સોરઠી સંતવાણી/દેખાડું એ દેશ
Revision as of 11:09, 26 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દેખાડું એ દેશ|}} <poem> વીજળીને ચમકારે મોતી પરોવવું, પાનબાઈ! ::::...")
દેખાડું એ દેશ
વીજળીને ચમકારે મોતી પરોવવું, પાનબાઈ!
નહીંતર અચાનક અંધાર થાશે,
જોતજોતામાં દિવસ વયા ગયા, પાનબાઈ!
એકવીશ હજાર છસોને કાળ ખાશે —
ભાઈ રે! જાણ્યા જેવી આ તો અજાણ છે, પાનબાઈ!
આ તો અધૂરિયાંને નો કે’વાય,
આ ગુપત રસનો ખેલ છે અટપટો,
આંટી મેલો તો પૂરણ સમજાય. — વીજળીને.
ભાઈ રે! નિરમળ થૈને આવો મેદાનમાં, પાનબાઈ!
જાણી લિયો જીવની જાત;
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને
બીબે પાડી દઉં બીજી ભાત. — વીજળીને.
ભાઈ રે! પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુ, પાનબાઈ!
તેનો દેખાડું હું તમને દેશ,
ગંગા રે સતી એમ બોલિયાં રે
ત્યાં નહીં માયાનો જરીએ લેશ. — વીજળીને.