સોરઠી બહારવટીયા - 2/ઐતિહાસિક કથાગીત : બૅલેડ
[આ ગીતના રચનાર કેાણ, તે નથી જાણી શકાયું. ભાવનગર રાજના આશ્રિત હશે એમ લાગે છે. ભાવનગરના રાજકવિ શ્રી પીંગળશી ભાઈના જૂના ચોપડામાંથી, એમના સૈજન્યથી આ પ્રાપ્ત થયું છે.] પડ ચડિયો જે દિ' જોગડો પીઠો આકડીયા ખાગે અરડીંગ, જરદ કસી મરદે અગ જડિયા સમવડિયા અડિયા તરસીંગ. ૧ [જોગીદાસ ને પીઠો ખુમાણ યુદ્ધમાં ચડ્યા, શુરવીરો ખડગ લઈ આફળ્યા. મરદોએ અંગ પર બખર કર્યાં. બરોબરીયા સિંહોએ જાણે જગ માંડ્યો. (સિંહોને 'તરસીંગ' ત્રણ સીંગડાં વાળા કહેવામાં મનાવે છે.)] જુધ કરવા કારણ રણ ઝૂટા સાંકળ તોડ્ય બછૂટા સિંહ, માંડે ખેધ બેધ ખુમાણો લોહ તણો સર જાણે લીંહ. ૨ [યુદ્ધ કરવાને કારણે બહારવટીયા રણમાં ધસ્યા. જાણે સિંહ સાંકળ તોડીને વછૂટ્યા. ખુમાણેાએ મરણીયા થઈ વેર માંડ્યું. જાણે એ તો લોઢાની ઉપર આંકેલ લીંટી! ભૂંસાય જ નહિ.] કસંપે ખોયા મલક કાઠીએ કરિયોયે ઘરમાં કટંબ કળો; સાવર ને કુંડલપર સારૂ વધતે વધતે વધ્યો વળો. ૩ [પરંતુ કાઠીઓએ કુસંપને કારણે મુલક ખોયા. ઘરની અંદર જ કુટુંબ-કલહ કર્યો. સાવર ને કુંડલા માટે વેર વધવા જ લાગ્યાં.] મત્ય મુંઝાણી દશા માઠીએ કાઠી બધા ચડ્યા કડે, ચેલો ભાણ આવીયા ચાલી જોગો આવધ અંગ જડે. ૪ [પણ માઠી દશાને લીધે તેઓની મતિ મુંઝાણી. કાઠીઓ બધા કડે ચડ્યા. જસદણનો ચેલો ખાચર અને ભડલીનો ભાણ ખાચર આવ્યા. તે વખતે જોગીદાસ અંગ પર આયુધ કસતો હતો.] વેળા સમે ન શકિયા વરતી ફરતી ફોજ ફરે ફરંગાણ, ભાયું થીયા જેતપર ભેળા ખાચર ને વાળા ખુમાણ. ૫ [કાઠીઓ સમય ન વર્તી શક્યા. ચોફેર અંગ્રેજોની ફોજ ફરતી હતી. છતાં બધા ભાઈઓ જેતપરમાં ભેળા થયાં. ખાચર, ખુમાણ ને વાળા, ત્રણે.] વહરા તસર સિંધુ વાજીયા સજીયા રણ વઢવા ભડ સોડ પાવરધણી બધા પરિયાણે મળુને સર બાંધો મોડ. ૬ [ઘોર સીંધુડા રાગ વાગ્યા. સુભટ્ટો રણમાં વઢવા માટે સજ્જ થયા. પાવરના સ્વામીઓ (એટલે કે પાવરમાંથી આવેલા કાઠીઓ) બધાએ પ્રાયણ કર્યા કે કાકા મુળુવાળાના શિરપર સરદારીની પાઘ બંધાવીએ. મૂળુ સાચો અખિયો માણે જાણે દાય ન ખાવે ઝેર, ફરતો ફેર મેરગર ફરવો વજમલસું આદરવો વેર. ૭ [મુળા વાળાએ સાચી સલાહ આપી કે ભાઈ! મેરૂની પ્રદક્ષિણા કરવી જેટલી મુશ્કિલ છે, તેટલું જ વિકટ વજેસંગ સાથે વેર આદરવાનું છે.] હેક વચન સાંભળ તણ-હાદા! નર માદા થઈ દીયો નમી! પડખા માંય કુંપની પેઠી જાવા બેઠી હવે જમી. ૮ [હે હાદાના તનય! એક વચન સાંભળ. હવે તો મરદો છો તે અબળાઓ બનીને નમી જાઓ. કેમકે હવે પડખામાં અંગ્રેજની કંપની પેઠી છે, હવે આપણી જમીન જવા જ બેઠી છે.] બરબે હાદા-સતણ બોલિયો કાકા ભીંતર રાખ કરાર! જોગો કહે કરૂં ધર જાતી (તો) વંશ વાળા લાજે અણવાર. ૯ (હાદા-સુતન જોગીદાસ ઉશ્કેરાઈને બોલ્યો કે હે કાકા! તું હૃદયમાં ખાત્રી રાખજે. હું જોગો જો ધરતી જાવા જાઉં, તો તો અત્યારે આપણો
અસલ વાળા ક્ષત્રિયનો વંશ લાજે.]
મૂળુ કને આવીઆ માણા કેા' મુંઝાણા કરવું કેમ! વાળો કહે, મલકને વળગો જેસા વેજા વળગ્યા જેમ. ૧૦ [જેતપુર મૂળુવાળાની પાસે માણસો (કાઠીઓ) આવ્યા. પૂછ્યું કે, કહો, હવે શું કરીએ? વાળાએ કહ્યું કે, જેસા વજા જેમ બહારવટે નીકળી દેશને ધબેડતા તેમ તમે પણ ધબેડો.] મરદાં સજો થાવ હવ માટી! આંટી પડી નકે ઉગાર, અધપતીઓના મલક ઉજાડો ધાડાં કરી લૂંટો ધરાર. ૧૧ [હે મરદો! હવે બહાદૂર થઈને સાજ સજો, હવે એવી આંટી પડી છે કે ઉગાર નથી. હવે તે રાજાઓના મુલકને ઉજ્જડ કરો. ધાડ પાડીને ધરાર લુંટો.] એ કથ સુણી ભરિયા ઉચાળા ગરના ગાળામાંય ગીયા, વાંસેથી ખાચર ને વાળા રાળા ટાળા કરી રીયા. ૧૨ (જેતપૂર મુળુવાળાનું આવું કથન સાંભળીને ખુમાણોએ ઉચાળા ભર્યા. ભરીને ગિરની ખીણોમાં ગયા. પણ પાછળથી ખાચરો અને વાળાઓ ખટપટ કરવા માંડ્યા.] પરથમ એ ખૂટામણ પેઠું બેઠું સહુ ગ્રહી ઘરબાર, જોગો કરે ખત્રવટ જાતી (તો) ભૂવણ શેષ ન ઝીલે ભાર. ૧૩ [પ્રથમ જ ખૂટામણ પેઠું. બધા પોતાનાં ઘરબાર ઝાલીને બેસી ગયા. ફક્ત એક જોગીદાસે કહ્યું કે જો હું ક્ષત્રીવટ જતી કરૂં, તો તો શેષનાગ પૃથ્વીનો ભાર ન ઝીલે.] જૂસણ કસીઆ જોધ જુવાણે ખૂમાણે સજીયા ખંધાર, પૃથવી કીધી ધડે પાગડે બાધે દેશ પડે બુંબાડ. ૧૪ [જુવાન જોદ્ધાઓએ બખ્તરો કસ્યાં. ખુમાણોએ અશ્વો સજ્યા. પૃથ્વીમાં નાસ ભાગ કરાવી મૂકી. આખા મુલકમાં બૂમો પડી.] દીવ અને રાજૂલા ડરપે શેષ ન ધરપે હેઠે સાંસ, આવી રહે અચાનક ઉભો દી' ઉગે ત્યાં જોગીદાસ! ૧૫ [દીવ અને રાજુલા શહેરો ડરે છે. શેષનાગ જાણે કે નીચો શ્વાસ નથી મેલી શકતો. દિવસ ઉગે છે ત્યાં ઓચીંતો આવીને જોગીદાસ ઉભો રહે છે.] આઠે પહોર ઉદ્રકે ઉના ઘર જુના સુધી ઘમસાણ, પાટણરી દશ ધાહ પડાવે ખાગાં બળ ખાવે ખૂમાણ. ૧૬ [ઉના: શહેર આઠે પહોર ઉચાટમાં રહે છે. જૂનાગઢ સુધી ઘમસાણ બોલે છે. પાટણની દિશામાં પણ બહારવટીયા પોકાર પડાવે છે. તલવારને જોરે ખુમાણો ખાય પીવે છે.] એ ફરીઆદ વજા કન આવી અછબી ફોજ મગાવી એક, લુંટી નેસ નીંગરૂ લીધા ત્રણ પરજારી છૂટી ટેક. ૧૭ [આવી ફરીઆદ વજેસંગજીની પાસે આવી. એણે એક મોટી ફોજ મગાવી. કાઠીઓનાં નેસડાં ઉચાળા લૂંટી લીધાં. કાઠીઓની ત્રણે શાખાઓની ટેક છૂટી ગઈ.] ભૂખ્યા ગિરે ડુંગરે ભમીઆ સોહડ જોખમિયા ભાઈયાં સાથ, ગેલો હાદલ ચાંપો ગમિયા નમિયા નહિ ખૂમાણા નાથ. ૧૮ [બહારવટીયા ભૂખ્યા ભૂખ્યા ગિરના ડુંગરામાં ભમ્યા. બહુ જોખમો ખમ્યાં. ગેલો ખુમાણ, હાદો ખુમાણ, ચાંપો ખુમાણ, વગેરેના જાન ગુમાવ્યા. છતાં પણ ખુમાણોનો નાથ જોગીદાસ ન નમ્યો. ઠેરોઠેર ભેજીયાં થાણાં કાઠી ગળે ઝલાણા કોય, જસદણ અને જેતપર જબરી ડરિયા મૂળુ ચેલો દોય. ૧૯ [વજેસંગે ઠેર ઠેર થાણાં મોકલ્યાં. કાઠીઓની ગરદન પકડી. જેતપુર ને જસદણ પર પણ જપ્તી આવી. એટલે મુળુ વાળો ને ચેલો ખાચર બન્ને ડરી ગયા.] મુળુ ચેલો બેય મળીને અરજ કરી અંગરેજ અગાં, વજો લે આવ્યો સેન વલાતી જાતી કણ વધ રહે જગ્યા! ૨૦ [મુળુ ને ચેલો બન્નેએ મળીને અંગ્રેજ પાસે અરજ કરી કે આ વજેસિંગ ઠાકોરે વિલાયતી સેના-એટલે કે આરબોની સેના ઉતારી. તો હવે અમારો ગરાશ શી રીતે રહેશે?) અંગરેજે દીયો એમ ઉતર સૂતર ચાલો છોડ સ્વભાવ, આશ કરો જો ગરાસ ઉગરે જોગીદાસ લે આવો જાવ. ૨૧ [અંગ્રેજે આવો ઉત્તર દીધો કે તમે તમારો લુંટારૂ સ્વભાવ છોડીને સીધા ચાલો, ને જો ગરાસ ઉગારવાની આશા રાખતા હો તો જાઓ, જોગીદાસને લઈ આવો!] જોગા કને ગીઆ કર જોડી ચેલો મૂળુ એમ ચવે, ચરણે નમો વજાને ચાલો (નીકર) હાલો પાવર દેશ હવે! ૨૨ [ચેલો ને મૂળુ જોગીદાસ પાસે જઈ, હાથ જોડીને કહે છે કે કાં તો તમે વજેસંગજીને ચરણે નમો, નીકર ચાલો પાછા આપણા પૂર્વજોના વતન પાવર દેશમાં. કેમકે અહીં આપણને રહેવા નહિ આપે.] જોગીદાસે મનમાં જાણ્યું તાણ્યું વેર ન આવે તાલ, આવ્યો શરણે વજો ઉગારે મારે તોય ધણી વજમાલ. ૨૩ [જોગીદાસે મનમાં વિચાર્યું કે હવે વધુ વેર તાણવામાં ફાયદો નથી. વજેસંગજીને શરણે જ જઈએ. એ ઉગારશે ને કદાચ મારશે તો પણ એ માલિક છે.] ખાળા ચાળા મેલ્ય ખુમાણે વાળાનો લીધો વિશવાસ, કૂડે દગો કાઠીએ કીધો દોરી દીધો જોગીદાસ. ૨૪ [ખુમાણોએ તોફાન મૂકીને વાળા (મૂળુ)નો વિશ્વાસ કર્યો. કાઠીએ (મૂળુ અને ચેલાએ) જૂઠું બોલીને દગો દીધો. જોગીદાસને દોરી જઈ શત્રુના હાથમાં સોંપી દીધો.] જોગો ભાણ કહે કર જોડી કરડી કોપી પરજ કજા! ગજરી વાર કરી ગોવીંદે વાર અમારી ક્યે વજા! ૨૫ [ભાણ જોગીદાસે હાથ જોડીને કહ્યું કે હે વજેસંગજી! અમારી ૫રજની (જ્ઞાતિની) કુટિલતા અમે જોઈ લીધી, હવે તો ગજની વ્હાર જેમ ગેાવીંદે કરી હતી, તેમ તું અમારી વાર કર.] મોટા થકી કદિ નહ મરીએ અવગણ મર કરીએ અતપાત, માવતર કેમ છોરવાં મારે છોરૂ થાય કછોરૂ છાત્ર! ૨૬ [હે મહારાજા! ભલે અમે ઘણા અવગુણો કર્યા છે, છતાં મોટા દિલના પુરૂષને હાથે અમને મરવાની બ્હીક નથી. છોરૂ કછોરૂ થાય પણ માવતર છોરૂને કેમ મારે?] અવગણ તાજી લીયા ગણ અધપત મહે૫ત બાધા એમ મણે, જોગીદાસ વલ્યાતે જાતો તે દિ રાખ્યો વખત તણે. ૨૭ [અધિપતિએ-રાજાએ અવગુણ તજીને ગુણ લીધો. અને આજે બધા રાજાઓ એમ કહે છે કે જોગીદાસને તે દિવસે અંગ્રેજના હાથમાં ચડીને વિલાયત જતો બચાવનાર તો વખતસિંહજીના પુત્ર વજેસંગ જ હતા.] પીડ ખુમાણાં તણી પિછાણી ધણીઅત જાણી. વડા. ધણી મારૂ રાવ! વજા મહારાજા! તું માજા હિન્દવાણ તણી. ૨૨ [તેં ખુમાણોની પીડા પિછાની; અને હે સમર્થ માલિક! તેં તારો સ્વામી-ધર્મ સમજી લીધો. હે મારૂ (મારવાડથી આવેલા) રાવ! હે વજેસંગ મહારાજ! તું હિન્દુઓની શોભા રૂપ છે.]