ઋણાનુબંધ/હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ
Revision as of 10:12, 19 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ|}} <poem> હું તો તારી તે પ્રી...")
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ,
એવી પાગલ થઈ ગઈ,
હું તો ધરતીની ધૂળ જાણે વાદળ થઈ ગઈ,
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ.
હું તો કંઈ પણ નથી ને મને ફૂલ ફૂટ્યાં,
હું તો બ્હાવરી: મેં તારા કંઈ ગીત ઘૂંટ્યાં;
તારી સાથેની મારી પળપળની વાત,
મારી કોરી આંખોનું કાજળ થઈ ગઈ;
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ.
હું તો આંખો મીંચીને ગીત સાંભળ્યા કરું,
મારી છાની આ લાગણી પંપાળ્યા કરું;
કેવાં આ લાભશુભ: ઓચિંતાં એક દિવસ,
હું તો કંકોતરીનો કાગળ થઈ ગઈ;
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ.