સોરઠી સંતવાણી/વૈરાગ્યનાં વિછોયાં

From Ekatra Wiki
Revision as of 10:31, 26 April 2022 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search
વૈરાગ્યનાં વિછોયાં


વેરાગનાં વછોયાં રે, ભવે ભેળાં નૈ મળે રે.
સાધનાં વછોયાં રે, ભવે ભેળાં નૈ મળે રે.
વેલ્યેથી વછૂટ્યું રે, સખી! એક પાંદડું રે,
ઇ રે પાંદડું ભવે રે ભેળું નહીં થાય. — વૈરાગનાં.
બેલીડાનાની સંગે રે, બજારુંમાં મા’લતા રે,
એ જી બેલીડા થિયા છે બેદિલ હવે આજ. — વૈરાગનાં.
હૈયામાં હોળી રે ખાંતીલો ખડકી ગિયો રે,
એવી હોળી પ્રગટી છે આ પંડમાંય;
ઝાંપે ઝાળું લાગી રે સખી! એને દેખતાં રે,
ઇ રે અગનિ કેમ રે કરી ઓલાય. — વૈરાગનાં.
મેરામણ માયાળુ રે, બચળાં મેલ્યાં બેટમાં રે,
ઇ રે પંખીડાં ઊડી રે હાલ્યાં પરદેશ;
આઠ નવ માસે રે, આવી બચ્ચાં ઓળખ્યાં,
સૌએ સૌની આવીને લીધી સંભાળ. — વૈરાગનાં.
પાટાનો બાંધનારો રે, ઇ શું જાણે પીડ ને રે,
એવી પીડા પ્રગટી છે આ અંગ માંય;
લખમો માળી કે’છે રે આપવીતી વીનવું રે,
દેજો અમને સાધુને ચરણે વાસ. — વૈરાગનાં.

[લખમો]

અર્થ : વૈરાગ્યમાંથી અને સાધુના ધર્મમાંથી એક વાર જે વિચલિત બની જુદું પડ્યું, તે કદી પાછું આ ભવમાં સંયોજાશે નહીં. એની દશા તો પાંદડાંના જેવી થશે. વેલીમાંથી છૂટું પડી ગયેલ પાંદડું કદાપિ પાછું વેલ સાથે ચોંટનાર નથી. ભાઈબંધોની સાથે બજારમાં લહેર માણતો હતો તે જીવ હવે અનુભવે છે કે એ ભાઈબંધોનું તો દિલ બદલી ગયું છે. વિરહિણીના હૈયામાં કોઈક આપ્તજન મમતાની હોળીનાં ઇંધન ગોઠવી ગયો હોય, એવી હોળી મારા હૃદયમાં આજે ખડકાઈ છે, ને એ બેવફા પ્રિયજનને જોતાં જ આ ઝૂંપી (ચિતા)ને ઝાળો લાગી ગઈ છે. એવી આગ આ અંતરમાંથી કેમ ઓલવાશે હવે! હે મારી સખી! ઘા ઉપર પાટાપીંડી કરનારો દરદીની જે પીડાને નથી સમજતો, ને તેથી જે પીડા એની સારવારથી અતિ ઘણી વધી જાય છે, એ પ્રકારની ન કહેવાય તેવી, દિલના માર્મિક દરદ પર જે પ્રિયજન હાથ ચલાવે છે તેને ન સમજાય તેવી, અને તેથી તો વધુ ને વધુ જોશથી પાટાપીંડી થતાં વધુ કારમી બનતી એ દરદીની વેદના જેવી જ મૂંગી વેદના મારા વૈરાગ્યની વિછોયા હૃદયમાં પ્રકટી છે. (આમાં ‘મેરામણ માયાળુ’વાળી બાબતનો મેળ મળતો નથી.)