હોડીઓ રોજ પૂછ્યા કરે છે –
કિનારા હવે કેમ ડૂબ્યા કરે છે?!
મળ્યાં નૈં ખબર કૈં હજીયે નદીના,
પહાડો તો આંખોને લૂછ્યા કરે છે.
ઉતારીને કીકીય ફેંકી દીધી પણ –
નયનમાં હજી સ્વપ્ન ખૂંચ્યા કરે છે!
મોજું તો સહેજે ન તૂટે પરંતુ,
ખડકની આ છાતી ક્યાં તૂટ્યા કરે છે?
તપાસો મને કૈં થયું તો નથી ને?
ગઝલ પર ગઝલ આજ ફૂટ્યા કરે છે!
મૃગજળ સૂરજને પી ગયું!
કૈં યુગોથી કેટલું તરસ્યું થયું;
છેવટે મૃગજળ સૂરજને પી ગયું!
હાથમાં ખાડો કરી દાટી તરસ,
થોર જેવું ટેરવે ફૂટી ગયું!
ફક્ત કો’ ખરતા પીંછાના ભારથી,
આભ આખું એકદમ ડૂબી ગયું!
સ્લેટ મેં હમણાં જ તો કોરી કરી;
કોણ આવી શૂન્યને ઘૂંટી ગયું?!
મોત આવ્યું’તું પવનનું રૂપ લઈ,
આંસુ જેવી હસ્તીને લૂછી ગયું!
આ તો મોજું તૂટ્યાનું સખી, ફીણ છે
આ તો મોજું તૂટ્યાનું સખી, ફીણ છે
હોડીમાં સ્હેજ સ્હેજ પાણી ભરાયાં,
ને દરિયો આખોય ભયભીત છે!
ઝૂકી ઝૂકીને આભ જોયા કરે કે ભૈ,
કોની તે હાર, કોની જીત છે!
ખડકની સાથે રોજ માથાં પછાડવાં,
આ હોવાની ઘટના કરપીણ છે!
આ તો મોજું તૂટ્યાનું સખી, ફીણ છે!
છાલ્લકો જોરથી વાગે છે જેની તે
બળબળતું જળ છે કે આગ છે?
ગીતોની વચ્ચે જે રેશમની જેમ ફરે,
મનગમતો લય છે કે નાગ છે?
મધદરિયે પણ હું તો ભડકે બળું
ને મારી હોડી પણ જાણે કે મીણ છે!
આ તો મોજું તૂટ્યાનું સખી, ફીણ છે!
આખ્ખું આકાશ નીચે આવ્યું
પંખીની એકદમ તૂટી ગઈ પાંખ પછી આખ્ખું આકાશ નીચે આવ્યું;
બાવળનું ઝાડ પણ પંખીને કાજ માગી છાંયડો ઉછીનો આજ લાવ્યું.
ઘેલી નદીને આજ સપનું આવ્યું
કે ભૈ દરિયો થયો છે સાવ ખાલી,
આભલાની ડાળેથી ખરી ગયું પાંદડું
ને આપે છે ધરતીને તાલી!
હાથમાં રે આજ તો ઘેરાયાં વાદળ ને આંખમાં તે કૈંક અમે વાવ્યું;
પંખીની એકદમ તૂટી ગઈ પાંખ પછી આખ્ખું આકાશ નીચે આવ્યું.
પાંપણો અણીદાર એવી તો વાગી
કે સપનાંને નીકળ્યું છે લોહી,
ભીંતો બધીયે આજ કોણ જાણે કેમ
પણ બારીના સળિયા પર મોહી!
લીલેરા પાંદડાએ લીધી વિદાય, એને ડાળીની સાથે ન ફાવ્યું;
પંખીની એકદમ તૂટી ગઈ પાંખ પછી આખ્ખું આકાશ નીચે આવ્યું.
ઝરમર વરસે ઝીણી
ઝરમર વરસે ઝીણી
થાય મને કૈ લઉં પાંપણથી વીણી
વર્ષાની ધારાઓ સાથે
આભ પીગળતું ચાલે,
ધણ વાદળનાં વીજ-ચાબખે
પવન હાંકતો ચાલે.
માટીમાંથી સુગંધ ફોરતી ભીની
ઝરમર વરસે ઝીણી
ઘેરાયા આ મેઘની વચ્ચે
રહી રહી ઢોલ ઢબૂકે,
હૈયામાં ગોરંભા વચ્ચે
રહી રહી વીજ ઝબૂકે !
રોમે રોમે અગન ઊઠે છે તીણી
ઝરમર વરસે ઝીણી
અચાનક
સરોવરમાં તરતાં
શ્વેત પંખીઓનું ટોળું
અચાનક ઊડ્યું —
પાંખો ફફડાવતું,
એકસાથે...
માછીમારની જાળની જેમ
આખુંયે સરોવર
ઊડવા લાગ્યું –
પંખી-ટોળાની
પાછળ પાછળ,
જળ-તેજ વેરતું...
ટગલી ડાળ
શિયાળો ગાળવા
આવેલાં પંખી
વતન પરત જવા
ડાળ ડાળ પરથી
આ... ઊડ્યાં
પાંખો ફફડાવતાં
ફડ ફડ ફડ ફડ...
સાથે થોડો તડકો
થોડું આકાશ લઈ...
ડાળ ડાળ
હલતી રહી
જાણે
‘આવજો’
કહેતી રહી...
ટગલી ડાળ
જરી ગરદન ઊંચી કરી
જોઈ રહી–
વિદાય થતાં પંખીઓની
પંક્તિઓની પંક્તિઓ
ક્ષિતિજમાં દેખાતી
બંધ થઈ
ત્યાં લગી
અપલક...
કોઈ પંખીએ
જોયું નહીં
પાછું ફરીને...
પછી
ટગલી ડાળ
સાધતી રહી
કશોક સંવાદ
મૂળ સાથે...
બેય આંખોમાંથી...
બેય
આંખોમાંથી
ક્યારનાંયે
વહી
ગયાં
બધાંય
ચોમાસાં...
કોરીધાકોર
આંખોમાં
હવે
કેવળ
માછલાંનો
તરફડાટ...
સરકતું પ્લૅટફૉર્મ
બેઠો છું હું ટ્રેનમાં
બારી પાસે
ને
બારી બહાર પણ
ઊભો છું હું
મને ‘આવજો’ કહેવા.
બિડાયેલા હોઠ પર
થીજતાં જાય શબ્દો
ને આંખોમાં
વિસ્તરે ક્ષિતિજો –
કોઈ અકળ શૂન્યતા સાથે.
ખોખરી વ્હિસલ.
હળવોક ધક્કો.
ધીરેથી
ટ્રેન
સરકી;
વિદાય માટે
હાથ ઊંચકાયા...
થાય —
ઊંચકાયેલા હાથ
હમણાં
ક્યાંક પીગળવા લાગશે....
ભીતર
પીગળવા લાગે કશુંક...
ટ્રેનની
બારીમાંથી જોઉં છું -
બહાર ઊભેલો ‘હું’
ચાલે છે
ટ્રેનની સાથે ને સાથે
ધજાની જેમ હાથ હલાવતો...
ટ્રેનની ઝડપ સાથે
એનીય ઝડપ વધી;
એનું જો ચાલે તો
બારીમાંથી કૂદીને
આવી જાય અંદર!
ટ્રેનની ઝડપ ખૂબ વધી...
લાંબી ફલાંગો ભરતો,
બારીની સાથે ને સાથે
ઉતાવળે ચાલતો એ
પડવા લાગ્યો હવે
પાછળ ને પાછળ...
પ્લૅટફૉર્મ આખુંયે
ઝપાટાભેર સરકવા લાગ્યું
પાછળ ને પાછળ...
બારીમાંથી હું
પાછળ તરફ જોઉં છું —
પાછળ સરકતી ભીડમાં હવે
કેવળ
એનો
લંબાયેલો હાથ દેખાય છે...
હવે
દેખાય છે
ઝપાટાભેર પાછળ જતી
ધૂંધળી ભીડ...
હવે
પ્લૅટફૉર્મ
ચાલ્યું ગયું
ક્યાંય પાછળ...
હવે
દેખાય છે જાણે
તગતગતો ખાલીપો!
માલીપો!!
હવે
કેવળ ગતિ...
કઈ તરફ?!
હજીયે
પેલી તરફ જવા
હું
દાખલ થયો
અરીસાની અંદર
ને
મારું પ્રતિબિંબ
આ તરફ
નીકળ્યું બહાર...
અમે બંને
એકમેકમાંથી
પસાર થયા
આરપાર...
તોય
કેમ
હજીયે
સાવ
અજાણ્યા?!
કેદ
ફેંકાયેલા
ઢેખાળાની જેમ
ચંદ્ર
પડ્યો
વાવના
અંધ
જળમાં–
ભફાંગ!
જરઠ લીલ
પહેલાં તો
વિ ખ રા ઈ ગ ઈ.
પણ પછી
ધી...રે ધી... રે ધી...રે....
ફરી પાછી
જોડાઈ ગઈ!
જાણે
કશું
બન્યું જ ન હોય
એમ!
ચંદ્ર
વાવની ગર્ભ-કોથળીમાં
કેદ!
સોનેરી પાંદડાં
મારી બારીમાંથી
રોજ
જોયા કરું છું
ઘર સામેના
મેપલને....
લીલાંછમ પાંદડાં હવે
ધીરે
ધીરે
થતાં જાય છે
ફૂલ જેવાં હળવાં
ને
બદલાતો જાય છે
પાંદડાંનો રંગ -
પીળો,
નારંગી પીળો
સોનેરી પીળો
ને
સાંજના
આથમતા તડકામાં તો
ચળકતો સોનેરી! –
જાણે
તપેલા સોનાનો જ રંગ!
નભના
ખોબામાંથી
સાંજ
ઢ
ળી
ગઈ
ત્યાં સુધી
મેં જોયા કર્યાં
સોનેરી પાંદડાં!
ત્યાં પૌત્રની બૂમ આવી –
‘દાદા, ચાલો ડિનર કરવા....’
એક બાઉલમાં
વઘારેલી થોડી ખીચડી, જરીક ઘી
ને ચમચીએક મોળું દહીં લઈને
લાકડીના ટેકે
ધીમે ધીમે
આવી જઉં છું પાછો
મારી બારી પાસે....
ખીચડી ખાતાં ખાતાં
જોઉં છું
મેપલનાં પાંદડાંના રંગ –
આભના ઢાળ પરથી
ધીમે ધીમે ઊતરતી રાતમાં,
ભરતીની જેમ ઊમટતી
પૂનમની ચાંદનીમાં...
ડિનર પછી
યાદ કરીને
સૂતાં પહેલાંની દવાઓ લઉં છું;
પછી
પથારીમાં
ડાબા પડખે
પડ્યા પડ્યા
ઊંઘવિહોણી કોરી આંખે
જોયા કરું છું
એકીટશે
બારી બહાર –
ધવલ ચાંદનીમાં ચળકતાં
મેપલનાં
દુધિયા-નારંગી પાંદડાં...
મેપલનાં
પાંદડાંના રંગ જોતાં જોતાં
ક્યારે
આવી ગઈ ઊંઘ
ખબર ન રહી.
રાતે
પેશાબ માટેય
ઊઠવું ન પડ્યું.
સવારે
જાગીને
જોઉં છું તો –
ઘર સામેનું
મેપલવૃક્ષ
નર્યું
હાડપિંજર!
ને
વૃક્ષ નીચે
સોનેરી પાંદડાંનો
ઢગલો....
ઢગલામાં
હજીયે
જીવ સળવળ થતો હોય તેમ
પવનમાં
સળવળે
સુક્કાં સોનેરી પાંદડાં...
ઊં...ડો
શ્વાસ લઉં છું,
ધીમેથી
બેઠો થઉં છું,
લાકડીના ટેકે
ધીમે ધીમે
પહોંચું છું વૉશરૂમ;
દર્પણમાં
નજ૨ પડે છે
તો–
મારાં
આંખ-કાન-નાક-મોં-આંગળીઓ-હાથ-પગ....
બધું
ફેરવાઈ ગયું છે
મેપલનાં
નારંગી-સોનેરી
પાંદડાંમાં....
રા.-ના.-પી.-લી.-વા.-ની.-જા
પહાડના
ઢોળાવ પરથી
ઊતરતો
ઠંડો-તીણો
પવન અડતાં જ
મેપલ–વનનાં
પાનેપાન
પ્રગટાવવા લાગ્યાં
કેટકેટલા રંગો?!
(રા.-ના.-પી.-લી.-વા.-ની.-જા.)....
ખર્ ખર્
ખર્ ખર્
ખર્ ખર્ ખર્
ખરી
જવા માટેય
આટઆટલો
ઉમળકો?!
તેજનાં ફોરાં!
પાનખરમાં તો
મેપલનાં પાને પાને
ફૂટ્યાં’તા મેઘધનુષના રંગો!
ને કેવાં શોભતાં હતાં
વૃક્ષો, વનો, પહાડો!
ને હવે
રહી ગયાં
કેવળ હાડપિંજર
પહાડે પહાડે, વને વને....
નજર પહોંચે ત્યાં લગી
જાણે કંકાલભૂમિ...
થીજી ગયેલી
કાળી ચૌદસની રાત જેવો સમય
જરીક પીગળે
ત્યાં તો
ઠંડો તીણો પવન
ડમરુ બજાવતો ખેલે તાંડવ.....
ત્યાં તો
મોગરાની ઝીણી ઝીણી
હળવી હળવી
પાંખડીઓ જેવો
વરસવા લાગે બરફ!
હાડપિંજર જેવાં વૃક્ષોની ડાળ ડાળ
શોભી ઊઠે
બરફનાં ઝીણાં ઝીણાં
શ્વેત પુષ્પોથી....
ધરતી પર
છવાતું જાય જાણે
બરફનું શ્વેત શ્વેત ઘાસ!
પ્રગટી ઊઠે
બધે બધે બધે જ
શ્વેત રંગ–
સરસ્વતીના અનંત વસ્ત્ર શો
ધવલ
ઉજજ્વલ!
નિર્મમ હળવાશ સાથે
વરસે
હજીયે
હજારીગોટાની પાંખડીઓ જેવો
સુકોમળ બરફ
ન ક્યાંય કોઈ હરફ....
તડકોય જાણે
બરફ જેવો ઠંડો,
બરફ જેવો શ્વેત!
ને
હળવે
હળવે
હળવે
વરસતો બ૨ફ
તો કે
તેજનાં ફોરાં !
થાય,
લાવ, ઝીલી લઉં એને
મારી હથેળીઓમાં...?!
ના, ના;
હથેળીની ગરમીથી
તો એ
પીગળી જશે...
તો, ઝીલું એને
મારા
હૂંફાળા હૈયે?!
ના, ના;
તો તો એ
ઊડી જશે
વરાળ થઈને...
ભલે
વ
ર
સે
તેજનાં ફોર...
એને
વરસવા દો,
વરસવા જ દો...
સફેદ રાત
નભ આખુંયે
ઝીણું ઝીણું
કોણે પીંજ્યું?!
રૂના
ઝીણા ઝીણા
પૉલ જેવો
પડે છે
બરફ –
ઝીણી, તીણી
હળવી હવામાં
ફરફર ફર ફર
ફરફરતો.....
કાચની
બંધ બારીમાંથી
જોઉં છું –
એકેય તારો તો
દેખાય જ ક્યાંથી?!
ફરફર ફર ફર
ફરફરતા બરફે
કરી દીધી છે
કાળી ભમ્મર રાતને
સફેદ!
સફેદ પૂણી જેવી,
સફેદ કફન જેવી...
સફેદ કફન જેવી રાતનું
પોત જોવા
સહેજ બારી ખોલી
જરીક
હાથ બહાર કાઢું છું....
(ઓ માય ગૉડ!)
સફેદ રાતનું પોત
કોઈ શબ જેવું જ
ઠંડુંગાર...
તરત
બારી તો
કરી દઉં છું બંધ
પણ
અંદર ધસી જ ગઈ પળવારમાં
બરફની કટાર જેવી
મ૨ણની લ્હેરખી....
શ્વેત મૌન
લૉંગ વિન્ટર–કોટ, વિન્ટર હૅટ,
વિન્ટર શૂઝ પહેરી
(અંદર થર્મલ તથા અન્ય લેયર્સ)
ડગુમગુ લાકડીના ટેકે
બરફમાં
લપસાય નહિ એનું
ધ્યાન રાખતો
ધીમાં પણ મક્કમ ડગ ભરતો
પહોંચું છું પાર્કમાં,
બેસું છું
બરફની ગાદીવાળા બાંકડે
એકાંકી...
હાંફ જરી ઓછી થતાં
શરૂ કરું છું જાપ –
મહામૃત્યુંજય મંત્રના; –
વિન્ટર-કોટના ખિસ્સામાં રાખેલા
હાથના વેઢા ગણી...
ગણતરી
થીજી
જાય છે અવારનવાર....
અનેક ઠૂંઠાં વૃક્ષો
ઊભાં છે એક પગે, સ્થિતપ્રજ્ઞ;
બરફના ઢંગ નીચેની માટીમાં
મજબૂત મૂળિયાં રોપીને
ડાળ ડાળ પર
બરફની ઝીણી ધજાઓ ફરકાવતાં...
નજર પહોંચે ત્યાં લગી
ચારે તરફ
બરફ જ બરફ
બરફ જ બરફ—
જાણે
બે મિનિટનું
શ્વેત મૌન...
ટોરન્ટોમાં વિન્ટર
થીજી
જઈને
બરફ થઈ ગયેલી
હંબર નદી;
ઢાળ-ઢોળાવ-મેદાનો;
બાગ-બગીચા-આંગણ-બૅકયાર્ડ...
બધે બધે બધે જ
બરફના ઢગલેઢગલા...
બરફનાં
થીજેલાં મોજાંઓ વચ્ચે
તરે
બધાં ઘર....!
ઘર ઘરને
તાવ ચડ્યો કે શું?!
ઘર ઘરના
માથે
બરફનાં પોતાં!
મીઠું નાખીને
બરફ ખસેડેલા
નગર નગરના રસ્તા બધા
જાણે
લાંબા લાં...બા....
સળવળતા નાગ!
શિયાળો
કરે છે શું
બરફ-મંથન?!
વૃદ્ધાવસ્થા
પડછાયા
થતા જાય છે
લાંબા અને લાં... બા......
સાંધ્યપૂજા કરતાં
ખોબામાંથી ઢોળાતી સાંજ
વિસ્તરતી જાય છે
ક્યારેય પૂરા ન થનારા
કોઈ શાસ્ત્રીય રાગની જેમ!
ઠાકોરજીની
સાંધ્ય-આરતી તો કરી,
ઠાકોરજીને
વાળુંય કરાવ્યું વેળાસર;
વાળુ પછી
ઠાકોરજીને પાવા
બનાવેલ કેસ૨ના દૂધ જેવી સાંજ
હજીયે
છલકાયા જ કરે છે
નભ-કટોરામાંથી...
સ્થિર થઈ ગયા છે
સંધ્યાના રંગો,
ઝીણી ઘંટડીઓના મધુર રણકાર સાથે આવતા
ગોધણની જેમ
આછું અંધારું
પાછું ફરતું નથી આંગણમાં;
આટોપાતા શરણાઈના સૂરની જેમ
આકાશ
નીચે ઊતરીને
ઘેરતું નથી હૃદયને, ભીતરથી....
‘Loading’ના મેસેજ સાથે
સ્ક્રીન પર
ચોંટી જતા દૃશ્યની જેમ
મંદ મંદ વહ્યા કરતી સાંજનો,
શાસ્ત્રીય રાગ પણ
હવે તો
સ્થગિત...
ગોકળગાયની જેમ
સ ર ક તું
આકાશ પણ
હવે
સાવ
સાવ સ્થગિત!
હવે
શું
નહીં જ પડે
મંગળ
રાત?!
ઠાકોરજીની
શયન-આરતીનું શું?!
ઢળતી સાંજે
ઢળતી સાંજે
સરસ ચગેલો પતંગ
ધીમે ધીમે
ઉતારીએ
એમ
ઢળતી વયે
ઉતારવા મથું છું
મારું આકાશ....
માની સૂચના પછી જેમ
બાળક
એનાં રમકડાંનું જગત આટોપે
એમ
મથું છું –
અંદર-બહાર
વી ખ રા યે લું પડેલું
બધું આટોપવા......
હૈયાના પાતાળમાંથી
ઉલેચવા મથું છું મોહ-માયા
બસ,
ઉલેચ્યા જ કરું છું
ને તોય
દ્રૌપદીના
અક્ષયપાત્ર જેવા મનમાં
હંમેશાં
બાકી રહી જાય છે
ભાજીના
એકાદ પાન જેવું કશું....
હરિદ્વારમાં ગંગાકાંઠે
એક પડિયામાં
મારો સ્વર મૂક્યો,
પેટાવ્યો
ને પછી
વહેતો મૂક્યો....
બીજા પડિયામાં
મારો લય મૂક્યો,
પેટાવ્યો
ને પછી
વહેતો મૂક્યો....
ત્રીજા પડિયામાં
મારાં સઘળાં પાપ-પુણ્યની સાથે
મૂક્યું મારું નામ
ને
પેટાવ્યા વિના જ
વહેતું મૂક્યું...
ચોથા પડિયામાં
મૂક્યો મારો શબ્દ
ઝળહળ ઝળહળ!
ને પછી.
તરતો મૂક્યો...
પાંચમા પડિયામાં
મૂક્યાં
મારાં
અસ્થિફૂલ,
હળવાંફૂલ!
ને
વહાવી દીધાં
ખળ ખળ ખળ ખળ
ખળ ખળ ખળ ખળ
પળ પળ પળ પળ
પળ પળ પળ પળ
ને
તોયે
હજીયે
શું
રહી ગયું
બાકી?!
માનાં અસ્થિ
(‘મા ગઈ એ પછી...’ કાવ્યગુચ્છમાંથી)
માનાં
અસ્થિ
તો
વહી
ગયાં
ગંગામાં –
પડિયામાંના
દીવાની જેમ...
હવે
મારી
ભીતર
વહ્યા કરે
ગંગા...
માનો વા૨સો
(‘મા ગઈ એ પછી...’ કાવ્યગુચ્છમાંથી)
જના૨ની સાથે
ચાલ્યું જતું નથી બધુંય
(ઘણુંય
રહી જાય છે બાકી
પાછળ
જિન્સમાં, DNAમાં..)
મા ગઈ એ પછી
એનું ચાંલ્લાનું પૅકેટ, બંગડીઓ,
એનાં કપડાં, ચંપલ, સ્લીપર.....
બધું આપી દીધું
કામવાળી તથા વાળુવાળીને,
હકોબાની સફેદ સાડી રાખી વહુએ,
ક્યારેક કોઈકના બેસણામાં પહેરવા
એની સોનાની વસ્તુઓ
વહેંચી લીધી
વહુ અને દીકરીએ, હોંશે હોંશે!
માની મિલકત
વહેંચાઈ ગઈ સરખે ભાગે
કોઈ જ મનદુઃખ વિના.
ઑક્સિજનનો સામાન
પાછો આપી દીધો,
નેબ્યુલાઇઝર રહેવા દીધું.
વધેલી દવાઓ
દુકાને પાછી આપી આવ્યા.
જે સ્ટ્રિપ્સ તોડી નહોતી.
એના તો રોકડા પૈસા આપ્યા પાછા,
ગુલાબનો હાર પહેરાવીને
બેસણામાં મૂક્યો હતો એ ફોટો
મૂકી દીધો માળિયે....
‘હવે ઘરમાં કોણ પૂજા કરવાનું છે?’
કોઈને ટાઇમ જ ક્યાં છે?!
તાંબાની તરભાણી, પિત્તળના લાલજી,
નાનકડા ગોળમટોળ લિસ્સા લિસ્સા શાલિગ્રામ,
(પૌત્ર ભાંખડિયે ચાલતો ત્યારે એને
દડી સમજીને રમતો...)
તાંબાની આચમની, લોટી, પિત્તળની ઘંટડી, દીવી.....
બધું ચઢાવી દીધું માળિયે....
દીકરાએ પૂછ્યું -
બાની આ બધી દવાની ફાઈલો
અને રિપોટ્ર્સ કાઢી નાખું?
ચેસ્ટ ફિઝિશિયનની તો ખાસ્સી જાડી ફાઈલ,
સ્ટ્રોક્સ આવ્યો એ પછીની ન્યૂરોલૉજિસ્ટની ફાઈલ,
કાર્ડિયોલૉજિસ્ટની ફાઈલ,
એક્સ-રે, MRI અને બીજા અનેક રિપોટ્ર્સ...
દીકરાને
‘હા’ કહેવા જતો’તો.
ત્યાં થયું –
વારસામાં મને
માનો ‘અસ્થમા’ તો મળ્યો છે,
ભવિષ્યમાં મને કંઈ થાય
ને ડૉક્ટરને
જિનેટિક હિસ્ટરી
જણાવવાની જરૂર પડે તો?!
જનારની સાથે
ચાલ્યું જતું નથી બધું....
બધુંય...
માને શ્રાદ્ધમાં ભેળવતી વેળા...
(‘મા ગઈ એ પછી...’ કાવ્યગુચ્છમાંથી)
માને
શ્રાદ્ધમાં ભેળવવાની
વિધિ શરૂ થઈ...
સ્થાપન, પિંડ વગેરે તૈયાર થયા;
પછી દેવોનું પૂજન થયું
ત્યારબાદ
જનોઈ અપસવ્ય કરી;
તર્પણવિધિ શરૂ થઈ...
માનું નામ દઈને
શુદ્ધ ઉચ્ચારો સાથે
ગોરમહારાજે
સ૨સ તર્પણ કરાવ્યું;
પછી
પિતાનું નામ દઈને,
પછી
દાદીમાનું નામ દઈને,
પછી
દાદાનું નામ દઈને
કરાવ્યું તર્પણ....
પછી
ગોરમહારાજે
દાદીમાનાં સાસુનું નામ પૂછ્યું
પણ
કોઈનેય
યાદ ના’વ્યું એમનું નામ...
(પિતાજીને તો
સાતેક પેઢી સુધીનાં નામ
યાદ હતાં;
પણ અમને...)
નામ યાદ ના આવ્યું
આથી
ગોરમહારાજે
નામના બદલે
‘ગંગા, જમુના, સરસ્વતી....’
બોલાવીને
તર્પણ કરાવ્યું...
વિધિ
પત્યા પછી થયું –
બસ,
બે-ત્રણ પેઢી પછી
માનુંય નામ સુધ્ધાં
યાદ નહીં આવે
કોઈનેય...?!
કદાચ
યાદગીરી પૂરતા
માળિયે રાખેલા
જૂના કોઈ
તાંબા-પિત્તળના વાસણ પર
માનું નામ
કો ત રે લું
હોય તો હોય......
બસ,
બે-ત્રણ પેઢી પછી
શું
મા પણ
ગંગા....
જમુના...
સરસ્વતી...?!
એક (આંબાને પહેલવહેલકા...)
(બ્રેસ્ટ કેન્સરગ્રસ્ત કવયિત્રીની અંગત ડાયરીમાંથી (નવ સંવેદનચિત્રો))
આંબાને
પહેલવહેલકા
મરવા ફૂટે તેમ
મને
સ્તનની કળીઓ ફૂટી
ત્યારે મેં
ડ્રૉઇંગ-બુકમાં
ચિત્ર દોરેલું –
નાની નાની
ઘાટીલી બે ટેકરી
અને વચ્ચે
ઊગતો નારંગી સૂર્ય
Mastectomyના
ઑપરેશન પછી
હવે
એક જ ટેકરી
એકલીઅટૂલી
શોધ્યા કરું છું,
શોધ્યા જ કરું છું –
રાતો સૂરજ...
Mastectomy : કૅન્સરની ગાંઠવાળું આખું સ્તન દૂર કરવામાં આવે.
આઠ (ધાવણ માટેની નસો...)
(બ્રેસ્ટ કેન્સરગ્રસ્ત કવયિત્રીની અંગત ડાયરીમાંથી (નવ સંવેદનચિત્રો))
ધાવણ માટેની
નસો, ગ્રંથિઓ
તો નવજાતના
જીવનને પોષવા માટે.
હે કૅન્સર,
એ જ જગ્યા પસંદ પડી તને
ઊછરવા, ફેલાવા માટે?
હે કૅન્સર,
જીતવા નહીં દઉં તને કોઈ કાળે;
એક કુંભમાં
ભલે તેં ભરી દીધું વિષ
એ વિષભર્યો કુંભ
હટાવી દીધો છે મારા દેહમાંથી.
હા, બીજો કુંભ
છે મારી કને,
ઘાટીલો,
ભર્યો ભર્યો,
અ-મૃતથી...
થાય છે –
મારી છાતી
હવે જાણે
અર્ધ
નારીશ્વરની!
મારું આખુંય ઘર
મારું આખુંય ઘર
દો...ડ....તું જઈને ઊભું રહ્યું પાદરે;
હાથની છાજલી કરી.
જેસલમેર
સાવ
કોરા કાગળ જેવું
શ્રાવણનું
આકાશ જોઈને થાય છે
કે લાવ,
એની હોડી બનાવીને
રણમાં તરતી મૂકું –
કોઈ ઊંટની પીઠ પર મૂકીને!
કવિ
સાતેય અશ્વોને
અચાનક જ થંભેલા જોઈ
સૂરજે મને કહ્યું :
ચાવી આપો તમારી ઘડિયાળને
જેથી હું
આગળ ચલાવી શકું રથ.
આ ખુલ્લી બારીયે...
આ ખુલ્લી બારીયે
કેમ લાગે છે
ભીંત જેવી?!
બંધ બારણે
ટકોરા મારીએ એમ
હું
ટકોરા મારુંં છું
આકાશને...
આખુંયે આકાશ
હોડીમાં
બેઠો.
સઢની જેમ જ
ખોલી દીધું
આખુંયે આકાશ....
એક તણખલું
પળમાં
ડૂ
બી
પળ
ને
જળમાં
ડૂબ્યાં જળ!
મારી કને
બસ,
એક તણખલું...